ગુજરાતી
ગુજરાતી


“હાલો ગુજરાતી લઇ લ્યો ભઈ ગુજરાતી, સસ્તી, સારી અને ટકાઉ, વરસો વરસ સાથ આપે અને સાથે અડીખમ ઉભી રહે એવી ગુજરાતી લઇ લ્યો ગુજરાતી”
ફાગણ મહિનાની શરૂઆત હતી આછેરો તડકો રેલાય રહ્યો હતો તે સમયે આધેડ વયના કાકા ગુજરાતી સાહિત્યનો થેલો ભરીને નીકળેલા. ગુજરાતી સાહિત્યની તમામ ચોપડીઓ કે રચનાઓ તો ના કહી શકીયે પરંતુ ગુજરાતી સાહિત્યને અડીખમ ઉભી રાખનાર સ્તંભ સમાન રચનાઓ હતી તેમાં.
બપોરનો સમય હતો અને કાકા અંગ્રેજી માધ્યમની નિશાળ પાસેથી પસાર થતા થતા આ સાહિત્યને અજાણ્યા પાસે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે નિશાળના છોકરાવને રિસેસનો સમય થયો હતો. જેવી આ કાકાની બૂમનો અવાજ સાંભળ્યો તરતજ નિશાળની દીવાલ પરથી છોકરાવ ડોકાવા લાગ્યા, તેમને પણ કુતુહલ થયું કે આ ગુજરાતી પણ થોડી વેચવાની કે ખરીદવાની ચીજ છે. આવું પહેલા ક્યારેય જોયુ ના હતું પરંતુ આજે કંઈક નવીન લાગ્યું એટલે તે તેમાંના અમુક જિજ્ઞાસુ છોકરાવે કાકાને રોક્યા અને કહ્યું.
“કાકા ઓ કાકા, આ શું વેચો છો અમને પણ દેખાડો ને”
આજકાલની અંગ્રેજી માધ્યમની નિશાળમાં જયારે ઘરેથી જાય અને અંદર પ્રવેશે પછી સીધા સાંજના છૂટે ત્યારે જ બહાર નીકળવા મળતું. એટલે કાકાએ બહારથી જ ગુજરાતી શું છે તે અંગ્રેજી માધ્યમના મૂળ ગુજરાતી છોકરાવને સમજાવા માંડ્યું.
“દિકરાઓ આ ગુજરાતી ભાષા છે ને વર્ષોથી જે આ ગુજરાતની ધરોહર જેના પર ઉભી છે ને તેનો પાયો છે. દુનિયાના ચારેકોર ગુજરાતીઓનો વસવાટ છે અને ગુજરાતીઓનો ડંકો વાગે છે પણ આજે ગુજરાતમાં જ ગુજરાતી ભાષા મરણ પથારીએ પડી છે.”
“વ્હોટ? આઈ કૅન્ટ અન્ડરસ્ટેન્ડ!” લગભગ બધા જ છોકરાવના ચહેરા પાર પ્રશ્નાર્થચિહ્ન હતું. તેમાંના એક એ પ્રશ્ન કર્યો.
“ઠીક છે ઠીક છે તમને નહિ સમજાય કા, તમારે તો ફર્સ્ટ લેંગ્વેજ અંગ્રેજી આવતી હશે હે ને?“
“યસ અંકલ” બધા છોકરાવે એક સાથે માથું હલાવીને કહ્યું.
“રે'વું ગુજરાતમાં, ખાવુંય ગુજરાતી ને વળી ભણવાની ફર્સ્ટ લેંગ્વેજ અંગ્રેજી, વાહ મારા ખોતીડાવ વાહ” કોઈને સંભળાઈ નહિ એ રીતે કાકા ગણગણ્યા.
“લ્યો સમજાવું તમને હવે”
“તમારામાંથી કેટલાકને સારી રીતે ગુજરાતી લખતા કે વાંચતા આવડે છે?” કાકાએ સીધો સવાલ તે અંગ્રેજી માધ્યમના છોકરાવને કર્યો,
માંડ માંડ કરીને બે-ત્રણ છોકરાવના હાથ ઊંચા થયા અને બાકીનાને કઈ રસ જ ના હોય આ વાતમાં તેમ તાકતા રહ્યા.
“કેમ ભાઈ? ગુજરાતી કોઈ ભણાવતું નથી કે કોઈ ભણતું નથી?”
“અંકલ અમારે છે ને ગુજરાતી સેકન્ડ લેંગ્વેજમાં આવે એટલે અમને અમારા સરે કીધું કે વધુ ધ્યાન નહિ આપવાનું પાસ થવા પૂરતું જ કરી લેવાનું.” જેને સારું ગુજરાતી આવડતું હતું તે છોકરા એ જ જવાબ આપ્યો.
ગુજરાતી આપણી માતૃભાષા છે દીકરાવ એને આમ એકલી મૂકી દેવાય!
ગુજરાતી પણ લેંગ્વેજ જ છે ને, દીકરાઓ તો પછી ભાષા સાથે અન્યાય કેમ? જે રીતે તમે અંગ્રેજીમાં વાર્તા અને કવિતાઓ વાંચો છો કે ભણો છો તેમ જ ગુજરાતીમાં પણ છે એ વાર્તાઓને જ તમારી સાથે વેચવા આવ્યો છું. જેથી તમે તેને વાંચો અને જાણો.
જેમ તમે અંગ્રેજીમાં સ્પાઇડરમેન, બૅટમૅન જેવાની સુપરહીરો કોમિક વાંચો છો તેમ જ આપણા ગુજરાતી સુપરહીરો ગિજુભાઈ બધેકા, કવિ દલપતરામની આ બુક તમને ખુબ ગમશે. હું એવું નથી કહેતો કે અંગ્રેજી ન શીખો પરંતુ ગુજરાતીને તમે આમ એકલી ના મૂકી દો. આવનારા ભવિષ્યના તમે તારલાઓ છો અને તમે જ આવનારા ભવિષ્યમાં આપણી માતૃભાષા ગુજરાતીને બચાવી શકશો. શીખવું બધું જ જરૂરી છે પણ આપણો વારસો બાજુ એ મૂકીને નહિ.
લ્યો તમને હું આ ચોપડીઓ આપું છું જેને જે ગમે તે લઇ લ્યો, એક પછી એક કેહતા જાવ જે જોઈ તે ચોપડી લઇ લ્યો અને ગમે તો પછી અને તમારા કોઈ ફ્રેન્ડને આપજો.
બધા છોકરવાના ચહેરા પર એક નાવીન્ય ખુશી હતી અને બધા ઉત્સુક હતા આ નવો અનુભવ કરવા તેઓ તૈયાર હતા. બધા હસી ખુશીથી એ વાર્તાઓની ચોપડીનાં પાના ફેરવતા ફેરવતા પોતાના ક્લાસ તરફ રવાના થયા.
અને એ આધેડ વયના કાકા બીજું કોઈ નહિ પરંતુ અંગ્રેજી માધ્યમની એ નિશાળથી થોડે દૂર આવેલી ગુજરાતી માધ્યમની નિશાળના આચાર્યશ્રી હતા.