સપનાની હુંફ
સપનાની હુંફ
એ રબ મુજે લે જા તેરે સાથ,
હમ તો ઉડતે પંછી હૈ તેરે,
યે ખુલ્લે આસમાન હી હમારી પહેચાન,
ખુલ્લે પંખ દે જા મેરે હાથ.
પોતે જે એન્જિનિરીંગનાં બીજા વર્ષમાં એન્યુઅલ ડે પર નાટક ભજવ્યું હતું તેનો વિડિયો નિરવ પોતાના લેપટોપમાં જોઈ રહ્યો હતો. પોતાના જ લખેલા એ લાસ્ટ મોનોલોગ “એ રબ” ને ફરીથી સાંભળીને તેની બધી જ ધૂળ ચડી ગયેલી યાદોને પોતે ખંખેરી રહ્યો હતો. એ સમયે ભજવેલા નાટકની ભીનાશ આજે નિરવની આંખમાં છલકાતી હતી. મનમાં આબેહૂબ એ વર્ષો જૂની સ્મૃતિ ફરીથી ઉપસી આવી હતી. શું દિવસો હતા એ, પોતે જ લખવાનું, અને પોતે જ ભજવવાનું. એ આખી રાત જાગીને લખેલી વાર્તા કે સ્ક્રિપ્ટ, એ રાતભર કરેલા રિહર્સલ અને નાટક ભજવાય ગયા પછી, એ તાળીયોના ગડગડાટ, એ પ્રેક્ષકોની વાહ-વાહી અને અભિવાદન. જે ઝીંદગી લોકોનો વિચાર માત્ર હોય તે ઝિંદગી પુરા જોશ -જૂનૂન સાથે નિરવ જીવતો હતો.
ક્યાં એ વાર્તામાં ખોવાય જતા દિવસો અને આજે 9 થી 5 માં માત્ર પસાર થઇ જતા દિવસો. રાત જાણે એમ જ થઇ જાય છે અને એ દિવસોમાં તો નાટકનાં પર્ફોર્મન્સ માટે આખો દિવસ એ રાતની થવાની ઉતાવળ રહેતી હતી. દિલ હજુ પણ એ રંગમંચ પર જ ધડકતું હતું પણ મનને પોતાની એ લેપટોપની સ્ક્રીન અને ખુરશી છોડવી ન હતી. ખિન્ન હતી પોતાની એ મિડલ-ક્લાસ ઝીંદગીની જવાબદારીઓ પર. જો પોતાના જોયેલા સપનાઓ સાથે જીવવા ન મળે એ ઝીંદગી શું કામની, પણ ભારે હૈયે એ જ કર્યે છૂટકો હતો જેમ ઝીંદગી કેહતી હતી. અમુક સમય આવે ત્યારે સપનાઓને ખંખેરીને અભેરાઈ પર ચડાવી દેવા પડતા હોય છે. ભલે દિલ ન માને, મન ન સાચવે પણ પરિવારને સાચવવા અને સમજાવવા માટે આ બધું કરવું પડતું હોય છે.
કેમ એવું હોય છે જે સપના જોયા હોય છે તેને કેમ નથી જીવી શકતા આપણે ? શું એ સપના પુરા કરવા માટે હિમ્મત ઓછી પડે છે, ધગશ અને ઇમાનદારી નથી હોતી ? આ બધું હોવા છતાં મજબૂરી અને જવાબદારી માણસને ફરજ પાડે છે પોતાના સપનાઓથી દૂર થવાની. બધું જ સાચું હોય ત્યારે પરિવારને સંભાળવાની જવાબદારી અને મજબૂરી માણસનાં મનમાં નિષ્ફળતાનો ડર ઉભો કરી દેતો હોય છે. અને અમુક લોકો એ ડરને ઉપરવટ થઇને પોતાની જોયેલી ઝીંદગી જીવતા હોય છે અને જેમનામાં હિમ્મત નથી હોતી એ લોકો જ્યાં આખું ગામ ભેગું થાય ત્યાં ઝીંદગીને ધક્કે ચડાવીને તડફડિયા મારીને જીવતા હોય છે. નિરવ તેવા લોકો જેવો ન હતો પણ સમયની માંગ હતી એ સમયે બસ તે એ જ પુરી કરી રહ્યો હતો.
કોર્પોરેટની નોકરી વાળી દુનિયામાં આવ્યા પછી પોતાની ઝીંદગીને એ જ નાટક સાથે મૂકી આવ્યો હતો. તેમાં તેનો પણ વાંક ન હતો, તે ભગવાન પાસે એ મોનોલોગમાં જે માંગતો હતો તેના કરતા વિપરીત જ ભગવાન તેને આપવાનો હતો. જે એ નાટક પૂરું થાય ને તાળિયોના ગડગડાટથી પોતાની ખુશી નો પાર ન હતો આંખ ખુશીથી ભરાય આવી હતી પણ ઘરે એ જ ખુશીનો ભાવ જે આંખ સહન નહિ કરી શકે અને તેના લીધે આંખના આંશુઓનો ભાવ બદલી જવાનો હતો.
“નિરવ આવજે ડિનર રેડી છે” મીરાંએ બહારના હોલમાંથી બૂમ પાડી પણ નિરવ પોતાની જૂની યાદો અને ક્યાં આજની ઝીંદગી એ જોવામાં મશગુલ હતો. મીરાં નિરવની ધર્મપત્ની. તેમના લગ્નેને એકાદ વર્ષ જેવું થઇ ગયું હતું. આમ તો મીરાં બી.એ. ગુજરાતીમાં સ્નાતક અને સાહિત્ય વાંચવાનો રસ પણ તેને ઘરકામ કરવામાં મજા આવતી. એટલે જ લગ્ન પછી તે કોલેજમાં ટીચરની નોકરી મૂકીને ઘરને સજાવવા અને પોતાનાઓને સાચવવામાં લાગી ગઈ.
એક-બે વાર બોલાવ્યા પછી પણ નિરવ ન આવ્યો, અંતે મીરાં રૂમમાં તેને બોલાવા ગઈ. આમ અચાનક મીરાંને આવેલી જોઈને નિરવએ ઝડપથી લેપટોપ બંધ કરી દીધું.
“હા હા ચાલ આવતો જ હતો” નિરવ ઝડપથી બોલી ગયો.
“શું કરતો હતો કેટલી વાર બોલાવ્યો, તો પણ સાંભળે કોનું”
“કઈ નઈ ચાલને, બસ મૂવી જોતો હતો”
આ રીતે નાની નાની વાતમાં મીઠી ખિજવણી-મજાક કરવાની ટેવ હતી મીરાંની અને નિરવ એટલી જ નરમાશ અને શાંતિથી જવાબ આપતો. જમવાનું પીરસાયું અને બધા શાંતિથી જમવા લાગ્યા. જેવું જમવાનું પત્યું એટલે નિરવ લેપટોપમાં મૂવી જોવાને બદલે ગૅલરીમાં હીંચકે જઈને બેઠો. બસ એ જ મોકાનો ફાયદો ઉઠાવીને મીરાં રૂમમાં જઈને લેપટોપમાં નિરવ શું કરતો તે જોવા જાય છે. કોઈ શંકાને લઇ ને નહિ પણ બસ નિરવના ચેહરા પરના એ ભાવ જોઈને કે કશુક ખુંચતું હતું નિરવને.
વીડિયો અધૂરો હતો અને ચાલુ કર્યો, નિરવે ભજવેલા નાટકનો છેલ્લો મોનોલોગ “એ રબ” નો સીન ચાલતો હતો. મીરાંએ નિરવને નાટક કરતો જોયને નવાઈ લાગી હતી. કેમ કે ક્યારેય પોતે જણાવા ન દીધું કે પોતે એકટિંગ કરી શકે અને પેહલા કોલેજના દિવસોમાં પોતે નાટક કરતો હતો. કેમ કે નિરવ પોતે શાંત રહેતો હતો અને ક્યારેય ફિલ્મી મજાક મશ્કરી કરતો ના હતો. પોતે પોતાનામાં જ ખોવાયેલો રહેતો હતો. ખુશ રહેતો અને ઘરનાં બધાંને ખુશ રાખતો.
ફટાફટએ 10-15 મિનિટના સમયગાળામાં નાટકની 2-3 ક્લિપ જોઈ લીધી હતી. અને જ્યાં ગૅલરીમાં નિરવ બેઠો હતો ત્યાં હીંચકે તેની પાસે જઈને બેઠી.
“શું કરે છે” મીરાએ થોડી મજાકમાં કહ્યું.
“માથું તારું” સામેથી નિરવે એવી જ રીતે થોડી મીઠીથી નારાજગીથી જવાબ આપ્યો.
“કાલનો શું પ્લાન છે”
“જઈશું ક્યાંક”
“હું કવ”
“હા બોલ”
“મુવી અને બહાર જમવા તો દર વખતે જય એ જ છીએ. તો કાલે કૈક નવું કરીએ”
“હા બોલ ને શું કરવું છે તો”
“નાટક જોવા જઈએ ઑડિટોરિયમમાં”
“નાટક ?” નિરવને નવાઈ લાગી, તને વળી આવું કેમ સૂઝ્યું?”
“લે બસ એમ જ મારા ફેવરિટ લેખક ચંદ્રકાન્ત બક્ષીનુંના નાટક છે. “હું ચંદ્રકાન્ત બક્ષી” એટલે”
“પણ નાટક, બક્ષીસાહેબની કોઈ બુક વિષે કલાકો વાતો કરતા સાંભળી છે પણ ક્યારેય કોઈ નાટક વિષે વાત કરતા નથી સાંભળી”
“નાટક વિષે વાત કરતા તો મેં પણ તને નથી સાંભળ્યો નિરવ”
“એટલે”
“નાટકનું કીધું એમાં શું આટલું પૂછ પુછ કરે, આમ તો ક્યારેય કઈ સવાલ નથી કરતો”
“હા પણ હવે જશું એમાં આટલો ગુસ્સો શું કરે”
“અરે એ તો આમ જ તને હેરાન કરવા”
“ઓહો સારું લે” નિરવે કઈ લાબું વિચાર્યું નહિ તેને મનમાં એમ હતું કે મીરાંને સાહિત્યમાં રસ છે એટલે કીધું હશે.
પણ એ હકીકત જાણતો ન હતો કે ભૂતકાળની જ યાદોને હમણાં જ વાગોળી એ યાદોંને વધારે ઘાટી કરવાની હતી મીરાં. કદાચ મીરાં નિરવનાં સપનાઓને ફરીથી જગાડવાની હતી. ફરીથી સપનાઓનું વાવેતર કરવાની હતી મીરાં. જે સપના વિષે નિરવ માત્ર પોતે જ જાણતો હતો એ વાતને આખા જગ સામે લઈ જવાની હતી મીરાં. નિરવને પોતાના દિલમાં ધરબી દીધેલા સપનાઓને ખોદી ને હવે તેના પર ઘર બાંધવાની હતી મીરાં. વર્ષોથી નિરવ જે દિલમાં સમાવીને બેઠો હતો એ હવે મીરાં નિરવ પાસેથી જ સાંભળવા માંગતી હતી. કેમ પણ કરીને પણ મીરાં નાટક દેખાડીને પણ જો નિરવ નાટકની વાત કરે એ પોતાના એ સપના વિશે વાત કરે, એવું કરવું હતું મીરાંને એટલે જ તેને આ નાટક જોવાનો પ્લાન બનાવ્યો.
સવાર પડી અને રાબેતા મુજબના કામ પતાવીને ચા-નાસ્તો થયો. રાતે નક્કી થયું હતું તેમ નિરવ અને મીરાં શહેરના ઑડિટોરીયમમાં નાટક જોવા જવા માટે તૈયાર હતા.
“ચાલ ને હવે નીકળીએ” નિરવે થોડી ઉતાવળ દાખવતા કહ્યું.
“ઓહો આટલી બધી ઉતાવળ” મીરાં એ તેની ટેવ મુજબ ખાટી- મીઠી વાતને છેડી .
“ત્યાં શૉ ચાલુ થઇ જશે”
“તને શું ફેર પડે થોડોક મિસ થઇ જાય તો, નાટકમાં એવો બધો શોખ ક્યાં છે તને”
“એવું કઈ નહિ પણ એ ના મજા આવે થોડું પણ છૂટી જાય તો”
બસ આવી જ ઉતાવળમાં એ વાતોમાં નિરવનો નાટક અને થિએટર પ્રત્યેનો પ્રેમ છતો થતો હતો. મીરાં થોડું-ઘણું જાણતી હતી અને બાકીનું નિરવના મોઢે જ સાંભળવા માંગતી હતી.
“ચાલ રેડી”
બંને નીકળ્યા પોતાના બાઈક પર અને ઑડિટોરિયમમાં પોહ્ચ્યા. જોયું તો પાર્કિંગ થોડું ખીચોખીચ ભરેલું હતું.
“જો તને કીધું હતું ને કે મોડું થઇ જશે, હાઉસફુલ થઇ ગયું લાગે છે”
“ના ના ચાલને મળી જશે ટિકિટ, હવે લપ કરીને કોણ મોડું કરે છે”
નિરવ પોતાનું બાઈક પાર્ક કરીને ટિકિટબારી એ જાય છે.
“ભાઈ 2 ટિકિટ નાટકની”
“લ્યો સર લાસ્ટ 2 જ હતી, આગળની છે ચાલશે ને”
“અરે ચાલશે આગળની જ જોતી હતી, નાટકમાં બાલ્કની ટિકિટનું શું કામ”
ઉતાવળ અને ઉત્સાહ છલકાતો હતો અને બન્ને ઑડિટોરિમમાં પ્રવેશ કરી પોતાની સીટ શોધીને બેઠા. સ્ટેજથી ત્રીજી હરોળમાં જ જગ્યા મળી ગઈ અને આગળ જગ્યા મળવાને લીધે જે ખુશી થઇ એ સાફ-સાફ નિરવના ચેહરા પર દેખાતી હતી. નાટક શરુ થવાંને બસ ૫ મિનિટ જેટલો ટાઈમ હતો.
“હાશ!!, આગળની સીટ મળી ગયી, પાછળ હોત તો ડાયલોગ જ ના સંભળાત”
“તને ભારે ઉત્સાહ છે આજ નાટકનો, નાટક જોવાની ઈચ્છા મારી હતી પણ ખુશ તું વધારે થાય છે, શું નાટક માં અભિનય કરવાની ઈચ્છા લાગે છે”
“અભિનય ? હવે શું છે” જવાબ આપતા નિરવના અવાજમાં ભીનાશ અને ચેહરા પર ભૂતકાળ નીતરતો હતો.
“તો, પહેલા કરતો કે ?” મીરાં, નિરવનાં સપના જગાડવા માટે પુરી કોશિશમાં હતી.
“ના હવે, જો હવે પડદો ખુલવાની તૈયારીમાં છે”
પડદો ખુલ્યો નાટકની શરૂઆત થવાની હતી અને બધા પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા.
નાટકની શરૂઆત થઇ ચુકી હતી, જે નાટકના પાત્રના અભિનય પરથી શીખીને પોતે નાટક કરતો થયો એ જ બધા સીન હવે તેની સામે જ થવાનાં હતા. જે લેખકના શબ્દોને વાંચ્યા તે જ શબ્દોની સુવાશ અભિનય થકી આખા ઑડિટોરિયમમાં ફેલાતી હતી. જેમ જેમ નાટક આગળ વધતું હતું, તેની તીવ્રતા પકડાતી હતી તેમ તેમ નિરવનું ભૂતકાળ ધીરગંભીર રીતે તેનામાં આકાર લઇ રહ્યું હતું. અને મીરાં નાટક કરતા વધુ નિરવનાં ચેહરાનાં ભાવ ને જોતી હતી. જેમ રામના ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં ઉજાશ અને ઉજાણી છવાયી હતી તેમ જ નિરવ પોતાના ભૂતકાળના નાટકની ઝીંદગી પાછી મળી હોય તેમ ઉજાસ અને ચમક છવાયેલી હતી.
મીરાં જાણતી હતી કે નાટક પૂરું પછી આ તીવ્રતા શાંત થઇ જવાની છે કાલે સોમવાર થશે અને વળી નિરવ એ જ ૯ થી ૫માં ખોવાઈ જશે એટલે આ સળગેલી આગમાં વધારે ઘી કેમ ઉમેરવું અને આગળ શું કરવું એ બધું જ મીરાં વિચારી રહી હતી. નિરવનાં ચેહરા પર નાટક છોડ્યાનો અફસોસ પણ ક્યારેક ડોકિયું કરી જતો હતો. નાટકની એક એક પળને તે જીવતો હતો, તેનું ધ્યાન તેની બાજુમાં બેઠેલી પોતાની જીવનસંગીની પર પણ જતું ન હતું. પાત્રોના ઈમોશનને પોતાની અંદર સમાવી લીધા હતાં. બક્ષી સાહેબના પાત્રમાં અભિનય કરી રહ્યો હતો તે બક્ષી સાહેબની એક એક ખૂબીને નિભાવી રહ્યો હતો. બક્ષી સાહેબ ની જેમ જ તેનું પાત્ર એકદમ કોન્ફિડેન્ટ, બધાથી અલગ, આખાબ
ોલું, અને થોડું એવું ગુમાની હતું. આ બધી છટાને કલાકાર પુરેપુરો ન્યાય આપી રહ્યો હતો. નાટક પૂરું થવાની અણી પર હતું. અને બક્ષી સાહેબની છટામાં જેવું “ઇટ્સ અ લાર્ક” બોલાયું અને નાટકનો પડદો પડ્યો એ જ ક્ષણે ભાન ભૂલીને નિરવ ઉભા થઇને ચિચિયારી અને તાળીયોના ગડગડાટથી કલાકારોને વધાવવા લાગ્યો. તાળીયો બંધ થતી ન હતી.
“ઓહો બહું મજા પડી” મીરાંએ ઉભા થઇને નિરવની જરાક નજીક જઈને કીધું.
“હા ખરેખર, બહું સરસ કામ કર્યું તે નાટકનો પ્લાન બનાવીને”
“અબ, આગે આગે દેખ હોતા હૈ ક્યાં”
“એટલે ?”
“કાંઈ નઈ ચાલને ઘરે, મમ્મી એકલા છે.”
નાટકનો શૉ પૂરો કરી મીરાં અને નિરવ પોતાનાં ઘરે જાય છે. ઘરે પહોંચ્યા અને મમ્મી જમવાનું બનાવતા હતા, તરત જ મીરાં મદદ કરાવા લાગી અને નિરવ ફ્રેશ થવા પોતાના રૂમમાં ગયો. થોડીવાર થજમવાનું તૈયાર થઇ ગયું. બધા જમવા બેઠાં.
“જોઈ આવ્યા નાટક ?” મમ્મીએ જમતા- જમતા વાતની શરૂઆત કરી.
“હા હો ?”મીરાંએ જવાબ આપ્યો.
“મજા આવી ?”
“હા મને તો ગમ્યું પણ મારા કરતા વધારે નિરવ મજા લેતો હતો. જાણે કેમ એ જ પોતે નાટકનું પાત્ર હોય.” મીરાંએ હાથનો ઈશારો નિરવ તરફ કરતા જવાબ આપ્યો
“કોલેજમાં કરતો જ એ નાટક”
“છોડ ને મમ્મી” નિરવ આડી વાત નાખીને વાત પલટાવતાં કહ્યું.
“ના ના કહોને મમ્મી, મને તો ક્યારેય વાત નથી કરી.”
“તો તો તારા નાટકની ક્લિપ્સ હશે ને”
“હવે કોલેજમાં નાટક જોવા આવતા શૂટ કોણ કરે, એ પાંચ વર્ષ પેહલા” નિરવ નાટકની કોઈપણ વાત ટાળવા માંગતો હતો.
“ખોટું નઈ બોલ, કાલ રાતે જ મેં વીડિયો જોયા, હા હા હા (થોડું મજાકમાં હસી) , વાઈટ ઝભ્ભો પેહરીને ઉંચા હાથ કરીંને કૈક 'એ રબ' એ મોનોલોગ બોલતો હતો.” મીરાંએ મજાકમાં કીધું.
“હા એ થોડા ઘણા છે, સારા હતા એ નાટકોની ક્લિપ્સ રાખી મૂકી છે મેં”
“મને બીજા પણ જોવા છે”
“હા ફ્રી થઈને જોઈ લે જે”
બસ આમ જ વાતો કરતા-કરતા બધા એ જમવાનું પતાવ્યું અને નિરવ પોતાના રૂમમાં ગયો. મીરાં અને મમ્મી ઘરનું કામ પતાવવા લાગ્યા. થોડીવારમાં કામકાજ થઇ ગયું અને મીરાં પણ નિરવ પાસે ગઈ.
“શું કરો છો કલાકાર”
“એ જા ને કલાકાર વાળી”
મીરાં હવે નિરવનાં કલાકાર જગતની વાત છેડવાની હતી. ભલે સ્નાતક થઇને ઘરકામ કરતી હોય પણ તેને સપનાની કિંમત ખબર હતી. સપનાનું દૂર થવું એ કદાચ પોતીકાથી દૂર થવા કરતા પણ વધારે દુઃખદાયક હોય છે. જે નિરવે છોડ્યું હતું ભલે કોઈ પણ કારણસર પણ હજુ નિરવમાં ખંત છે કે એ પોતાના સપનાઓને જીવી શકે.
