સંયુકતા ચિતામાં
સંયુકતા ચિતામાં
'ફરી મળશો ને ?'આ સવાલ પૂછ્યા વિના જ તેની આંખમાં અશ્રુરૂપે તગતગતો હતો. તેણે પોતાની મોટી કાજળઘેરી આંખોને હજુ વધારે મોટી કરી અને સવાલ આંખમાંથી ખરી પડ્યો. ભલભલા તીર અને તલવારના ઘા ઝીલતા મજબૂત હાથોમાં એ સવાલને ઝીલવાનું ગજું તો નહોતું જ.
"એકાંત" કક્ષમાં પહાડી અવાજ ગુંજી ઉઠ્યો અને દાસ-દાસીઓ માથું નમાવી કક્ષની બહાર નીકળી ગયાં. પચીસ વર્ષની ઉંમરમાં કૈક કેટલાય મહાયોદ્ધાઓને પરાસ્ત કરી ચુકેલો રાજા પોતાની પરણેતરના આંસુ પાસે પરાસ્ત થવા નહોતો માંગતો.
"પ્રિયે, તમને મારા યુદ્ધકૌશલ્ય ઉપર ભરોસો નથી કે આપણી પ્રીત ઉપર અવિશ્વાસ છે ? કૃતઘ્ન વિદેશીને આ વખતે હું માફ નથી કરવાનો. જે વ્યક્તિને અનેકવાર પરાસ્ત કરી જીવતદાન આપ્યું છે તેને હવે નહીં છોડું." આટલું બોલી પત્નીની આંખોમાં જોયું. પરંતુ તેણે એક પણ શબ્દ બોલ્યા વિના બખ્તરના બંધનો જરા વધારે કસ્યાં, જાણે કવચોને કહેતી હોય કે "તમારા ભરોસે મોકલું છું, સાચવી લે જો." અપાર સૌંદર્યવતીના કંકણનો અવાજ તેના પતિને રોકવા ઇચ્છતો હતો. હજુ તો સુંવાળા સંગાથને સમય જ કેટલો થયો હતો !
"ન ભૂલો રાણી, રાજપૂતનો પહેલો ધર્મ માતૃભૂમિની રક્ષા છે." તેની અંદર બેઠેલી રજપુતાણી બોલી. ગૌરવશાળી સૌંદર્ય જેને પોતાનો પર્યાય ગણે તેવી એ યૌવનાએ પોતાના હાથમાં આરતીની થાળી લીધી, સફળતાની પ્રાર્થના કરતાં આરતી ઉતારી તેણે પતિના પ્રભાવશાળી માથા ઉપર જયતિલક કર્યું અને રક્ષાનો દોરો પણ થોડો વધારે કસ્યો. વધારે ખેંચાતા દોરો તૂટવા લાગ્યો અને રાણીની આંખોમાં "ફરી મળશો ને ?" સવાલ ચિંતા રૂપે ફરી ઊગી નીકળ્યો.
"રાણાજી, તમારી બહાદુરીને તો હું વરી છું. તમારા અદ્ભૂત શૌર્યથી તો આખું ભારતવર્ષ ઝળહળે છે પરંતુ ખબર નથી કેમ કૈક અમંગળની શંકા થઈ રહી છે. એક રજપુતાણી તમારા યશોગાનની અને સફળતાની ઈચ્છા રાખે છે પરંતુ એક પત્ની ? આ હૃદયનું શુ કરું સ્વામી જે તમને એક ક્ષણ માટે પણ દૂર થવા દેવા નથી ઇચ્છતું." આટલું બોલતાં હૂંફ મેળવવા તે પતિના બખ્તરવાળા શરીરને વળગી પડી અને લોખંડી મનોબળ ધરાવતા પૃથ્વીરાજ ચૌહાણની આંખમાં ક્ષણભર માટે રણભૂમિની જગ્યાએ સંયુકતાની મોહિની છવાઈ ગઈ.
"પ્રિયે, હજુ તો આપણે ઘણી ઋતુઓ સાથે માણવાની છે. હજુ અનેક વિજય તિલકો તમારા હાથે મારા લલાટ ઉપર કરવાના છે. ચૌહાણ વંશને બહાદુર રાજકુમાર અને સૌંદર્યવાન રાજકુમારીઓ આપવાના છે." પૃથ્વીરાજના મોઢે આટલું સાંભળતાં સંયુક્તાના મુખ ઉપર ઉષા ખીલી ઉઠી. આવતીકાલની આશાએ તેનામાં જરા ઉત્સાહનો સંચાર કર્યો અને પતિને મહેલના દરવાજા સુધી વળાવા ગઈ. "હું રાહ જોઇશ." એ શબ્દો ફરી વણબોલ્યાં જ કહેવાઈ ગયા.
પૃથ્વીરાજ અને તેની સેનાને રણભૂમિ તરફ દૂર સુધી જતા તે જોઈ રહી, ધૂળની ડમરીઓ દેખાતી બંધ થઈ ત્યાં સુધી એ રસ્તા ઉપરથી સંયુકતાની નજર હટી નહોતી. તાકતવર યવન મોહમદ ઘોરીને સત્તરવાર હરાવી જીવતદાન આપનાર પૃથ્વીરાજ તેના અઢારમી વખતના હુમલાનો જવાબ દેવા જઈ રહ્યો હતો. આ વખતે માફી નહીં આપવાના નિશ્ચય સાથે. દૂરથી ચૌહાણવંશનો કેસરિયો ધ્વજ ફરકતો દેખાતો હતો.
'એ જરૂર ફરી ઘોરીને હરાવીને આવશે.',પોતાની આંખના આંસુ લૂછી તેણે રાજ્યસભા તરફ પ્રયાણ કર્યું. "રાણાજી પધારે ત્યારે તેમને રાજ્ય અને સભા એવાં જ સુસંચાલિત અને ધબકતાં મળવા જોઈએ." સંયુકતાના અવાજમાં રાણીની મક્કમતા ગુંજી ઉઠી. દરેક ફરિયાદીની વાત સાંભળતી વખતે તે સંયુક્તા મટી પૃથ્વીરાજ બની જતી, તેના ચુકાદાઓ અને નિર્ણયોમાં તે અડગ રહેતી. સમસ્ત પ્રજા અને મંત્રીગણ સંયુકતાની કુશળતાનું લોઢું માની ગયેલા. તે મહારાણી બની આખો દિવસ કાર્યભાર સંભાળતી પરંતુ સાંજ પડતાં તે એક પત્ની-પ્રેમિકા બની જતી, તેના કાન યુદ્ધના સમાચાર સાંભળવા અધિર બનતા.
"આજે આપણી સેનાએ યવન સેનાના દાંત ખાટા કર્યા છે. એ લોકોને બે ગાઉ પાછું ખસવું પડ્યું છે." સમાચાર આવતાં તે ખુશીથી ઝૂમી ઉઠતી.
"આજે મહારાજે ઘોરીને ઘાયલ કર્યો છે. પરંતુ યુદ્ધવિરામ થયો નથી." ફરી સમાચાર આવ્યાં અને સાથે પૃથ્વીરાજે એક પત્ર પણ મોકલેલો.
"પ્રિયે, તમે રણભૂમિ ઉપર મારી તાકાત છો. તમને જલ્દી મળવાની ઉત્કંઠા મને લડવાની બમણી શક્તિ આપે છે. રાતના વિરામમાં તમારા કેશની સુગંધ અનુભવાય છે અને હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે." પત્ર વાંચતાં સંયુકતા એકાંતમાં પણ શરમાઈ ગઈ. પૃથ્વીરાજના બાહુપાશની ભીંસ અનુભવતી તે જલ્દી મળવાની આશામાં સ્વપ્નમાં સરી પડી. સપનામાં એણે જોયું કે તે મહેલની અટારીએ ઠંડકમાં સૂર્યના સોનેરી કિરણોમાં હૂંફ મેળવી રહી હતી પણ અચાનક ધરતી-સૂરજ વચ્ચે ચંદ્ર આવી ગયો અને સૂર્યને ગ્રહણ લાગી ગયું. તે સફાળી ઉઠી ગઈ અને એ સ્વપ્નને ભૂલવા દૈનિક કામોમાં વ્યસ્ત થઈ ગઈ.
"યવન સેનાનું સેનાબળ વધ્યું છે." એક સાંજે સમાચાર આવ્યાં. યુદ્ધની હવા લાબું ચાલશે એ પારખી જતાં સંયુકતાએ મહારાજની બંને મોટી રાણીઓને સુરક્ષિત રીતે પિયર પહોંચાડી દીધી હતી અને પોતે રાજ્યના કામકાજમાં ખુંપી ગઈ. આખો દિવસ વ્યસ્ત રહેતી પણ સાંજના વિરહ અસહ્ય બની જતો.
એક એવી વિરહની સાંજે ઝરૂખે બેઠાંબેઠાં તેનું ધ્યાન બગીચામાં પડ્યું. એક સૌથી ઉંચા ઝાડ ઉપર કબૂતરનું જોડું માળો બનાવતું હતું. એ જોઈ તેને પોતાનો માળો બનાવવાના સપનાં યાદ આવી ગયાં. જ્યારે પહેલીવાર પૃથ્વીરાજની બહાદુરીની વાતો સાંભળેલી પછી તેનું ચિત્ર જોયેલું, સૂર્યસમું લલાટ, મોટા ભાવવાહી નેત્રો, અણિયાણું નાક અને વાંકડી મૂછો. તેના પહોળા ખભા અને વિશાળ છાતી ઉપર માથું ઢાળી દેવાનું તો ત્યારે જ નક્કી કરી બેઠેલી. 'જો પન્ના રાયજીએ પૃથ્વીરાજ સુધી મારું ચિત્ર અને પ્રેમ સંદેશ ન પહોંચાડ્યો હોત તો .." મહારાજ પૃથ્વીરાજ સુધી પોતાનો પ્રેમવાહક બનનાર ચિત્રકાર પન્ના રાયને સંયુકતા અત્યારે માળા માટે જરૂરી ઝાડ રૂપે યાદ કરી રહી હતી.
ઝાડની બરોબર ઉપર એક બાજપક્ષી ચકરાવો લેતો હતું પણ કબૂતર તેને બરોબર ઘૂઘવી એને પોતાના માળાથી દૂર રાખી રહ્યું હતું. સંયુકતાને કબૂતરની બહાદુરી જોવાની મજા પડી. પૃથ્વીએ પણ કેટલી બહાદુરીપૂર્વક ભરીસભામાં, સ્વયંવર સમયે કન્નોજ આવી એકલા હાથે તેનું હરણ કરેલું. પૃથ્વીરાજના ગળામાં માળા રોપી, તે નિશ્ચિંત બની ગયેલી. પૃથ્વીરાજેએ બરોબર બહાદુરી બતાવી સૌને દૂર રાખેલા અને કન્નોજ કુંવરીને ચૌહાણ વંશની રાણીનું પદ આપ્યું. પિતાનું હૃદય દુખાવી આવેલી સંયુકતાને પૃથ્વીરાજના ધોધમાર પ્રેમને કારણે બીજું બધું વિસરાઈ જતું. પૃથ્વીરાજ મજબૂત હાથોમાં તેને ફૂલની જેમ સાચવતો. રાજ્યના કામકાજમાં વ્યસ્ત હોવા છતાં મહારાજની અંદરનો પ્રેમી સતત સંયુક્તાને સ્મરતો રહેતો અને તેના ઉપર હેતની હેલી વરસાવતો રહેતો પરંતુ જ્યારે જ્યારે રણભૂમિની હાકલ થતી, પૃથ્વીરાજ બધું ભુલાવી દોડી પડતો. દર વખતે શત્રુને પરાજય આપી, ચૌહાણવંશનો ધ્વજ લહેરાવતો.
"યુદ્ધભૂમિથી દૂત સમાચાર સાથે આવે છે." કિલ્લાની કાંગરે ઊભેલા સિપાહીએ સમાચાર પહોંચાડ્યા.
સંયુકતા વર્તમાનમાં આવી, ફરી કબૂતર અને બાજમાં ધ્યાન પરોવ્યું. બાજની ચાલાકી સામે કબૂતરનું ગજું કેટલું એ જાણતી હતી એટલે પોતાના તીર-કમાન મંગાવ્યા અને બાજ ઉપર નિશાન તાક્યું. બાજે પોતાની ચાલ બદલી બરોબર એ જ સમયે ઝાડ ઉપર સાપ ચડતો દેખાયો. સંયુકતાએ તીરની દિશા બદલી અને બાજે આવી કબૂતરને દબોચી લીધું અને દૂર ઉડી ગયું. સંયુકતાના તીરે કળોતરાને તો વીંધી નાખ્યો પણ કબૂતરી પોતના અધૂરાં માળા સાથે સ્તબ્ધ થઈને આકાશ તરફ જોતી રહી ગઈ.
"મહારાણી, કન્નોજ રાજન જયસિંહે દગો કર્યો છે અને મહારાજને મોહમદ ઘોરી દ્વારા બંદી બનાવી લેવાયા છે." સંદેશાવાહકે મારતા ઘોડે આવી સમાચાર આપ્યાં. 'મારા હરણનો બદલો મારા પિતાએ આવી રીતે લીધો ? દીકરીના સૌભાગ્ય કરતાં પોતાનું અપમાન વધારે મહત્વનું હતું ?' સંયુકતા માથે વ્રજપાત થયો. આઘાતના મૂંઢમારથી એ ભાંગીને બેસી પડી.
ભીની આંખોવાળી સંયુકતાની નજર ફરી ઝાડ ઉપર પડી. માળો ખાલીખમ હતો. કબૂતરીનું જાણે કબૂતર વિના કોઈ અસ્તિત્વ જ નહોતું. દૂર ક્ષિતિજમાં સૂરજ ઢળતો હતો અને સાથે ચૌહાણ વંશનો ધ્વજ પણ. ભારતની ધરા ઉપરથી પ્રતાપી સૂર્યનો અસ્ત થાય અને પરદેશી ચાંદ પોતાનું રાજ્ય પ્રસ્થાપિત કરે એ અગાઉ ચૌહાણ રાણીએ જોહરની તૈયારીનો હુકમ આપ્યો.
ચિતામાં ઝંપલાવતી વખતે તેના હાથમાં પૃથ્વીરાજનું ચિત્ર હતું અને એ ચિત્રની આંખમાં આંખ નાંખી તે પૂછતી હતી,
"ફરી મળશો ને ?" ..
