સુખનો સૂરજ
સુખનો સૂરજ
ગામના ચૌરે ને ચૌટે એક જ વાત હતી અને તે એ કે, અઠ્યાવિસ વરસ પછી હેમરાજભા નો નાનો દીકરો સૂર્યદેવ ગુમનામીના અંધકારમાંથી અજવાળું થઈ પાછો ફર્યો હતો.
હજુ ગઈ કાલની જ વાત છે. સવાર સવારમાં ગામના પાદરથી થોડું છેટું રહે તેમ એક સડસડાટ આવેલી મોટી કાળી મોટરકારના પાછળના દરવાજો ડ્રાઈવરે ઉતરી ખોલ્યો. ને તેમાંથી એ મોટર કારના પ્રમાણમાં સાદા કહેવાય તેવા લૂગડે એક માણસ હાથમાં મોટી બેગ રાખી ઉતર્યો. ડ્રાઈવર સાથે કંઇક ગુફ્તેગુ કરીને પછી ડ્રાઈવરે આદર સાથે કાર હંકારી મૂકી...શહેર તરફ.
કારમાંથી ઉતરેલ ને બે દિવસની વધેલી દાઢીવાળો વાંકડિયા વાળમાં હાથ ફેરવતો આશરે ચાળીસીમાં હોય તેવો પુરુષ ગામના પાદરમાં જાણે કંઇક શોધવું હોય તેવી નજરે ગામ તરફ આવી રહ્યો હતો.
આ બાજુ .. સવાર સવારમાં ગાયોને ગામના હવાડે પાણી દેખાડવા આવેલ સવજી કડિયાળી ડાંગના ટેકે ઊભો એકટિશે આ આગંતુકને જોઈ, અણિયાળી મૂછોમાં મલકી રહ્યો હતો..!
"ભાઈ સાબ, માન ન માન પણ મને તું 'સુરા' જેવો લાગું સુ."
સવજીની કોઠાસૂઝ આમ પણ વખણાતી... ને આજે એ બરાબર કામ કરી રહી હતી. પોતાના નાનપણના ભેરુને તેની ચાળીસી ની દાઢીમાં ને આછી મુછોમાં તે શોધી ને ઓળખી રહ્યો હતો જાણે ! સામે, સૂર્યદેવ જરા ખમચાયો... હોઠો પર તેની પહેલી આંગળી રાખી ચૂપ રહેવાનો ઈશારો દેખાડી પછી ધીમેથી બોલ્યો.
"સવા, મારા દોસ્ત, મને ઓળખી ભલે ગયો ! પણ, હું કેવી રીતે ગામે ઉતર્યો એ વાત મનમાં રાખજે. "
પછીની પળે, સવજી ને તેનો ગોઠીયો સુરો એકબીજાને ભેટી આંસુ સારી રહ્યા.
પાદરે રહેલ સવજીનું ખોરડું આ નવા મહેમાનને નવાજી રહ્યું હતું.
***
બાપના કડવા વેણ સાંભરી રિસાયેલ સુરો ગામ ને ઘર છોડી. તેની નવી દુનિયામાં ખોવાઈ ગયેલ ને તેને શોધવા આશરે ત્રણ દાયકા પહેલા તેના બાપે કરેલ મથામણ પછીના આઘાતે ત્રણ ચાર વર્ષે દેહ છોડી સિધાવી ગયા હતા. આ બધી વાતો અને પછી મોટા ભાઈ ચંદ્રસિંહના પરિવારની કુશળતાની વાતોની આપ લે કરતા કરતા સવજીએ બે વાટકા ગરમ દૂધ દોસ્તના કોઠે પીવડાવી દીધુ હતું.
સૂર્યદેવ પણ પોતાની દિલ્હી સુધીની મુસાફરીને વીતેલ જીવનની વાતો સવજીના કાનમાં રેડી છેલ્લે કંઇક ફૂંક મારી દોસ્તને વચને બાંધી રહ્યો હતો જાણે!
સવજીએ સુરાના ભાઈ ચંદ્રસિંહ ને છેક હવે સમાચાર મોકલી તેડાવ્યા. ચંદ્રસિંહ વાડીએ ગયેલ તે ઘરે આવ્યાને ઘરના સભ્યોથી આ ખબર જાણીને જાણે અચરજ પામ્યા હતા. ઘર કુટુંબના માણસો ભેગા થઈ સૂર્યદેવને ગોળધાણા ને કંકુ ચોખાએ મેડીએ લઈ આવ્યા. આખો દિવસ ગામને ફળિયામાં આ ઘટના ગુંજતી રહી હતી.