આ એક વર્ષના લગ્ન જીવનમાં મીરાં એટલું તો જાણી ગઈ હતી કે નિરવ આ કોર્પોરેટ વર્લ્ડ માટે તો નથી જ બન્યો. ભલે એન્જિનિરીંગનું જ્ઞાન છે એ કઈ પણ કરી શકે આ ફિલ્ડમાં પણ નાટક કરવા, એકટિંગ કરવી એ એક એનું અભિન્ન અંગ હતું. જોબ એનું પેટ ભરે છે પણ જયારે એ ફુલ-ટાઈમ થીએટર અને નાટક કરશે તો એ તેના પેટની સાથે દિલ પણ ભરાશે.
“એકટિંગ આટલી બધી ગમતી તો કેમ છોડી દીધી“ મીરાં હવે પુરી તૈયારીમાં હતી. સવાલની હારમાળા શરુ થવાની હતી.
“છોડી નથી, પણ સમયની સાથે ચાલવા માણસ પોતાની પસંદગી, સપનાઓ બદલતો રહેતો હોય છે”
“પણ આ એકટિંગનું સપનું તો હજુ એવુંને એવું જ તાજું જ છે, આજે ઑડિટોરિયમમાં જોયો મેં નાના છોકરાઓ જેવો તરવરાટ, આપણા સપનાના સાકાર કરવા પેહલા પગથિયે ચડવાની શરૂઆત કરી હોય એવી જ તાજગી અને ઉત્સાહ” મીરાં નિરવને પોતાના છૂટી ગયેલા સપનાઓની અનુભૂતિ કરાવવા માંગતી હતી.
“બસ એક મનોરંજનની દુનિયા જોવા ગયો હોય એમ મેં એ નાટકનો આનંદ માન્યો. ચંદ્રકાન્ત બક્ષીને મેં પણ વાંચ્યો એટલે તેમની જ જીવની ને રંગમંચ પાર જોવા ગયો બસ. અને હા કલાકાર સારું કામ કરે તો બિરદાવો જોઈએ, એ જ મેં કર્યું, કેમ કે એક ટાઈમે હતો ત્યારે આ જ પ્રેક્ષકગણ મને બિરદાવતો”
નિરવ પણ તાર્કિક દલીલોમાં ઉણો ઉતરે એવો ના હતો. એને સમજી હતી આ દુનિયાને, જવાબદારીઓનો ભાર પણ સહન કર્યો હતો એટલે હવે તે ઘડાય ગયો હતો. એ સમયની સાથે સાચા ખોટાનો ભેદ સારી રીતે પારખી ગયો હતો. શું કરવું અને શું ના કરવું એ પણ ખબર હતી. પરિસ્થિતિ મુજબ એ પણ સાચો જ હતો.
“સપનાઓ સાથે જીવવાના અને એમ જ જિંદગી કાઢી નાખવાના ભેદને હું સમજુ છું નિરવ”
“પણ હવે બધું બરાબર ચાલે છે ને મીરાં, જોબ છે, ખાધે-પીધે અને ફરવામાં સુખી છીએ, બીજું શું જોઈએ હવે”
“પણ દિલ જ બરાબર ન ચાલતું હોય તો”
મીરાંના સવાલોનો હવે કોઈ જવાબ નિરવ પાસે ના હતો. એક અજીબ ખામોશી ફેલાઈ ગયી હતી. નિરવને હવે ગૂંગળામણ થવા મંડી હતી મીરાની સાચી વાતોથી એટલે નિરવ રૂમમાંથી નીકળીને બહાર જવા ગયો.
“સપનાને છોડીને ચાલ્યા જવાથી માત્ર અફસોસ રહી જાય છે નિરવ”
સાંભળ્યું ના સાંભળ્યું કરીને નિરવ ઘરની બહાર નીકળી ગયો. મીરાં પણ જિદ્દી હતી એમ સહેલાઇથી વાત મુકશે નહિ. બપોરેનો બહાર નીકળી ગયેલો નિરવ રાતના મોડેથી આવ્યો. મીરાં જાણતી હતી એ કઈ આડુંઅવળું નહિ કરે, વધુમાં વધુ એ શહેરની સેન્ટ્રલ લાયબ્રેરીમાં જઈને બેઠો હશે. અને તેની વાતની ચોક્કસ અસર થઇ હશે.
“તારે જવાબ જોઈ છે ને કેમ મેં નાટકો છોડી દીધા” કોઈ કઈ પણ બોલે તે પેહલા નિરવ મીરાં જ્યાં બેઠી હતી ત્યાં બાજુમાં આવીને સીધો જ આ સવાલ કર્યો. જાણે એ મીરાના જવાબ શોધવા જ બહાર ગયો હોય.
“હું બીજા વર્ષમાં હતો કોલેજમાં, જયારે “એ રબ” નાટકની હું તૈયારી કરતો ત્યારે મેં નક્કી કરી લીધું કે નાટક અને થિએટર મારી કારકિર્દીની પ્રાથમિકતા હશે, ઇજનેરી અભ્યાસ મારો બીજો રસ્તો હશે. આ નાટકને સૌથી સારો પ્રતિભાવ મળ્યો હતો અને શૉ પૂરો થયો અને ઘરેથી ફોન આવ્યો દીદીનોં” મીરાં ઉતાવળી હતી વાત જાણવા, પાપા નથી એ ખબર હતી પણ કેવા સંજોગોમાં એ છોડીને જતા રહ્યા એ માત્ર મમ્મી અને નિરવ જ જાણતા હતા.
“નિરવ તું જલ્દી વોકહાર્ટ હોસ્પિટલમાં આવી જા પાપાને હાર્ટ-એટેક આવ્યો છે. બસ ત્યારે એ જ ક્ષણે હું તાળીઓના ગડ્ગડાટની વચ્ચેથી મારી ભીની આંખોને લઈને નીકળી ગયો. હું કોઈને જણાવ્યા વગર ત્યાંથી નીકળી ગયો હતો”
હું હોસ્પિટલ પહોંચ્યો, પાપા આઈસીયુમાં અને મમ્મી સામે બેન્ચ પર સુનમુન બેઠી હતી. ક્યારેય આવી મોટી બીમારીનો સામનો કરવો નહોતો પડ્યો અને અમે ટેન્શનમાં આવી ગયા હતા. તે સમયે આપણી હાલત પૈસેટકે પણ થોડી ખરાબ હતી અને મિડલ ક્લાસ લોકો એટલે બધું એકલા હાથે કરવાનું હતું. એ સમયે પાપા એકલા જ હતા કમાવા માટે.
એક અઠવાડિયું હોસ્પિટલમાં હતા અને આખરે ડૉક્ટરએ કહી દીધું “આઈ એમ સોરી"હવે મારા હાથમાં કઈ નથી ભગવાન જ બચાવી શકે” બચત બધી પાપાની ટ્રીટમેન્ટમાં જતી રહી હતી અને એનાથી પણ વધારે જે વર્ષોથી અડીખમ ઉભો રહીને પરિવારને છાંયડો આપતો એ વડલો જ કપાય ગયો અને અમને ઝિન્દગીનાં તડકામાં એકલો મૂકીને ચાલ્યો ગયો. 3-4 લાખનું દેણું હતું માથે અને હવે કમાવાવાળું કોઈ જ ના હતું. સરકારી કોલેજમાં હતો એટલે એ ફીનો નજીવો ખર્ચો હતો, પાપાના અચાનક છોડીને જવાથી હવે રોજ નું રોજ કરીને ખાવાના દિવસો આવી ગયા હતા.
બંનેની આંખોંમાં પાણી આવી ગયા હતા અને હવે નિરવ તૂટી જાય એવો ન હતો પાપાના ગયા પછી એકલા હાથે મેહનત કરીને બધું ઉભું કરી લીધું હતું
“બસ એ જ દિવસે નક્કી કરી લીધું હતું કે આ નાટક મને મારા પરિવારનું ગુજરાન ચાલે એટલું નહિ આપે. અને બક્ષી સાહેબના કહેવા પ્રમાણે જે કલાથી તમારા પરિવારને ચણા ફાકીને જીવવું પડે એમાં કોઈ જ કલા નથી. ત્યારે ઓળખાણથી નોકરી શોધી લીધી અને અડધો દિવસ કોલેજ અને અડધો દિવસ નોકરી. મારો ખર્ચો હું જાતે જ કાઢી લેતો એટલે ઘરેથી પૈસા માંગવા ન પડે. બન્ને બહેન પણ ઘરે જ હતી એટલે એ પણ એમનાથી થતું કામ કરીને ઘરખર્ચ નીકળી જતો. મારુ તો નક્કી હતું કે એન્જિનિરીંગ પૂરું કરીને સારી જોબ મેળવવી જેથી 2-4 વર્ષમાં માથે રહેલું દેણું નીકળી જાય બધા સુખેથી રહી શકીએ. એ સમયની પરિસ્થિતિ અને સંજોગોને લઈને મેં નાટકો છોડવાનું નક્કી કર્યું, કેમ કે ત્યાંરે આમ જ કરવું મને સાચું લાગ્યું અને મારા સપનાને એકબાજુ એ મૂકીને પરિવારને ખુશ રાખવો એ જ સપનું બની ગયું.
એકદમ અવ્યવસ્થિત અકળામણ વાળી શાંતિ છવાઈ ગયી હતી. બંનેની આંખના આંસુ પલકારા પર ડોકિયું કાઢીને બેઠા હતા પણ બન્ને ઘડાયેલા હતા એટલે પરિસ્થિતિને સાંભળવાની સમજ પણ હતી.
“પણ હવે, હવે તો તારા એ સપનાને તું પૂરું કરી શકે ને જે તારા દિલમાં હજુ ધબકે છે” ચાલ હું સમજુ છું કે તારી એ પરિસ્થિતિને મુજબ તે સાચું કર્યું પણ હવે તો થઇ શકે ને સપનું સાકાર. નોકરી મૂકીને તું ફુલ-ટાઇમ લાગી જા થિએટર અને નાટકમાં.
“હવે જે ચાલે છે બરાબર છે તે” નિરવ નાહકની નામંજૂરી દર્શાવતો હતો.
“નથી બરાબર ચાલતું નિરવ, હવે શેનો ડર છે તને”
“હજુ ઘર તો ચલાવવાનું જ ને”
“હું છું ને, હું ફરીથી કોલેજમાં ટીચીંગની જોબ જોઈન કરી લઈશ”
“ચાલે છે ને આ જોબ, સારી એવી કમાણી છે, અને થિએટરમાં હજુ મને ઉપર આવતા વાર લાગશે વળી પાછી પ્રેકટીસ.”
“ભલેને આખી ઝીંદગી નીકળી જાય પણ છેલ્લા દિવસોમાં રંજ તો નહિ હોય કે મારા હાથમાં હતું અને મેં જતું કરી દીધું. તે ત્યારે ઝીંદગીનો વિશ્વાશ કર્યો તો ને હવે આજે મારો કરી જો. હું કહું છું ને જોબ મૂકી દે અને ચડી જા સપનાની બસમાં. જે કઈપણ થશે એના માટે હું છું ને. ઘડીવાર આ સમાજ નો વિચાર ના કરતો એ શું કહેશે જો હું કામ કરીશ તો એવું ના વિચારતો. તારી ખુશીમાં મારી ખુશી છે”
“પણ હવે નહિ થાય”
“કેમ નહિ થાય મને તું નાટક ન કરી શકવાનુ એક કારણ આપ હું તને નાટકો કરવાના હજાર કારણો આપું.”
નિરવ અર્જુનની જેમ હારેલો હતો અને મીરાં કૃષ્ણની જેમ તેને જીવવા અને જીતવાનું શીખવી રહી હતી. નિરવને સપનાની અનુભૂતિ કરાવ્યા પછી હવે મીરા પોતે ઝિદ છોડવા તૈયાર ના હતી. એ રાત નિરવ માટે અંતિમ રાત હતી પોતાના સપના માટે હવે જીવવું કે વળી એ ધૂળ જેવી ઝીંદગીને પસંદ કરવી. આખી રાત પડખા ફરીને પોતે વિચારતો રહ્યો મીરાની વાતને. મીરાંની વાત પણ સાચી હતી.
આખરે મન અને દિલની લડાઈમાં દિલ જીતી જ ગયું કેમ કે નિરવના સપનામાં ઈમાન અને ખંત હતા. સવારના ૪ વાગ્યા સુધી રાહ જોયી આ નિર્ણય લેવાની. પોતાનું લપટોપ ચાલુ કરી મહિનાઓ પેહલા ડ્રાફ્ટ કરેલો રીઝાઈન લેટર આખરે કંપનીવાળાને મોકલી દીધો હતો. બસ હવે કાળા વાદળ દૂર થઈને ચમકો સુરજ ઉગવાને થોડી જ વાર હતી.અને કિશોર કુમારનું ગીત “રુક જાના નહિ તું કહી હાર કે” કાનમાં ગુંજી રહ્યુ હતું.