થાક
થાક




"મમતા સૂઈ ગઈ હોય તો સારું!" વિચારતો અમિત રાતનો એક પ્રહર પૂરો થઈ ગયો પછી રૂમમાં પ્રવેશ્યો. પોતાની સાથે તેને પણ ચિંતાના દરિયે નવડાવવા માંગતો ન હતો છતાં તેને મમતાને કહેવું તો હતું કે તારાં ઘરેણાંની મને જરૂર છે, પણ કહી શકાશે ? તે દ્વિધામાં હતો.
ખાટલા પર બેઠેલી મમતા સાથે બોલવાની વાત તો દૂર પણ આંખ મેળવવાની પણ હિંમત ન થઈ. તેની બાજુમાં આવીને અમિત થોડીવાર બેઠો પછી મોઢું ફેરવીને આંખ બંધ કરી ભગવાનને પ્રાર્થના કરતો આડો પડ્યો,"હે પ્રભુ હવે તું જ કોઈ રસ્તો બતાવ."
ઘરમાં કમાઉ એકમાત્ર અમિતની આવક મર્યાદિત. આવક પાતળી ગલીમાંથી આવે સામે જાવક પાણીના રેલાની જેમ જવાનો રસ્તો ગમે ત્યાંથી શોધી લે! તેના પિતાજી રીટાયર્ડ, જુવાનીમાં ખાસ બચાવ્યું નહીં. માતાના ખર્ચાળ અને જોહુકમી સ્વભાવથી થતાં કંકાસથી દૂર રહેવા તેમને કોઈ કહેતું નહીં. અમિત પાસે બહેનનાં લગ્નમાં ગજા બહારનો ખર્ચો કરાવી રહ્યાં હતાં. લોન લેવા છતાં જાનની સરભરા કરવા પૈસા ખૂટતાં હતાં.
"લો, આ ઘરેણાં. બસ હવે કશું નહીં માંગતા. તમને આપવા આ જીવ સિવાય કશું બાકી નથી રહ્યું." મમતાએ ઘરેણાં બાંધેલી રૂમાલની પોટલી અમિતની સામે ધરી દીધી.
અમિતમાં જીવ આવ્યો જાણે, ઝટ બેઠો થઈ ગયો. બહેનનાં લગ્ન તો સચવાઈ જશે પણ મમતાની ઘરમાં આટલી ઉપેક્ષા છતાં લાગણી મિશ્રિત સમજશક્તિનો બધાં દુરપયોગ કરી રહ્યાં છે એનું પારાવાર દુઃખ હતું. અમિતે પોટલી હાથમાં લીધી, આભાર માનતા આંસુને એ ન રોકી શક્યો. મમતા એ ભીની આંખોને ન જોઈ શકી. આંસુ લૂંછવાનાં બહાને અમિતની આંખોને હથેલીથી ઢાંકી દીધી," તમે ચિંતામાં પીગળો એના કરતાં હું ઘરેણાં વગર ચલાવી ન શકું? આ લગ્ન પતે પછી થાક ઉતારવા કેરળ ફરવા જઈશું. લઈ જશો ને?" બંને એકબીજાની હૂંફમાં ખોવાઈ ગયાં.
લગ્ન પત્યા મમતાના સહકારથી.
પછી તો આવા નાના-મોટા પ્રસંગો આવતા જ રહ્યાં. અમિતે બીજી પાર્ટ ટાઇમ નોકરી શરૂ કરી. કેરલ જવાનું તો દૂર મમતાને ગામમાં આવેલાં તળાવ પર લઈ જઈ શકે એટલો સમય પણ ન મળ્યો.
બે બાળકો થયાં. બાળકોને ભણાવીને ઠેકાણે પાડવાની પણ ફરજ તો ખરી જ! બાળકોના ઉછેરમાં, મા-બાપની માંદગી, મરણક્રિયાના ખર્ચા અટક્યા જ નહીં!
બસ આમ ને આમ અમિત રીટાયર્ડ થઈ ગયો. મમતાને ઘરેણાં બનાવી આપવાના વચનનું મૃગજળ પણ દેખાતું બંધ થઈ ગયું.
દરવાજે પાંચ વર્ષની વોચમેનની દીકરી તેની પાસે હારની જીદ કરી રહી હતી તે જોઈ, ઇચ્છા ન હોવા છતાં અમિત ભૂતકાળમાં ડોકિયું કરી આવ્યો.
"કાકા, કાકી હીંચકેથી પડ્યાં છે. ઘણું લોહી વહે છે.", અમિતને કામ કરતો એક છોકરો કહી ગયો.
દીકરાઓની ઉપેક્ષાથી બચવા, 'વાનપ્રસ્થાશ્રમ'માં અમિત અને મમતા તેમની ઉંમરના મિત્રો સાથે આનંદથી રહેતા હતા. રોજ સાંજે બંને બગીચામાં આંટો મારવા નીકળે આજે મમતાએ હીંચકે બેસવાની ઈચ્છા દર્શાવી એટલે અમિત એકલો નીકળ્યો. ખબર નહીં શું થયું કે મમતા પાછળ ઊલળી પડી.
ઝડપથી ત્યાં પહોંચ્યો ત્યારે બે-ત્રણ મિત્રોએ મળીને મમતાને ખાટલા પર સુવડાવી દીધી હતી. માથામાં વાગવાને કારણે ઘણું લોહી વહી જવાથી મમતાએ મહેનતથી આંખ ખોલી, "મને હવે થાક લાગ્યો છે."
"હા, ઉંમર થાય એટલે એવું લાગે. થોડા દિવસ આરામ કરશે એટલે બધું સારું થઈ જશે." અમિતે માથે હાથ ફેરવતો હતો.
"ના એવું નથી, જિંદગીનો થાક લાગ્યો છે. આ જન્મે થાક ન ઉતરે તો આવતે જન્મે મને કેરળ લઈ જવું પડશે." કહી ફીકકુ હસી.
આ વાત સાંભળીને, મમતાની પરિસ્થિતિ જોતાં ત્યાં ઊભા બધાં મિત્રોએ સાંજે નદીકિનારે જવાનું નક્કી કર્યું. મમતાને લઈ જવા એમ્બ્યુલન્સ બોલાવી.
આથમતી સાંજે કિલ્લોલ કરતા પક્ષીઓ અને વયોવૃદ્ધ સરખાં ભાસતાં હતાં. નદીકિનારે મસ્તી કરતાં દરેકના મુખ પર સંતોષની લાગણી જોઈ મમતા અતિશય ખુશ દેખાતી હતી.
અમિતે મમતાના માથે મૂકેલો હાથ જાણે પૂછી રહ્યો હતો," "ખુશછે ને?" ઘડીક આકાશ તો ઘડીક પાણી જોતી મમતાએ વ્હીલચેરમાં જ ઊંચી છલાંગ મારી, બીજા જ્ન્મ સુધીની! અમિત પણ ખેંચાયો તેની પાછળ..!
સાચે જ, સલૂણી સંધ્યાએ નદીકિનારે જિંદગીનો થાક ઉતારતા અમિત અને મમતાને જોઈ કુદરતને પણ ઈર્ષ્યા આવી ગઈ !