બુક ચોર
બુક ચોર
રાત પહેલો પ્રહર પૂરો કરીને બીજા પ્રહરમાં બેસવાની તૈયારી કરી રહ્યી હતી. રાતના ત્રણ વાગ્યાનો સમય થયો હતો અને આખું શહેર નીંદરમાં પોઢી ગયું હતું. જાણે તિમિરપંથીઓને જાગવાનો સમય થઇ ગયો હતો. જે લોકોની રોજગારી આ બે નંબરના ચોર-ઉંચકાં કામ હોય એ લોકો માટે રાત એટલે જાણે કે કામ કરવાનો દિવસ.
અન્નપાણીના ખૂટ્યા હશે એટલે એક દિવસ લાલજીએ નક્કી કરી રાખ્યું કે આજે રાત્રે કામ કરવું પડશે કોઈ ઘરમાં ધાડ પાડવી જોશે. અંધારિયું પખવાડિયું ચાલતું હતું, શિયાળાની રાત હતી અને શહેરીજનોની ઊંઘ બરાબર જામી હતી. એવામાં લાલજીએ છેલ્લા કેટલાક દિવસોથી રેકી કરીને જ્યા ધાડ પાડવાનું નક્કી કર્યુ હતુ ત્યાં જ જઈ ચડ્યો.ઘર તો બંધ હતું, પણ બંધ ઘરમાં અંદર કેમ પ્રવેશ કરવો એ બધી યુક્તિ પ્રયુક્તિના જાણકાર હોય છે આ ચોરો. તિમિરપંથીઓનું તો આ ડાબા હાથનું કામ હોય છે.
ઘરની બાજુમાં ગુલમહોરનું ઝાડ હતું, એ ઝાડની ડાળીયો ઘરની અગાસી અને પોંચમાં ડોકિયું કરતી હતી. લાલજી ઝાડની ડાળીયે થી ડાળીયે ચડીને સીધો અગાસી ઉપર પહોંચી ગયો. અંદરથી કડી મારેલી હતી અને એ તોડવાનો સામાન પણ સાથે જ હતો. કાળજી રાખી કોઈ ને ખબર ન પડે એ રીતે કડી ખોલીને લાલજી અગાસી મારફતે ઘરમાં ઘુસ્યો. માણસ એકલો રહેતો અને પૈસાની કોઈ કમી ન હતી, એટલે ધાડ પડી શકે અને ખપ પૂરતું ચોરી શકે એવું રેકી કરતા ખબર પડી હતી.
ઘરમાં ઘૂસીને પહેલા ખાતરી કરી કે માલિક જાગતો નથી ને ઘરમાં બધું જ ઠીક પડ્યું છે ને, ઘર પણ નાનું હતું એટલે વધારે તાપાસની જરૂર ન હતી, એક રૂમ અને રસોડું, બહાર પ્રમાણમાં મોટી ઓસરી હતી, બસ એટલું જ. ખાતરી કરી લીધી અને લાલજી રૂમમાં પ્રવેશ્યો જ્યાં બે ત્રણ કબાટ હતા. એ કબાટમાંથી તિજોરી જેવા લાગતા કબાટને ખોલી ને પૈસા લઇ લીધા, ગણીને માંડ માંડ 2000-3000 રૂપિયાનો મેળ પડ્યો.
આખા કબાટને ફંફોસતા ઉપરની બાજુ બૂકની આખી રેક હતી. મોબાઈલ ફોનનાં ઝાંખા લાઈટના સહારેથી એક બુક તરફ નજર ફરી. એ હતી “સત્યના પ્રયોગો” ગાંધીજીની આત્મકથા.
લાલજીને બાળપણમાં ભણવાનો શોખ હતો પરંતુ બાપની મજબૂરી અને મજૂરી બંને લાલજીના ભણવાના દુશ્મન થઈ ગયા હતા. ઘરની મજબૂરીને જોઈને લાલજી પણ કિશોરવયની કાચી ઉમરથી ચોરીના રવાડે ચડી ગયો હતો. જો ચોરી કરતા ગામમાં પકડાય જાય માર ખાય લેવાનો અને બીજું ગામ બદલાવી નાખવાનું.
