ત્રિકોણનું એક જ બિંદુ
ત્રિકોણનું એક જ બિંદુ


“સાગરને જ અહીં બોલાવી લઈએ તો” રોબર્ટએ ઝરણાંને કહ્યું.
“પણ તેના પપ્પા માનતા નથી અને તે તેના પરિવારને છોડીને આવી શકે તેમ નથી” ઝરણાંએ વ્યથા સાથે જવાબ આપ્યો.
“તેનો પરિવાર મને ક્યારેય નહિ અપનાવે જો તેમને જાણ થશે કે હું માં નહિ બની શકવાની તો તો સાવ નહીં”
બસ આ થોડી વાતચીત બાદ બન્ને ચૂપ થઇ ગયા, સાગર અને ઝરણાં બન્ને એકબીજાને જી-જાનથી પ્રેમ કરતા હતા. સામે રોબર્ટ પણ ઝરણા માટે કઈ પણ કરવા તૈયાર હતો, રોબર્ટ ઝરણાને હંમેશા ખુશ જોવા માંગતો હતો.
રોબર્ટ બધું જ જાણતો હતો સાગર અને ઝરણા વિષે, તે બંનેના પ્રેમ વિષે, જે પરિસ્થિતિ સાગર, ઝરણાં અને રોબર્ટ ખુદ ભોગવી રહ્યા હતા તેના વિષે. રોબર્ટ સ્વભાવમાં ચોખ્ખો અને ઓપન માઇન્ડેડ હતો કોઈ પણ અકળામણવાળી પરિસ્થિતિમાં પણ પોતાને કંટ્રોલમાં રાખતો હતો.
રોબર્ટ અને ઝરણાના લગ્નને હજુ છ એક મહિના જ થયા હતા. ઝરણાં પણ કેનેડા પોતાના કાકા સાથે રહેતી અને ત્યાં જ એક ફૂડની કંપનીમાં રોબર્ટ કામ કરતો હતો. બંનેના પરિવારોની સહમતી હતી એટલે જ લગ્ન થયા હતા. જો કે ઝરણાને પહેલ રોબર્ટ એ જ કરી હતી.
લગ્ન પહેલા ઝરણાએ રોબર્ટને પોતાના વિશે બધું જ કહ્યું હતું કે મારા મમ્મી-પપ્પા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા જયારે તે 12માં ધોરણમાં હતી ત્યારે જ અને ત્યાર પછી તે કેનેડા પોતાના કાકા અને કાકી સાથે જ આવી ને રહી. તે કેનેડા આવ્યા પછી 12માં ધોરણના તેના કલાસમેટ સાગર સાથે પ્રેમમાં પડી અને એ પણ છેલ્લા બે વર્ષથી ફેસબુક ફ્રેન્ડ બન્યા બાદ અને સૌથી વધારે મોટી સમસ્યા એ હતી કે ઝરણા ત્રણ વર્ષ પહેલા કાર અકસ્માતનો ભોગ બની હતી અને તેને ગર્ભાશયમાં ઇજા થઇ હતી જેના કારણે તે ક્યારેય માં બની શકી તેમ ન હતી. ઝરણાને લગ્ન કરવા જ ન હતા પરંતુ તે પોતાના કાકા કાકી સાથે ઝીંદગીભર ના રહી શકે એટલે જ તે રોબર્ટ સાથે લગ્ન કરવા માટે ઝરણાં તૈયાર થઇ હતી.
સાગર અને ઝરણાનું સાથે ન મળી શકવાનું એક જ કારણ હતું કે સાગર અહીં કેનેડા આવી શકે તેમ ના હતો અને સાગરનો પરિવાર ઝરણાની આ સમસ્યાને કારણે ક્યારેય અપનાવે નહિ.
એકમાત્ર રસ્તો એ હતો કે બંને જે રીતે પ્રેમ કરે છે તેમ જ રહે, સાથે નહિ પણ પ્રેમ હંમેશા માટેનો, આ માટે રોબર્ટને કઈ જ વાંધો ના હતો.
સાગર પોતે મિકેનિક હતો પોતાનું ગેરેજ હતું અને સારું એવું કમાતો હતો. તેનો પરિવાર ખુબ જ વિરોધી હતો બીજી જ્ઞાતિમાં લગ્ન માટે, પણ સાગરનો ઝરણાં પ્રત્યેનો પ્રેમ જ એટલો મજબૂત હતો કે તેની લગ્ન કરવાની ઉમર વીતતી જતી હોવા છતાં તે ઝરણાં સિવાયની કોઈ છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર ન હતો.
આમ ને આમ દિવસો જતા રહેતા હતા સાગરના મમ્મી પપ્પાને સાગરની ચિંતા હતી કે પોતાનો એક નો એક છોકરો આવી તે કેવી જિદે ચડ્યો છે.
આખરે રોબર્ટએ પોતાની ફૂડની કંપનીમાં સાગરને નોકરીની ઓફર કરી, અને હંમેશા માટે કેનેડા આવવા માટે કહ્યું. સાગરે પોતાના મમ્મી પપ્પાને વાત કરી અને આખરે તેઓ કેનેડા જવાં માટે માની ગયા, પોતાના એક ના એક છોકરાની ખુશી માટે, માત્ર સાગરની ખુશી માટે.
ઝરણાએ તો રોબર્ટ સાથે લગ્ન કરી લીધા હતા પણ હવે શું?
રોબર્ટને સાગર અને ઝરણાના પ્રેમથી કોઈ જ વાંધો ના હતો. પણ સામે ઝરણાં બધું જ જાણીને પોતાની સાથે લગ્ન કરનાર રૉબૅર્ટનું દિલ ન તૂટે એટલે રોબર્ટ સાથે લગ્ન તોડવા તૈયાર ના હતી.
છેલ્લે ત્રણેય સાગર ઝરણાં અને રોબર્ટ એ સાથે રહેવાનું વિચાર્યું અને આ વાતમાં ત્રણેયની સમજૂતી હતી. ઝરણાં અને સાગર બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા. રોબર્ટ પણ ઝરણાને પ્રેમ કરતો હતો તેની બધી જ ખુશીઓનું ધ્યાન રાખતો હતો. હવે ઝરણાને એક જ પ્રશ્ન હતો કે હું કોનો પ્રેમ?