"સંબંધોના દીવડા"
"સંબંધોના દીવડા"
દિવાળીનો તહેવાર નજીક આવે કે તરત દીવડા યાદ આવ્યા વગર ન રહે. આ તહેવાર અમાસની અંધારી રાતે આવે છે અને ઝળહળતા દીવડા એ અંધારી રાતને પોતાની હાજરી માત્રથી પ્રકાશિત કરીને આ અંધારી અમાસને સૌથી વધારે ચમકાવી દે છે.
જ્યારે દીવડા પ્રગટે એટલે અંધારૂ ઉચાળા ભરે અને અજવાળું રુમઝુમ પગલે આવી એની આભા પાથરે!
જેવી રીતે ઝગમગતા દીવડા પોતાની હાજરી માત્રથી તેની આસપાસ પ્રકાશ ફેલાવતાં રહે છે. તેવી રીતે સંબંધોમાં પણ સમજણ રૂપી દીવડા પ્રગટે તો પ્રેમ, સદભાવના અને લાગણીની આભા પ્રગટે.
સંબંધોમાં જ્યારે ગણતરીના ગણિતનો પ્રવેશ થાય તો મતભેદના સરવાળા થાય, સ્નેહની બાદબાકી થાય અને જ્યારે દલીલોના ગુણાકાર થવા લાગે ત્યારે સંબંધોમાં રહ્યો સહયો સ્નેહનો ભાગાકાર થઈ જાય.
સંબંધોના દીવડા પ્રગટાવતી વખતે આમંત્રણની રાહ જોવાની ન હોય. જેમ કે આપણી આડોશ પાડોશમાં જમણવાર કે પાર્ટીનું આયોજન હોય તો આપણે વગર આમંત્રણે જતાં નથી. પરંતુ કોઈ મુશ્કેલીમાં મુકાયું દેખાય ત્યારે આમંત્રણની રાહ જોયા વગર પહોંચી જવું જોઈએ.
સામેવાળી વ્યક્તિ આપે તો જ હું આપું અને આપે ત્યારે જ આપું તો એ સંબંધ નહિ પણ વ્યાપાર થયો કહેવાય.
એક વખત, દુર્યોધનને જંગલમાં કોઈ આદિવાસી રાજાના માણસોએ પકડી લીધો હતો અને એને મૃત્યુ દંડ આપવા તૈયાર થયા હતાં. આ વાતની જાણ જ્યારે પાંડવોને થઈ, એ વખતે પાંડવો બાર વર્ષનો વનવાસ વેઠી રહ્યાં હતાં. દેખીતી રીતે તો ત્યારે પાંડવોએ ખુશ થવું જોઈએ. એને બદલે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનને આજ્ઞા કરે છે કે, એ ગમે તેવો દુષ્ટ હોય, પણ દુર્યોધન, સંબંધે આપણો જ ભાઈ છે. તેને આમ મરવા દેવો એ યોગ્ય ન કહેવાય. અને યુધિષ્ઠિરની આજ્ઞા મુજબ ભીમ અને અર્જુન જઈને દુર્યોધનને છોડાવે છે. આને કહેવાય સંબંધ સાચવ્યો. જે દુર્યોધને કેટકેટલા કાવાદાવા કરી પાંડવોને હેરાન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, એવા દુર્યોધન ને મુસીબતમાં ફસાયેલો જોઈને ભાઈના સંબંધે એને છોડાવવો એ ખરેખર સંબંધોમાં દીવડા પ્રગટાવ્યા જ કહેવાય.
સામે વાળી વ્યક્ત
િ કેવી છે કે કોણ છે એની ગણતરીમાં પડ્યા વગર જે નિઃસ્વાર્થ એને પડખે જઈ ઊભો રહે એ જ સાચો સંબંધી. અને સંબંધોના દીવડામાં પ્રેમ અને વિશ્વાસનું દિવેલ જો પુરવામાં આવે તો વગર દિવાળીએ પણ, દિવાળીની માફક જીવન પણ ઝગમગી ઊઠે.
અમુક સંબંધ એવા પ્રકારના હોય છે કે એ સંબંધનું કોઈ નામ જ ન હોય. અને છતાંય એ સંબંધ સતત ને સતત ધબકતો રહે છે. આવા પ્રકારનું સગપણ મેળવવું અને કેળવવું એ અહોભાગ્ય કહેવાય. જેમાં કોઈ પ્રકારના અવલંબનની જરૂરિયાત રહેતી નથી. આવા સંબંધો એ તો પહેલા વરસાદે જેમ માટી ભીની થાય અને વાતાવરણમાં જે આહલાદક સુગંધ ભરી દે છે. એમ આવા નિઃસ્વાર્થ સંબંધો, જીવનમાં પ્રાપ્ત થાય તો દિલો, દિમાગ ને હૈયું, એ ભીનીભીની લાગણીથી સતત મઘમઘી રહે છે. એની સુગંધ જો એકવાર શ્વાસ માં ભરી લઈએ તો એ જ ફોરમથી જિંદગીની ફુલવારી ખીલેલી જ રહે છે.
સંબંધ બાંધવા તો સહેલા છે, એને નિભાવવા એ અઘરું છે. અત્યારના યુગમાં તો શેરી, પાડોશી કે ગામના કે કાકા મામા ને માસીઆર સંબંધો પણ ઔપચારિક થતાં જાય છે. માણસ ફક્ત સારા કે માઠા પ્રસંગે વ્યવહાર સાચવવા પૂરતાં જ સંબંધ સાચવતો થયો છે. સંબંધમાં રહેલી ઉષ્માની ગેરહાજરી વર્તાય તો એ સંબંધ મૃતઃપાય બને છે. અને જો એની કાળજી સમયસર લેવામાં ન આવે તો એ મૃતઃપાય સંબંધમાંથી અવિશ્વાસ, દગો કે ક્લેશ જેવી બદબુ આવવા લાગે છે.
સંબંધના પાયામાં ફક્ત ને ફક્ત આપવું, સાચવવું, નિભાવવું, એવા ગુણોની નીવ મૂકીને સંબંધ રચાય તો એ સંબંધ કોઈ પણ વિપરીત પરિસ્થિતિના વાવાઝોડાં કે વંટોળ આવે તો પણ એ અડીખમ ઊભા રહી શકે છે. અને આવા સંબંધો માણસની તાકાત બની જાય છે.
પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનું સીંચન કરીને જે સંબંધોના દીવડા પ્રગટાવવામાં આવે તો ફક્ત દિવાળી જ નહીં, માણસનું અંતઃકરણ પણ ઝગમગી ઊઠે. ઉત્તમ પ્રકારના સંબંધો માનવની આધ્યાત્મિક ઉન્નતિનું કારણ પણ બને છે અને ઉત્તમ માણસ બની પરમ કૃપાળુ પરમેશ્વરને વ્હાલા બને છે.
આવો, આપણે પણ સંબંધોમાં પ્રેમ દીપ પ્રગટાવીએ અને અરસ પરસ સૌના જીવનને ઝગમગાવીએ.