Shobha Mistry

Classics Inspirational

4.7  

Shobha Mistry

Classics Inspirational

થેન્ક યુ ટીચર

થેન્ક યુ ટીચર

5 mins
468


આજે સવારથી સુધાબેનના મોબાઈલ પર સતત રીંગ ચાલુ જ હતી અને કેમ ન હોય ? આજે એમનો જન્મદિવસ હતો. જિંદગીના ચાળીસ વર્ષ શિક્ષણ ક્ષેત્રે વિતાવનાર સુધાબેનના હાથ નીચે કંઈ કેટલાય બાળકો ભણી ચૂક્યા હતાં. છેલ્લાં પાંચ સાત વર્ષથી તો ભણી ચૂકેલા બાળકોની બીજી પેઢી એમની પાસે ભણવા આવતી હતી. એનું એકમાત્ર કારણ હતું સુધાબેનનો સ્વભાવ અને એમની અનોખી પદ્ધતિ. એમનો પિરિયડ હોય તો કોઈ બાળકો ન અવાજ કરે ન વર્ગમાં તોફાન કરે. 

નોકરીમાં લાગ્યાં ત્યારથી બધાં બાળકોના એ પ્યારા સુધાટીચર બની ગયાં હતાં. બાળકો સાથે સાથે વાલીઓના પણ એ માનીતા સુધાટીચર હતાં. છેલ્લા વર્ષોમાં તો ઘણાં વાલીઓ પોતાના અંગત પ્રશ્નોની ચર્ચા પણ સુધાટીચર સાથે કરતાં અને સુધાટીચર પણ એવાં પ્રેમાળ કે એ જુવાન વાલીઓને પ્રેમથી જીવનની આંટીઘૂંટી સમજાવતાં અને એમના મનનું સમાધાન કરતાં. પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતાં વાલીઓ તેમને પ્રેમ અને લાગણીથી "થેન્ક યુ ટીચર" કહેતાં. અઠ્ઠાવન વર્ષે સેવાનિવૃતિ પછી પણ શાળા મેનેજમેન્ટે તેમને બે ત્રણ વર્ષ નોકરી પર ચાલુ રહેવા કહ્યું પણ થોડીક શારીરિક તકલીફો અને થોડી સામાજિક જવાબદારીને કારણે એમણે ના પાડી. 

સેવાનિવૃતિ પછી પણ એમના ભૂતકાળના શિષ્યો અને વાલીઓ તેમને અવારનવાર મળવા આવતાં. વિદેશ રહેતાં તેઓ એમની સાથે વોટ્સએપ અને ફેસબૂકથી જોડાયેલાં હતાં. તેઓ પણ અવારનવાર પોતાની સમસ્યા માટે સુધાટીચરનો સંપર્ક કરતાં. આજે એમના જન્મદિવસને કારણે સતત એમનો મોબાઈલ રણકતો રહેતો હતો. ઘરના પણ કહેવા લાગ્યાં, "ભાઈ, સુધાનો તો વટ પડે. આટલી શુભેચ્છા તો આપણા કોઈના જન્મદિવસ પર પણ નથી આવતી."

આરામ ખુરશીમાં બેસી પોતાના ભૂતકાળમાં ડોકિયું કરતાં સુધાબેનનું ધ્યાન બેલના અવાજથી તૂટ્યું. કોઈ દેખાયું નહીં એટલે એમણે જ ઊભા થઈ બારણું ખોલ્યું. તેવી જ એક યુવતી અંદર ધસી આવી અને સુધાબેનને, "થેન્ક યુ ટીચર, થેન્ક યુ ટીચર" કરતી વળગી પડી. અત્યાર સુધીમાં એમની પાસે હજારો બાળકો ભણી ચૂક્યાં હતા. એટલે એમને એકદમ ઓળખાણ ન પડી. 

"અરે,અરે ! બેટા. તું કોણ છે ? તારી ઓળખાણ તો આપ. પછી થેન્ક યુ ટીચર કહેવાનું કારણ જણાવ."

 "ટીચર, મને ન ઓળખી ? હું મીરા શર્મા."

