સાચી સમજણ
સાચી સમજણ
'જો હું ના પાડુ છું આમ જુવાન દીકરીને કાંઇ ગોવા ન મોકલાવાય સમજ્યાંને..."મયુરીએ એના પતિ લોકેશને કહ્યું.
લોકેશને તો એક જ વાક્ય આવડતું હતું “મયુરી તું તો દેશી જ રહી, કાંઇ નથી થાતું જવા દે એને..એની જિંદગી પણ માણવા દે.." પછી પપ્પા અને દીકરી એક થઈ જતા અને હસતા..મયુરી ને ખરાબ તો લાગતું પણ એના કરતા વધારે એની માટે મહત્વ હતું દીકરી ની ચિંતા..
પણ ત્યાં કોઇ એનું સાંભળે એમ ન હતું.
નક્કી થયું કે સીમ્મી ગોવા જશે..
હવે તો મયુરી પાસે એક જ રસ્તો બચ્યો હતો કે હવે એણે એની દીકરી ને ત્યાં કાંઇ તકલીફ ન થાય એ ધ્યાન રાખવાનુ હતું. એટલે એણે નાસ્તા બનાવવાનાં શુરુ કરી દીધા.
બીજા બે દિવસ નીકળી ગયા..અને સીમ્મી નો જવાનો સમય આવી ગયો.
રાતનાં કાર લેવા આવાની હતી. મયુરી એ કોઈ દિવસ એના મિત્રો ને જોયા પણ નહોતા. આજે તે પહેલી વાર એમને મળવાની હતી. રાતનાં લગભગ ૯ વાગ્યા અને સીમ્મી ને ફોન આવ્યો અને એ ઉછળી પડી કે આવી ગયા બધા. અને સામાન લઈને સીધી લીફ્ટ પાસે ગઈ. મયુરી એ દોડતા દોડતા ચપ્પલ પહેર્યા અને એ પણ લીફ્ટ પાસે ઉભી રહી ગઈ. સીમ્મી એ પ્રશ્નાર્થ નજરે મયુરી સામે જોયું. “તમે ક્યાં જાવ છો ?”
“ અરે તને ગાડી સુધી મૂકવા “
“ નાં કાઈ જરૂરત નથી. એમ સારું ન લાગે. મારા મિત્રો કહેશે કે દૂધ પીતી બચ્ચી છો કે મમ્મી મુકવા આવે. “
જવાબ સાંભળ્યા વગર તે એકલી લીફ્ટમાં નીચે ઉતરી ગઈ. મયુરીનું કાળજું ચિરાઈ ગયું કે આઠ દિવસ માટે નજરથી દૂર રહેવાની છે. પણ જરા પણ સરખી રીતે આવજો પણ નહિ કરે ? આંખમાં અશ્રુ ક્યારે આવી ગયા સમજાણું નહિ. તો પણ તે પાછી લીફ્ટ બોલાવીને દીકરીના મિત્રોને જોવા ગઈ. મયુરીને ગાડી પાસે જોઇને સીમ્મીનું મોઢું બગડી ગયું. અને એના મિત્રોને જોઇને મયુરીને એમ થયું કે એને ચક્કર જ આવી જશે. મયુરીને જોઇને બધા મિત્રો ગાડીની બહાર આવ્યા. લાગતુંં હતુંં જાણે કપડા પહેર્યા જ નહોતા. છોકરીઓનાં વાળ નાના અને છોકરાઓના વાળ મોટા. આ કેવા લોકો સાથે દીકરી જાય છે એ વિચારીને જ એને ગભરામણ થવા લાગી. મયુરીએ તરત લોકેશને ફોન કર્યો જે ઘરમાં બેસીને આરામ થી ટીવી જોતો હતો.
“ નીચે આવો જરા કામ છે “
લોકેશે નીચે આવવું પડ્યું.
મયુરી એ લોકેશને એક બાજુ લઇ જઈને કહ્યું “ જુઓ તો ખરી કેવા મિત્રો છે. આવા લોકો સાથે કેમને મોકલાવાય ?”
“ આવજો “
ગાડી સ્ટાર્ટ થવાનો અને સીમ્મી નો આવજો બોલવાનો અવાજ આવ્યો. અને ગાડી નીકળી ગઈ. લોકેશ હસતો રહ્યો.મયુરીની આંખમાંથી અશ્રુનો વરસાદ શુરુ થઇ ગયો. લોકેશે એનો હાથ પકડીને કહ્યું “ ચાલ મારી દેશી બૈરી, હવે આવાજ છોકરાઓ તને જોવા મળશે. “
ઝટકા થી હાથ છોડાવીને એ લીફ્ટમાં એકલી ઘર તરફ ચાલી ગઈ. આખી રાત એણે ઘરમાં આંટા માર્યા. રાતની સફર, આવા છોકરાઓ. બસ ગોવા પહોચી જાય તો સારું. લોકેશે એક બે વાર ગુસ્સાથી અને એક બે વાર પ્રેમથી સમજાવી જોયું પણ મયુરી ને જાણે કઈ જ સંભળાતુંં નહોતુંં. આઠ દિવસ કેવી રીતે નીકળશે. એ જ વિચારમાં એ પાગલ થતી હતી.
સવાર પડી એટલે એને સીમ્મીને મેસેજ કર્યો “ઠીક છો ને ?”
કોઈ રીપ્લાય ન આવ્યો. એણે લોકેશને ઉઠાડ્યો. લોકેશે કહ્યું “ સુતી હશે.”
કલાક પછી સીમ્મી નો મેસેજ આવ્યો “ હા “
હવે મયુરીના જીવ માં જીવ આવ્યો. ધીરે ધીરે એણે વિચાર્યું કે દીકરી માનવાની તો છે જ નહિ. મારે થોડું બદલાવું પડશે. એણે આખા દિવસમાં એક પણ મેસેજ ન કર્યો. રાતનાં નીંદર નહોતી આવતી પણ શું કરવું એ સમજાતુંં ન હતુંં.
ત્યાં એના ફોન પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો.
“ તમે દેશી મમ્મી નથી. તમે બહું સારા છો. સીમ્મી એ અમને તમારી વાતો કરી. અમે એની પર બહું ગુસ્સે થયા. કારણ અમારામાંથી બે લોકોની મમ્મી જ નથી અને બીજાની મમ્મીઓ પોતાની પાર્ટીઓમા એટલા બીઝી છે કે અમારી માટે વિચારવાનો સમય જ નથી. તમારો બનાવેલો નાસ્તો બહું જ સરસ છે આંટી. સીમ્મીની ચિંતા નહિ કરતા “
મયુરીની આંખોમાંથી અશ્રુનો વરસાદ શુરુ થઇ ગયો.
એણે સામે મેસેજ કર્યો “ લવ યુ બેટા. ખુશ રહો “
ત્યાં એક મેસેજ એ જ નંબરથી આવ્યો “સોરી મમ્મી. મારા મિત્રોએ મને સાચી સમજણ આપી. લવ યુ મા !“