Amrut Patel 'svyambhu'

Tragedy Crime Thriller

4  

Amrut Patel 'svyambhu'

Tragedy Crime Thriller

સર્વનાશ

સર્વનાશ

6 mins
1.0K


          પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની સરહદ પાસે અંકુશરેખા પાસે આવી અબ્દુલે પરિસ્થિતિનો તાગ મેળવી લીધો. બધું બરાબર જણાતાં નવી તૈયાર થયેલી ટુકડીના કાનમાં તેણે કોમવાદનું ઝેર રેડયું અને ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે અધતન શસ્ત્રો તેમજ દારૂગોળાથી સજ્જ આંતકવાદ ફેલાવવાના આશયવાળી તાલીમ પામેલી ટુકડીને અંકુશરેખા ઓળંગવાની લીલી ઝંડી આપી દીધી.

    અંધારી રાતની ચાદર ઓઢી આખી ટુકડી ભારતમાં આવી પહોંચી.

    આ ત્રાસવાદી ટુકડીમાં જાવેદ પણ હતો. ત્રાસવાદી તાલીમ-છાવણીમાં જાવેદને પૂરાં ત્રણ વર્ષ થયાં હતાંં.

   આજથી બરાબર ત્રણ વર્ષ પહેલાં તેને અબ્દુલ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદી-તાલીમ છાવણીમાં લઈ ગયો હતો.

   જાવેદ જે દિવસે અબ્દુલ સાથે ત્રાસવાદની તાલીમ લેવા જવા તૈયાર થયો તે વાત રઝિયાએ જાણી ત્યારે તેણે જાવેદને આ અંગે સમજાવતાં કહ્યું હતું : 'જાવેદ… આ બરાબર નથી થઈ રહ્યું. હજી તમારી પાસે સમય છે. આ ગુનાહિત પ્રવૃત્તિ છોડી દો. અલ્લાહની મહેરબાનીથી આપણી પાસે બધું જ છે. આપણે ભલાં ને આપણાં બાળકો.'

    … પણ ધર્મના નામે અબ્દુલે જાવેદને ભડકાવીને તથા લાલચો આપીને ત્રાસવાદી બનવા તાલીમ લેવા ભરમાવ્યો હતો. એટલે તેણે રઝિયાની વાત માની નહોતી.

   ત્રાસવાદની તાલીમ લેવા જતાં પહેલાં જાવેદે રઝિયાને કહ્યું હતું : 'રઝિયા…. તું મારી જરાય ચિંતા કરીશ નહી. તું આપણાં બાળકોને સાચવજે. આ સમયે મારું જવું જરૂરી બને છે. એક વાર આ તાલીમ લઈ લીધા પછી આપણને અહીં કોઈનો ડર રહેશે નહિ. તને દર મહિને બૉસ તરફથી પૈસા મળી જશે અને હા, આ સમયે જો પાછી પાની કરું તો કાયરતા ગણાય…!'

   અને જાવેદ રઝિયા અને બે બાળકોને છોડી અબ્દુલ સાથે ચાલી નીકળ્યો હતો.

     તાલીમ પામેલી ટુકડીના તમામ સભ્યોની પહેચાન કરી લીધા પછી, ચીફ બૉસ તરફથી ટુકડીના તમામ સભ્યોને તેમના અલગ અલગ અડ્ડાઓ ઉપર મોકલી દીધા.

   જાવેદને તેના જ ઈલાકામાં મોકલતાં તેના હૈયે આનંદ થયો. ત્રણ વર્ષ પછી રઝિયા અને બાળકોને મળવાનો અવસર આવ્યો હતો. હવે તો આદિલ કૉલેજનો અભ્યાસ કરતો હશે અને શકિના પણ નિકાહને લાયક થઈ ગઈ હશે….! વિચારે તેનો ચહેરો ખીલી ઊઠ્યો.

    ચીફ બૉસના હુકમ મુજબ જાવેદે તેના ઈલાકામાં બૉમ્બ-ધડાકા કરી આંતક ફેલાવવાનો હતો. આ નવી આવેલી ટુકડીના દરેક સભ્યોને અલગ-અલગ વિસ્તારોમાં બૉમ્બ-ધડાકા કરી દેશમાં આંતક ફેલાવવાની સૂચના અપાઈ ગઈ હતી.

   જાવેદે ચીફ બૉસની યોજના મુજબ તેના સાગરીતો સાથે મળી તેના ઈલાકામાં વિસ્ફોટ માટે બૉમ્બ ગોઠવી દીધા હતાં અને આ અંગે ટુકડીના તમામ સભ્યોનો સંપર્ક કરી લીધો હતો.

     જ્યારે પણ ત્રાસવાદી તાલીમ-છાવણીઓમાંથી નવી ટુકડી આવતી ત્યારે ત્રાસવાદની તાલીમ લઈને આવ્યા હોય તેવા તમામ સભ્યો પાસે ચીફ બૉસ આવું પરીક્ષણ કરાવતા!

