નિર્દોષતા
નિર્દોષતા
હું નાનો હતો ત્યારે મને વાર્તા સાંભળવાની ખુબ મજા આવતી. મારી દાદીમાં પાસે ખુબ જ વાર્તા સાંભળતો અને તે જયારે કંટાળે ત્યારે કેહતા બસ હવે સુઈ જા નહિ તો સતરશીંગો આવશે, ભૂત આવશે. ત્યારે તો હું ખરેખર ડરી જતો અને કહેતો કે “આ ભૂત એટલે શું ?”.
ત્યારે દાદીમાં જવાબ આપતા કે “આપણને જયારે ભગવાન તેના ઘરે લઇ જાય એટલે આપણને ભૂત બનાવે”.
“ભગવાન નું ઘર ક્યાં આવ્યું? મને ક્યારે લઇ જશે તેના ઘરે મારે તેનું ઘર જોવું”નિર્દોષતા માં હું આવા ઘણા બધા સવાલ પુછતો.
ત્યારે તો આ ભગવાન ભૂતપ્રેત આત્મા તેની કઈ જ ખબર ના પડતી. પણ જેમ જેમ સમજણો થતો ગયો તેમ તેમ અમુક આવા બહારની દુનિયાના સવાલો મને હેરાન કરી મુકતા. જેને લઇને રાતભર મને નીંદર નહોતી આવતી. મારા રાતના સપનાઓમાં પણ આવા પ્રશ્નોએ ઘેરો કરીને રાખ્યો હતો અને મને ઊંઘમાંથી સફાળો જગાવી દેતા. હું આવા જ સવાલોમાં ખોવાલેયો રહેતો અને એના જવાબ મને આજે પણ કોઈ નથી આપતું. કદાચ મુશ્કેલ હોય છે આવા સવાલના જવાબ મેળળવા.
સવાલો કૈક એવા હતા કે “ભગવાન શું છે ? તેને જ મને કેમ બનાવ્યો ? મારું અસ્તિત્વ શું છે આ દુનિયામાં ? ભગવાન આ દુનિયાને એક સમાન કેવી રીતે જાળવી રાખતા હશે ? મારા પ્રાણ છૂટી ગયા પછી હું ક્યાં જઈશ ? મારા મૃત્યુ પછી મારી જગ્યા આ દુનિયામાં કોણ લેશે ?” આ આખી દુનિયાની સંભાળ ભગવાન રાખે છે તો શું તેની ઉપર કોઈ હશે તેની સંભાળ રાખવાવાળું ? એનો હિસાબ-કિતાબ કોણ રાખતું હશે ? આપણી જેમ તેને કોઈ વાતની ચિંતા કે ફિકર સતાવતી હશે ?
આ તો થાય જીવવાની વાત પણ મૃત્યુ એટલે શું ? બધા લોકો કહે છે (તે પણ બસ સાંભળીને કહે કોઈને સાચી હકીકત ખબર નથી હોતી બસ તે સમયે આવા બધા સવાલોને જાળવી રાખવા માટે હોય છે.) “શરીરમાંથી આત્મા છૂટી જાય એટલે માણસ મૃત્યુ પામ્યો કેહવાય. તો પણ ફરી એ જ સવાલો કે આ આત્મા શું છે ? એ જો શરીર છોડીને જાય છે તો એ દેખાય છે કેવી ? એ શરીર છોડીને કયા જાય છે ?
ખરેખર તો આ આત્માનો આવાજ અને તેની ઉપસ્થિતિ આપણે જીવી અને મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી સાથે જ રહે છે. આ આત્માનો આવાજ જ આપણી ઝીંદગી માટેનો આવાજ છે. આ આવાજ આપણા હદયમાં ક્યાંક છુપાયેલો રહે છે અને આ આવાજ જ આપણને આપણા હોવાના અસ્તિત્વનું ભાન કરાવે છે.દરેક માણસમાં આ અવાજ છુપાયેલો જ હોય છે કોઈમાં હિંમત હોય તો બસ કોઈ એમ જ ઝીંદગી જીવી કાઢે છે.
માણસની તેની ઝીંદગી પ્રત્યેની ઝંખનાઓ, આશાઓ, અપેક્ષાઓ જ તેની આત્મા હોય છે. જે માણસના જીવનમાં આ કઈ ના હોય તો તે માણસ જીવતે જીવ મરી ચુક્યો હોય છે. કોઈ જ મતલબ નથી હોતો તેમના જીવવાનો.બસ જવાબદારીઓ અને મજબૂરીની વચ્ચે ઘાંચીના બળદ ની જેમ પીસાતો રહે છે પોતાની ઝીંદગીમાં.
