"Komal" Deriya

Abstract Romance

4  

"Komal" Deriya

Abstract Romance

સફર પ્રેમની - ૩

સફર પ્રેમની - ૩

5 mins
247


સાગરની આંખમાં આંસુ આવી ગયા હતાંં. એ હવે સંપૂર્ણપણે તૂટી પડ્યો હતો. એને હવે એ વિશ્વાસ નહતો કે ક્યારેય એ છોકરી એને મળશે જેને શોધવામાં એણે કોઈ કસર નહોતી રાખી. એનું હૃદય ભરાઈ ગયું હતું અને એ હાલ ધ્રુસકે ધ્રુસકે રડી પડશે એવું જ લાગતુ હતું પણ જેવો આરતીએ સાગરનો હાથ પકડ્યો કે એ તરત જ સફાળો કંઈક અલગ વર્તન સાથે ઊભો થઈ ગયો. 

આ પછી તો એ ઘરમાં વાવાઝોડા પછી હોય એવી શાંતિ પ્રસરી ગઈ. એ લોકો એ ચૂપચાપ જમી લીધું પણ કોઈ જ પ્રકારની વાતચીત કરી નહિં. ચૂપચાપ બેઠેલો હેમંત કંઈ જાણતો નહતો પણ આરતી અને સાગરની વાત સાંભળીને એટલું તો ચોક્કસ સમજી ગયો હતો કે કોઈ સાગરને છોડીને જતું રહ્યું છે અને એને સાગર હજુય પ્રેમ કરે છે. આમ મનમાં વિચારતો હેમંત ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો. એ આ શાંંતિને તોડવા માટે જમ્યા પછી સાગરને લઈ ઘરનાં આંગણામાં ગયો. 

હેમંત: સાગર, તું એક કામ કર આજે રોકાઈ જા સવારે હું તને મૂકી જઈશ એમ પણ પછી તું ફરી ક્યારે આવીશ એ તો ખબર જ નથી. 

સાગર : હવે તો કદાચ ક્યારેય નહીં પણ જો નસીબમાં હશે તો ચોક્કસ મળીશું. 

હેમંત: અરે આપણે મળતાં રહીશું તો તારી મિત્રને શોધી શકીશું ને ! 

"હેમંત જલદી અંદર આવી જાઓ બંને જણ." આરતીએ બૂમ પાડી. 

બંને જણ અંદર ગયા અને હેમંત પૂછી રહ્યો હતો કે, "તમે બંને જણ જેની વાત કરો છો એ હકીકતમાં છે કોણ ? એ તો કહો મને."

આરતી: એના વિશે સાગર કહેશે તો સાંભળીને જ એની સાથે પ્રેમ થઈ જશે ! સાચી વાત ને સાગર ? 

પછી હેમંતના ખુબ આજીજી કરવાથી સાગર તૈયાર થયો અને એણે આખી વાત શરૂ કરી.

"હું આરતી અને એ મિત્ર અમે બધાં કોલેજમાં સાથે હતાંં પણ આ વાત ત્યારની છે જ્યારે અમે એકબીજાને ઓળખતા નહતાં. 

એ દિવસે કોલેજમાં એક કાર્યક્રમ હતો. બધા તૈયાર થઈને આવ્યા હતાંં. એકદમ રંગબેરંગી કપડાંમા બધા સુંદર લાગી રહ્યા હતાં. બધાના ચહેરા પર ઉત્સાહ અને સ્મિત હતું. હું પણ એમાંથી જ એક હતો. એ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ બધા મોજથી વાતો કરતાં હતાંં અને ફરતાં હતાંં. ફોટાઓ પડાવી રહ્યા હતાં, અમુક તો દોડાદોડી કરી રહ્યા હતાં. અમુક કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો એટલે એની તૈયારીઓ કરી રહ્યાં હતાંં. હું મારા મિત્રો સાથે ત્યાં જ આ બધું જોઈ રહ્યો હતો. સ્ટેજ પર શણગાર કર્યો હતો અને બસ મહેમાનોના આવવાની રાહ જોવાઈ રહી હતી. બધા પોતાની જ મસ્તીમાં હતાંં. એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવી રહ્યાં હતાંં અને ઠંડીની લહેર સૌને ધ્રૂજાવી રહી હતી. સૂરજ હવે જરીક બહાર ડોકિયું કરી રહ્યો હતો અને ઝાકળ વિખેરાયેલી લાગણીઓની જેમ ખોવાઈ રહ્યું હતું અને છેલ્લે મહેમાનોના આવતાની સાથે કાર્યક્રમ શરૂ થયો. હું પ્રેક્ષકો વચ્ચે મારા મિત્રો સાથે ગોઠવાઈ ગયો. મહેમાનોનું સ્વાગત કરાયું અને બીજાં કાર્યક્રમ શરૂ થયાં પછી સૌ ઉલ્લાસથી અવાજો કરી રહ્યાં હતાંં. 

"જીતવો છે જંગ મારે

લડવું છે તુજ સંગ મારે

વિધિના લેખ તે લખ્યાં વિધાતા 

તુજ લેખ પર મેખ મારવી છે મારે... "

એટલાં માણસોના અવાજો વચ્ચે આ પંક્તિઓ મારા કાને પડી. મેં ધ્યાન આપ્યું એ મીઠા અવાજ તરફ અને બધાં શબ્દો ધ્યાનથી સાંભળવા લાગ્યો. 

એક છોકરી સ્ટેજ પર ઊભી હતી અને બોલી રહી હતી. હું તો એના અવાજમાં ધ્યાનમગ્ન થઈ ગયો. પછી હું છેક આગળની હરોળમાં જઈને બેઠો કેમકે મારે અવાજ કોનો છે એ જોવું હતું. હું ત્યાં જઈને એને જોવા લાગ્યો. 

સંગીતના સૂર જેવો એનો અવાજ, ચંદ્રની જેમ ચળકતું એનું મુખમંડળ, ઠંડીના લીધે એના ગાલ ગુલાબજાંબુ જેવા લાલઘુમ થઈ ગયા હતાંં, ભૂરા અને લીલાં રંગના પહેરવેશમાં એ આસમાની પરી જેવી લાગી રહી હતી. ગુલાબી હોઠ પર મારી નજર અટકેલી હતી અને મને એમ કે આ હંમેશાં આમ જ આંનદથી બોલતી રહે અને એ ગીત હું સાંભળતો રહું. એ જરીક કાજળ આંજેલી આંખો પ્રક્ષકોને નિહાળી રહી હતી. વરસાદની માફક એ કેટલાંય રંગો લઈ આવી હતી અને એના ચહેરા પરથી સ્મિત રેલાવી રહી હતી. મારી નજરો આખો સમય એના પર જ અટકેલી હતી. ક્યારેય ના અનુભવેલો આનંદ અનુભવાઈ રહ્યો હતો. અકારણ જ હું હસી રહ્યો હતો. અને પાણીના રેલાની માફક સમય પસાર થઈ ગયો. કાર્યક્રમ પૂર્ણ થયો અને સૌ જમવા માટે ગયા. આ અફરાતફરીમાં એ મારી નજર સામેથી અદ્રશ્ય થઈ ગઈ. હું એ અનામિકા ને શોધવા લાગ્યો. મારા મિત્રો પરાણે મને ભોજનકક્ષમાં લઈ ગયા અને મારી શોધખોળ ત્યાં પણ ચાલુ જ હતી. મારી નજર બાજની જેમ ઝડપથી દરેક ચહેરા પર ફરી રહી હતી. મારા મિત્રોની વાતોમાં મારુ જરાય ધ્યાન હતું નહીં. હું પણ બધા જોડે જમવા બેસી ગયો. બધા હવે છુટા પડવાની તૈયારીમાં હતાં અને ફરી જાણે મારે તો જીવમાં જીવ આવ્યો. મારી આંખોને એ ખૂબસુરત ચહેરાના દર્શન થયા. મને થયું લાવ મળી લઉં પણ કેવી રીતે ? હું કંઈ ગોઠવું એ પહેલાં તો મારી મિત્ર આરતી એની બાજુમાં આવીને ઊભી રહી ગઈ. હું ખુશીથી ઉછળી પડયો અને ઠાઠથી આરતી પાસે ગયો. આરતી મારી બાળપણની મિત્ર હતી એટલે એ મારી સાથે વાત કરવા લાગી પછી બધા ત્યાથી જતાં રહ્યા ત્યારે આરતી એ મને કહ્યું, "અમને ઘેર મૂકવા આવીશ સાગર ?"

મેં હસતાં હસતાં પૂછ્યું, "કોને કોને ? "

આરતી: (જરાક ચિડાઈને) અરે અમે બે જણ તો છીએ અહીં તો અમને બંનેને જ ને યાર ! 

હું આ સાંભળીને મનમાં ને મનમાં નાચવા લાગ્યો, ગેલમાં આવી બાળક ઉછળકૂદ કરે એમ હું પણ ખુશીથી ઉછળી પડ્યો. 

આમ અમારી પહેલી મુલાકાત થઈ. આરતીએ અમારી ઓળખાણ કરાવી અને મને એનું નામ ખબર પડી. એનું નામ 'ભૂમિ' છે. ભૂમિ એટલે જાણે ? 

'ભૂમિ' જાણે સાદગીનો પર્યાય, 

'ભૂમિ' જાણે પ્રેમની પરિભાષા, 

'ભૂમિ' જાણે સ્મિતનું સરનામું, 

'ભૂમિ' જાણે શિશરમાં હૂંફ, 

'ભૂમિ' જાણે ઉનાળે ટાઢક, 

'ભૂમિ' જાણે રાધાનું પ્રતિબિંબ, 

'ભૂમિ' જાણે જાનકીનું મન, 

'ભૂમિ' જાણે અષાઢી વરસાદ, 

'ભૂમિ' જાણે આદરની હકદાર, 

'ભૂમિ' જાણે હ્દયનો ધબકાર, 

'ભૂમિ' જાણે આસમાની ચાંદ, 

'ભૂમિ' જાણે ખળખળ ઝરણું, 

'ભૂમિ' જાણે ઘાસ પર ઝાકળ, 

'ભૂમિ' જાણે સ્વર્ગની શાંતિ,

'ભૂમિ' જાણે મોક્ષની મૂર્તિ, 

'ભૂમિ' જાણે વિશાળ ધરા... 

હું તરત જ આરતી અને ભૂમિને ઘેર મૂકવા નિકળ્યો. મારી તો ખુશીનો પાર નહતો કેમકે હું એને મારી ગાડીમાં બેસાડી છેક ઘર સુધી મૂકવા ગયો હતો. જેને દૂર થી જોઈને હું ખુશ થઈ ગયો હતો, ભાન ભૂલી ગયો હતો એ મારી બાજુમાં જ બેઠી હતી. હું આખો રસ્તો મારા સ્વભાવથી વિરુદ્ધ સાવ ચૂપ જ હતો કેમકે મને ખબર જ નહતી કે આ છોકરી સાથે હું શું વાત કરું !!

અને થોડીવારમાં એના ઘર આગળ મેં ગાડી ઊભી રાખી. આખો રસ્તો એ મને ઈશારાથી રસ્તો બતાવતી ગઈ અને હું એના ઈશારે છેક મંઝિલ સુધી પહોંચી ગયો. પહેલીવાર મને આવી શાંતિ વહાલી લાગી એમ થયું કે એનું ઘર આવે જ ના બસ આમ જ હું એની સાથે રહું. ખબર નહીં હું શું શું વિચારો કરી રહ્યો હતો. 

હવે એ દિવસે જે મારી સાથે થયું એને પ્રેમ કહેવાય કે ના એ મને ખબર નથી. પરંતુ હું એ આખી રાત જાગતો રહ્યો અને બસ હસે જ જતો હતો. મને એવું લાગતું હતું કે એ હજુય મારી સામે જ છે અને હું દિવાલ તરફ બસ જોઈ જ રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract