JHANVI KANABAR

Tragedy Crime Thriller

4.1  

JHANVI KANABAR

Tragedy Crime Thriller

સુંદરતા - એક અભિશાપ

સુંદરતા - એક અભિશાપ

6 mins
110


તે ખૂબ જ સુંદર હતી. સીમા એટલે ચંદ્રના ઉજાસથી શ્વેત બની ખળખળ વહેતુ ઝરણું. તેની આંખો હરિણી જોઈ લો. તેના હોઠ જાણે બે ગુલાબની પાંખડીઓ, તેની હડપચી અને નાક તો જાણે નમણાશની પરિભાષા, તેના ખભા સુધીની લંબાઈ ધરાવતા લાંબા, સિલ્કી વાળ જાણે હવાની સાથે લયબદ્ધ થતા હોય... સીમાની સુંદરતા તેની જ્ઞાતિ, આડોશપાડોશ અને કોલેજમાં ચર્ચાનો વિષય બની જતી. કોઈ તેના દિલથી વખાણ કરતું, તો કોઈ ઈર્ષ્યા. સીમાની સુંદરતા જ નહિ તેની ચપળતા અને વાક્પ્રતિભા પણ તેના પ્રત્યે ચુંબકીય આકર્ષણ જન્માવે તેવી... ઈશ્વરે તેના રૂપને જ નહિ તેના ગુણને પણ ખૂબ જ સમય સાથે કંડાર્યા હતા. તમને મનમાં થતું હશે કે, કેટલી ભાગ્યશાળી છોકરી હશે આ સીમા ! પણ ના.... સીમા પાસે એક એવી કમી હતી, જે તેને હંમેશા બધા કરતાં અભાગણી બનાવતી હતી. એ કમી હતી તેના મા-બાપ. સીમા જ્યારે સાત વર્ષની હતી ત્યારે તે તેના મામા-મામી પાસે રાજકોટ ગઈ હતી. તેના માતા-પિતા રાજકોટ તેને તેડવા જ આવી રહ્યા હતા ત્યારે બસ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. બસ, ત્યારથી જ સીમા તેના મામા-મામીની છત્રછાયામાં જ મોટી થઈ. મામા-મામીએ આ પારકી દીકરીને સહારો તો આપ્યો પણ હૂંફ નહિ, તેને રહેવા આશરો તો આપ્યો પણ મા-બાપ જેવો પ્રેમ નહિ, તેને ખાવા રોટલો તો આપ્યો પણ વાત્સલ્યભર્યો હાથ તેના માથા પર કદીય ન ફેરવ્યો. સીમા માત્ર તેમની જવાબદારી જ બની રહી હતી. પોતાની સખીઓને મા-બાપ સાથે લાડ કરતાં જોઈ સીમાની આંખો ભરાઈ આવતી. મનોમન ઈશ્વર સાથે ઝઘડતી, પણ જેમ જેમ મોટી થતી ગઈ, તેમ તેમ તે પરિસ્થિતિ સાથે સમજૂતી કરતાં શીખી ગઈ.

સીમાએ બી.કોમ. પૂરુ કર્યું એટલે મામા-મામીએ આ જવાબદારીથી છૂટકારો પામવા તેના માટે યોગ્ય વરની શોધ શરૂ કરી દીધી.`યોગ્ય’ તો નહિ પણ `જે મળે તે’ એમ કહેવું ઉચિત રહેશે. સીમાનું જોવાનું ગોઠવાયું. સીમાએ પણ પોતાની સ્થિતિ જોતાં કોઈ વધારે સપના સેવ્યા નહોતા, બસ તે ઈચ્છતી હતી કે, તેનો પતિ સમજુ અને પ્રેમાળ હોય. રવિ અને તેના મા-બાપ સીમાને જોવા સાંજે છ વાગતા આવી પહોંચ્યા. સીમાએ નીચી નજરે નાસ્તા-પાણીની વ્યવસ્થા સંભાળવાની પ્રથા પૂરી કરી. કોઈને ખબર ન પડે તેમ એક નજર રવિ પર નાખી. રવિ દેખાવે શ્યામ હતો, તેના મોં પર ખીલના ગોબા હતા, શરીર પર ચરબીના થર જામેલા હતા, પણ સીમાને એનાથી કોઈ જ ફરક ન પડ્યો. તે તો બસ ઈશ્વરને પ્રાર્થના કરતી હતી, કે રવિનો સ્વભાવ ખૂબ જ સરળ અને મૃદુ હોય. બંનેને જાણવા સમજવા એકલતા આપવાની વ્યવસ્થા કરાઈ. સીમાએ સમયનો લાભ લઈ, ઘણાબધા સવાલજવાબ કર્યા. સામે રવિએ પણ સીમાને સમજવા માટે સવાલજવાબ કર્યા. મીટીંગ આશરે પચીસેક મિનિટ ચાલી. એ પછી બંને કુટુંબ છૂટા પડ્યા. રવિ અને સીમા બંને તરફથી લીલીઝંડી મળી ગઈ એટલે વિવાહ લેવાયા. સીમાના મામા-મામીએ છૂટકારો લેવા ઉતાવળે લગ્ન લીધા. સીમાએ રવિ સાથે પ્રભુતામાં પગલા માંડ્યા અને રવિના જીવનમાં તેનો ગૃહપ્રવેશ થયો.

