Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Neeta Kotecha

Thriller


5.0  

Neeta Kotecha

Thriller


સ્વીચ ઓફ

સ્વીચ ઓફ

6 mins 524 6 mins 524

જ્યારથી મે નીલુની હાલત જોઇ હતી મને દીકરા ન હોવાનું કદી દુ:ખ ન થયું હતુંં. આમ તો મે પોતે જ પ્રભુ પાસે મારી માટે દીકરીઓ માંગી હતી, અને પ્રભુએ આપી પણ હતી, મારા સાસુ ફક્ત પહેલી દીકરી વખતે હોસ્પિટલમાં જોવા આવ્યા હતા, પછી તો કહી દીધુ હતું કે પાંચ દિવસે ઘરે જ આવવાની છે ને ત્યારે જોઇ લઈશ, મને દુ:ખ નહોતું થયું પણ હસવું આવતુંં હતુંં કે હજી એવા સાસુઓ બચ્યા છે કે જે ફક્ત દીકરો જ ચાહે છે કદાચ મારાવાળા છેલ્લા હશે, દર હોળીને દિવસે એકટાણું કરવાનું હોય પણ એ તો ખાલી દીકરાની મા એ ને, તો સવારનાં પહોરમાં મેણુ મરાઈ જતું કે " આશા, મારે તો એકટાણું છે તું તો નહી કરે ને. છેલ્લાં થોડાં વર્ષોથી મે જ સવારનાં કહેવાનું શરૂ કર્યું હતુંં કે "બા, તમારે તો આજે એકટાણુ હશે ને, શું ફરાળ બનાવું, મારે તો એકટાણુ છે નહી" અને બા બિચારાં સમસમીને બેસી જતા કારણ મહેણું મારવાનો મોકો જ ખોઇ બેસતા ને. બે વર્ષ પહેલાં તેમનું અવસાન થયું પણ છેલ્લાં વર્ષે અમારી વચ્ચેનો આ હોળી સંવાદ બંધ થયો હતો કારણ એક હોળીને દિવસે એમનો દીકરો એટલે કે મારા પતિદેવ કોઇ વાત પર એમની પર એટલા ગુસ્સે થયા હતા કે એમને ડર લાગી ગયો હતો કે ક્યાંક દીકરો મારી ન બેસે. જે દીકરા માટે એકટાણુ કરતા એ જ દિવસે દીકરાએ પોતાનું રૂપ બતાવ્યું હતું. ત્યારે તો મારે વચ્ચે પડવું પડ્યું હતું મે જ મારા પતિદેવને કહ્યું હતું કે "ભાઈ થોડી શાંતિ રાખો કોઇ પણ આડુ અવળું પગલું ભરશો તો હું જ પોલીસને બોલાવીશ, તમે જેની સાથે આ રીતે વર્તો છો એ પહેલાં એક સ્ત્રી છે પછી મારા સાસુ, અને કોઇ સ્ત્રી પરનો અત્યાચાર હું સહન નહી કરી લઉ. પોલીસની ધમકી પછી તેઓ કોઇ દિવસ ઉગ્ર ન થયા.

ત્યારે એક વાર બા બોલ્યા " આશા, સારુ થયું તે દીકરો નથી જણ્યો." પછીની હોળીમાં બા એ કહ્યું " આશા, આજે મારે એકટાણુ નથી." હું એમનાં મનની વ્યથા સમજી શક્તી હતી એમની પાસે જઈને મે એમને મારી છાતીથી વળગાળી લીધા અને મારી સાળી એમનાં આંસુંથી ભીની થવા દીધી હતી. જ્યારે સાવ તેઓ મરણ પથારીએ હતા ત્યારે મને કહ્યું હતું " આશા મારું ચાલે તો હું મારા દીકરાને અગ્નિદાહ દેવાનો હક્ક પણ ન આપું પણ હું સમાજની વચ્ચે એની ક્યાં ઇજ્જત કાઢુ આપણે સ્ત્રીઓ તો એમને માફી આપવા જ જન્મી છે ને. મે ફક્ત બાનો હાથ હાથમાં લઈ લીધો.