બાળપણમાં લાલજીએ ગાંધીજી વિષે જાણ્યું હતું અને અત્યારે આ ગાંધીજીની આત્મકથા જોઈને ફરીથી એ બાળપણની જિજ્ઞાસા જાગી ઉઠી હતી. તો લાલજીએ પૈસાની સાથે સાથે સત્યના પ્રયોગોની પણ ચોરી કરી લીધી.
2000-3000 રૂપિયા એટલે એકાદ અઠવાડિયું તો ચાલી જ જશે. અને એના બાપને ખબર ન પડે એટલે બુક ઘરમાં સંતાડી દીધી અને ગામમાં શાંત અને એકલી જગ્યા એ બેસીને વાંચતો.
જેમ જેમ સત્યના પ્રયોગોને વાંચવાની શરૂઆત કરી તેમ તેમ તેનામાં નવા નવા વિચારોનું ઘડતર થવા લાગ્યું. શરૂઆતમાં તો ગાંધીજીના વિચારોને સમજવા અઘરા લાગ્યા પરંતુ ધીરે ધીરે સમજાતું ગયું. એટલી તો ખબર પડવા માંડી કે સાચું શું અને ખોટું શું.
આ ચોરીના કામથી લાલજીના જીવનમાં જે અંધકાર હતો એ અંધકારને ડામીને ગાંધીના આશાવાદી વિચારોની અસર થવાની શરૂઆત થઇ ચુકી હતી. સત્ય, સત્યનો સાથ, મહેનત, લગન, અહિંસા, ભૂલથી પણ કોઈનું ખોટું ન થાય એવા પરમાર્થ વિચારોનો માળો લાલજીના જીવનમાં ગૂંથાવા લાગ્યો હતો.
હવે જે પણ ખોટું જો’તો અથવા તો ખોટું કરવા જતો એ પેહલા બે વાર જરૂર વિચાર કરતો હતો. જોત જોતામાં અઠવાડિયું નીકળી ગયું. પૈસા પુરા થઇ ગયા હતા એટલે વળી પાપી પેટ માટે ચોરી કરવાનો સમય થઇ ગયો હતો, દિલ માનતું ન હતું પરંતુ બાપની બીક થી ચોરી કરવી પડે એમ હતી. વળી પાછું લાલજીએ એ જ ઘરમાં જઈને ચોરી કરવાનું વિચાર્યું. પહેલીવાર જેમ ચોરી કરી એ જ રીતે ઘરમાં પ્રવેશ્યો, હવે તો ખબર હતી કે પૈસા ક્યાંથી લેવાના.
લાલજીએ સત્યના પ્રયોગોને મૂકી અને ઝવેરચંદ મેઘાણીની બુક માણસાઈનાં દિવા ઉઠાવી. આ વખતે પેહલા બુક અને પછી પૈસાની ચોરી કરી જે બદલાયેલા વિચારોની અસર હતી. ઘરે જઈને બુક વાંચવાની શરૂઆત કરી હવે બાપા શું કહેશે એનો ડર પણ લાલજીનાં મનમાં ન હતો.
ઝવેરચંદ મેઘાણીની માણસાઈના દિવા બુકમાં માણસના એકબીજા પ્રત્યે ના અનોખા સંબંધો વિશેની વાતો હતી. પરોપકાર, માણસોના વર્તન, એકબીજા પ્રત્યેની લાગણીઓ અને માન સન્માનની વાતો હતી. લાલજીને ની લાગણીઓનો અસમંજસ વાળો બંધ તૂટી ગયો અને માણસોની પ્રત્યેની લાગણીઓ સમજવા માંડયો.
બસ એક દિવસ સાહેબને ખબર પડી ગઈ કે પૈસા પણ આ જ ચોરે છે અને બુક પણ. જ્યારથી આ ખબર પડી ત્યારથી સાહેબ અગાસીની કડી પણ બંધ ન કરતા અને 3000 રૂપિયાની જગ્યા 5000 મુકવા માંડ્યા.