   યોજના મુજબનું કામ જાવેદે તેના અન્ય સાગરીતો સાથે રાત દરમિયાનમાં પૂરું કરી દીધું હતું.

    સવારે નિયત સમયે અંજામ આવ્યા પછી તેના ચીફ બૉસ તરફથી રજા મળતાં તે રઝિયા અને તેનાં સંતાનોને મળવાનો હતો.

     રાત્રે અડ્ડા પર આવી જાવેદ રઝિયાના ખ્યાલોમાં ખોવાઈ ગયો. રઝિયાના અબ્બાજાનની મરજી વિરુદ્ધ જઈ રઝિયાએ જાવેદ સાથે નિકાહ પઢી લીધા હતાં. જાવેદને શરૂઆતથી જ અમીર બનવાની ખ્વાહિશ રહી હતી.

     કૉલેજનો અભ્યાસ પૂરો કરી નોકરીની તલાશ શરૂ થઈ… અમીર બનવાના ખ્વાબ પૂરા થઈ શકે તેવી નોકરી ન મળતાં એક દિવસ તેનો ભેટો અબ્દુલ સાથે થયો…!

     અબ્દુલ તરફથી મળેલી દોલતમાં તે અંજાઈ ગયો. ખૂબ જ ટૂંકા ગાળામાં તેને મહેનત વગર તેનાં ખ્વાબ પૂરાં થતાં રહ્યાં.

      સમયના વહેણમાં રઝિયાને જાવેદની અમીરીનો ખ્યાલ આવ્યો ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. આદિલ અને શકીના પિતાના 'બિઝનેસ'થી બેખબર હતાંં.

   રઝિયા અવારનવાર જાવેદને તેમની આ પ્રવૃત્તિમાંથી પાછા વળવા માટે ટકોર કરતી રહેતી, પણ જાવેદ માટે આ એક 'વેન વે' હતો...!

        જાવેદ સામે રઝિયાનો ચહેરો તરવરી ઊઠ્યો !

    'જાવેદ… હવે આપણાં બાળકો નાનાં નથી રહ્યાં… હવે તમે મારી વાત માની જાવ. તમે આ ધંધામાંથી બહાર આવી જાવ. હવે ખુદાની રહેમ છે… બધું જ આપણી પાસે છે. કોઈ વાતે કમી નથી. આદિલ પણ હવે મોટો થયો… તમારા બિઝનેસ અંગે અવારનવાર મને પૂછે છે. અત્યાર સુધી તો હું તેને સમજાવતી આવી છું, પણ જો ક્યારેક પોલીસ આપણા આંગણે આવીને ઊભી રહેશે તે દિવસે તો…'

      'રઝિયા, તું નાહકની ચિંતા કરે છે. અત્યારના સમયમાં તો આવું બધું ચાલ્યા કરે અને હા, મારી આ પ્રવૃત્તિની કોઈને ગંધ આવે તેમ નથી. આ સોસાયટીમાં આપણું અલગ સ્થાન છે.'

         'તોપણ તમે હવે…'

         'જો રઝિયા… આપણે શરૂઆતમાં કેવા કપરા દિવસો પસાર કર્યા છે. મારે આદિલ અને શકીનાને આવા દિવસો નથી બતાવવા. મારે તેમને કોઈ પણ ભોગે ખૂબ રઈસ બનાવવાં છે.'

        'જાવેદ, બૂરા કામનો અંજામ હંમેશા બૂરો જ આવે છે. અત્યાર સુધી તમારા ઉપર ખુદાની રહેમ-નજર હશે એટલે તમને કોઈ વાતે આંચ આવી નથી. એટલે જ કહું છું આટલાથી પાછા વળો; નહિતર… એક દિવસ એવો આવશે જે તમારા પાસેથી આ બધું ઝૂંટવી લેશે.

         'રઝિયા, આ દોલતના વાસ્તે જ તો આપણી બિરાદરીમાં આપણું બધાં માન જાળવે છે. કેમ નિકાહ થયાના શરૂઆતના દિવસો ભૂલી ગઈ ? આપણો કોઈ ભાવ પણ પૂછતું નહોતું. ફકીરની જેમ બધાં આપણને જોતાં હતાંં. આજે જે આ બિરાદરીમાં આપણું નામ છે તે દોલતના કારણે બન્યું છે.

       'શકુનથી જીવી શકાય તેટલી દોલત તમે ભેગી કરી દીધી છે. આદિલ પણ હવે મોટો થયો છે. તેને કોઈ સારા ધંધે ગોઠવી દઈશું. શકીનાને પણ સારા ઠીકાને વળાવીશું. આથી વધારે આપણને શું જોઈએ…'

    જાવેદને શકીના યાદ આવી ગઈ. કેટલા લાડકોડમાં તેને ઉછેરી હતી. જાવેદ શકીનાના નિકાહ ધામધૂમથી કરાવવા માગતો હતો.

     આખી બિરાદરીમાં કોઈના નિકાહ થયા નહિ હોય તેવા નિકાહના ખ્વાબ તેણે શકીના માટે જોયા હતાં.