"અરે દીકરા! તું જ્યારે મારી પાસે ભણતી હતી ત્યારે બાર તેર વર્ષની હતી. હવે તું એક યુવતી બની ગઈ છે. વચ્ચેના સમયમાં આપણે મળ્યાં જ નથી. તો હું તને કેવી રીતે ઓળખું ? ચાલ, હવે પહેલાં તો શાંતિથી બેસ અને પછી મને વિગતે વાત કર."

"ટીચર, સૌથી પહેલાં તો આ તમારા જન્મદિવસની ભેટ. હેપ્પી બર્થ ડે ટીચર. હું મીરા શર્મા, અમારી જ્ઞાતિમાં દીકરીઓને વધારે ભણાવે નહીં. તેર ચૌદ વર્ષની થાય ત્યાં તો લગ્ન કરી નાંખે. જો કે સાસરે તો અઢાર વર્ષની થાય ત્યારે જ મોકલાવે. અમારો મોટાભાગનો સમાજ રાજસ્થાન તરફ રહે પણ મારા દાદા કામધંધા માટે આ તરફ ગુજરાતમાં આવ્યા  અને પછી અહીં જ સ્થાયી થઈ ગયા. મારા મમ્મી પણ રાજસ્થાનના જ છે. પપ્પા થોડા સમજુ એટલે અમને બહેનોને અહીં ભણવા મૂકી. બાકી અમારા તરફ છોકરીઓને ભણાવે નહીં. પપ્પાને એમ કે આઠ દસ ચોપડી ભણી લે તો કોઈ વાર કામ લાગે."

"હું નવમા ધોરણમાં હતી અને મારા લગ્ન થઈ ગયા. મારા પતિ ત્યાં કૉલેજમાં ભણતા હતા. લગ્ન પછી મારા સાસરેથી મને ભણવાની ના પાડી દીધી પણ તમે મારા મમ્મી, પપ્પાને સમજાવ્યા કે હજી તો સાસરે મોકલવાની વાર છે ને ? એવું હોય તો હું એના પતિ સાથે વાત કરું. આટલી હોશિયાર છોકરીનું ભણતર બંધ ન કરો."

"હા, હા, હવે મને યાદ આવ્યું. તારી નાની બહેન ગોપી અને તારો એક ભાઈ પણ હતો. કદાચ એનું નામ અંશુમન હતું, બરાબર ?"

"હા, ટીચર તમને હજી યાદ છે?"

"યાદ જ હોઈને, અંશુમન કેટલો તોફાની હતો."

"હા, ટીચર. હવે તો એ ભણીને આઈ.ટી. એન્જિનિયર બની ગયો છે અને મુંબઈ જોબ કરે છે. ત્યાં જ ભાભી સાથે રહે છે. ગોપીના લગ્ન થયાં હતાં તે અમારા જમાઈની દેશમાં અનાજ કરિયાણાની મોટી દુકાન છે એટલે એ ત્યાં જ છે. હા, હવે મારી વાત આગળ વધારું. તમારા સમજાવવાથી મારા પતિએ પોતાનું ભણતર પતે નહીં ત્યાં સુધી મારું આણું કરવાની ના પાડી અને પપ્પાને કહ્યું કે તમે મીરાને ગ્રેજ્યુએટ સુધી ભણાવજો. મારા ઘરે હું સમજાવી દઈશ. તેના પરિણામે મારા પતિ પ્રોફેસર બન્યા ત્યાં સુધીમાં મારું ગ્રેજ્યુએશન પણ પૂરું થઈ ગયું. એમ કરતાં લગભગ એકવીસમા વર્ષે મારું આણું વાળી મને સાસરે વળાવી. મારા પતિને પણ મુંબઈમાં જ કૉલેજમાં જોબ મળી એટલે અમે મુંબઈ ગયાં. ત્યાં એમણે એક ઑફિસમાં મને જોબ અપાવી અને આમ અમારા બંનેની આવકથી અમે અમારા બે બાળકો સાથે સારી રીતે રહેવા લાગ્યાં. મારા સાસુ સસરાને પણ પૈસા મોકલતાં એટલે એમનો પણ ગુસ્સો ઓછો થવા લાગ્યો."

વાતની વચ્ચે ચા નાસ્તો પતાવ્યો. સુધાબેન ઉત્સુકતાથી મીરાને સાંભળતાં હતાં. 

"નોકરી અને છોકરાઓ સાથે મેં મુંબઈમાં એમ. એડ. કર્યું અને મને હાયર સેકેન્ડરી સ્કુલમાં જોબ મળી. છોકરાઓ બરાબર ભણતાં હતાં. ત્યાં જ મારા પતિને આંતરડાનું કેન્સર થયું. અમે મેડીક્લેઈમ કઢાવ્યો હતો અને હું પણ જોબ કરતી હતી. એટલે પૈસાની તકલીફ તો એટલી ન પડી. ત્યારે મેં તમને બહુ યાદ કર્યા કે તમે જો મારા પતિ અને પપ્પાને સમજાવી મને ભણવા માટે પ્રોત્સાહિત ન કરી હોત તો આ પરિસ્થિતિમાં અમારી શું હાલત થઈ હોત ? ભણતરને લીધે હું દરેક પરિસ્થિતિમાં મારી જાતને અને પતિ તથા બાળકોને સાચવી શકી."

"ત્યારે હું ભગવાનની પૂજા કરતી વખતે હંમેશાં તમને યાદ કરી કહેતી,"થેન્ક યુ ટીચર. તમારા લીધે હું આવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી હેમખેમ બહાર નીકળી શકી. મારા સંઘર્ષને જોઈ મારા સાસરિયાં પણ માની ગયાં કે શિક્ષણ માણસને સંઘર્ષની સામે લડવાની તાકાત આપે છે. હું એટલે જ માનું છું કે શિક્ષક ફક્ત તમને શિક્ષણ જ નથી આપતાં પણ સાથે જીવન જીવવા માટેનું પરિબળ પણ પૂરું પાડે છે. ગયા અઠવાડિયે જ ડૉક્ટરે મારા પતિને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કર્યા. એટલે અમે મમ્મી પપ્પાને મળવા અહીં વલસાડ આવ્યા તો મેં અહીં આવી સૌથી પહેલાં તમને મળવા વિચાર્યું. સંજોગોવશાત આજે જ તમારો જન્મદિવસ પણ હતો એટલે મેં આજે જ તમને મળવા વિચાર્યું. મારા મમ્મી, પપ્પા અને પતિએ પણ તમને થેન્ક યુ કહ્યું છે."

"બેટા, મીરાં, તારી વાત સાચી છે. શિક્ષણ માણસને માનસિક અને આર્થિક મજબૂતી આપે છે. તું પણ તારી આજુબાજુ રહેતી અને તારા સમાજની દીકરીઓને શિક્ષણ લેવા સમજાવજે. સમાજને શિક્ષિત કરવાનું કામ ફક્ત શિક્ષકનું કે સરકારનું જ નથી પણ દરેક શિક્ષિત વ્યક્તિની ફરજ છે કે સમાજની છેવાડાની વ્યક્તિને પણ શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરે. આજે જેમ તું મને થેન્ક યુ ટીચર કહે છે તેમ ભવિષ્યમાં લોકો તને પણ થેન્ક યુ કહે એવું કામ કરજે."

   "ટીચર, ચોક્કસ હું તમારી વાત યાદ રાખીશ. આજે મારો પણ જન્મદિવસ છે તો હું તમને વચન આપું છું કે એક દિવસ તમને મારા પર ગૌરવ થશે કે હું તમારી વિદ્યાર્થીની રહી ચૂકી છું. લોકો કહેશે કે જુઓ આ છે સુધાટીચરની વિદ્યાર્થીની મીરાં છે."

વાંકા વળી સુધાટીચરને પગે લાગી અને એમની રજા લીધી. સુધાટીચરને પોતાનું જીવન આજે ધન્ય થયેલું લાગ્યું. એમણે ઈશ્વર સામે હાથ જોડી પોતાને આવી સદબુદ્ધિ આપવા માટે થેન્ક યુ કહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Classics