Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

mariyam dhupli

Drama Thriller


5  

mariyam dhupli

Drama Thriller


સોદો

સોદો

4 mins 420 4 mins 420

એ અત્યંત સજ્જ તૈયાર એની સામે ઊભી હતી. ઘેરાઈ આવેલા કાળા વાદળોની વચ્ચે ઝરમર વરસી રહેલા વરસાદના ટીપાના સ્પર્શથી એનું શરીર આછું આછું ભીંજાયેલું હતું. એ ભીંજાયેલા શરીરના અંગોના વિરોધાભાસ દર્શાવતા શરીરના સૂકા અંગો વધુ મોહક દીસી રહ્યા હતા. એના હોઠ ઉપર પ્રસરેલી ગુલાબી લિપસ્ટિક ઉપર બાઝેલ પાણીની અતિ સૂક્ષ્મ બુંદ જોનારને ઉત્તેજનાની લાલચભરી ભેટ ધરી રહી હતી. એના શ્યામવર્ણ શરીરને ચુસ્ત લપેટાયેલી લાલ સાડી બાંધવાનો અંદાજ મન્ત્રમૂગ્ધ કરી નાંખનારો હતો. એના સુંવાળા હાથ અને ચુસ્ત સ્નાયુ ધરાવતા પગ કોઈ પણ પુરુષને એક ક્ષણમાં પોતાની તરફ આકર્ષી નાખવા માટે સક્ષમ હતા. એના માથાનું રક્ષણ કરી રહેલી એની મેઘધનુષી છત્રી એના હાવભાવો જેવીજ રહસ્યાત્મક દેખાઈ રહી હતી. ગુલાબી નેલપોલિશ છત્રીના કાળા હાથા ઉપર પોતાના રુઆબદાર નખની અપ્રતિમ ચળકાટ છોડી રહી હતી. સાડીમાંથી પારદર્શક પેટના સ્નાયુઓ જાણે પોતાની તરફ આગળ વધવા માટે મૌન આમંત્રણ આપી રહ્યા હતા. કાન પાછળથી આગળ તરફ સરકેલા લાંબા ભરાવદાર વાળ ડીપ નેક બ્લાઉઝને અડોઅડ છાતી ઉપર વિખરાયેલા હતા. કાજળથી ધારદાર બનેલી પાણીદાર આંખોમાં ડૂબી જવું કેટલું સહજ લાગતું હતું ! 

હા, આ એજ હતી. જેની યાચના એણે વર્ષોથી કરી હતી. એની ભાવભરી આંખોએ પણ જાણે હામી પુરાવી.

આ શું ? એણે પોતાની જાતને ચેતી. 

એ કેમ આમ અંજાઈ રહ્યો હતો ? શા માટે એના ઉપરથી આંખ હટવાનું નામ લઈ રહી ન હતી ? શા માટે હવે એનાથી છૂટા થવું ન હતું. હૃદય પલ્ટી રહ્યું હતું. ના, એને કશે જવા દેવી નથી. અહીંજ રાખવી છે. એનું સ્થાન અહીંજ છે. હૈયાની જિદ ભાન ભૂલી હતી. 

પણ એનો સોદો થઈ ચૂક્યો હતો. એણેજ તો કર્યો હતો. 

સોદો રદ પણ તો કરી શકાયને ? 

કેટલા વર્ષોથી એણે રાહ જોઈ હતી. અને હવે એ આંખો સામે છે ત્યારે......

મકાનની ડોરબેલ વાગી અને એની તંદ્રા તૂટી. 

ઝડપથી એ બારણાં તરફ ધસ્યો. આગળ વધી રહેલા ડગલામાં મક્કમતા હતી. એ અહીંજ રહેશેની. એ ક્યાંય ન જશેની. એ મારી જ છેની. લઈ લીધેલા નિર્ણયની.

બારણું ઉઘાડવા જેવા હાથ ઉઠ્યા કે એક ઓડકાર શરીરમાંથી ઓચિંતો બહાર નીકળી આવ્યો. એ ઓડકારમાં દિવસોથી ખાધેલા વડા પાઉં અને ચાનો સસ્તો સ્વાદ ખાટી દુર્ગંધ બની વ્યાપી ગયો. જીવ કચવાઈ ઉઠ્યો. ઉબકા જેવું અનુભવાયું. 

બારણે ઉભેલા શુટબુટમાં સજ્જ શેઠ એના ચહેરા પર ફરી વળેલા કચવાટની નોંધ લે એ પહેલાજ એના હાવભાવોમાં નાટકીય ફેરફાર શીઘ્ર ધસી આવ્યા. એના ચહેરા ઉપરના બળજબરીવાળા સ્મિતે ઔપચારિક વાતાવરણ ઊભું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. 

" તૈયાર છે ? " 

શેઠના ખપ પૂરતા શબ્દો સામે એનું માથું કઠપૂતળી સમું હામી પૂરાવી રહ્યું. ઔપચારિક હાસ્ય વધુ નાટકીય રૂપ ધારણ કરી રહ્યું. 

શેઠના ખિસ્સામાંથી એક મોટી રકમ બહાર નીકળી. નોટનું એ હૂંફાળું બંડલ નિહાળતાંજ થોડા સમય પહેલા મક્કમ થયેલું મન બરફ સમું પીગળી ગયું. 

થોડી ક્ષણો પછી શેઠની ગાડી એ ગરીબ વસ્તીમાંથી શહેરના હાઈપ્રોફાઈલ વિસ્તાર તરફ આગળ વધી ગઈ. 

રાત્રે શહેરની એક પ્રખ્યાત રેસ્ટોરાંના ટેબલ ઉપર એક મોટો ઓડકાર હવામાં ફેલાઈ ગયો. એ ઓડકારમાં વિવિધતાભર્યા મોંઘા પકવાનોનો સ્વાદ એકમેક સાથે ભળવા લાગ્યો. જીવ ધરાઈ ગયો.

રેસ્ટોરાંના ઊંચા આંકડાવાળું બિલ એણે ટિપ્સ સહિત ચૂકવી દીધું.

રેસ્ટોરાંની બહાર નીકળી આવેલા ડગલામાં વિચિત્ર નિરાશા હતી. સવારથી ઝરમર વરસી રહેલા વરસાદે તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પણ અંદર તરફ ઉમટેલું તોફાન તો એનાથી પણ ભયાવહ હતું. 

એનું મન ખુશ હોવું જોઈએ. તૃપ્ત હોવું જોઈએ. આનંદિત હોવું જોઈએ. પણ એવું જરાયે ન હતું. આવું કેમ ? 

હજી એ મોટી રકમમાંથી ફક્ત થોડીજ નોટ વપરાઈ હતી. આમ છતાં.....

એવું લાગી રહ્યું હતું જાણે પોતાનામાંથી પોતાનોજ કોઈ અંશ ગેરહાજર હતો. પોતે સંપૂર્ણ ન હતો. કશું ખુબજ જરૂરી ઘટી રહ્યું હતું. જીવન અપૂર્ણ હતું અને 

એ અપૂર્ણતા અસહ્ય હતી. 

ભોજન, સ્વાદ, ભૂખ..... ત્યાંથી મળેલો આનંદ તો ક્ષણિક નીકળ્યો. લાલચે એને ભયંકર છેતર્યો. પણ જે પરમાનંદ હાથ લાગ્યો હતો એ તો..

તોફાની રાત્રિમાં શહેરના રસ્તાને ચીરતી દોટ શરૂ થઈ.

શ્વાસવિહીન એ દોટ શહેરના પ્રખ્યાત પોશ એરિયામાં આવીને થંભી. વિશાળ બંગલાની બહાર તરફ એણે બૂમાબૂમ કરી મૂકી. બંગલાની અંદર ચાલી રહેલી પાર્ટી એ બૂમાબૂમથી તદ્દન અજાણ હતી. 

થોડી મિનિટો પછી બંગલાના માલિકનો મોબાઈલ રણક્યો. સિક્યોરિટી ગાર્ડે આપેલી માહિતીથી શેઠના ચહેરા ઉપરના પ્રફુલ્લિત હાવભાવો ધીમે ધીમે અદ્રશ્ય થયા. 

"એક્સ્ક્યુઝ મી . "

મોબાઈલ ઉપર એકતરફી મૌન માહિતી મેળવી શેઠે મહેમાનોને વાર્તાલાપ વચ્ચે વ્યસ્ત છોડી ઝડપભેર બંગલાની બહાર તરફ ડગ ઉપાડ્યા. 

શેઠને બહાર તરફ નીકળતા નિહાળી એ તરતજ શેઠ તરફ ધસી આવ્યો. એના બે હાથ એકબીજા સાથે જોડાઈ કરગરવા લાગ્યા. 

" ભૂલ થઈ ગઈ સાહેબ. આ લો તમારા પૈસા. થોડા વપરાયા છે. એ પણ જલ્દી પરત કરી દઈશ. હું સોદો રદ કરવા આવ્યો છું. "

શેઠની ત્રાંસી આંખો વધુ ત્રાંસી થઈ. 

" આર યુ આઉટ ઓફ યોર માઈન્ડ ?"

તરતજ પોતાની પીઠ બતાવતા શેઠ બંગલાની દિશામાં આગળ વધી ગયા. 

" સાહેબ , સાહેબ....."

પાછળથી આવી રહેલો શોર પાર્ટીનું વાતાવરણ ધૂણાવી ન મૂકે એ ચિંતામાં શેઠનો ઉપદેશાત્મક સ્વર અત્યંત કડક શબ્દોમાં સિક્યોરિટીગાર્ડસ સુધી પહોંચ્યો. 

" આને કાઢો અહીંથી......."

શેઠનો ઉપદેશ તરતજ ઉપાડતા સિક્યોરિટીગાર્ડસ પોતાના સશક્ત શરીરના બળનો ઉપયોગ કરી એને દૂર હડસેલી આવ્યા. 

બંગલાની બાલ્કનીમાંથી એકલા પરત થયેલા સિક્યોરિટીગાર્ડસને નિહાળી શેઠે રાહતનો દમ ભર્યો. હળવા ડગલાં જોડે તેઓ અંદર તરફના વિસ્તારમાં ઉજવાઈ રહેલી પાર્ટીનો હિસ્સો બની ગયા. 

ભેગા મળેલા બધાજ કળાના અમીર રસિયાઓની નજર અને વાર્તાલાપનું કેન્દ્ર શેઠે નવી વસાવેલી પેઈન્ટિંગ હતી.

" વ્હોટ એ માસ્ટરપીસ ! "

ઉચ્ચારાયેલા ઉદ્દગારથી શેઠની આંખો ગર્વથી ચળકી ઊઠી. 

મેઘધનુષી છત્રી થામી ઝરમર વરસાદમાં ઉભેલી એ સુંદર સ્ત્રીકાયા શું કોની રાહ જોઈ રહી છે ? એ અંગેની ચર્ચાવિચારણાથી પાર્ટી અતિ રસપ્રદ બની રહી હતી. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Drama