ક્યારેક આપણને શું કરવું અને શું કરતા હોય એની કઈપણ ખબર નથી હોતી, કોઈ જ સમજ હોતી
નથી બસ કર્યા કરીએ છીએ, કેમ ? તો ક્યે બસ કોઈએ કીધું કે આ સારું અને આ ખરાબ, આ કરાય અને આ ના કરાય. આ બધાની વચ્ચે તો આપણા હદયનો અવાજ ખોવાય જાય છે. આમાં આપણું અસ્તિત્વ જ શું ? અને આ બધાંની વચ્ચે જયારે આપનું દિલ બોલે આપણા હદયનો અવાજ નીકળે ત્યારે તે જ આપણને ખુશીઓ તરફ લઈ જાય છે.એમાં કોઈ જ શક નથી કે આ રસ્તો અઘરો હશે, કઠીન હશે અને સંઘર્ષ પણ ખુબ જ હશે પણ આ બધા પછી મળનારી ખુશીઓનો આનંદ પણ કૈક અલગ જ હશે.
આપણે આપણા આત્માના આવાજને જ અનુસર્યા હોય અને આખી ઝીંદગી આપણા મરજી પ્રમાણે જીવ્યા હોય અને તેમાં ભલે નાની અથવા મોટી સફળતા મળી હોય પણ તે જ આપણા આત્માની મુક્તિ કરે છે. લોકોના વિચારો અને તેમની મનઘડત કહાનીઓ આપણને ચારેબાજુ દોડાવતી હોય છે અને મોટાભાગે મનથી નબળી વ્યક્તિ જ એનો શિકાર થાય છે. કોઈ આમાં કહેશે કોઈ તેમ કહેશે પણ મનથી સાચો અને શશક્ત માણસ જ પોતાનું દિલ કહેશે તેમ કરશે.
માણસને પોતાની કઈજ ખબર નથી હોતી ત્યારે તે એક ગાડરિયા પ્રવાહમાં ચાલતો હોય છે, જેમ બધા કરે છે તેમ કરતો હોય છે. ત્યારે આત્માનો આવાજ જ માણસને આત્મદર્શન કરાવતો હોય છે. તમારી આજુબાજુ રસ્તાઓ તો ઘણાબધા હશે તેમાંનો જ એક સાચો રસ્તો આપણને આપણી ખુશીયો તરફ લઇ જાય છે અને તે શોધવાનો હોય છે અને એ રસ્તો અમથો જ નથી મળી જતો એ રસ્તા પર જવા માટે દિલ ની પૂરી હા હોવી જોઈએ, તે રસ્તા પર ચાલવા માટે મનથી લગન હોવી જોઈએ.
આ મૃત્યુનું પણ કૈક એવું જ છે સફળતા અને નિષ્ફળતા , સુખ અને દુખ, કૈક કેટલાય સંઘર્ષ અને તેનાથી મળતા અનુભવ વચ્ચે જીવાય જતી એક ઝીંદગી. મર્યા પછી પણ આપણો આત્મા ક્યાય નથી જતો તે આપણી સાથે જ જોડાયેલો રહે છે.ત્યાં વળી પાછો સવાલ “એ કેવી રીતે ?”.તેનો જવાબ એ જ કે આપણે જિંદગીભર કરેલું કામ આપણા કર્મો.સાચા હોય કે ભલે તે ખોટા હોય પણ લોકો તેને હમેશા યાદ રાખશે. જે કામ સાચું અને સારું કર્યું તેના માટે જ પરસેવો પાડ્યો તેની જ સુવાસ આત્મારૂપી આખી દુનિયામાં ફેલાયેલી રહેશે.
કોઈક ખુશ છે તો કોઈક દુઃખી છે.જેની પાસે કઈ નથી તે જિંદગી જીવવાનો જશન મનાવે છે અને જેમની પાસે બધું છે અથવા તો કૈક કરવાની હિંમત ધરાવે છે તેઓ બંધ બારણે રડી ને ઝીંદગી ટુંકાવવાના વિચાર કરે છે. જીવનમાં જેટલો અફસોસ છે તેટલો જ કૈક પામી લીધાનો સંતોષ પણ હોય છે. જેટલા આંસુ તેટલી જ મુસ્કાન છે. આ બધું એક સમાન જ ગોઠવાયેલું હોય છે કોઈ પણ વસ્તુના પલડા હલકાભારે નથી હોતા. આ બધું બરાબર ગોઠવીને જ ભગવાન ઝીંદગી નામની રમત રમાડતો હોય છે. બધાના રસ્તા એકજ દિશા તરફ એક જ સનાતન સત્ય તરફ જતા હોય છે જેનાથી લોકો ડરે છે અને તે છે મૃત્યુ.
ખેર, આ બધું તો ઝીંદગીના ભાગરૂપ છે બાકી આ આત્મા, ભૂતપ્રેત, મૃત્યુ, બ્રહ્માંડ અને બીજા કેટલાય અકાલ્પનિક અથવા તો અર્ધવાસ્તવિક સવાલોના જવાબ મળવા કદાચ “અસંભવ” છે.