તારી જ રાહ જોતી હતી
તારી જ રાહ જોતી હતી


મધ્યરાત્રીના એ સમયે ટ્રેનમાં એકલી બેઠેલી યુવતીને જોઇ રાઘવ ડબ્બામાં ચડ્યો. રાઘવને ડબ્બામાં આવેલો જોઈ યુવતી ગભરાઈ ગઈ... ટ્રેન ઉપડી... રાઘવ બિન્દાસપણે યુવતીની બાજુમાં જઈને બેઠો. યુવતી ડઘાઈને થોડી આઘી ખસી. આ જોઈ રાઘવ હસી પડ્યો. ટ્રેન પોતાની ગતિએ આગળ વધી રહી... હવે યુવતીના અંગેઅંગને નિહાળતા નિહાળતા રાઘવ અશ્લીલ ગીતો ગાવા માંડ્યો. યુવતીને આ જરાયે ગમ્યું નહીં તેણે તિરસ્કારથી મોઢું ફેરવીને બારીની બહાર અંધકારમાં જોવાનું શરૂ કર્યું.
રાઘવે કહ્યું, “જાનેમન... આગલું સ્ટેશન એક કલાક સુધી આવવાનું નથી.”
યુવતી હેબતાઈને બોલી, “તો?”
રાઘવે કહ્યું, “આ ડબ્બા વિષે તું જાણે છે?"
યુવતી બોલી, “હા... એક શેતાન ડબ્બામાં એકલ દોકલ મુસાફરી કરતી યુવતીની આબરૂ લુંટી તેને ચાલતી ટ્રેનમાંથી નીચે ધકેલી દે છે.”
રાઘવે અટ્ટહાસ્ય કરતા કહ્યું, “છતાં આમાં બેસવાની હિંમત કરી!!! તું જાણે છે એ શેતાન હું જ છું!” આમ બોલી રાઘવે યુવતી પર હુમલો કર્યો પરંતુ યુવતી સાવધ હતી. તેની કોણીના એક જ વારથી રાઘવ નીચે પડી કણસવા માંડ્યો.
યુવતી ગુસ્સાથી તાડૂકી, “હરામખોર... હું પોલીસ કમિશ્નર ગીતા... તને આબાદ ઝડપવા ક્યારની આ ડબ્બામાં બેઠી તારી જ રાહ જોતી હતી... ચાલ પોલીસ સ્ટેશનમાં... ન્યાયની કાગડોળે રાહ જોઈ રહેલા કંઈ કેટલાય માસુમ યુવતીઓના માતાપિતાઓનો આજે પૂર્ણ થશે ઇંતેજાર.”