રવિને સીમા જેવી સુંદર પત્ની મળ્યાનો ગર્વ હતો. સીમાને પણ આશા હતી કે, રવિ એ પચીસ મિનિટની મુલાકાતમાં જેવો લાગ્યો તેવો જ હશે. સીમા એક આદર્શ ગૃહિણી, આદર્શ વહુ અને આદર્શ પત્ની તરીકેની બધી જ ફરજ દિલથી નિભાવતી. રવિના મા-બાપમાં પોતાના મા-બાપને જોતી. રવિના મા-બાપ પણ આવી સુંદર અને ગુણિયલ વહુથી ખૂબ જ ખુશ હતા. તેમને તો વિશ્વાસ જ નહોતો બેસતો કે, પોતાના દીકરાના નસીબમાં આવી સુંદરત પત્ની હશે.... લગ્ન પછી રવિએ ઓફિસના કલિગ્સને પાર્ટી માટે ઘરે આમંત્રણ આપ્યું. સીમાએ એક સુલજેલ અને આજની ભણેલગણેલ યુવતીને છાજે તેવા વર્તનથી મહેમાનોની આગતાસ્વાગતા કરી. રવિના દરેક મિત્રની આંખો સીમાને જોઈ અંજાઈ ગઈ હતી. મહેમાનોથી ઘર ભરાઈ ગયું હતું. ધીમું ધીમું સંગીત ચાલી રહ્યું હતું. રવિ અને સીમા મિત્રોને અટેન્ડ કરી રહ્યા હતાં. એમાં જ ક્યાંક મિત્રોની અંદરની ગુસપુસ રવિના કાને પડી, `કાગડો દહીંથરુ લઈ ગયો....’ અને એક અટ્ટ હાસ્ય તેના કાનમાં ગુંજી રહ્યું. રવિનો અહમ ઘવાયો. આ તો હજુ શરૂઆત હતી. ધીમે ધીમે કોઈપણ સામાજિક કાર્યક્રમ હોય કે સોસાયટી સમારંભ હોય, આ નવયુગલને જોઈ આવી જ ગુસપુસ થતી. રવિના કાને બે-ત્રણ વાર આ સાંભળ્યું. એકવાર તો હદ જ થઈ ગઈ, રવિનો તેના પાડોશી જોડે પાર્કીંગના મામલે ઝઘડો થઈ ગયો. એ ઝઘડાએ ધીરે ધીરે મોટુ સ્વરૂપ લઈ લીધું હતું... ખૂબ બોલાચાલીમાં તેના પાડોશીએ રવિને જોરથી બોલી દીધું, `તારુ મોંઢુ જો પેલા, પછી તારી ઘરવાળીને જો, લાકડે માકડુ વળ્ગયું હોય એમ લાગે છે...’ લોકોના ટોળા વચ્ચે રવિનું આવું હળહળતું અપમાન તે પોતે સહન ન કરી શક્યો. સીમા આ બધુ જ જોતી હતી, તેને પતિના આવા અપમાનથી ખૂબ જ દુઃખ થયું. ઝઘડો જેમ-તેમ પત્યો અને રવિ ધુંઆપુંઆ ઘરમાં દાખલ થયો. ઘરમાં કોઈ કશું જ બોલ્યું નહિ. રવિ એ રાત્રે જમ્યો પણ નહિ, સીમાએ તેને પરાણે થોડું જમી લેવા કહ્યું, પણ તે ન માન્યો. એક-બે દિવસ સુધી તેનો મુડ ઠીક ન રહ્યો, એમાંય બીજે દિવસે સીમાથી શાકમાં થોડું મીઠું વધારે પડી ગયું તો તેણે બધો ગુસ્સો તેના પણ ઉતાર્યો અને સીમા પર પહેલીવાર હાથ ઉપાડ્યો. સીમા એ રાત્રે ભાંગી પડી. તેની બધી જ આશાઓ પર પાણી ફરી વળ્યું.

થોડા દિવસ આમને આમ પસાર થયા, એ પછી રવિએ સીમાની પાસે આવી તેની માફી માંગી. પતિના ચહેરા પર પશ્ચાતાપ જોઈ તે પીગળી ગઈ અને તેણે કહ્યું, `રવિ, મારા મતે દેખાવ એ મનુષ્યની ઓળખ છે જ નહિ, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. આપણા બે વચ્ચે લોકોની આવી વાહિયાત વાતોની કોઈ જ જગ્યા ન હોવી જોઈએ.’ રવિએ તેને પ્રોમિસ કર્યું કે, ફરી આવું ક્યારેય નહિ થાય.