***
રાતે, સૂર્યદેવને મેડીના ઉપરના ભાગે ઢોલિયો ઢાળી. ભાઈ ભાભી ઘર પરિવારની વાતોને આટલા વરસોમાં પોતે વેઠેલ દુઃખ ને કરેલ કાળી મજૂરીની વાતો કરી નીચે ઊંઘવા સરક્યાં હતા.
સૂર્યદેવને એક વાત ખૂંચી રહી હતી કે પોતે આટલા વર્ષો પછી આવ્યો છે તે વાતે ભાઈ ભાભીના ઉમંગમાં ઉમળકો ઘણો ઓછો લાગ્યો.
શિયાળાની ઠંડી રાત ને મેડી ઉપરના વિલાયતી નળિયાંમાંથી આવતા ધીમા સૂસવાટા વચ્ચે સૂર્યદેવની આંખ મળીના મળી ત્યાં નીચેથી ભાઈ ભાભીની ગુસપુસ આ ટાઢી રાતે તેને ઝાળ લગાવતી રહી જાણે !
"એ ખોવાયો ને મરી પૂગ્યો એવું લખાવી આ બધીય મિલકત ને વાડી તમારા ખાતે કરાઈ સ. અવ બધો ભાગ હેનો પાડવાનો ? આજ લગર બધી વેઠ આપણે કરી અન બેઠો માલ ઇને આપવાનો ?"
"વાત તારી હાચી પણ આખા ગામને મુંઢે મારે હું મૂકવાનું. બધા ઇમ જ બોલવાના ને કે, સુરાનો ભાગ સે જ."
"ઇ હુંના જાણું કંઈ, આ વાડી ને મેડી હું નઈ આપુ ઇ લખી લેજો."
"જો, હાંભર, તારી વાત હાથે મું સંમત સુ. કાલ હવારે જ ઇને આ ઘર મેલી દઈ પાસા જતા રે'વાનું કંઈ દઉં સુ. અવ ઊંઘી જા તું તારે."
સૂર્યદેવ હચમચી રહ્યો હતો. પણ, અંધારી રાત્રિએ તો તેનું કામ કરે રાખ્યું ને પસાર થઈ ગઈ. વહેલી સવારના અંધારામાં ભેંસોના ભાંભરવાના અવાજે સૂર્યદેવને ઘર છોડતો રોકવાની વ્યર્થ કોશિશ કરી જોઈ હતી.
***
આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ચંદ્રસિંહ બધાને જવાબ આપતા થાક્યો કે, સૂર્યદેવને કંઇક અચાનક કામ યાદ આવ્યું હશે એટલે નીકળી ગયો છે. પણ, આ તો ગામ , જેટલા મોઢા એટલી વાત.
વાત ઊડતી પહોચી સવજી પાસે ને દોડતો આવ્યો.... ચંદ્રસિંહના ઘરે.
"ચંદુ ભા, મારો ભાઈબંધ કેમ પાસો સોડી ગ્યો આ ગામને ?"
ભાઈ ને ભાભી નિરુત્તર રહ્યા.
"ઇનો થેલો સે કે લઈને ગ્યો, જુઓ તો જરા. "
ચંદ્રસિંહ દોડીને મેડીએ ચઢ્યા. જોયું તો બેગ એક ખૂણામાં એમની એમ હતી. લઈને નીચે આવ્યા.
સવજી બોલી પડ્યો. "હાંભળો. ઇ બેગમાં તમારા બેવ માટે સરસ લૂગડાં, દાગીના ને બીજું ઘણુંય સે જુઓ. "
ભાભીએ તરત બેગ હાથમાં લઈ ઘર વચ્ચે ઠાલવી. બધા અચરજમાં પડી ગયા. મોંઘા કાપડના થપ્પા, સાડીઓની ચમક ને સોના ચાંદીના દાગીનાની બે દાબડી ઓ સાથે એક ચિઠ્ઠી પણ સરકી પડી હતી.
"મારા ભાઈ ને ભાભી,
હું આટલા વર્ષે ઘરના રોટલાનો સ્વાદ લેવા ને તમારો પ્રેમ પામવા પાછો આવ્યો હતો. થોડા દિવસ રહીને તમને લઈને દિલ્હી મારા બંગલા ને ફેક્ટરીના સુખે સુખી કરવા લઈ જવાની નેમ હતી. પણ, મને માફ કરશો. એ પ્રેમ ને ઘરનો રોટલો હજુ મને ઘણો છેટો લાગે છે. મને, મારી દુનિયામાં જ રહેવા દેશો."
લિ. તમારો. . સૂર્ય.
"ઈ મારો ભેરુ તમારું સુખ લઈને આવ્યો 'તો...ને ઇ સુખનો સૂરજ તમારે આંગણે થપ્પો દઈ ને પાસો વળી ગ્યો.... ચંદુ ભા."
સવજી બબડતો બબડતો ગામના પાદર તરફ રવાના થયો.
