Mariyam Dhupli

Abstract Fantasy Thriller

4  

Mariyam Dhupli

Abstract Fantasy Thriller

સર્વેક્ષણ

સર્વેક્ષણ

3 mins
211


નિર્ણાયકની દ્રષ્ટિ સ્થિર હતી. કામ સંપૂર્ણ કરી જવાબદાર ટુકડી ગમે તે ક્ષણે પહોંચતીજ હોવી જોઈએ. એ ટુકડીના સર્વેક્ષણ ઉપરજ નિર્ણય અવલંબિત હતો. નિર્ણય હકારાત્મક હશે કે નકારાત્મક એની ચિંતા સભામાં હાજર દરેક સભ્યના ચહેરા ઉપર પરસેવા સ્વરૂપે દર્શન આપી રહી હતી. હકારાત્મક નિર્ણય મેળવવા સભામાં હાજર દરેક સભ્ય આકાશ પાતાળ એક કરી રહ્યા હતાંં. નિર્ણાયકને રીઝવવા શક્ય એટલા અથાગ પ્રયાસો યથાવત હતાં.

" આ વખતે જરૂર સારા સમાચાર પ્રાપ્ત થશે, આપ જોજો. "

" જી હા, મને પણ પૂરો વિશ્વાસ છે. હવે સૌ સારા વાના થશે. "

" આટલા કષ્ઠ પૂરતા છે પાઠ શીખવા માટે. "

"ઘણો સમય નીકળી ગયો. આ યાતના હવે એમના માટે અસહ્ય છે. "

" હવે પોતાની બધીજ ભૂલો સુધારી સીધો માર્ગ પકડી જ લીધો હશે. "

" હું તો કહું છું નિશ્ચિત કરગરી રહ્યા હશે. આજીજી અને પ્રાર્થનાઓમાં ડૂબી ગયા હશે. "

" હવે એમને જીવનનું સાચું મૂલ્ય સાચા અર્થમાં સમજાયું હશે. "

" નક્કીજ આમ એકમેકથી અળગા રહી, જુદા રહી એકબીજાની સાચી કદર ગ્રહણ થઈ હશે. એકબીજા વિના કેટલા અધૂરા છે એ વાત હવે ચોક્કસ કળી ગયા હશે. "

" મારું મન કહે છે એમણે જીવન નવા સ્વરૂપે આરંભી પણ દીધું હશે. "

" બસ હવે તમે કૃપા કરી એમને માફ કરી દો. "

" એમને એ આપી દો જેની એમને તત્કાલ અનિવાર્યતા છે. "

નિર્ણાયકના ચહેરા ઉપરના હાવભાવોની સ્થિરતા હજી પણ અકબંધ હતી. આખરે નિર્ણય શું હશે ? અનિશ્ચિતતા વચ્ચે અટવાયેલા સભ્યોની આજીજી ભરી દલીલો ઉપર પૂર્ણવિરામ મૂકતી આખરે ફરજનિષ્ઠ ટુકડી દોડતી હાંફતી સભામાં ઉપસ્થિત થઈ. સર્વેક્ષણ થઈ ચૂક્યું હતું. પરિણામ ટુકડી સાથેજ સભામાં પહોંચી ચૂક્યું હતું. સભામાં અગાઉથી હાજર સભ્યોના હૈયામાં ધ્રાસ્કો પડ્યો. કઈ પણ થઈ જાય નિર્ણય દર વખતની જેમ આજે પણ સ્થગિત ન જ થવો જોઈએ. દરેક સ્થગિત નિર્ણય ભવિષ્યના સર્વનાશ તરફનું એક વધુ ભયંકર ડગલુંજ સાબિત થશે. તેઓ જાણતા હતાં. સર્વનાશના એ ભયંકર વિચારે દરેક હૃદયને હલબલાવી મૂક્યું હતું.

આમ છતાં હૈયામાં આશ હજી પણ જીવંત હતી. વિશ્વાસ મરી પરવાર્યો ન હતો. એમની અપેક્ષાઓ એમના વિશ્વાસ સમી ઉચ્ચ કોટિની હતી.

ફરજનિષ્ઠ ટુકડી કશે ખચકાટમાં અટવાઈ. નિર્ણાયકની વેધક દ્રષ્ટિ વડે એ ખચકાટ ત્વરિત પીગળ્યો અને સર્વેક્ષણની માહિતી આખરે એક પછી એક સભામાં રજૂ કરવામાં આવી.

" સાત વર્ષની માસુમ બાળકી ઉપર સામુહિક બળાત્કાર કરી એનું માથું પથ્થર વડે કચડી નાખવામાં આવ્યું. " માહિતી આપનારનો સ્વર રીતસર ધ્રુજી રહ્યો હતો.

" આ પરિસ્થિતિમાં પણ ? " નિર્ણાયકનો ધારદાર સ્વર સૌ પ્રથમવાર સભામાં પડઘો પાડી રહ્યો. માહિતી આપનારનું માથું ઉત્તરમાં શરમથી ઢળી પડ્યું.

થોડા સમય અગાઉ વિશ્વાસ, આશા અને અપેક્ષાઓમાં રાચી રહેલા સભ્યો ઉપર નિર્ણાયકની કટાક્ષમય દ્રષ્ટિ આવી થોભી. એ તમામ આંખો ઉપર ઊઠવા સક્ષમ ન રહી.

માહિતીનો સ્ત્રોત આગળ ધપ્યો.

" એક દેશ અન્ય દેશ ઉપર આક્રમણ કરી રહ્યું છે. અનેક નિર્દોષ જીવ હોમાઈ રહ્યા છે. " માહિતી આપનારના સ્વરમાં દુઃખ અને વેદના છલકાઈ ઊઠી.

" આ પરિસ્થતિમાં પણ ? " નિર્ણાયકનો પ્રશ્ન હેતુબધ્ધ પુનરાવર્તિત થઈ સભામાં હાજર દરેક કાનને વીંધી રહ્યો. ઉત્તર આ વખતે પણ નમેલા, મૌન શીશ વડે જ પરત થયો.

માહિતી સ્ત્રોત નિર્લજ પણે ફરી આગળ વધ્યો.

" ધર્મના નામે ફરી લોહીની હોળી રમાઈ. બે સમુદાયના લોકો એકબીજના ગળા કાપવામાં વ્યસ્ત છે. વાહનોને, મકાનોને, જીવતા માનવીઓને આગ ચાંપવાનો લ્હાવો માણી રહ્યા છે. ધર્મ સ્થળો ઉપર બોમ્બના ધડાકા કરવામાં આવી રહ્યા છે. " માહિતી આપનારના સ્વરમા વ્યાપેલ લજ્જાનો ડંકો આખી સભાને ઢંઢોળી રહ્યો.

" આ પરિસ્થિતિમાં પણ ? " નિર્ણયકના પુનરાવર્તિત પ્રશ્નનો ઉદ્દેશ્ય પામી ગયેલ સભાના દરેક સભ્ય પથ્થર સમા જડ ઊભાં હતાં.

એક પછી એક માહિતીઓ પૂર્ણવિરામ વિના આગળ વધી રહી હતી.

" એક ગર્ભધારી પ્રાણીને ફક્ત મનોરંજનના હેતુ થકી મોતને ઘાટ ઉતારી દેવાયું. "

" રંગભેદના નામે શ્યામ વર્ણ માનવીની પુલીસ કર્મચારી દ્વારાજ ધોળે દહાડે હત્યા. "

" ડ્રગ્ઝ માટે પૈસા ન આપનાર માતાની પુત્ર દ્વારા જ ગળું દબાવી કરુણ હત્યા. "

" સંપત્તિના ઝગડામાં ભાઈએ ભાઈની હત્યા કરી. હત્યાને આત્મહત્યાનું સ્વરૂપ આપવાનો ચતુર પ્રયાસ. "

" પોતાનીજ બાળકી ઉપર પિતા દ્વારા બળાત્કાર......"

વાક્ય આગળ વધે એ પહેલાજ નિર્ણાયકની ધીરજે જવાબ આપી દીધો. માહિતીસ્રોતને આગળ વધતો અટકાવી દેવાયો. આખી સભા મૌનમાં ગરકાવ થઈ ઊઠી. નિર્ણાયક સભા છોડી જતા રહ્યા.

અને આ વખતે પણ નિર્ણય સ્થગિત જ રહી ગયો.

એ જ સમયે સ્વર્ગલોકની આ સભાથી ઘણે દૂર નીચે પૃથ્વીલોક ઉપર દરેક સમાચાર ચેનલો પર એકજ પ્રશ્ન પુનરાવર્તિત થઈ રહ્યો હતો.

" કોવીડ ૧૯ના કેસ વિશ્વભરમાં ઉત્તરોઉત્તર વધીજ રહ્યા છે. આખરે આ જીવલેણ રોગ સામેના રસીકરણની શોધ ક્યારે થશે ? "


Rate this content
Log in

Similar gujarati story from Abstract