વળી એક વધુ અઠવાડિયું પૂરું અને લાલજી આવ્યો ચોરી કરવા, 3000 રૂપિયાની જગ્યાએ 5000 રૂપિયા જોયા પણ ઘડીભરનો પણ વિચાર કર્યા વગર 3000 રૂપિયા જ લીધા. જે લાલજીને પહેલી જીત હતી. પછી જેમ જેમ દિવસો ગયા તેમ માત્ર બૂકની જ ચોરી કરવા લાગ્યો.
એક દિવસ વિચારી લીધું કે તે સાહેબને બધું જ કહી દેશે. હિંમત તો ન હતી પરંતુ દિલને સાફ કરવા માટે આ જરૂરી હતું.
હિંમત ભેગી કરીને ચોરેલી બુક સાહેબને હાથો હાથ તેમના ઘરે આપવા ગયો. ઘરે પહોંચ્યો, ડોર-બેલ વગાડવા માટે હાથ-પગ ધ્રુજતા હતા. છેવટે બેલ વગાડી અને સાહેબ આવ્યા અને દરવાજો ખોલ્યો. સાહેબ લાલજીને ઓળખી ગયા કેમ કે તેના હાથમાં છેલ્લા એક અઠવાડિયાહાટી ગાયબ થયેલી બુક હતી, સાહેબ કઈ બોલ્યા નહિ ત્યારે અને મીઠો આવકારો આપ્યો.
“આવ આવ, બેસ બેસ ”
લાલજી ડઘાયો કે સાહેબ એને કઈ રીતે ઓળખે
“શરમાતો નહિ હું જાણું છું અને પોતાની જાતને નીચીના સમજ તો ”
પહેલા તો ખુબ રડ્યો શું કહેવું હિંમત ન ચાલી.
અરે બસ ભાઈ છાનો રે, તે તારી મજબૂરીમાં પૈસા ચોર્યા અને તેનો કઈ અફસોસ ન કર અને બુક ચોરીને જે નવી ઝીંદગી મેળવી એને જીવવાની શરૂઆત કરી દે.
“સાહેબ હું તમારો એકે એક રૂપિયો ચૂકવી દઈશ”
“મારે એક માણસની જરૂર છે કામ કરીશ મારી સાથે?”
“કેમ નહિ સાહેબ જરૂર થી કરીશ, મને મારા ભગવાન સાથે કામ કરવાનો મોકો મળશે.”
“અરે ના ના એવું કઈ જ નથી જે પણ તે મેળવ્યું છે એ તારી સમજણથી મેળવ્યું છે“
સાહેબ એ કહ્યું “આ લે મારી દુકાનનું એડ્રેસ. આવી જજે સોમવારથી, પણ એ પહેલા ચાલ તને કામ સમજાવી દઉં”
“જી સાહેબ”
“શું નામ તારું”
“જી,લાલજી, સાહેબ”
“જો લાલજી હું એક પુસ્તકાલય ચલાવું છું, હું નજીવા ભાવે વેચું અને વાચક વાંચી લ્યે પછી પણ લઇ લઉ, એટલે હવેથી તારે એ વાચકોના એડ્રેસ લઇ, ઘરે જઈને એમને વાંચી લીધેલી બુક પરત લઇ આવવાની અને સાથે બુકનો થેલો રાખવાનો અને એમને જે જોય તે બુક આપી દેવાની. અને બાકીના સમયમાં તું પુસ્તકાલય સંભાળજે અને તારે જે બુક વાંચવી હોય તે બુક વાંચજે. તારા ઘરે ખાવા પીવાનો સમાન પહોંચી જશે. અને જરૂરી ચીજ-વસ્તુ પણ. બોલ કરીશને મારુ આ કામ”
“અરે સાહેબ ધન્ય છે તમને, મારી ઝીંદગીને ફરીથી ઉભી કરવા માટે, હું આવી જઈશ સોમવારથી !”