કોના વગર કોણ અધુરું ?
કોના વગર કોણ અધુરું ?
" લે, પી લે, જો સુજી, આ જરાય કડવી દવા નથી !!"
કહીને અભિષેકે સુજાતાને પરાણે દવા પાઈ દીધી.
હોસ્પિટલના બિછાને પડી પડી સુજાતા અભલા સામે જોઈ વિચારી રહી કે આ સંબંધને શું નામ આપવું ??
ડોક્ટર, નર્સ, જે કોઈ સુજાતાને ચેક અપ કરવા આવે, ત્યારે અભલા સામે અહોભાવથી તાકી રહે !! કેમ કે અભલો.. ખડે પગે સુજી સુજી કરતો સુજાતાની દેખભાળ એવી કરે કે જાણે " એની માં જ જોઈ લો !!"
નવજાત શિશુ ને જેવી કાળજી કરે એવી અભલો સુજાતાની કરે !! સાત ખોટના દીકરાને ય લાડ નો લડાવે, એવા લાડ આ અભલો સુજી ને લાડ કરે !
કોણ જાણે કયા ભવના અને કેટલા ભવના એકસાથે લેણદેણ નીકળ્યા હશે ?? જેનું આ અભલો એક જ ભવમાં ચૂકતે કરે છે ?? નહિતર આવો પ્રેમ કે આવી માયા હોઈ જ ન શકે !!
સુજાતાને બધું યાદ આવ્યું, ..
બાળપણના એ દિવસો.. જ્યારે એ અને અભિષેક, પણ સુજી તો અભલો જ કહેતી.. અભલો એને પ્રેમથી સુજી કહે . જો કે ત્યારની બન્ને વચ્ચે એવી મજબૂત સ્નેહની ગાંઠ બંધાયેલી હતી કે જ્યારે , " ખબરેય નહોતી પડતી કે પ્રેમ અને સ્નેહ એટલે શુ ??
પણ, સુજી વગર અભલાનું બધું અધૂરું !!
અભલો એના ઘરે તો માત્ર જમવા ને સુવા જ જાય. બાકી આખો દિવસ એ સુજાતાને ઘરે જ પડ્યો પાથર્યો રહે !! ઘણીવાર તો જમી પણ લે !!
સુજી બધું કામ કરે અને કરાવે અભલા પાસે પણ છેલ્લે એક જ વાક્ય બોલે , " મારા વગર તારું બધું અધૂરું !!"
એકદમ નિખાલસ ને નિર્દોષ .. પણ ખોબલે ને ખોબલે... બસ પ્રેમ જ પ્રેમ !! અભલાને કોઈ અપેક્ષા નહિ સુજી પાસે .
એ બન્ને સાથે એક જ ધોરણમાં ભણતાં, સાથે લેસન કરતાં અને પરીક્ષામાં સુજાતાના માર્ક્સ અભલા કરતાં વધારે જ હોય !! અને તો ય અભલો ખુશમખુશ !!
અને સુજી બોલે, " મારા વગર તારું બધું ય અધૂરું !!"
આમ તો, અભલા વગર સુજાતાનું એકેય કામ પૂરું થતું નહોતું !!
સમય તો રેત ની મુઠ્ઠી !! ક્યારે સરકી ગયો ખબર ન પડી !!
પ્રાથમિક શિક્ષણ પૂરું કરી,બન્ને હાઈસ્કૂલમાં સાથે જ ભણ્યા, રમ્યા ને યુવાન બન્યા.
સુજાતાને કોઈ છોકરી ખાસ દોસ્ત નહોતી બનતી ને અભલાને કોઈ છોકરો દોસ્ત નહીં !! પણ, આ બન્ને એકબીજાથી એટલા તૃપ્ત હતા કે એ વિશે એમને કશી કમી જ નહોતી. એવો જ બન્ને નો અલૌકિક સંબંધ હતો.
સુજાતા કહે રાત તો અભલાની રાત અને દિવસ હોય સુજાતાને, તો અભલો રાતે ય જાગી રહેતો.
સુજાતા માટે સારું ઘર અને વર શોધી પરણાવવામાં આવી. અભલાએ દિવસ કે રાત જોયા વગર બધું કામ કર્યું....!!
ત્યારે બધાને ખબર પડી કે અભલા વગર સુજીનું જ બધુ અધૂરું !!
અભલાએ ક્યારેય સુજાતાને કે સુજાતાએ ક્યારેય અભલાને.. " આઈ લવ યુ " કહ્યું જ નહોતું !!
સમયે એક મોટું પડખું ફેરવ્યું..
લગભગ દસેક વર્ષનું..!!
અભિષેક એની આલીશાન કારમાં જઈ રહ્યો હતો અને એક બસ સ્ટોપ પર સુજાતા ...
એની સુજી ?
મિલિયોનેર અભિષેક .. ફરીથી અભલો બની ગયો એની કાર ફટાફટ ઊભી રહી ... ને બેક સાઈડ ડ્રાઈવ કરીને અભલો ફટાક કરતો કારનું ડોર ખોલીને સુજાતા પાસે આવી ને હાથ પકડી બોલી ઉઠ્યો... અરે !! એને ભેટી પડતાં.. બોલી ઉઠ્યો...
સુજી...સુજી... તું ? અહીં ?? એકલી ? કેમ કેવી રીતે ?
પહેલા તો , સુજાતા ડઘાઈ ગઈ હતી પણ, એ અભલા ને, એના અભલાને જોઈ ને ... હસવા ગઈ ને રડી પડી ને... કશું જ ન બોલી શકી !!!
અભિષેક, હવે તો .. અભલો, હા, એ અભલો જ ફક્ત એની સુજીનો અભલો.. એ બધી પરિસ્થિતિ સમજવા માટે આ યોગ્ય જગ્યા નથી એમ સમજીને, કઈ જ બોલ્યા વગર સુજીનો હાથ પકડી બીજા હાથે એની પીઠ ફરતે વીંટાળીને એને દોરી ને કાર પાસે લાવી, દરવાજો ખોલી, પ્રેમથી સુજીને બેસાડી તેના માથા પર હાથ ફેરવીને, પોતે ડ્રાઇવિંગ સીટ પર બેસી, સીટ બેલ્ટ બાંધતા પોતાનો સેલફોન લગાડીને પર્સનલ સેક્રેટરીને સૂચના આપી દીધી કે આજની એની બધી જ એપોઇન્ટમેન્ટ્સ હેન્ડલ કરે અને ન થાય તે કેન્સલ કરી દે !!
>એણે કારને, પાછી વાળી અને પોતાના બંગલે લઈ આવ્યો.
જેવા પ્રેમથી ને કાળજીથી સુજીને કારમાં બેસાડી હતી એનાથી વધુ માવજત કરી એ સુજીને અંદર લઈ આવી, બેડરૂમમાં બેડ પર સુવડાવી.
સુજી કશું પૂછે કે બોલે એ પહેલાં જ, અભિષેકે એના વાળમાં હાથ ફેરવતાં જેમ નાના બાળકને પૂછે, એવા જ હક્ક, લાડ અને પ્રેમથી પૂછ્યું, "" સુજી , મને બધું જ કહી દે !!"
સુજી,.. એકદમ રડી પડી ને હીબકાં ભરવા લાગી.. અભલાએ થોડીવાર કશું બોલ્યા વગર , સુજીને રડવા દીધી અને એની પીઠ થપથપાવી, પાણી પાઈ સુજીને ભાવતી કોલ્ડ કોફી મહારાજ પાસે બનાવડાવીને પાઈ ...!!
સુજાતાએ પોતાની બધી હકીકત વર્ણવતા બતાવ્યું કે, એના પતિએ સુજાતાના પિતાજી અને ભાઈને મોટી મોટી વાતો કરી ને પોતાના બે નમ્બરના ધંધામાં બધા જ પૈસા લગાવડાવ્યા અને જલ્દીથી રૂપીયાવાળા થવાના ગોરખ ધંધામાં એના પાસા અવળા પડ્યા અને સુજીના ભાઈ અને પપ્પા ને કૌભાંડમાં પકડાવાથી સજા થઈ અને જેલમાં છે અને એનો ડરપોક પતિ દુનિયાને મોં ન બતાવી શકવાના ડરથી આત્મહત્યા કરી મૃત્યુ પામ્યો. ભાભી તો પિયર ભાગી ગઈ પણ, સુજીની મમ્મી ગયા વર્ષે પ્રભુ ને પ્યારી થઈ ગઈ. સુજી કોઈ અડોશ પડોશમાં નાના મોટા કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી. અને એકલી ગુમનામ જીવન જીવતી હતી.
