Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Mariyam Dhupli

Romance Inspirational Thriller

5.0  

Mariyam Dhupli

Romance Inspirational Thriller

સ્વીકાર

સ્વીકાર

6 mins
686


મારી આંખોમાં લોહી ઉકળી આવ્યું. સામે ભજવાઈ રહેલું દ્રશ્ય સહનશીલતાની પરે હતું. લાગણીઓ, ભાવનાઓ, સંબંધો.........બધુજ કેટલું સસ્તું અને નિમ્ન દરજ્જાનું અનુભવાઈ રહ્યું હતું. ફક્ત એકજ વર્ષ પહેલાની વાત હતી. 

એકજ વર્ષ ? મેં મનમાં ફરી પુનરાવર્તિત કર્યું. એ પુનરાવર્તન જોડે મારા મનનો લાવા ફરી બેકાબુ બની ઊઠ્યો. 

ફક્ત એકજ વર્ષ ? અને એ બધું જ ભૂલી ગયા ? બધુંજ.......? મને પણ......મારા પ્રેમને પણ......!

મારી જોડે લગ્ન કરવા એ હાથ ધોઈ મારી પાછળ પડ્યા હતાં. 

"રાધા, લગ્ન કરીશ તો તારી જોડે જ. "

મારા મહોલ્લામાં આવી બધાની વચ્ચે છાતી ઠોકીને પ્રસ્તાવ મૂક્યો હતો. મારા માતાપિતા તો જાતિ બહાર મારા લગ્ન કરવા તૈયાર જ ન હતાં. ત્યારે એમણેજ તો એમને મનાવ્યા હતાં. એ ધારત તો મને ભગાડી ગયા હોત. પણ નહીં. એમને તો બધાના હૃદય જીતવા હતાં. સહેલો માર્ગ તો એમને લેવો ગમતો જ ક્યાં હતો ? 

"અઘરા માર્ગનાં જ રાહી છો તમે." હું એમને હંમેશા કહેતી અને એ ગર્વથી હસતા. તો આજે આ સહેલો માર્ગ કેમ ? શું મારો પ્રેમ એટલો નિર્બળ ? 

એક વર્ષમાં બધુંજ ભૂંસાઈ ગયું. એમના જીવનમાં મારું સ્થાન પણ ? મારા સેંથામાં સિંદૂર ભરતા સમયે એમના હાથ મને જન્મોજન્મના વાયદા આપતા હતાં. એ હાથ આજે અન્ય કોઈ સેંથામાં સિંદૂર ભરવા તૈયાર છે ? મારા આલિંગનમાં સમાઈ એ કહેતા હતાં, "જીના યહાં મરના યહાં ઈસકે સિવા જાના કહા ?"

 તો હવે શા માટે આમ દૂર જઈ રહ્યા છે ? 

"તું મારી છે અને મારીજ રહેશે. હું તારો છું અને તારો જ રહીશ." 

એમજ કહેતા હતાં ને ? ને આજે કેટલી સહેલાઈ થી કોઈ અન્યના થવા તૈયારી દર્શાવી રહ્યા છે ! નક્કી માનવીઓ પાસે હૈયું હોવાની એક ભ્રમણાજ છે. અંદર તો ફક્ત એક સખત પથ્થર જ હશે. નહીંતર આમ અહીં આ ઘરના બેઠક ખંડમાં આરામદાયક બેઠક જમાવી એ ગોઠવાયા ન હોત. 

બેઠકખંડમાં પ્રવેશેલી સ્ત્રીની આંખો લજ્જાથી ઢળેલી હતી. હાથમાં ચા અને નાસ્તાની ટ્રે હતી. ટેબલ ઉપર ધીમે રહી ટ્રે આવી ગોઠવાઈ કે સામે બેઠા પુરુષ જોડે ચોરીછૂપે દ્રષ્ટિ મળી. પુરુષે પણ હળવે રહી આંખો ઉપર તરફ ઊઠાવી જ કે.....

કે અન્ય ઓરડામાંથી ઝાંખી રહેલી મારી આંખો ક્રોધથી વિફરી. પડખે ગોઠવાયેલ કાચની ફૂલદાની મેં ઉષ્ણ શ્વાચ્છોશ્વાસ જોડે હાથમાં ઊઠાવી લીધી. 

'જીવવું હરામ કરી નાખીશ બધાનું.' 

 મેં જાતને વચન આપ્યું. સ્ત્રી તરફ નિશાનો સાધતી એ ફૂલદાની હાથમાંથી છૂટે એ પહેલાજ કોઈએ મારો હાથ મક્કમ પકડ વડે થામી લીધો. હું ડરી ગઈ. કોણ મને જોઈ ગયું ? 

"અરે....રે...આ શું કરો છો.....કોણ છો તમે ?"

એ પુરુષનો ચહેરો ચિંતા અને મુંઝવણથી વીફરેલો હતો.

પોતાની ઉષ્ણ શ્વાચ્છોશ્વાસ નિયઁત્રણમાં રાખવાનો પ્રયાસ તદ્દન નિષ્ફ્ળ નીવડતા મારો અવાજ એ અજાણ્યા ઘરમાં ઊંચા સ્વરે ત્રાટક્યો. 

" હું મિસિસ શાહ. બેઠક ખંડમાં આરામથી બિરાજમાન શ્રીમાન શાહની પત્ની. એકજ વર્ષ થયું છે અમને છૂટા થવાને અને એ અહીં આ સ્ત્રી જોડે પોતાનું નવું જીવન શરૂ કરવા તૈયાર બેઠા છે. હાઉ સેલ્ફીશ ! કેટલું સહેલું છે એમના માટે. એમનાથી જુદા થઈ હું ક્ષણ ક્ષણ મરી રહી છું અને એ.......?

એ આ સ્ત્રીએ તૈયાર કરેલી ચા અને સમોસાની મજા માણી રહ્યા છે. જાણે કશું થયુંજ નથી. વ્હોટ એ બિગ ડીલ, નહીં ? મને શાંતિ નથી મળી રહી અને એ શાંત જીવે લગ્ન માટે યુવતી જોવા આવ્યા છે. શરમ આવવી જોઈએ એમને પણ અને આ સ્ત્રીને પણ. એના માતાપિતા પણ કેવા નિર્લજ્જ છે. આ પુરુષના એક લગ્ન થઈ ચૂક્યા છે. એ જાણવા છતાં પોતાની દીકરીને........."

" એમની દીકરી નથી એ........"

પુરુષના અવાજમાં ગામ્ભીર્ય અને ઉદાસીનું મિશ્રણ હતું. મારી ઉષ્ણ શ્વાચ્છોશ્વાસ થોડી હળવી થઈ. બેઠક ખંડ ઊપર ચોંટેલી મારી આંખો ધીમે રહી એ અજાણ્યા પુરુષ તરફ ફરી. એ મને કઈ 

રીતે જોઈ ગયો હજી મારા તર્કને સમજાઈ રહ્યું ન હતું.

" સાસુ સસરા છે એના. બધાજ મનુષ્યો 'સ્વાર્થી ' નથી હોતા. "

મને લાગ્યું 'સ્વાર્થી' શબ્દ ઉપર જાણીજોઈને ભાર મૂકાયો હતો. એ શબ્દ શું મારા માટે હતો ? મારી આંખોનું લોહી હજી શમ્યું ન હતું. મારી બદલા માટે સળગી રહેલી આંખોમાં પોતાની ભારે આંખો પરોવી એણે હળવેથી મારાં હાથમાંથી કાચની ફૂલદાની પરત ટેબલ ઉપર ગોઠવતા નમ્ર પ્રસ્તાવ મૂક્યો. 

" મારી જોડે આવશો ?" 

મારી નજર મારે બેઠક ખંડ ઉપરથી હટાવવી ન હતી. જો હું ત્યાંથી દૂર જઈશ તો કશુંક એવું બની જશે જે મને સ્વીકાર્ય ન હતું. મારે એ કોઈ પણ કિંમતે અટકાવવુ હતું. પરંતુ એ પુરુષની નજરમાં એક વિચિત્ર આજીજી હતી. એ નજરનું આમંત્રણ હું ઠુકરાવી ન શકી. હું શાંત જીવે એની પાછળ દોરવાઈ ગઈ. 

એ મને નજીકના એક ઓરડામાં લઈ ગયો. મારી નજર ચારે દિશામાં ઓરડામાં વિસ્મયથી ફરી રહી. એ ઓરડો સજાવવામાં હેત અને વ્હાલનું કિંમતી રોકાણ થયું હતું. ઓરડાની મધ્યમાં નાનકડા પલંગ ઉપર છ મહિનાનું એક નિર્દોષ બાળક ઊંઘી રહ્યું હતું. નાનકડા હાથ, નાનકડા પગ, પાતળા, ગુલાબી હોઠ. નિર્દોષ કપાળ અને એક મીઠું, મધુરું હાસ્ય. મને લાગ્યું હું કોઈ ફરિશ્તાને નિહાળી રહી હતી. મારી નજર એના ઉપરથી હટવા તૈયાર જ ન હતી. મન થઈ રહ્યું હતું એને ગોદમાં ઊંચકી આલિંગનમાં લઈ લઉં. એની શ્વાસો મારી શ્વાસોમાં ભરી લઉં. એને કપાળ ઉપર ચૂમી લઉં. હું માં ન બની શકી...મારી ખાલી કોખ આજે જાણે વધુ ખાલી થઈ ઊઠી.....!

પાછળ તરફથી પુરુષનો રડમસ અવાજ મારા કાને પડ્યો. 

" માંના ગર્ભમાં હતી ત્યારેજ પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. એના માટેજ એની માં બીજા લગ્ન કરવા તૈયાર થઈ છે. એને એક પિતાના વાત્સલ્યની પણ જરૂર છે. સ્ત્રીના સાસુ -સસરા કાળજે પથ્થર મૂકી પોતાની વહુના બીજા લગ્ન કરાવી રહ્યા છે. સમાજ શું કહેશે એની પરવાહ કર્યા વિના. આપ પ્લીઝ આ લગ્ન થઈ જવા દો......." 

બંને હાથ મારી આગળ જોડી રડમસ એ પુરુષને હું વિસ્મયથી પૂછતાં પાછળ ફરી.

" પણ આપ કોણ છો ? અને મને કઈ રીતે જોઈ શકો........." હું આગળ કઈ બોલું એ પહેલા મારી આંખો શોક્ગ્રસ્ત પહોળી થઈ ગઈ. પુરુષની પાછળ તરફની ભીંત ઉપરની તસ્વીરમાં બેઠકખંડવાળી સ્ત્રી પોતાના ગર્ભ જોડે ઊભી હતી અને પુરુષ પોતે એના ગર્ભ ઉપર હેતથી હાથ ગોઠવી ઊભો હતો. 

" તમે પણ........."

મારા મોઢામાંથી ફક્ત આટલાંજ શબ્દો નીકળી શક્યા. પુરુષ હજી પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો હતો. એની વિવશ આંખો પોતાના બાળકને હેતથી નિહાળી રહી હતી.

હું ધીમા ડગલે ઓરડામાંથી બહાર નીકળી આવી. બેઠક ખંડ તરફ આગળ વધી રહેલા મારા ડગલાં અચાનક અટકી પડ્યા. સામે તરફથી મારા પતિ મારીજ દિશામાં આગળ આવી રહ્યા હતાં. હું એકજ સ્થળે સ્તબ્ધ ઊભી રહી ગઈ. એ બાથરૂમમાં ગયા અને દરવાજો અંદરથી બંધ કરી લીધો. હું એમની પાછળ આવી ઊભી રહી ગઈ. નળ ખોલી એમણે મોઢા ઉપર પાણીની છાલક મારી. પાણીની જોડે ગરમ આંસુ ચહેરા ઉપર ઉતરી આવ્યા. અરીસામાં પોતાનો ચહેરો જોઈ ક્રોધમાં હૈયું ફાટી પડ્યું. પોતાની જાત જોડેજ વાત કરતા હોય એમ કોઈ સાંભળી ન શકે એટલા મંદ અવાજે એ કકળી ઊઠ્યા. 

" આઈ હેટ યુ, રાધા. તું મને છોડીને જતી રહી. ફક્ત એક અકસ્માત ને....હું હજી પણ દુનિયાદારીમાં સપડાયો છું. તારી પાછળ આવી જાઉં.....બહુ મન થાય છે. પણ બાનું શું ? મારા સિવાય એમનું કોણ છે ? તું જતી રહેવાની હતી તો બાને આટલો પ્રેમ, સ્નેહ, લાડની લત કેમ આપી ગઈ ? હું તો કામમાં વ્યસ્ત જીવી લઉં પણ હવે એનાથી એકલા નથી જીવાતું. એની ખુશી માટે........"

" આર યુ ઓલ રાઈટ ?" 

બહાર દરવાજા તરફ એમની રાહ જોવાઈ રહી હતી. આંસુ સાફ કરી, ચહેરા ઉપર સામાન્ય દેખાવાનાં હાવભાવો જોડે એ જીવનની વાસ્તવિકતા સ્વીકારતા બહાર તરફ નીકળી ગયા.

અને હું એજ ક્ષણે મારા મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારતી એ ઘરમાંથીજ નહીં, એ ભાવિ પતિ, પત્ની અને એમના નિર્દોષ બાળકના જીવનમાંથી પણ હંમેશ માટે વિલીન થઈ ગઈ. 


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Romance