Amrut Patel 'svyambhu'

Tragedy Crime Thriller

4.5  

Amrut Patel 'svyambhu'

Tragedy Crime Thriller

સફેદ જૂઠ - ૨

સફેદ જૂઠ - ૨

4 mins
347


    દિલુશાથી વિખૂટા પડી આકાશ જે કામથી બહારગામ ગયો હતો ત્યાં તેનું ચિત્ત ચોટતું નહોતું. આરામગૃહનાં ખંડમાં પડ્યો પડ્યો તે એક કેસ હિસ્ટ્રી ઉપર નજર દોડાવી રહ્યો હતો પણ તેને તે કેસમાં રસ પડતો નહોતો તેની આંખ સામે બે ચહેરા તરવરી ઊઠયા-

      ' દિલુશા અને એક રાજન…'

  રાજન તે આકાશનો જીગરી દોસ્ત. સહૃદય, દિલુશા અને રાજન આકાશને પેટછૂટી વાત કરતાં !

      આકાશ અને રાજન એક જ ફળિયામાં આજુબાજુમાં રહેતાં. જ્યારે સામે ફળિયામાં રહીમ ચાચાની દીકરી તે દિલુશા.

જે દિવસે રાજનને સમાચાર મળ્યા કે દિલુશા ગુમ થઈ ગઈ છે તે દિવસે રાજન ભાંગી પડ્યો હતો. આકાશના ખભે માથું રાખી ખુબ રડ્યો હતો. આકાશે તેને આશ્વાસન આપતાં કહ્યું હતું; ' ધીરજ રાખ દોસ્ત, એકનાં એક દિવસે હું તાંરી દિલુશાને જરૂરથી શોધી કાઢીશ !

 તે પછી રાજન ફોજમાં ભરતી થઈ ગયો ને ગામ છોડી ગયો તે ગયો…પણ આકાશ સાથે તેનો સંપર્ક ચાલુ રહ્યો. રાજનનું છેલ્લું પોસ્ટિંગ કાશ્મીર ખાતે હતું. ટાઈગર હિલ્સમાં નિર્ણાયક જંગ ચરમસીમાએ પહોંચ્યું હતું. દુશ્મનોને ખસેડવા ચાર સ્થળોએ જીવ સટોસટનું યુદ્ધ ચાલી રહ્યું હતું. દુશ્મન દેશનાં દળોની વિકરાળ જમાવટ થઈ રહી હતી. રાજનનો છેલ્લો પત્ર જ્યારે આકાશને મળ્યો ત્યારે ટાઈગર હિલ્સના યુદ્ધની જાણકારી તેણે તે પત્રમાં કરી હતી. અને પત્ર પૂરો કરતાં દિલુશાનાં સમાચાર જાણવાની પણ ઈન્તેજારી રાખી હતી.

  રાજનને ખુશીનાં સમાચાર આપતો પત્ર લખી આકાશ દિલુશાને આપેલા વચન મુજબ તે દિવસની રાહ જોઈ રહ્યો હતો.

   દિલુશા આજ વહેલી સવારથી જ સંચે બેસી ગઈ હતી. તેણે આજ રાત સુધીમાં બધું જ કામ પૂરું કરી દેવાનું હતું. આવતી કાલે સવારે આકાશ આવવાનો હતો. 

      'આજે રાતે જ માર્કેટથી જે કામ લઈ આવી છે તે પૂરું કરવું પડશે જેથી કાલે સવારે આરામથી આકાશ સાથે વાત થઈ શકે.' આ વિચારે તે ઝડપથી કામ કરી રહી છે. રાત પડી... નક્કી કર્યું તે પ્રમાણે મોટાભાગનું કામ પૂરું થવા આવ્યું હતું. હસન હજી આવ્યો નહોતો. તે રાત્રે થોડો મોડો આવતો. રોજની જેમ આજે પણ મોડેથી આવ્યો. ચાલીનાં કૂતરા તેનું સ્વાગત કરી રહ્યા હતાંં તે પરથી લાગતું હતું કે તે આજે પણ ચરસ અફીણ ચઢાવીને આવ્યો હશે. તેનાં પગ વધુ પડતાંં લથડી રહ્યાં હતાંં. દિલુશા અંદરની ખોલીમાંથી તેને જોઈ રહી. દરવાજો પછાડતો સીધો અંદર દાખલ થઈ ખૂણામાં પડેલી ખાટ ઉપર ચત્તો પછડાટ ખાઈને પડ્યો.

દિલુશા તેની આવી હરકતથી તંગ આવી ગઈ હતી. અઠાડિયામાં અવારનાર આવું બનતું એટલે હવે તે આવી બદીથી જાણે ટેવાઈ ગઈ હતી એટલે તેણે હસનના આવવાની નોંધ લીધી નહોતી.

હસને ગાળ ભાંડવાનું ચાલુ કર્યું. ચરસે તેના નાના મગજનો સંપૂર્ણપણે કબજો કરી લીધો હતો. તે જૂનો ઘા તાંજો કરતો હોય તેમ દિલુશનાં અબ્બાજાનને કોષતો ગાળો બોલી રહ્યો હતો. દિલુશા હસનના અવાજને મશીનનાં અવાજથી દબાવવાના પ્રયત્ન કરતી હોય તેમ ઝડપથી મશીન ચલાવી રહી હતી. જ્યારે બીજી બાજુ અકળાયેલો હસન રાજનની વાત લઈ રાજન વિશે બેફામ ગાળો બોલતો બોલતો ઊભો થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

  દિલુશાનું ધૈર્ય ખૂટતું હતું હતું. અત્યાર સુધી તે ઘણું બધું સાંભળી ચૂકી હતી. પણ હવે જે હસન બોલી રહ્યો હતો તે તેના માટે અસહ્ય થઈ રહ્યું હતું. હસનની ગાળો સાંભળતાં દિલુશાનું લોહી ઉકળતું જતું હતું. રોજ રોજની હૈયાવરાળથી તે તંગ આવી ગઈ હતી. હસન પણ આજે બોલવામાં કાંઈ જ કસર છોડતો નહોતો. તેના એક એક શબ્દ દિલુશાને ઝેરીલા તીરની માફક ભોંકાઈ રહ્યા હતાં.

ત્યાં દિલુશાનાં કાને હસનનાં શબ્દો પડ્યા. ' અચ્છા હુઆ જો ફોઝ મેં જા કે ખતમ હો ગયા… વરના મુજે હાથ ગંદા કરના પડતાં… હિન્દુ બનને ચલીથી સા..લી… !'

હસન આગળ બોલે તે પહેલા જ ઝનૂનમાં આવી દિલુશા હસન ઉપર તૂટી પડી. બંને વચ્ચે ઝપાઝપી ચાલી અને થોડીરમાં તો ન બનવાનું બની ગયું ! !

દિલુશાનાં બતાવેલા સમયે આકાશ તેના ઘર તરફ જવા નીકળ્યો. આજે દિલુશાને મળવાનું હતું એટલે નિત્યક્રમ મુજબ સવારનાં સમાચારપત્ર પર નજર કરવાનું રહી ગયું હતું. આમ તો તે રોજ સવારે સમાચારપત્ર ઉપર નજર કરી કાશ્મીર યુદ્ધની જાણકારી મેળવી લેતો. 

      દિલુશાએ જે મકાનનું વર્ણન કર્યું હતું ત્યાં તે પહોંચ્યો તો સામે પોલીસ વેન પડી હતી. આજુબાજુ ટોળું વળ્યું હતું. આકાશને ધ્રાસ્કો પડ્યો. સરબતી રંગનાં મકાનનાં દરવાજે પોલીસ ઊભી હતી. આકાશ ઇન્સ્પેટરને પરિચય આપી જેવો મકાનની અંદર દાખલ થયો ત્યાં જ તે ધ્રુજી ગયો. આંખ સામે અંધકાર છવાયો.

    ખાટની બાજુમાં સફેદ કપડામાં લપેટાયેલી લાશ ઉપર તેની નજર પડી !

  ' દિલુશા… ' બોલતાં તેના ગળે ડૂમો ભરાયો. ઇન્સ્પેક્ટરે વિગતે વાત કરી. આંખમાં તરી આવેલા આંસુને રોકતાં લાશ તરફ જોઈ તેનું મન બોલતું હતું; ' આ તેં શું કર્યું… મારા આવવાની તો રાહ જોવી હતી. મારી સાથે જી ભરીને વાતો કરવાનું વચન આપીને આમ અચાનક… દિલુશા, રહીમ ચાચાએ તને જે સંદેશો મોકલ્યો હતો તે એક " સફેદ જૂઠ " માત્ર હતું. તારા નિકાહ આ બીજવર હસન સાથે કરાવવા માટે જ. અરે...રે… દિલુશા, તારો રાજન તો હયાત છે !

તે પછી આકાશ ખૂણામાં બેસીને મગરનાં આંસુ સારતો હસન તરફ તિરસ્કાર ભરી દ્રષ્ટિ કરી દુઃખી હૃદયે ઘર તરફ ચાલી નીકળ્યો. ઘેર પહોંચતાં પહેલાં આકાશનું મન એ દ્વિધામાં હતું કે; ' હવે તે રાજનને શો જવાબ આપશે…'

 ત્યાં તેની નજર સમાચારપત્ર પર પડી. સવારે ઉતાંવળે તેણે સમાચારપત્ર જોયું નહોતું. 

સમાચારપત્ર: ' ગુજરાતનો વધુ એક જવાન કેપ્ટન રાજન વર્મા યુદ્ધમાં શહીદ થયો.'

આકાશના સમગ્ર દેહને જાણે લકવો મારી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy