પ્રેમ-પત્ર
પ્રેમ-પત્ર


“તો નહીં થઇ શકે વાત ઘરે? છુટા પડવું એ જ રસ્તો છે? નહીં આવે કોઈ પરીણામ આપણા પ્રેમનું?“
“હા કરન હું નહીં કરી શકું વાત ઘરે, તને ખબર જ છે મારા પરિવારની”
“પણ આ પાંચ વર્ષના પ્રેમનું શું? આ પાંચ વર્ષની સાથે વિતાવેલી ક્ષણો માત્ર યાદ બની જશે, તેનું શું?
કરનના આવા સવાલો સાંભળીને અમિતા કઈ ન બોલી શકી.
કરન અને અમિતા એક કોફી શોપ માં બેઠા બેઠા આ રીતે છુટા પડવાની વાતો કરી રહ્યા હતા. આ એ જ કોફી શોપ જે બંનેની પહેલી મુલાકાત, પહેલી પ્રેમની લાગણી, પહેલા પ્રેમનો એકરાર અને કેટલાય આવા પ્રસંગોની સાક્ષી હતી.
“તું વાત કરી શકી હોત તારા ઘરે, તું સમજાવી શકી હોત તારા ઘરે ”
“ન થઇ શકે કરન, મારા મમ્મી-પપ્પાને સારું ઘર, સુખ સંપત્તિ હોય તેવું જોય છે, અને અત્યારે એ તારી પાસે નથી. હા મને વિશ્વાસ છે તારા પર કે તું એ બધું કરી શકીશ પણ હમણાં તો નથીને અને એ લોકો અત્યારે…” લાંબો નિસાસો ખાયને અમિતા બસ આટલું જ બોલી શકી, પોતે પણ મજબૂર હતી.
“તારે શું જોય છે મારી પાસે?, પ્રેમ અને ખુશી જ ને”
“હાં”
“તો એમાં કંઈ કમી હોય તો કે”
“કંઈ જ કમી નથી, તો પણ.. તું સમજે છે ને”
અમિતા આગળ કશું જ ના બોલી શકી, તેની બાજુથી તે પણ સાચી જ હતી. તેના પરિવારની ખુશી માટે તેને આવું કરવું જ પડે એમ હતું.
“આપણે બન્નેમાંથી કોઈ એકબીજા વગર ખુશ નહીં રહી શકીયે”
બંને ખામોશ અને કરન બોલ્યો કે જે તે ક્યારેય નહોતો બોલવા માંગતો.
“તો આપણે એવા કોઈ સંબંધમાં નથી રહેવું જેમાં આપણે આપણે ન હોય”
બંને વચ્ચે એક અજીબ ખામોશી હતી, બન્ને એકબીજાને સમજી શકે તેવી ખામોશી હતી.
એ ખામોશીને સમજીને તેને તોડતા કરન એ ભીની આંખો અને એક કાચની જેમ તૂટી ગયેલા અવાજ સાથે બોલ્યો “ નહિ મળીયે હવેથી, રસ્તા અલગ, તારું કે મારુ એક હાય બન્નેને એકબીજા તરફ ખેંચી લાવશે અને હાં તેનાથી ત્રીજી કોઈ વ્યક્તિ જે નિર્દોષ છે એ પણ હેરાન થશે, પ્રેમ છે અને રહેશે જ, ફક્ત બંને સાથે નહિ હોય, સાથે ન હોય તો પણ શું થયું, પ્રેમના સહારે જીવી લઈશું એકબીજા વગર”
“હાં કરન એવું જ કરીશું, પણ યાદ આવે એકબીજાની તો યાદ કરી લઈશું, પોતાને અકળામણ થાય એ રીતે બાંધી ન રાખતો અને હું પણ એ જ કરીશ, જો તું ખુશ રહીશ તો જ હું ખુશ રહી શકીશ”
“ચાલો નીકળશું તો?, જો કોફીનો કપ પણ આજે અધૂરો રહી ગયો”
બંનેની આંખો ભીની હતી, એ ભીની આંખો પાછળ જે આંસુ નીકળી ન શક્યા તે જ આ બન્નેનો પ્રેમ હતો. હંમેશની જેમ કરન અમિતાને ભેટી પડ્યો, કપાળ પર એ કિસ , બન્ને એ એકબીજાને ભરી ભરીને જોઈ લીધા પણ છેલ્લી વખત.
***
આજે એ વિરહને એક વર્ષ વીતી ગયું પણ સમય હજુ ત્યાંને ત્યાંજ હતો એ ભીની આંખોના એક ખૂણે અટવાય ગયો હતો. આજે કરનથી ન રહેવાણુ મોબાઈલ ફોનમાં નંબર ડાયલ કરવાની તૈયારી જ હતી ત્યાં યાદ આવી બન્ને ની ખુશી અને એ ખુશી માટે ફોન કે મેસેજ ન કરવાનો વાયદો. પછી પત્ર લખવાનું વિચાર્યું. તેને થયું કે મારો અવાજ સાંભળીને એ ઘાવ તાજા થઇ જશે, એ Hi લખવાથી ફરીથી લાગણીનું ઘોડાપુર ઉમટી આવશે. પછી જુના જમાનાની જેમ પીળા થઇ ગયેલા પન્નાવાળી ડાયરીમાં કરન લખવાં માંડ્યો. કોઈ જ આશા વગર કે એ પત્ર નો જવાબ આવશે કે નહિ. કરન એ નક્કી કર્યું પાત્રમાં કોઈ સવાલ નહિ કરું.
અમિતા,
આજે એક વર્ષ થયું છુટા પડ્યા એને અને છ વર્ષ થયા આપણે બંને પ્રેમમાં પડ્યા હતા તેને. આ એક વર્ષની એક પણ ક્ષણ તારા વગર કે તારી યાદ વગરની નથી ગઈ. શિયાળાની સવારમાં સાથે પીધેલી એ ચા બહુ જ યાદ આવે છે અને તારા
વગર પીવા જાવ તો સાવ મીઠાશ વગરની લાગે છે. ઉનાળાની ગરમીમાં આપણે સાથે પુલ પર ખાધેલા એ રસગોલા તારા વગર સાવ બેરંગ લાગે છે. ચોમાસામાં આખી દુનિયા ભીંજાય છે અને હું કોરો રહી જાવ છું યાર.
હવે તો આશા પણ નથી કે તું આવીશ, કે મારા આ પત્રનો જવાબ આપીશ અને હા જરૂર પણ નથી જવાબ આપવાની. હવે આદત પડી ગઈ છે તારા ન આવવાની.
ખુશ રહેજે યાર અને હા યાદ તો કરતી હો મને હવે તો હિચકી પણ નથી આવતી.
તારા માટે જ લખાયેલો
કરન
બસ આટલું જ લખી શક્યો કરન, કેટ-કેટલાય દર્દ, ટીસ દિલમાં હિલોળા લઇ રહ્યા હતા પણ ન લખાયું. બસ એક પરબીડિયામાં એ પાનખરના પત્તા જેવા પાનાને નાખીને એના સરનામે જાય એ રીતે મોકલી દીધા. ટપાલીને આપી દીધો એ પત્ર અને પછી ટપાલી એ પણ પૂછ્યું કે.
“સાહેબ આ જમાનામાં પણ પત્ર”
“પ્રેમના થોડીને જમાના હોય, ભાઈ”
જાણે ટપાલીને કઈ સમજાયું ન હોય તેવી સ્માઈલ આપીને તે પોસ્ટ ઓફિસમાં પોતાનું કામ કરવા લાગ્યો અને કરન ચાલી નીકળ્યો પોતાના ઘરના રસ્તે. ફોન ચેક કર્યો કે રીપ્લાય આવ્યો કે નહીં પણ પછી યાદ આવ્યું કે લાગણીના એ પત્રને થોડીને વોટ્સએપ પર મોકલ્યો હતો કે સીન થઈને તરત જ રીપ્લાય આવી જાય.
