Aarti Merchant

Others

3.8  

Aarti Merchant

Others

નેપટીઝમ

નેપટીઝમ

3 mins
91


નેપટીઝમ. . . . . . . !! એટલે સગાવાદ. હમણાં હમણાં આ શબ્દ ખૂબ પ્રચલિત થયો છે. સુશાંતસીંગ રાજપૂતની કહેવાતી આત્મહત્યા બાદ લોકજીભે ચઢેલો આ શબ્દ આજનો નથી. સદીઓથી પ્રચલિત છે. સદીઓ પહેલા ધ્રૃતરાષ્ટ્ર અને શકુનિના દુર્યોધન પ્રત્યેના સગાવાદને લીધે મહાભારત રચાયું. કૈકેયી અને મંથરાના ભરત પ્રત્યેના સગાવાદને લીધે રામે ચૌદ વરસનો વનવાસ ભોગવવો પડ્યો અને રામાયણ રચાયું. આજે આ નેપટીઝમ ઘરથી લઈને દરેકે દરેક ક્ષેત્રમાં ઘુસેલું છે. શાળા, કૉલેજ, ઓફીસોમાં,રાજકારણમાં દરેક જગ્યાએ જોવા મળશે. શાળામાં બાળક ભણવા જાય ત્યાંથી એણે આ નેપટીઝમનો સામનો કરવો પડતો હોય છે. વર્ગમાં હોંશિયાર કે ચબરાક, બોલકા, ચપળ કે પછી શિક્ષકોની ઓળખાણ ધરાવતા, શિક્ષકો પાસે પ્રાઈવેટ ટ્યુશન કરતાં વિદ્યાર્થીઓને લીધે બીજા નબળા કે ઓછા ચપળ બાળકોએ આ નેપટીઝમનો સામનો કરવો પડતો હોય છે. નાની ઉંમરને કારણે બાળકને સમજાતું નથી કે એની સાથે શું થઈ રહ્યું છે. પરંતુ આવા બાળકોના હ્રદયમાં એક ખૂણો કાયમ અંધારીયોજ રહી જાય છે. એની અંદરનો આત્મવિશ્વાસ ક્યાંક સતત ઘવાયેલો રહે છે અને આડકતરી રીતે એના વિકાસમાં આ નેપટીઝમ અવરોધક બને છે. એવીજ રીતે કૉલેજોમાં પણ બને છે. આજની આ સ્પર્ધાત્મક દોડમાં જ્યારે કોઈક વિદ્યાર્થી પાછળ રહી જાય છે ત્યારે તે હતાશા અનુભવે છે અને જો આ હતાશા ચરમસીમા પર પહોંચે ત્યારે એ આત્મહત્યામાં પરિણમે છે. ઓફીસોમાં કામ કરવાની જગ્યાઓ પર આ દૂષણ ખૂબજ ભયંકર રીતે ફેલાયેલું છે. એવું નથી કે આ નેપટીઝમ ફક્ત નબળા કે ઓછી આવડતવાળા લોકો સાથે થાય છે.  મોટેભાગે આ દૂષણનો ભોગ વધારે હોંશિયાર અને પ્રવૃત્તિમય લોકો સાથે થાય છે. એકજ જગ્યા પર એક સાથે કામ કરતા માણસોનો સ્ટાફ હોય અને એમાં જો કોઈ એક વ્યક્તિ એના ઉપરીને વધુ પ્રિય હોય તો સ્ટાફના બીજા બધાંજ એ વ્યક્તિની વિરુધ્ધ ઊભા રહી જાય છે. પ્રત્યક્ષ રીતે કંઈ ન કરી શકાય એમ હોય તો પરોક્ષ રીતે એ વ્યક્તિને બધાજ ભેગા થઈને જુદી જુદી રીતે હેરાન કરે છે. અને કોઈપણ રીતે એ વ્યક્તિને એકલો પાડી દેવામાં આવે છે.

નેપટીઝમ પાછળનું મુખ્ય કારણ ઈર્ષ્યા હોય છે. આવુંજ દૂષણ સામાજીક સ્તરપર ઘરમાં સંયુક્ત કુટુંબોમાં ઘણીવાર જોવા મળે છે. હવેતો જોકે સંયુક્ત કુટુંબો બહુજ ઓછા છે પરંતુ જે પણ છે તેમાં આજે પણ કુટુંબમાં દેરાણી જેઠાણી મળીને નણંદ સાથે,અથવા નણંદભોજાઈ મળીને ઘરની બીજી સ્ત્રીઓને પાછળ પાડવાનો પ્રયત્ન કરે અથવા મા દીકરી મળીને ઘરની વહુને હેરાન કરે. આ રીતે નેપટીઝમ સગાવાદનું દૂષણ આજે તમને ઘરે ઘરે ગલીએ ગલીએ જોવા મળશે. અરે ઘણીવાર તો મિત્રવર્તુળમાં પણ આ નેપટીઝમ થતું હોય છે. ચારપાંચ મિત્રોનું ગ્રુપ હોય તો કોઈ એકને ટાર્ગેટ કરી એને ગમે તે રીતે પછાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ દૂષણનો આજ દિવસ સુધી કોઈ તોડ મળ્યો નથી. પરંતુ આ દૂષણને નાથવા માટેના પ્રયત્નો કરવા જરૂરી છે અને એની શરૂઆત આપણે ઘરથીજ કરવી પડશે. આપણા બાળકોને ઘરમાંથીજ એવી વિચારસરણી સાથે ઉછેરવા જોઈએ કે ઈર્ષ્યા, વેરવૃત્તિથી હંમેશા દૂર રહેવું, ખેલદિલી કેળવવી, બીજાની જીતને અને પોતાની હારને સ્વીકારતા શીખવું જોઈએ. સાચી મહેનત કરનાર વ્યક્તિને યોગ્ય માન સન્માન મળવુંજ જોઈએ ભલે પછી એ કોઈપણ વર્ગમાંથી આવતો હોય. આપણા કરતાં નબળા વર્ગને કે વ્યક્તિને આપણે સાચવી લેવો જોઈએ. આ વિચારો સાથે ઉછરેલા યુવક યુવતીઓ જો સમાજને આપશું તો મને ખાતરી છે કે દેશમાં એક તંદુરસ્ત વિચારસરણીવાળો સમાજ આકાર પામશે અને છાપાઓમાં નેપટીઝમને લીધે થયેલી આત્મહત્યાનાં સમાચારોજ કદાચ કાયમ માટે બંધ થઈ જાય.


Rate this content
Log in