STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Classics

4  

Kalpesh Patel

Abstract Drama Classics

તૃષ્ણા.

તૃષ્ણા.

3 mins
16




તૃષ્ણા

વેસ્ટ વેલીની છાયામાં સાન હોસેની શિયાળાની સવાર.
બારીની બહાર ઘેરું ધુમ્મસ હતું. દૂર લોરેન્સ ફ્રીવે પર કારોના અવાજો ધીમે ધીમે વહેતા હતા. ઘરના બાથરૂમમાં એલેક્સ રોજની જેમ દાઢી કરવા અરીસા સામે ઊભો રહ્યો.
પણ આજે કંઈક જુદું બન્યું.
તેનો હાથ ઊંચો થયો, પરંતુ અરીસામાં દેખાતો હાથ એક ક્ષણ મોડો ઊંચકાયો.
એલેક્સ થંભી ગયો.
"થાકને કારણે ભ્રમ હશે," તેણે મનમાં વિચાર્યું.
બીજા દિવસે ફરી એવું જ થયું.
ત્રીજા દિવસે તો અરીસામાં દેખાતો એલેક્સ તેની તરફ જોઈને સ્મિત પણ કરી બેઠો, જ્યારે અસલી એલેક્સના ચહેરા પર કોઈ ભાવ નહોતો.
તેના શરીરમાં એક અજાણી ઠંડી લહેર દોડી ગઈ. ગભરાઈને તે રસોડામાં ગયો અને ગરમ કોફીનો મોટો ઘૂંટડો ભર્યો.
એલેક્સ ગુગલમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. પત્નીથી વર્ષો પહેલાં છૂટાછેડા થઈ ચૂક્યા હતા. તેની નાની દીકરી મહીનામાં માત્ર એક વાર મળવા આવતી. વિશાળ ઘરમાં હવે એકલતા જ તેની કાયમી રૂમમેટ બની ગઈ હતી.
રાત્રે ઊંઘ આવતી નહોતી.
એક દિવસ તેણે અરીસા સામે ઊભા રહીને પૂછ્યું,

"ભાઈ, તું કોણ છે?"

અરીસામાંનો એલેક્સ હળવું હસ્યો.

"હું એવું જીવન જીવતો માણસ છું... જેવું જીવન તારે જીવવું જોઈતુ હતું."

એલેક્સના હૃદયના ધબકારા વધી ગયા.
ત્યારથી બંને વચ્ચે રોજ વાતો થવા લાગી.
અરીસામાંનો એલેક્સ હંમેશાં ખુશ દેખાતો.
તેની પત્ની હજુ તેની સાથે હતી.
દીકરી દર સાંજે દોડી આવીને તેને ભેટી પડતી.
તે પિયાનો વગાડતો.
વિકએન્ડે પેસિફિક સમુદ્રના કિનારે ફરવા જતો.
તેના ચહેરા પર વર્ષોથી ખોવાઈ ગયેલું નિર્દોષ સ્મિત હતું.

એક દિવસ એલેક્સે પૂછ્યું,

"આ બધું કેવી રીતે શક્ય બન્યું?"
અરીસામાંથી જવાબ આવ્યો,

"કારણ કે મેં એક દિવસ ડરવાને બદલે ખુશ રહેવાનો નિર્ણય લીધો."

હવે એલેક્સનું મન બે દુનિયા વચ્ચે વહેંચાઈ ગયું.
ઓફિસમાં પણ તેને લાગતું કે કાચની બારીઓ પાછળથી કોઈ તેને જોતું હોય.
તે ગુગલની હેલ્થ ટીમ પાસે ગયો.
મનોવૈજ્ઞાનિકે તેને તણાવ અને એકલતાની અસર ગણાવી. થોડું વેકેશન લેવાની સલાહ આપી અને ટ્રેન્ક્વિલાઇઝરની દવાઓ લખી આપી.
પણ વેકેશન અને દવાઓ પછી પણ અરીસામાંનો માણસ ગાયબ થયો નહીં.

ઉલટું, હવે તે વધુ સ્પષ્ટ દેખાતો અને વધુ બેબાક બની ગયો.

એક વરસાદી રાત્રે અરીસામાંના એલેક્સે કહ્યું,

"એક વાર આ બાજુ આવી જા... અહીં મજા જ મજા છે."

"કેવી રીતે હું આવું ભાઈ ?"

"અરીસો માત્ર કાચ નથી... એ દરવાજો છે. હિંમત હોય તો પસાર થઈ જા."

એલેક્સે ધીમેથી હાથ આગળ વધાર્યો.
કાચને સ્પર્શ કર્યો.

પણ આજે કાચ પથ્થર જેવો નહોતો.
પાણી જેવો નરમ હતો.
તેનો હાથ અંદર સરકી ગયો.
અને પછી...
એક ક્ષણ માટે આખો રૂમ અંધકારમાં ઓગળી ગયો.

બીજે દિવસે સવારે પોલીસને ઘરનો દરવાજો ખુલ્લો મળ્યો.
એલેક્સ ક્યાંય નહોતો.
ચોરીના કોઈ નિશાન નહોતા.
સંઘર્ષના પણ નહીં.

માત્ર બાથરૂમના અરીસા પર આંગળીથી લખેલું એક વાક્ય હતું—

"હવે હું સાચું જીવન જીવી રહ્યો છું."

પોલીસે તેને ગુમ થયેલી અને માનસિક અસ્વસ્થ વ્યક્તિ તરીકે નોંધ્યો.
એલેક્સના ફોટા સમગ્ર કેલિફોરનિયાના પોલીસ સ્ટેશનોમાં મોકલાયા.

થોડા મહિનાઓ પછી કેસ બંધ પણ થઈ ગયો.

વર્ષો પછી તેની દીકરીએ એ ઘર વેચી નાખ્યું.

નવા માલિકો રહેવા આવ્યા.
એક સવારે તેમની છ વર્ષની દીકરી દોડતી આવી અને પૂછ્યું ,
"મમ્મી... શું આપણા બાથરૂમના અરીસામાં પણ એક અંકલ રહે છે?"

માતા હસી પડી.

"અરે નોટી! આજકાલ તું કાર્ટૂન બહુ જુએ છે. સારું, એ અંકલ કંઈ કહે છે?"

બાળકી એક ક્ષણ શાંત રહી.
પછી ધીમેથી બોલી,

"એ કહે છે... અહીં બહુ શાંતિ છે. પણ, મને જોઈ ક્યારેક તેમને પોતાની નાની દીકરી બહુ યાદ આવે છે."

માતાના ચહેરાનું સ્મિત ધીમે ધીમે ઓગળી ગયું.

એ જ ક્ષણે બાથરૂમનો દરવાજો પોતાની મેળે ધીમેથી બંધ થયો.
અંદર અરીસામાં કોઈ અજાણ્યો માણસ અત્યંત શાંતિથી સ્મિત કરી રહ્યો હતો.

કદાચ દરેક અરીસામાં પાછળ પણ એક બીજું ધબકતું જીવન વસતુ ના હોય?.

અને કદાચ દરેક મનુષ્યની અંદર એવી એક તૃષ્ણા પણ તેના જીવન પર્યન્ત જીવતી હોય છે, 
જે કહે છે—
"કદાચ તેની સામેનાનું જીવન તેનાથી પણ વધુ સારું હશે."

પરંતું તેણે ખબર નથી માનવીય તૃષ્ણાનો અંત ક્યારેય હોતો નથી.



Rate this content
Log in

Similar gujarati story from Abstract