એ દિવસે રવિવાર હતો એટલે રવિએ સીમાને કહ્યું કે, `તું મમ્મી-પપ્પાનું ડિનર કરી રાખજે, આપણે બહાર ડિનર કરવા જઈશું..’ સીમા પણ ખુશ થઈ ગઈ. તેણે સાંજે સાત વાગતા બધું કામ આટોપી દીધું અને તૈયાર થઈ ગઈ. રવિ અને સીમા ડિનર લેવા બહાર ગયા. ડિનર લઈ તે પાછા વળતા હતા, ત્યાં રવિએ સીમાને કહ્યું, `વાતાવરણ ખૂબ સરસ છે, કાર ભલે અહીં જ રહી.. અહીં વોકિંગ ડિસ્ટન્સ પર આઈસ્ક્રીમ પાર્લર છે, થોડી રોમેન્ટીક વોક થઈ જાય અને આઈસ્ક્રીમ પણ ખાઈ આવીએ...’ સીમા રવિનો મૂડ જોઈ આનંદમાં આવી ગઈ. તે અને રવિ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા ત્યાં જ એક બાઈક તેમની સામે આવ્યું અને સડસડાટ કરતું રવિ અને સીમા વચ્ચેથી પસાર થઈ ગયું. સીમા અને રવિ આઘાઆઘા થઈ ગયા. હજુ તેઓ કંઈ વિચારે એ પહેલા એ બાઈકે ટર્ન લીધો અને ફરી સીમા પાસેથી પસાર થયું. બાઈક સીમાની એકદમ નજીકથી પસાર થયું અને બાઈક પર પાછળ બેઠેલા એક યુવકે બોટલ ખોલી કંઈક સીમાના મોં પર ઢોળ્યું. સીમા જોરજોરથી બૂમો પાડવા લાગી. રવિ હેબતાઈ ગયો અને તે સીમા પાસે આવ્યો. સીમા પર કોઈએ એસિડઅટેક કર્યો હતો. આજુબાજુથી પબ્લિક ભેગી થઈ ગઈ અને સીમાને હોસ્પિટલ ભેગી કરવામાં આવી.

સીમાનો ચહેરો પૂરો ખરાબ થઈ ગયો હતો. તેના પર સર્જરી કરવામાં આવી, પણ હવે એ સુંદર ચહેરા પર કુરૂપતાએ કબજો કરી લીધો હતો. થોડા દિવસ પછી તેને ઘરે લાવવામાં આવી. સીમાને જોઈ આડોશપાડોશના છોકરાઓ ડરી જતા. પોતાના જ કુરૂપ ચહેરાને પહેલી વાર જ્યારે સીમાએ જોયો ત્યારે તેની ચીસ નીકળી ગઈ હતી. તેના રોજના હૃદયદ્રાવક આક્રંદ દુશ્મનને પણ હલબલાવી નાખે તેવા હતા. થોડા સમય પછી સીમાએ થોડા સ્વસ્થ થતા રવિને કહ્યું,`રવિ, મારુ કોણ દુશ્મન હશે ? જેણે મારા પર આવો અત્યાચાર કર્યો ! મારુ જીવતર બગાડ્યું ! મેં કોઈનું શું બગાડ્યું હતું ? આપણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી રવિ, તો કંઈ જાણવા મળ્યું ? કોણ છે જેણે મારા આ હાલ કર્યા ?’

`હું છું એ... હું છું જેણે તારી આ હાલત કરી...’ રવિ બોલ્યો.

`રવિ.... શું બોલો છો તમે ?’ સીમાથી ચીસ નખાઈ ગઈ... અને તેનો અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો.

`હા, કંટાળી ગયો હતો, લોકોના મહેણા-ટોણાથી. “હું કુરૂપ, મને આવી સુંદર પત્ની ક્યાંથી, હું તારે લાયક નથી.” આવા ડુંભાણાઓ મને અંદરથી ખાઈ ગયા હતાં, અને એટલે જ મેં આ કાવતરૂ ઘડ્યું. હવે કોઈ નહીં કહે કે, હું કૂરૂપ. હવે, તું મારી કદરૂપી પત્ની બનીને રહીશ. લોકોમાં મારૂ માન વધશે કે, મેં આવી કુરૂપ થઈ ગયા પછી પણ મારી પત્નીને છોડી નથી.’

સીમા તો રવિના શબ્દોથી અવાચક્ થઈ ગઈ હતી. તે વિચારી પણ નહોતી શકતી, કે ઈશ્વરે તેના ભાગ્યમાં કેટલા દુઃખ લખ્યા હતા. તેના ચહેરા પર એ દિવસે ઉડેલા એક પ્રવાહીએ આટલી વેદના નહીં આપી હોય, જેટલી આજે રવિનું આ રૂપ જોઈને તેને થતી હતી. રવિના વેધક અને કઠોર શબ્દોનો મારો હજુ ચાલુ જ હતો ત્યાં સીમા ઢળી પડી. આઘાતથી નિશ્ચેત થઈ ગયેલી સીમા, પોતાના દુર્ભાગ્યને કાયમ માટે અલવિદા કહી બીજી જ દુનિયામાં નીકળી પડેલી સીમા.

સુંદરતા મનુષ્યની નજરમાં હોય છે, માત્ર હાડમાસની સુંદરતાને મનુષ્યની આત્માથી વધારે મહત્વ આપવામાં આવે તો તે વિધ્વંશ નોતરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy