સંગાથ જીવનભરનો
સંગાથ જીવનભરનો
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
મુંબઈના પરામાં એક પરિવાર રહેતો હતો. પરિવારમાં પતિ પત્ની અને બે દિકરા અને એક દીકરી. બસ પાંચ જણનો પરિવાર. દીકરી ખૂબ જ રૂપાળી, માનો અપ્સરા જ જોઈ લ્યો. એટલે અઢાર વર્ષની થઈ ત્યારથી જ છોકરાઓના માંગા આવા મંડ્યા હતા. અને એક દિવસ આ પરી જેવી દીકરીને શોભે એવા સરસ ,બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતાં છોકરા સાથે પરણાવી દીધી. બીજો દિકરો ભણવામાં હોંશિયાર હતો. એટલે ભણવા વિદેશ મોકલ્યો,એ ત્યાં જ ભણીને વિદેશમાં જ નોકરીએ લાગી ગયો. અને ઓફિસમાં જ સાથે કામ કરતી છોકરી સાથે પરણી ગયો. સૌથી નાનો ભાઈ ભણવામાં ઝાઝું કાઠું નહોતો કાઢી શક્યો. મા બાપે પણ પહેલેથી એના પર બહુ ધ્યાન આપેલુ નહિ. એટલે પોતે જ કોઈ નાની મોટી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવી લેતો. જીવનમાં બહુ સફળ નહિ એવા આ દિકરાની ઉપેક્ષા કરતા મા બાપે ગામની એક છોકરી સાથે આને પરણાવી દીધો અને કાયમને માટે પોતાને વતન જતાં રહ્યાં.
લગ્નની પ્રથમ રાતે જ અનીલે બીનાને પોતાની દાસ્તાન કીધી અને કહ્યું મને અત્યાર સુધી કોઈએ જ ગણતરીમાં નથી લીધો,બધાએ મારી ઉપેક્ષા જ કરી છે. આ બધુ હું નહોતો સમજતો એમ નહિં, હું બધુ જ સમજતો હતો,પણ મારી પરવા કરનાર કે મને જીવનભર સાથ આપવા કોઈ તૈયાર નહોતુંં મારી મા પણ નહિ. શું તુંં મારો જીવનભર સાથ આપીશ? અને બીનાએ અનીલને જીવનભર સાથ આપવાનું વચન આપ્યું. લગ્નના છ મહિનામાં જ બીનાને સારા દિવસ રહ્યા, બંને જણ ખૂબ ખુશ થયા,પણ એમની આ ખુશી લાંબો સમય ન ટકી. અનીલનું ઘર ચાલીમાં હતુંં એટલે પાણી ભરવા બીનાને બ્હાર જવું પડતું. એક દિવસ બીના પાણી ભરીને આવી રહી હતી ત્યાંજ એનો પગ નળ પાસેની જામેલી લીલ પર પડ્યો અને ……………. ! અનીલ તો ઘરમાં હતો નહિં એટલે આજુબાજુવાળા બીનાને તરત જ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ખબર પડી કે બીનાનું મીસકૅરેજ થઈ ગયું છે. બીના અનીલને વળગીને ખૂબ રડી. પણ એનાથી ય વધારે દુ:ખ તો ત્યારે થયું જયારે ડૉકટરે કહ્યું કે બીના હવે ફરી ક્યારેય મા નહિ બની શકે. કહેવાય છે કે દુ:ખનું ઓસળ દાહ્ળા. સમયની સાથે સાથે બંનેનું દુ:ખ હળવું થયું. બીનાની બાજુમાં હમણાં છ મહિનાથી ગીતા અને એનો પરિવાર રહેવા આવ્યો હતો. ગીતાને એક
પાંચ વર્ષની દીકરી વિદિતા અને એક બે વર્ષનો દિકરો નામે વિષ્નુ હતો. ગીતાથી બીનાની માનસિક વેદના છાની નહોતી,એટલે ગીતા બીનાની આ વેદના ઓછી કરવા કોઈ ને કોઈ બહાના હેઠળ વિષ્નુને એની પાસે મુકી આવતી,પછી તો ધીરધીરે એ નિયમ જ બની ગયો કે સવાર પડે ને વિષ્નુ ઊઠીને સીધો બીનાના ઘરે જ બીના મા, બીના મા ની બૂમો મારતો પ્હોંચી જાય. બીના પણ એની જાણે રાહ જોઈને જ બેઠી હોય. જેવો વિષ્નુ આવે કે એના માટે તરત જ દૂધ ,બિસ્કીટ ,જાતજાતનો સૂકો મેવો તૈયાર હોય. આ બધુ બીના વિષ્નુને વ્હાલથી પોતાના ખોળામાં બેસાડીને ખવડાવે. પછી તો વિષ્નુ આખો દિવસ બીના પાસે જ રહે, ત્યાં જ ખાવું,પીવું ,ને રમવું. બપોરે બીના પાસે જ સૂઈ જાય અને સાંજના પાર્કમાં પણ બીના સાથે જ જાય. કોઈ અજાણ્યાને તો એમ જ લાગે કે વિષ્નુ બીના નો જ દિકરો છે. બીના પણ આ રીતે વિષ્નુની જશોદા માં બનીને ખૂશ રહેવા લાગી. આ રીતે દિવસો આનંદમાં પસાર થઈ રહ્યા હતા. ત્યાં જ એક દિવસ મકાનમાલિકની નોટીસ આવી કે "જેમ બને તેમ જલ્દીથી મકાન ખાલી કરી નાંખો ,કારણ મકાન નબળું પડી ગયું છે અને ગમે ત્યારે પડી જશે. " એટલે બીના અને ગીતા એ તો નક્કી જ કરી લીધું કે જ્યાં પણ જશું ત્યાં સાથે જ બાજુ બાજુમાં રહેવા જશું. અને એ રીતની જગ્યા પણ એ લોકોને જલ્દી જ મળી ગઈ. બંને જણ પોતપોતાનો સામાન બાંધવા મંડ્યા.
એક દિવસ રોજના નિયમ પ્રમાણે વિષ્નુ સવારના બીના પાસે આવી ગયો, રોજની જેમ જ બીના એ વિષ્નુ માટે દૂધ, નાસ્તો બનાવ્યો,અને પોતાના ખોળામાં બેસાડી વ્હાલથી ખવડાવ્યો. બપોરના જમવામાં પણ વિષ્નુનું ભાવતુંં જમવાનું ખીર અને પૂરી બનાવ્યા. અને બપોરે અનીલ ઘરે જમવા આવ્યો, ત્રણે જણ બેસીને સંતોષથી જમ્યા, આજે તો અનીલે પણ વિષ્નુને પોતાના હાથે જમાડ્યો અને બીનાને કહ્યુ્ં કે "બીના, ભગવાન કરેને બસ આમને આમ જ આપણું જીવન આનંદથી પસાર થાય, આપણો સંગાથ જીવનભર રહે. અને બીના હસીને તરત જ બોલી," તથાસ્તું". બીનાએ હજી તથાસ્તું શબ્દ પૂરો કર્યો ત્યાં જ એમનું મકાન પત્તાના મહેલની જેમ પડી ગયું. અને મકાનના કાટમાળ નીચે બીના વિષ્નુ અને અનિલ ત્રણે ય જણ સાથે જ ચિર નિંદ્રામાં પોઢી ગયા.