     બસ… આવતી કાલે રઝિયાને મળી શકીનાનાં નિકાહની વાત બિરાદરીમાં મૂકી દેવી છે…!

      જાવેદ આખી રાત પડખાં ફેરવતો રહ્યો. તે સવાર થવાની બેશબરીથી ઇંતેજાર કરી રહ્યો હતો. અડ્ડાના અન્ય સાગરીતો ચેનની નીંદ લઈ રહ્યા હતાં.

     સવાર થતાં જાવેદે ચીફ બૉસનો સંપર્ક કરી લીધો. બધા વિસ્તારોમાં એક જ સમયે વિસ્ફોટ કરવાનો હતો એટલે દરેક ટુકડીએ સાવધ રહીને એક જ સમય સેટ કરી દીધો હતો.

    'જાવેદ… નવ ને પિસ્તાલીસે આપણે સફળ થઈશું તો ચીફ બૉસ આપણને શાબાશી આપશે અને તે પછી આપણે ધાર્યું કામ તેમની પાસેથી મેળવી લઈશું.' જાવેદનો એક સાગરીત ઘડિયાળમાં નજર કરતાં બોલ્યો,

       'હા… જો આપણું આ મિશન કામિયાબ રહે તો આપણી તાલીમ સફળ ગણાશે; નહિતર ત્રણ વર્ષ પાણીમાં ગયા સમજવા.' જાવેદ તૈયાર થઈ રહ્યો હતો.

       'અરે યાર, એકસો ટકા સફળતા મળશે. જાવેદ, મેં બૉમ્બ ક્યાં સેટ કર્યો તેની ખબર છે તને…!

      'ક્યાં સેટ કર્યો છે ?' જાવેદ તેના સાગરીત તરફ જોઈ રહ્યો. આ સભ્ય આ ઈલાકામાં પહેલી વાર આવ્યો હતો.

    એટલે તેને અહીંના બધા વિસ્તારની ખબર નહોતી.

       તેમ છતાં તેણે જે બૉમ્બ મૂક્યો હતો તે વિસ્તારનું વર્ણન સાંભળતાં બૉમ્બ જાણે જાવેદના શરીર પર આવી પડ્યો હોય એવા એક ઊંડા ભયથી જાવેદ થરથરી ગયો.

    તેના હાથપગ પાણી પાણી થવા લાગ્યા. તેનાથી એક શબ્દ બોલાયો નહિ.

 બધું ચક્કર ચક્કર ફરતું લાગ્યું. તેણે કાંડા-ઘડિયાળમાં નજર નાખી.

     … નવ ને પાંચનો સમય થયો. તેના અડ્ડાથી તેના ઘેર પહોંચતા પૂરો અર્ધો કલાક થતો હતો.

   તેનો સાગરીત કંઈ સમજે તે પહેલાં પળનોય વિલંબ કર્યા વિના જાવેદે તેના ઘર તરફ તેની મારુતિ ગાડી હંકારી મૂકી…!

      તેનો સાગરીત તેને અવાક બની જોઈ રહ્યો. એક પળનો વિલંબ એટલે જીવનની બરબાદી હતી. તેની આંખ સામે તેનો નિર્દોષ પરિવાર દેખાતો હતો.

    તેણે કારની ગતિને તેજ કરી. અત્યાર સુધી ક્યારેય ખુદા તરફ ન જોનારો જાવેદ દિલથી ખુદાને યાદ કરી રહ્યો હતો. તેનું મન પોકારતું હતું : 'હે ખુદા… હવે ક્યારેય આવું કામ નહિ કરું બસ, આટલા સમયે માફ કરી દે.'

    જાવેદની આંખ સામે રઝિયાનો ચહેરો આવતો હતો. અત્યાર સુધી તે કેટલીયવાર તેને સમજાવતી આવી હતી. જો રઝિયાની વાત તેણે માની લીધી હોત…!

     કાંડા-ઘડિયાળ નવ ને ચાલીસનો સમય બતાવી રહી હતી. જાવેદના દિલની ધડકન તેજ થઈ ગઈ… બસ પાંચ મિનિટમાં તો બધું તહસનહસ થવાનું હતું. 

      તે ગાડી તેજ ગતિથી હંકારી રહ્યો હતો. 

      પણ…

   નસીબે તેને યારી ન આપી. ગાડીમાં ખરાબી આવતાં છેલ્લી પળોમાં ગાડી બંધ પડી ગઈ…!

     ગાડી રિપેર કરવાનો સમય નહોતો. તેણે તેના ઘર તરફ દોટ મૂકી. તે બરાબર તેના આંગણામાં પહોંચ્યો ત્યાં… સમય પ્રમાણે બધા વિસ્તારોમાં એકસાથે ધડાકા થયા.

     જાવેદની આંખ સામે તેના આખા પરિવારના ફુરચે ફુરચા ઊડી ગયા હતાં. 

       ...યા અલ્લાહની ચીસ તેના મોંમાંથી નીકળી. તે સાથે ઢગલો થઈ તે ત્યાં જ ઢળી પડ્યો…!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy