તને મેં ઝંખી છે
તને મેં ઝંખી છે
" રાજન ! ક્યાં છો ? આમ મઝધારે મૂકીને ક્યાં ગયા ? કશું કહ્યું નહીં ! કોઈ વાત પણ ન કરી, શહેર છોડીને જતા રહ્યા ? " માનસી મનમાં ને મનમાં આવી, જાત સાથે વાતો કરતી હતી.
એક જ શહેર અમદાવાદ, અને એક જ સ્કૂલમાં નાનપણથી સાથે જ 1 થી 12 ધોરણ ભણ્યા, રાજન રાજપૂત કૂળનો અને માનસી બ્રાહ્મણ કૂળની. બંનેમાં પાક્કી મિત્રતા. ધોરણ 12 પછી પણ મેડિકલ કોલેજમાં બંનેને સાથે જ એડમિશન મળ્યું અને એમ.બી.બી.એસ.માં બંને સાથે જ ભણ્યા.
નાનપણની મિત્રતામાં ધીરે ધીરે પ્રેમનાં અંકૂર ફૂટવા લાગ્યા. જેની બંનેને ખબર પણ ન પડી. કાયમ સાથે ને સાથે ભણતા, મસ્તી તોફાન, મારામારી, એકબીજા પર ગુસ્સો કરવો, એકબીજાને મદદ કરવી, રાહ જોવી, એક બીજાની ખુશીમાં ખુશ થવું, એકબીજાની ચિંતા કરવી. દુઃખમાં દુઃખી થવું, સાથે જ સ્કૂલ-કોલેજમાં નાસ્તો કરવો, અને ભણવાની વાતો કરવી, ચર્ચા કરવી, શીખવું- શીખવવું, પરીક્ષામાં માર્ક વધારે લાવવાની હરીફાઈ કરવી, રાજનને માનસી વગર બિલકુલ ન ગમે. બંનેની નિર્દોષ મસ્તી તોફાન ક્યારે પ્રેમમાં બદલાઈ ગયા, ક્યારે એકબીજાને મન-વચન-કર્મથી એક થવાના કોલ આપી દીધા. કોઈને ખબર ન પડી. જાણે બધું ચિત્રપટની જેમ, એમ જ બની ગયું.
" માનસી ! તને મેં ઝંખી છે. આમ તો તું નાનપણથી જ મારી સાથે ને સાથે જ છે. બસ, રોજ રાતે જ તું દૂર હોય, શાળા સમય કે કોલેજ સમય બાદ પણ બસ તને મળવાનું મન થતું. તારી સાથે જ વાતો કર્યા કરવાનું ગમતું. ઘર-પરિવારની થોડી ચિંતા અને પાબંદીને કારણે ઘણી વાર તને મળવાની રાતે ઈચ્છા થઈ આવે તોય તેને દાબી દેતો. તું એટલી બધી ગમતી કે આખા દિવસની તારી બધી જ વાતો, અદાઓ, તારુ ખિલખિલાટ હસવાનું, હું રાતે યાદ કરતો. આમ રોજ રાતે તમે ઝંખતો, કે કાશ ! તું મારી પાસે હોત તો..! રોજ આકાશનાં ચાંદને તારી ખબર પૂછતો, અને તારી વાતો કરતો. " રાજને આ બધી વાત એક દિવસ હિંમત કરીને માનસીને જણાવી. પોતાના પ્રેમને વ્યક્ત કર્યો. માનસીને પોતાના બાહુપાશમાં સમાવી તેના કપાળ પર ચુંબન કર્યું. કહ્યું : "માનસી ! સાચે જ તને મેં ઝંખી છે. હું તારા વિના સાવ અધૂરો છું. મને છોડી ક્યાંય ન જતી."
માનસી આજે એકલી એકલી રાજનની આ વાતો વાગોળીને રાજનનાં ક્યાંક ગાયબ થઈ જવાથી હેરાન પરેશાન છે. શહેરમાંથી તેનું આખું પરિવાર જ ઘર ખાલી કરી જતું રહ્યું હોવાથી રાજન ના કોઈ સમાચાર તેને મળતા નથી.
માનસી 50 વર્ષની થવા આવી. દવાખાનામાં પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી સહુનું ભલું ઈચ્છતા પોતાનો ધર્મ નિભાવી દર્દીની સેવા કરતી. સાવ એકલી પડી ગઈ. માતા-પિતાએ ઘણું સમજાવી. આખરે એ દીકરીનું ઘર વસાવવાની અધૂરી ઈચ્છા સાથે સ્વર્ગવાસી થઈ ગયા. માનસી રાજનના એક જ શબ્દને પોતાનો જીવનમંત્ર બનાવી જીવન વિતાવી રહી છે, કે- " મેં તને ઝંખી છે." કોઈ સાચો પ્રેમ કરનાર અને નાનપણનો સાથી મિત્ર, સદાય પોતાની ઝંખના કરતો વ્યક્તિ કીધાં વગર ક્યાં ગયો તેની માનસીને જાણ નથી. તેનાં મનમાં બસ એક જ વાક્ય ગૂંજે છે, "મેં તને ઝંખી છે. "
સાચી ઝંખના તો માનસીએ રાજન માટે સેવી ગણાય, તેનો પવિત્ર પ્રેમ સમાજનાં રીત રિવાજો અને પરિવારનાં બંધનની બલી ચડી ગયો હતો.

