સુધા, ક્યાં છે તું?
સુધા, ક્યાં છે તું?


“છમ્મ... છમ્મ...”
ઝાંઝરની છમછમ સાંભળી એણે પૂછ્યું, “સુધા, ક્યાં છે તું?” ઓરડાના અંધકારમાં કોઈ જવાબ ન મળતા તેણે બહાર જવા પગ ઉપાડ્યા પરંતુ બીજી જ ક્ષણે સંભળાયેલા ઝાંઝરની છમછમથી એ પાછા અટકી ગયા... ચોમેર નજર ફેરવી તેણે શર્ટના ખિસ્સામાંથી સિગરેટ કાઢી અને તેને સળગાવતા સળગાવતા ઝાંઝરની છમછમ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું પરંતુ એ સંભળાઈ નહીં! તેણે ગુસ્સામાં સિગરેટને એક તરફ ફેંકી દેતા ફરી પૂછ્યું, “સુધા, ક્યાં છે તું?”
શાં..તા... ત્યાં ડોરબેલ રણકી ઉઠી... તેણે ગાંડાતૂર બનીને દરવાજો ખોલ્યો... પરંતુ બહાર ઉભેલી તેની બહેનપણી નિર્મલાને જોઈ તેના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. તેની અવસ્થા જોઈ નિર્મલાએ ડઘાઈને પૂછ્યું, “આ તારી હાલત તો જો!!! તું સ્વીકારતી કેમ નથી કે તારો પતિ વિરાજ હવે આ દુનિયામાં નથી રહ્યો! ભાનમાં આવ સુધા... ભાનમાં આવ... ક્યાં સુધી આમ વિરાજના કપડા પહેરી અને તેની નકલ ઉતારી પોતાની જાતને છેતરતી રહીશ?”
સુધાના પગની તૂટેલી ઝાંઝરને જોઈ નિર્મલા રડી પડી... સુધાએ શૂન્યમનસ્કપણે તેને પૂછ્યું, “સુધા, ક્યાં છે તું?”
(સમાપ્ત)