સ્નેહનું સંભારણું
સ્નેહનું સંભારણું
લગભગ સાંજના સાડા ચાર વાગ્યા હશે ને આકાશ ઘરના રવેશના ભાગે આવી પહોંચ્યો. એણે એક મિનિટ પૂર્વે જ ચ્હા પીધી હતી. તે બે અલગ અલગ પાળીને હાથ ટેકવીને ઊભો રહ્યો. બે પાળી વચ્ચેની જગ્યાએ ખરેખર દરવાજો હોવો જોઈતો હતો પરંતુ મકાન માલિક 'આજે કરાવું કાલે કરાવું' કહીને આ કાર્યને ઠુઠામા ઠેલતા હતા.
ખેર, તેની નજર થોડે દૂર રમતા પ્રિયાંશ પર પડી. પ્રિયાંશ એટલે બાર- તેર વર્ષનો એક છોકરો. તે ઘણે દૂર રહ્યે રહ્યે પણ આકાશના જમણા કાંડા પર નજર નાંખી ગયો. તે કહેવા લાગ્યો, " આકાશ કાકા, તમારા હાથમાં તો એકેય રાખડી નથી.!"
આ સાંભળી આકાશે કહ્યું, " હા, તારી વાત સાચી છે. એકેય નથી."
આકાશને સગ્ગી બહેન એકેય નહોતી. મામા-કાકા-માસીની દીકરીઓ ખરી. પણ એ બધામાં માસીની દીકરી જેકલીન છેલ્લા કેટલાક વર્ષોથી તેને રાખડી બાંધવા આવતી. એનું નામ જેકલીન પણ બધા એને 'જેકી ' કહીને સંબોધે.
દસ-અગિયાર વાગ્યા એટલે આવી સમજને એવું વિચારતા આકાશે સવારથી જ રાખડી બંધાવાની તૈયારી કરી દીધી હતી. નાહી ધોઈને સ્વચ્છ કપડાં તેણે ધારણ કરી લીધા હતા. હવે તો એને માથાના વાળની સાથે દાઢીના વાળ ઉપર પણ કાંસકો ફેરવી દેવો પડતો હતો.
જ્યારે પણ રક્ષાબંધનનુ પર્વ હોય ત્યારે સામાન્ય રીતે જેકલીન દસ - અગિયાર વાગ્યે આકાશના ઘેર આવી જતી અને રાખડી બાંધતી અને આકાશ જે કંઈ આપે તે 'ફૂલ નહી તો ફૂલની પાંખડી 'સમજી સ્વીકારી લેતી. કેટલીક વખત તે પહેલા આણંદ જતી. આણંદ ખાતે એનો સગો ભાઈ રોબર્ટ રહેતો હતો. તે પૈસે ટકે સંપન્ન એટલે એને ત્યાંથી એને સારું દેખવાનુ મળતું. એને રાખડી બાંધીને પછી આકાશને રાખડી બાંધ્યાનુ ઘણી વાર બન્યું હતું.
ખેર, એક થયો…..બે થયા…..ત્રણ થયા…..એ પછી તેણે અંદાજ લગાવ્યો કે હવે સાંજના સમયે જ દેખો દેશે. તેણે ડુંગળી સમારીને તૈયાર કરી. તે મેગીમાં ડુગળીમાં નાખવાનું શીખેલો. એ પછી બહાર નજર નાંખી કે તેને જેકલીનના દર્શન થયા. તે પોતે લાકડાના પલંગ પર બેસી ગયો. જેકલીને સ્ત્રી સહજ અદામા પોતાને મોડા પડવાના કારણો ગણી બતાવ્યા. એ પછી પ્લાસ્ટિકના કેસમાંની રાખડી કાઢી. આકાશે એક બાબત ધ્યાનપૂર્વક નોંધેલી કે જેકલીન જ્યારે પણ રાખડી લાવતી; એની એક ટિપીકલ ચોઈસ રહેતી હતી. કોઈ ઠઠારો નહી ને એકદમ સિમ્પલ રાખડી તોયે આકર્ષક.
તેણે રાખડી કાઢી. આકાશે હાથ લંબાવ્યો. રાખડી બંધાયા બાદ મિઠાઈના ખોખામાથી એક પેંડો તેણે કાઢ્યો. અને આકાશના હાથમાં મૂક્યો. એ પછી એણે આકાશની માને પણ એક પેંડો ખાવા આપ્યો. એ પછી આકાશે દેવસ્થાનમા મૂકેલ રૂપિયા પચાસની નોટ લીધી અને જેકલીનને આપી. જેકલીન આનાકાની કરવા લાગી. એ પછી દુનિયાભરની બહેનો નમતુ જોખી દે એ પ્રમાણે એણે ખુશીથી નોટ લઈ લીધી. એ તો આકાશને કહેતી રહી કે આપવા હોય તો દસ રૂપિયા આપ. આકાશે તો એને એકસોની નોટ આપવાનું આયોજન કરેલું. પણ…..
એ ચાલી ગઈ પછી તેણે રાખડીનુ નિરીક્ષણ કર્યું. તેણે જોયું કે સુંદર રાખડી હતી. સોનેરી રંગના મણકા અને વચ્ચે હાથી. હાથીના શરીર પર નાના નાના ડાયમંડ. બે નાના રૂદ્રાક્ષ પણ તેમાં જડેલા હતા.
' હવે આ રાખડી મારું રક્ષણ કરશે. મારે હાથી જેવા બળવાન બનવાનું છે. માયકાગલા નથી થઈ જવાનું ' તે મનોમન પોતાની જાતને પ્રેરણા આપવા લાગ્યો. એ પછી તે વિચારવા લાગ્યો કે આ વખતે જેકલીને પેંડો હાથમાં મૂક્યો. સામાન્ય રીતે જેકલીન જ્યારે રાખડી બાંધવા આવે ત્યારે પેંડો રીતસરનો મોમાં મૂકે ને માથા પર સ્નેહપૂર્વક હાથ પણ ફેરવે. આ વખતે માથા પર હાથ ન મૂકાયો. પેંડો પણ હાથમાં મૂકાયો.
' હશે ...એને પણ કોઈ દુ:ખ આવી પડ્યું હશે એટલે એવું નહીં કર્યું હોય ' આકાશે વિચાર કર્યો અને એ પછી એના વિશે શુભ વિચાર કરવા લાગ્યો.
ખેર, જ્યારે તેણે મેગી આરોગવામા વાર લગાડી કે તરત જ માએ તેને ટકોર કરી, "જલદી કર"
આકાશે "કેમ ?" પૂછ્યું ત્યારે મા કહેવા લાગ્યા, " તું ન તે જાણે !"
"હા, યાદ આવ્યું " કહેતાં જ તે ઊભો થઈ ગયો. એ પછી તેણે પાકીટમાંથી એકસો રૂપિયાની દસ નોટો કાઢી. ને એ પછી ત્રણથી ચાર વાર ગણી જોઈ. ઓછી તો નથી ને એ જોવા માટે. ત્યાર બાદ પોતાની સ્કૂટી સંગ મુખ્ય રોડ પર; સરસ મજાના ચાર દીવાલ અને એક છતના મકાનમાં રહેતા મકાન માલિકને ત્યાં પહોંચ્યો. ખાટલામાં એમની દીકરી બેઠી હતી. એના હાથમાં એણે એક હજાર રૂપિયા થમાવી દીધા. તેની મમ્મીએ ચા બનાવવાની સૌજન્યતા દાખવી પણ એણે ના પાડી. અને એ પછી તે ત્યાંથી રવાના થયો.
જોકે આ પૂર્વે એક ઘટના બની જવા પામી. તે સ્કૂટી સંગ ઘણે દૂર સુધી આવ્યો હતો ને પેટ્રોલ ખલાસ થઈ જવા પામ્યું હતું. તે જે જગ્યાએ આવીને સલવાઈ ગયો હતો તે જગ્યાએથી મકાન માલિકનું મકાન પાંચ પગલાં જ દૂર હતું. દસ નોટમાંથી એક નોટ ખર્ચ કરવાની નોબત આવી હતી. તેણે મનોમન આયોજન કરી દીધું કે પોતે પહેલા ખાનગીમાં પેટ્રોલ વેચતા એક શખ્સ પાસેથી પેટ્રોલ પુરાવશે એ પછી પોતાના ઘેર જશે અને ખૂટતા એક સો રૂપિયા એડ કરી ફરી મકાન માલિકને ત્યાં જશે. અને તેણે એ પ્રમાણે જ કર્યું. રૂપિયા પચાસનું પેટ્રોલ પુરાવી તે ઘેર પરત આવ્યો ત્યારે તેને દૂરથી ઘરમાં એક નાનું બાળક અને એક યુવાન જોવા બેઠેલા જોવા મળ્યા. એક યુવતી પણ હતી. તે જ્યારે છેક ઘરમાં આવી ગયો ત્યારે ખબર પડી કે એ તો માસીનો દીકરો જેમ્સ અને એની અરધાન્ગીની શ્વેતા હતા.
તેને કેટલાક નામનું રટણ કરવાનું અથવા તો એમ કહો કે ઉચ્ચારવાનુ બહુ ગમતું. આકાશની માએ ચા બનાવી દીધી હતી. જેમ્સે પોતાના નાના બાળક સામે જોયું અને એ પછી આકાશ સામે જોઈને કહેવા લાગ્યો, " જો...જો….જો….કોણ આવ્યું…..કાકા આવ્યા ને….કાકા જોડે જવું છે તારે….કાકા જોડે જવું છે ….."
જેમ્સ, શ્વેતા અને એમના નાના પુત્ર ને ઘરમાં જોઈને આકાશને એવું લાગ્યું કે જાણે પોતાના મનમાં એક સુંદર ને મઘમઘતો બાગ રચાઈ ગયો ન હોય! મતલબ કે તેને આ લોકોના સાનિધ્યમાં એક અનોખા આનંદનો અનુભવ થઈ રહયો. તેણે બચ્ચુંને તેડવાનો પ્રયત્ન કર્યો પણ તે ન આવ્યો ને રુદન કરવા લાગ્યો.
એ પછી જેમ્સ કહેવા લાગ્યો, " અલેલે...ના મારે….કાકા મારે….! ન મારે મારા દીકરા"
એ પછી શ્વેતાએ પોતાના હાથના ઈશારા વડે, મૂછમાં સ્મિત કરતાં કહ્યું, " આકાશ, આ બધું શું કર્યું છે…." જવાબમાં તેણે ખાલી સ્મિત આપ્યું. એ પછી આકાશના મમ્મી કહેવા લાગ્યા, " બે-ત્રણ દિવસ પહેલાં પેલા વિપુલ ને સંગી આવેલા તારેય એમની નાની છોકરી ખરી ને એ આન જોઈન બી ગયેલી.
થોડા દિવસ પૂર્વે આકાશને ત્યાં તેના મામાની દીકરી સંગી અને એના હસબન્ડ વિપુલ આવેલા. નાની બેબીને પણ લેતા આવેલા. આકાશ એ બેબી માટે ગામના બજારમાં જઈને ભૂગળા અને બિસ્કીટ લેતો આવેલો. એ પણ તેને જોઈને ડરતી હતી. વિપુલે ગમ્મતમાં તેની દીકરીને કહેલું, " બેટા, આ બાવો કશું નહીં કરે. ડરીશ નહીં "
જોકે તે છેવટ સુધી ડરતી રહી હતી. હા, ભૂગળુ ખાતી ઘડીએ એ આકાશના ચહેરા સામે જોતી રહેતી હતી.
ખેર આકાશે નોંધ્યું કે શ્વેતાનું શરીર પહેલાની સરખામણીમાં વધારે જાડુ થયું હતું. જેમ્સ થોડો નબળો પડ્યો હતો.
' ગમે તેટલી જોરદાર મહામારી આવે સ્ત્રીદેહને ઝાઝી અસર ન થાય ' તેણે મનોમન વિચાર કર્યો. જેમ્સના વર્તનમાં તેણે જોરદાર પરિવર્તન નિહાળ્યું. પહેલાની સરખામણીમાં તે ઠરેલ જણાતો હતો . આકાશને આ પરિવર્તન પસંદ પડ્યું. હા, મહામારીને લીધે એના કમ્પ્યુટરના બિઝનેસમાં થોડી મંદી આવી હશે એટલે એની અસર એના શરીર પર પડી હોવાનો એણે અંદાજ લગાવ્યો.
જ્યારે તેઓ પોતાના ઘેર જવા રવાના થયા ત્યારે આકાશે પેલા બાળકના હાથમાં પચાસ રૂપિયાની એક નોટ મૂકી. જેમ્સે લેવાની ના પાડી. જોકે તેમ છતાં આકાશ તેમને નોટ લેવડાવીને જ જંપ્યો. અલબત આકાશની મમ્મીએ આકાશને પહેલેથી જ કહી દીધું હતુ કે બચ્ચુંના હાથમાં પચાસ રૂપિયા આપવા. આકાશને આવા સામાજિક વ્યવહારમાં ગતાગમ ઓછી પડતી. એ તો એના મમ્મી એને અગાઉથી સમજાવી દેતા અને એટલે એ સજાગ રહેતો.
ખેર, આખો દિવસ સભાન રહીને ને ખાસ તો જાગૃતિ દાખવીને પસાર થયો હતો એ વાતનો આકાશને આનંદ હતો. રાત્રે જ્યારે તે જમવા બેઠો ત્યારે તેણે પ્રભુ સ્મરણ કરી દીધુ. ને એ પછી એલ્યુમીનીયમના ડોલચામાથી જેવું તે ચમચી વડે ઘી કાઢે છે કે એના મનમાં એક પંક્તિ રચાઈ જાય છે: કેટલાં વર્ષે જિંદગી જીવતા આવડ્યું, કેટલું મગજ કસ્યુ ત્યારે થાળીમાં ઘી આવ્યું, ને એ જ વેળા ઘરના ખૂણે ટૂટિયુ વાળીને બેઠેલો સિન્ગતેલનો ડબ્બો બોલી ઊઠ્યો, " મારામાં શી ખોટ જણાઈ આ શખ્સને કે મને વિસરી જઈને એને ઘી ભાવ્યુ !"
