ધર્મ
ધર્મ


સોનાના લગ્ન લેવાણા હતા. સોના અને મનન. બે જ ભાઈ બહેન. ૪૦ લોકો બહારગામથી આવી ગયા હતા. બધા સંપીને કામ કરતા હતા. કોઈક વટાણા છોલતું હતું, તો કોઈક કોથમીર સાફ કરતુ હતું. પણ સોનાની મમ્મીને સૌથી વધારે ચિંતા એના મમ્મી અને સાસુના ધર્મના મતભેદને લીધે હતી. એ ચર્ચા ન નીકળવી જોઈએ બસ. બંનેને અલગ અલગ રૂમ આપ્યા હતા. એકમાં ઠાકોરજી બિરાજ્યા હતા. અને બીજી રૂમમાં શિવજીનું મંદિર ઉભું કર્યું હતું.
આખરે એ ક્ષણ આવી જ ગઈ જ્યારે આ ચર્ચા શુરુ થઇ. આ ચર્ચાની શરૂઆતનું મુખ્ય કારણ હતું નાનીના એક ફ્રેન્ડ. તેઓ આવ્યા અને ભજનોનો દોર શુરુ થયો. પહેલું ભજન લાલાનું ગયું. એટલે તરત દાદી એ બીજું શિવજીનું ઉપાડ્યું. પછી એમાં ચર્ચા શુરુ થઇ.
નાની : અમે તો પુષ્ટિમાર્ગી, અમે તો કોઈ દિવસ શિવ મંદિરમાં પગ પણ ન મુકીએ.
દાદી : અમે તો શીવ પંથી, મરી જઈએ તો પણ હવેલીમા ન જઈએ."
આ ચર્ચા ઉગ્ર સ્વરૂપ પકડે ત્યાં મનને બોમ્બ ફોડ્યો.
નાનો મનન બોલ્યો, "નાની.. દાદી તમે બંને એક બીજાના મંદિરમાં ન જાઓ પણ જુઓ કૃષ્ણ અને શિવજી તો આ જ ઘરમાં સાથે બેઠા છે "
મનની વાત સાંભળીને નાની દાદી બંને પાસે કોઈ શબ્દ જ ન રહ્યા.