Karan Mistry

Inspirational Others

3  

Karan Mistry

Inspirational Others

મુંબઈ તારી તરફ

મુંબઈ તારી તરફ

3 mins
388


મરીન ડ્રાઈવ, એ વરસતો મુંબઈનો વરસાદ, સામે દેખાતો એ અફાટ દરિયો જેણે મુંબઈને આટલા વર્ષોથી સાચવી રાખ્યુ છે. મનમાં એ જ દરિયા જેટલા વિચારો અને હું. એ વરસાદે મને આખે આખો ભીજવી નાખ્યો હતો પણ હજુ દિલના કેટલાય ખૂણા કોરા હતા એ કોરા ખૂણા હતા અધૂરા સપનાઓના, એ અધૂરા પણ છૂટી ગયેલા પ્રેમના, એ આગળ ભરી ના શકાયેલ ડગલાના.


લોકો કહે છે મુંબઈનો વરસાદ તમને ક્યાંયનો નથી રહેવા દેતો, એ તમને તમારી અંદર સમાવી લેવા માટે જ વરસે છે. સાચે એવું જ છે. હું એ કોરા દિલને હું એ વરસાદ અને દરિયામાં સમાવી લેવા માંગતો હતો. હું પુરેપુરો ભીજાઈ ગયો હતો, બહારથી વરસાદને લીધે અને અંદરથી આ જિંદગીને લીધે.


બધું જ પાછળની જીંદગીમાં સહન કર્યું હતું એ હું વહેવડાવી દેવા માંગતો હતો. એ બધી કેહવા પુરતી રીલેશનશીપ કે જેને પૂરે પુરા સમર્પિત થઇ ગયા હતા, જેમની પાસે કૈક આશા હતી પ્રેમની, એ અધૂરા અને તૂટેલા સપનાઓ, એ મનના બનાવેલા મકાન જ્યાં હું રહેવા માંગતો હતો ઘડીભર આ બધાને હું દરિયામાં ડુબાડી દેવા માંગતો હતો.


એ ઘર યાદ આવતું હતું જેને મેં મારા સપનાના ખાતર છોડી દીધું હમેશ માટે. એ મારા પોતાના જે મારા દિલની નજીકના વ્યક્તિઓ, એ જિંદગી જ્યાં બધું જ હતું છતાં બધું જ મુકવું પડ્યું. એક પછી એક યાદો આવતી જતી હતી અને એ ખારા આંસુડા કોઈને દેખાયા વગર ધોવાય જતા હતા. ઘરે હતો ત્યારે એમ થતું કે આમ બેસી રહેવાથી, આમ એમ જ હાથમાં કાગળ અને પેન રાખવાથી કઈ નથી થવાનું. આ પાર પાડવા અને લેખકના ભૂતને ઉતારવા માટે માયાનગરી મુંબઈમાં જવું જ પડશે અને આમ જ વિચારતા વિચારતા એક દિવસ કોઈનો વિચાર કર્યા વગર ઘરેથી નીકળી ગયો. એક ફ્રેન્ડ રહે છે મુંબઈમાં, જ્યાં સુધી મારા શબ્દોને લેવાવાળું કોઈ ના મળે ત્યાં સુધી તેને ત્યાં સચવાઈ જઈશ.


હમણાં એક વર્ષ પૂરું થવા આવશે પણ પરિસ્થિતિમાં કઈ જ ફેર પડતો ન હતો. ઉલટાનું બધું જ આ વરસાદમાં તણાતું જતું હતું અને અફસોસ હતો કે તરતા આવડતું હતું છતાં પણ હું આ પાર ના કરી શક્યો. કોને ખબર હતી મુંબઈ સપના સાકાર કરવાની મોટી કિંમત વસુલશે. અને એ કિંમત ભરપાઈ કરીને જ મુંબઈ સપનાની નજીક પહોચાડશે.


કાગળ પર લખાયેલા શબ્દો ડૂબી ગયા હતા એ દરિયામાં. એ વરસાદમાં મુંબઈ ભલે ભીંજાઈ ગઈ હતી પણ મારા દિલમાં મારા સપના માટે હજુ એ જ આગ સળગેલી હતી હજુ એ જ લાવારસ ભર્યો હતો જયારે હું મુંબઈ આવ્યો ત્યારે હતો. અને એ આગને હું કોઈ પણ કિંમતે બુઝાવા દેવા માંગતો ન હતો.


એક બાજુ દરિયો હતો જે મને તેની અંદર સમાવી લેવા તૈયાર હતો અને બીજી બાજુ મુંબઈ જે મારું બધું જ લુંટી લેવા તૈયાર હતું. ઘડીભર વિચાર્યું કે હું આ દરિયાનો થઇ જાઉં, પણ મારી પાસે હતું પણ શું ? થોડાક લખેલા શબ્દો. જો એ શબ્દો લુંટીને મુંબઈ અમીર થઇ જતી હોય તો ભલે એ જ થતું. બસ પછી ત્યાંથી ઉભો થયો અને દોટ મૂકી એ મુંબઈ તરફ એનામાં ડૂબી જવા એના હાથે લુંટાઈ જવા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational