સાચો વરસાદ.
સાચો વરસાદ.
સાચો વરસાદ.
લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે વૃંદાવન પર વરસા ઋતુનો પ્રથમ વરસાદ વરસ્યો.
યમુનાના કિનારે કાળી ઘટાઓએ આકાશને ઘેરી લીધું,
અને કદંબના પાન પરથી ટપકતાં ટીપાં
જાણે વાંસળીના સ્વરો બની ધરતી પર ઝરતાં હતા.રાધા શાંત ચિત્તે તટ ઉપર ઊભી હતી.
વરસાદની ભીની સુગંધમાં તેને એક ઓળખીતો સ્પર્શ અનુભવાયો.
એવો સ્પર્શ જે શરીરને નહીં,
પણ સ્મૃતિને ભીંજવે છે.
“કાન્હા…?”
તેના હોઠ પર ધીમો શબ્દ આવ્યો.
સામે કોઈ ન હતું!
માત્ર પવન, વરસાદ, અને દૂરથી સંભળાતો આછો સૂર.
રાધાએ આંખો મીંચી.
એ જાણતી હતી,કૃષ્ણ હવે દ્વારકાના રાજા હતા,
પણ દરેક શ્રાવણી વરસાદમાં તેઓ પાછા આવી જતા.
શરીરે નહીં…
ભાવના બનીને.
એક ટીપું તેના કપાળ પર પડ્યું.
રાધા હળવેથી હસીને બોલી,
“આ વરસાદ સમજુ કે તારો સંદેશ?”
પવન જાણે જવાબ આપી ગયો.
એ ક્ષણે કૃષ્ણનો અવાજ અંતરમાં ગુંજ્યો,
“રાધે, વરસાદ વાદળમાંથી નથી વરસતો.
તે તો વિરહથી ભરાયેલા હૃદયમાંથી વરસે છે.
પ્રેમ જ્યારે શબ્દોમાં સમાતો નથી,
ત્યારે વરસાદ બની મન ધરતી પર ઉતરે છે.”રાધાની આંખોમાંથી પણ બે ટીપાં સરક્યાં.
વરસતા ટીપાં સાથે ભળી ગયા.
હવે કોઈ કહી ન શકે.
કયા ટીપાં આકાશના હતા અને કયા રાધાના.
દૂર મોર નાચવા લાગ્યો.
યમુના છલકાઈ પણ… મલકાઈ પણ.
વૃંદાવન આખુય ભીંજાઈ ગયું.
પણ રાધાનું મન તો વર્ષોથી ભીનું હતું.
તે બોલી નટખટ તું સાચો છે, શ્રાવણી વરસાદ વર્ષા ઋતુમાં વરસે છે,
પણ સાચો પ્રેમ તો અંતરમાં સતત વરસતો રહે છે.
નિઃશબ્દ, નિઃસ્વાર્થ, અનંત.
તે દિવસથી વૃંદાવનમાં જ્યારે પણ લોકો વરસાદની રાહ જોયા પછી, જયારે પ્રથમ વરસાદ વરસે છે,
લોકો કહે છે.“આ માત્ર ઋતુનો વરસાદ નથી…
રાધાના પ્રેમ અને કૃષ્ણની વાંસળીનું મિલન પણ છે.”
જયારે
રાધાને મન...
સાચો વરસાદ આકાશમાંથી નહીં,
હૃદયમાંથી પ્રેમ બની વરસે છે.
ડિસ્ક્લેમર~
“આ રચના સંપૂર્ણપણે સાહિત્યિક અને કલ્પનાત્મક છે. પાત્રો, પ્રસંગો અને ભાવનાઓ વરસાદની રાહમાં પ્રતીકાત્મક રૂપે રજૂ કરવામાં આવી છે.”