હું અને મારી મિત્ર નીલુ અમે એક બીજાને ખૂબ સારી રીતે ઓળખતા. એટલે જ તો એણે પોતાનાં દીકરાનાં લગ્નમાં બધી વિધિ વખતે મને આગળ પડતી રાખી હતી. કેટલી સરળ અને કેટલી પ્રેમાળ હતી નીલુ. પણ એની વહુ એટલી માથાભારે મળી કે ઘરમાં આખો દિવસ કંકાસ જ રહેતો. દીકરાની કાન ભંભેરણી કરીને મા દીકરાને દૂર કરી નાખ્યાં હતા. જ્યારે જ્યારે નીલુ આવીને રડતી મારો જીવ કપાઈ જતો હું એને કહેતી “મને એક વાર તારા દીકરા વહું સાથે વાત કરવા દે જો કેવા સીધા દોર કરી નાંખુ છુ” પણ તે કહેતી “ના આશા હજી સહન થાય છે તું બોલીશ તો કદાચ વધારે ઝગડા થાશે, મારા નસીબ, જવા દે ને.” થોડા વખત પહેલા એક પ્રસંગમાં એનાં દીકરા વહું ભેગા પણ થઈ ગયા હતા. આવીને વહુ પગે પણ લાગી અને નીલુનાં ઇશારાને કારણે કમને આશીર્વાદ પણ દેવા પડ્યાં હતા, મારાથી તો એમની સાથે વધારે બેસાણુ પણ નહી, કંઇક બોલાઇ જાય તો, એ ડરે હું તો દૂર ચાલી ગઈ.

"ટ્રીન ટ્રીન ટ્રીન ટ્રીન"

આંખ ખોલીને જોયું તો સવારનાં ચાર વાગ્યાં હતા, આ કોણ આટલું વહેલું નવરુ છે ફોન કરવા, જરૂર રોંગ નંબર હશે, શું કામ લોકો હેરાન કરતા હશે ને?

એકલા એકલા ગુસ્સે થઈને મેં ફોન ઉપાડ્યોં, સામે છેડે થી નીલુનો અવાજ આવ્યોં "આશા જલ્દી આવ, પ્રિયાએ આત્મહત્યા કરી લીધી છે. આશા મને ડર લાગે છે કે પ્રિયા કંઇક મારા વિરુધ્ધ કઈક લખીને નહિ ગઈ હોય ને ખાલી મને હેરાન કરવા માટે, તું જલ્દી આવ. આકાશ પણ અહિંયાં નથી. શું થાશે મને બીક લાગે છે તું આવ જલ્દી. અને ફોન કટ થઈ ગયો.

હું અવાચક થઈ ગઈ કે કોઇક્ને હેરાન કરવા માટે કોઇ પોતાને ખતમ કરી શકે.. જલ્દી જલ્દી હું નીલુનાં ઘરે જવા માટે નીકળી ગઈ. હજારો વિચારોએ મને ઘેરી લીધી હતી. સ્યુસાઈડનોટમાં શું લખ્યું હશે? જો નીલુ વિષે કંઇક લખ્યું હશે તો? ના ના નીલુ તો પોતે જ કેટલી રડતી, નીલુ શું કોઇને હેરાન કરી શકવાની હતી. એક પાત્ર ખરાબ આવી જાય જિંદગીમાં બસ જિંદગીની સત્યાનાશી થઈ જાય.શું હશે? શું થાશે? નાં વિચારોમાં અટવાતી અટવાતી હું નીલુનાં ઘર પાસે પહોંચી. ઘરમાં નીલુ એકલી જ હતી. એ મને પ્રિયાનાં રૂમમાં લઈ ગઈ. નિસ્ચેતન થઈને પ્રિયા પડી હતી, એને જોઇને એક વાર તો મને અરેરાટી થઈ ગઈ. કે સાવ આણે તો પોતાને ખતમ કરી નાંખી. હવે પહેલું કામ હતું કે સ્યુસાઈડ નોટ ગોતવાનું. ડ્રેસીંગ ટેબલ પર નજર પડી ત્યાં પરફ્યુમની બોટલ નીચે એક કાગળ વાળીને પડ્યો હતો. હાથ લગાવીશ તો તકલીફ કારણ આ તો પોલીસ કેસ હતો નીલુ પાસેથી ગ્લોવ્સ માંગ્યા અને પહેરીને કાગળ લઈને ખોલ્યો નીલુ ધ્રૂજતી હતી કે શું લખ્યું હશે?

" મારા મૃત્યુ માટે હું કોઇને જવાબદાર નથી ગણતી. હું જ મારા વિચારોથી હેરાન થઈ ગઈ હતી. હું મા બનવાની હતી પણ મારા બાળક્ને હું સંભાળી નહી શકું એ ડર મને હતો. એટલે કોઇને હેરાન ન કરતા આ આત્મહત્યા હું મારી મરજીથી કરી રહી છું."

 પ્રિયા સચદેવ..

મારો અને નીલુનો શ્વાસ હેઠો બેઠો મારાથી બોલાઈ ગયું " પોતાનાં ઉપાડા પોતાને ભારી પડ્યાં" પણ મને આ પત્ર ધ્વારા જ ખબર પડી કે એને બાળક થવાનું હતુંં મને દુ:ખ થયું કે આ તો બે મોત થઈ.

હવે કોઇ ચિંતા ન હતી, પાછો કાગળ એની જગ્યાએ મૂકી દીધો. અને સૌથી પહેલાં નીલુનાં દીકરાને ફોન કર્યોં પછી પડોસીને ઉઠાડ્યા પછી પોલીસ સ્ટેશને ફોન કર્યોં.

કાગળને આધારે પોલીસે પણ વધારે પૂછપરછ ના કરી. આકાશનાં આવ્યા પછી અગ્નિદાહ પણ દેવાય ગયો. એક વાર વિચાર આવ્યો કે નીલુ છુટી.

લગભગ ચાર પાંચ દિવસ પછી હું મારા ઘરે ટીવી જોતી બેઠી હતી ત્યાં ઘરની બેલ વાગી. આ સમયે મારા ઘરે કોણ હોઇ શકે, નીલુ આવે તો ફોન કરીને આવે. હું ઉભી થઈ જોયું તો દરવાજા પર પોસ્ટમેન હતો, મને એક કવર આપ્યું. મને પત્ર લખવાવાળુ હજી કોઇ જીવતું છે એ વિચારીને મને અચરજ થયું કવર લીધુ જોયું તો અક્ષર થોડાં જાણીતાં ન હતા. કવર ખોલીને જોયું તો લખ્યું હતુંં..

મારા અતિ પ્રિય આંટી

આંટી હું પ્રિયા સચદેવ, તમારી નીલુની વહું, આ પત્ર વાંચશો ત્યારે હું હયાત નહી હોવ, મે મારી રાહ પકડી લીધી હશે. પણ આંટી તમારી ગુનેહગાર આખી જિંદગી રહું એ મને મંજુર નથી એટલે આ પત્ર લખુ છું અને આશા રાખુ છું કે તમે સમજી શકો છો કે મરતુંં માણસ પ્રભુની બીકે પણ જુઠ્ઠુ ન બોલે.

આંટી એક વાત કહો કેમ તમે કોઇ દિવસ મારા પક્ષે કેમ ન વિચાર્યું તમે તો સત્ય માટે કોઇ પણ સાથે લડી લેતા. મે તમારી બહું રાહ જોઇ પણ તમે મને કાંઇ ન પૂછ્યું અને તમારી નીલુ તો મને તમારાં સુધી પહોંચવા જ નહોતી દેતી.

આંટી હું ગરીબ ઘરની દીકરી છું મારે નાની ત્રણ બહેનો છે મારા પિતા પગારદાર માણસ છે હું સૌથી મોટી, સાસરુ સારુ મળે એ લાલચે મને મારા પપ્પાએ આ ઘરમાં વળાવી દીધી જ્યારે કે અમને ખબર હતી કે આકાશને કોઢ નીકળવાનો શરુ થઈ ગયો હતો, તમારી નીલુ એટલે જ તો મારા જેવી ગરીબ ઘરની છોકરી લઈ આવી હતી. શરૂઆતમાં એ મા દીકરો મને માનસિક ત્રાસ આપતા પણ હવે છેલ્લાં વર્ષથી મને શારીરિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો એ પણ હું સહન કરી લેત પણ મારા બાળકને હું આ ઘરમાં જન્મ ન આપી શકું એટલે મે આ પગલું ભર્યું છે. આ પત્ર વાંચીને ફાડી નાંખજો, મારે કોઇને સજા નથી દેવડાવવી, સજા પોતે ઉપરવાળો આપશે. પણ એક વાત કહું આંટી આવતા જન્મે તમે મારી સાસુ બનજોને પ્લીઝ..

     તમને અતિશય પ્રેમ કરવાવાળી પ્રિયા સચદેવ.

અને હું ફસડાઇ પડી, આટલી મોટી ભૂલ મારાથી કેવી રીતે થઈ, એ બે મોત માટે હું પોતાને પણ ગુનેગાર માનવા લાગી. આંખોનાં આંસું બંધ નહોતા થતા. મને ઘભરામણ થતી હતી. મને પ્રિયાનો ચહેરો જ દેખાતો હતો, હું નીલુ ને ઓળખી ન શકી. શું થઈ ગયું મારાથી આ ? આખરે હું ઉભી થઈ મોઢું ધોયું અને પોલીસસ્ટેશને જઈને એ પ્રિયાનો પત્ર જમા કરાવી આવી, થોડી જ વારમાં નીલુનો ફોન મારા મોબાઈલ પર આવવા લાગ્યો, મે મોબાઇલને સ્વીચ ઓફ કરી નાંખ્યો.


Rate this content
Log in

More gujarati story from Neeta Kotecha

Similar gujarati story from Thriller