કલાક થઇ પત્ર પોસ્ટ કર્યો તેને, અને ત્યાં કોઈ એ ડૉરબેલ વગાડી અને મેં દરવાજો ખોલીને જોયું તો ટપાલી, પહેલા તો લાગ્યું કે પરબીડિયામાં સરનામું લખવામાં કૈક ભૂલ હશે.
ત્યાંજ ટપાલીએ તરત કીધું “સાહેબ તમારા માટે ટપાલ, તમારા જેવાં પત્ર પ્રેમી હશે ત્યાં સુધી પોસ્ટ ઓફિસ બંધ નહિ થાય સાહેબ”
તરત જ કરનએ નામ જોયું ક્યાંથી આવ્યો, કોણ હશે મને પત્ર લખવાવાળું? બહુ વિચાર ન કરતા તરત પરબીડિયું ખોલ્યું અને તે પત્ર હતો અમિતાનો. હૃદયના ધબકારા વધી ગયા હતા. કહી ના શકાય તેવી લાગણીનો મેળાવડો કરનના દિલમાં જમા થવા મંડ્યો હતો. પરબીડિયું ખોલીને તેણે અમિતાનો પત્ર વાંચવાની શરૂઆત કરી.
કરન કરન,
તરત કરનના મનમાં થયું કે આમ જયારે પણ બે વખત નામ લ્યે ત્યારે કૈંક નવાજૂની થઇ હોઈ. ઝડપથી ચાલતા ધબકારા સાથે આગળ પત્ર વાંચવાની ફરીથી શરૂઆત કરી.
ચિંતા ન કરતો, કંઈ જ નવા જૂની નથી થઇ. પણ હાં તારી એ જૂની યાદો દરરોજ નવી નવી રીતે આવી જ જાય છે. મારો પીછો નથી છોડતી. તારા છુટા પડ્યાના છ મહિનામાં જ મારી સગાઇ રાહુલ સાથે થઇ હતી. ત્યાર પછી લાગ્યું કે પ્રેમનો ઘા ભરાય જશે પરંતુ નહીં. હું તારા પ્રેમમાંથી નહોતી બહાર નીકળી શકતી કે રાહુલના પ્રેમમાં નહોતી પડી શકતી. પછી મેં રાહુલને આપણી બધી જ વાત કહી દીધી, અને તે બધું જ સમજી ગયો, તેણે મને ખાતરી આપી કે તે મારા પરિવાર સાથે આ બાબતે વાત કરશે અને મનાવશે.
બસ ત્યારથી છ મહિના સુધી લડતી રહી કે મારે લગન જ નથી કરવા કોઈ જોડે. મને ખબર નથી મારા ગયા પછી તારી ઝીંદગીમાં કોઈ હશે કે નહિ પરંતુ હું ફરીથી તારી ઝીંદગીમાં કોઈ વાવાઝોડું ઉભું નથી કરવા માંગતી. બસ તું ખુશ રહેજે મારો પ્રેમ તારી સાથે જ છે.
બસ માત્ર તારી,
અમિતા
તરત જ કરન એ પોતાનો પત્ર અમિતાને મળ્યો હશે કે નહીં તેની પરવાહ કર્યા વિના અમિતાને મેસેજ કર્યો
“કોફી શોપ મળીયે એક કલાકમાં”
સામેથી મેસેજ આવ્યો અમિતાનો “ઓકે”
તરત જ બન્ને પોતપોતાના ઘરેથી કોફી શોપ જવા નીકળી ગયા. જ્યાં પહેલી વાર મળ્યા હતા ત્યાં ફરી પાછા મળ્યા. આજે ફરીથી એ પીળી પાનખરમાં વસંત અને પ્રેમના ગુલાબી રંગો છવાય રહ્યા હતા.