કોરોના લૉકડાઉન વર્સીસ મધ્યમવર્ગ
કોરોના લૉકડાઉન વર્સીસ મધ્યમવર્ગ


કોરોના. . . . . કોરોના. . . . . . કોરોના. . . . . . ! આખી દુનિયામાં કોરોનાના નામની રાડ ફાટી ગઈ છે. ઉચ્ચવર્ગથી લઈને નીચલા વર્ગનો દરેક માનવી કોરોનાની અસરની ઝપટમાં આવી ગયો છે. ત્રણ ત્રણ મહીનાનું લૉકડાઉન. ઉચ્ચવર્ગને વાંધો ન આવ્યો, નીચલા વર્ગની તકલીફોનો રસ્તો કરવાની જવાબદારી અનેક નેતા કે અભિનેતા અથવા સામાજીક સંસ્થાઓએ ઉપાડી લીધી. પરંતુ મધ્યમવર્ગનો માનવી તકલીફો હોવા છતાં જતાવતો નથી. શરૂ શરૂમાંતો ગાંઠે જે હતું જેટલું હતું એમાં ચલાવ્યું. કોરોનાથી સંક્રમિત ન થવાના અનેક ઉપાયોમાં ગૂંથાયેલો રહ્યો. જેણે જે ઉપાયો બતાવ્યા એને અનુસરતો રહ્યો. મહામારીની શરૂઆત હતી એટલે ખૂબ સાવચેત રહ્યો. અને એટલેજ બીજી તકલીફો તરફ એનું ધ્યાન નહોતું જતું. પરંતુ જેમ જેમ દિવસો મહીનાઓમાં પલટાતા ગયા તેમ તેમ એને મોઢાં પર બાંધેલુ માસ્ક કોઠે પડવા લાગ્યું. કારણકે માસ્ક પહેરવાથી હોઠ પર અને ચહેરા પર આવી જતી હૃદયની વ્યથા ઢંકાઈ જાય છે. એ મધ્યમવર્ગનો માનવી વોટ્સએપ પર આવતા જૉક્સ, શાયરીઓ, અને કહેવતો કવિતાઓ પર પરાણે હસીને કે દાદ આપીને પોતાની તકલીફોના રૂદનને દબાવી દે છે. વોટ્સએપ પર આવતા કોરોનાથી બચવાના ઘરગથ્થુ દરેક ઉપાયો અજમાવે છે અને સંતોષ માને છે કે હાશ! મારો પરિવાર સુરક્ષિત છે. પરંતુ અંદરને અંદર ક્યાંક ડરે છે રખેને જો પરિવારમાંથી કોઈને પણ કોરોના થયું તો હૉસ્પિટલના લાખો રૂપિયાના બિલ હું કેવી રીતે ચૂકવીશ. લૉકડાઉન દરમ્યાન આજ મધ્યમવર્ગનો માનવી સામાજીક સંસ્થાઓ સાથે મળીને જરૂરિયાતવાળા લોકોને અનાજ વિતરણ જેવી સેવાઓ કરવામાં આગળ પડતો ભાગ ભજવે છે. અને ઘરે આવીને પોતાના હલકા ખિસ્સાને જોઈને પરેશાન થઈ જાય છે. ત્યારે એજ મધ્યમવર્ગીય માનવીની પત્ની એને ' જે હશે એમાં ચલાવી લઈશ, તમે ચિંતા ન કરો. ' કહીને એને હિંમત આપે છે. ત્યારે એ પરેશાન મધ્યમવર્ગીય માનવીમાં ફરી આ યુધ્ધ લડવા ચેતના આવી જાય છે અને ફરી એજ માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ એજ ઊકાળા, ઈલાજો અને એજ વોટ્સએપ જૉક્સ, શાયરી અને કવિતા કહેવતોમાં. . . . . . . . . !!! પરોવાઈ જાય છે.