આ બધી વાત કરતાં સુજીને ઉધરસ આવી અને પેટમાં દુઃખાવો ઉપડ્યો...
અભલાએ ડોક્ટરોની ફોજ બોલાવી. એની સુજી માટે.. સુજીની સારવાર ચાલુ થઈ. અભલો સુજીનું એવું જતન કરવા લાગ્યો કે જાણે એક માં પોતાના નવજાત શિશુની સંભાળ રાખે !
જે જોવે તે અચરજ પામે !!
પણ, ..
ડોક્ટરોએ કહ્યું, સુજાતાને આંતરડાનું કેન્સર થયું છે અને આ બધી સારવારનું પરિણામ નથી મળતું કેમ કે દર્દીને જીવવાની ઈચ્છા જ મરી ગઈ લાગે છે
એટલે એનું બોડી પોઝિટિવ રિસ્પોન્સ નથી આપતું.
અભિષેક જરા પણ વિચલિત થયા વગર, સુજીની સારવાર દરમિયાન, અભિષેક એની ઓફિસે એક દિવસ સુજીને લઈ આવ્યો...
જ્યાં સુજી એ જોયું..
એક મોટી બિલ્ડીંગ પર સુંદર હોર્ડિંગ હતું..
" સુજાતા ઇન્ડસ્ટ્રીઝ "
અભલા એ તે સુજાતાને બતાવ્યું..
અને બધી વાત જણાવી.
એણે સુજીના લગ્ન પછી ગામ છોડ્યું અને એક કાકા જે નિઃસંતાન હતાં એમની સેવા કરતાં કરતા એમની નાનકડી ઓફીસ ને મજાનો ધન્ધો સંભાળ્યો અને કાકાએ સંતોષથી બધું અભિષેકના નામે કરી અંતિમ શ્વાસ લીધા. અને અભિષેકના જીવનમાં સુજાતાના સુખ સિવાય કોઈ જ લગની નહોતી. એણે એક અનન્ય ભાવથી સુજાતાના નામે જુદા જુદા કામ ચાલુ કર્યા અને એ દસ વર્ષમાં તો અભિષેક એક સક્સેસ બિઝનેસ ટાઈકૂન બની ગયો..!!
સુજી તો વીસ્ફારીત નેત્રે જોઈ રહી..
એ સુજી ને એક બીજી સંસ્થામાં લાવ્યો, જ્યાં અનાથ બાળકોને "સુજાતા કેર હોમ" માં રાખવામાં આવ્યા હતાં.
આ સિવાય પણ, સુજાતા ચેરીટેબલ ટ્રસ્ટનું ખૂબ મોટું કામકાજ હતું..!!
આ બધું જાણીને, સુજાતા ફરીથી એ જ મુગ્ધાવસ્થાની સુજી બની ગઈ અને અભલાને ખભે માથું ઢાળી દીધું.
અભલાએ, સુજીના વાળમાં પ્રેમથી હાથ ફેરવતા પૂછ્યું, " સુજી, આ બધું સંભાળવા માટે તું તારા અભલાને મદદરૂપ નહિ બને ??
અત્યાર સુધી હું મનોમન તને મારી સામે, મારી સાથે, મહેસૂસ કરીને બધું કામકાજ સંભાળતો હતો પણ, મારી પ્રેરણા, મારી પરી, મારી શક્તિ, મારી સુજી મને છોડીને જતી રહેશે તો હું એક પળ પણ નહિ રહી શકું...!!
થોડા સમય પછી,...
"સુજાતા ઇન્ડસ્ટ્રીઝ" ની માલિકણ સુજી એના અભિષેક સાથે મળીને ઘણા રચનાત્મક કાર્ય સુપેરે પાર પાડતી હતી.
કેમ કે..
"જે દિવસે ઇન્ડસ્ટ્રીની ઓફિસેથી પાછા ફર્યા હતા ત્યારે આવીને ..
..બીજે દિવસે અભિષેક સાથે હોસ્પીટલ જઈને સુજીએ ડોક્ટર ને કહ્યું " ચાલો સાહેબ મારી ટ્રીટમેન્ટ શરૂ કરો ...
મારે જલ્દી સાજા થવું છે !! આ અભલા ને તો કાંઈ ખબર નથી પડતી ...
અને "મારા વગર એનું બધું જ અધૂરું !!"