Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Daxa Ramesh

Inspirational Romance

3  

Daxa Ramesh

Inspirational Romance

રોઝ ડે

રોઝ ડે

4 mins
786


પ્રોફેસર હિમાંશુ, ભણાવતા હતા કેમેસ્ટ્રી ! પણ આ ૪૦મેં વર્ષેય યુવાનને શરમાવે એવા તરવરાટથી કેમેસ્ટ્રીની ફોર્મ્યુલા સમજાવતા અને લેબમાં પ્રયોગ કરાવીને વિદ્યાર્થીઓને એવું સરસ ભણાવતા હતા કે... જાણે કે કોઈ કાવ્ય પંક્તિને સવિસ્તાર સમજાવીને દિલોદિમાગને તાજગીથી ભરી દે. એમ ચપળતા પૂર્વક બોરિંગ સબ્જેક્ટને રસપ્રદ બનાવતા હતા. અને નેપ્થેલીનને હવામાં ખુલ્લું મુક્તા ધીમેધીમે હવામાં પ્રસરી જાય એમ સમજાવતા હોય ત્યારે કોલેજનું યુવા ગ્રુપ આ સરની મોહકતામાં ઓગળી જતું. છોકરીઓ તો સર પ્રત્યે ખેંચાઈને જાણે કે બહારની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની માફક પોતાનાથી છૂટી પડીને એમના વ્યક્તિત્વમાં ભળી જવા આતુર રહેતી.

આજનો આધુનિક યુગે છોકરા છોકરીઓના હાથમાં સુખ-સગવડના સાધન સુલભ બનાવીને એમને સહજ સ્ખલિત થવામાં નિમિત્ત બન્યો છે. અને બોય ફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ તો કોલેજ લાઈફમાં કાઈ નવું નથી પણ, યુવાન વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસરના લફરાં પણ સાહજિક બન્યા છે. એમાંય પાશ્ચાત્યનો પવન ફૂંકાતા વેલેન્ટાઈન ડેના આગળના અઠવાડિયે ફ્રેન્ડશીપ ડે, રોઝ ડે, પ્રપોઝ ડે નિમિતે આ તો ... "દોડવુતુંને ઢાળ મળ્યો .એવી સ્થિતિ છે.

આજે તો હિમાંશુ સરના હાથમાં ઘરે પાછા ફરતી વખતે ઘણા બધા ગુલાબના ફૂલો હતા. જે એમને કઈ કેટલીયે કોલેજગર્લ્સ એ આપ્યા હતા. 'હાય સર ! આ મારા તરફથી, અને હાય હેન્ડસમ સર ! આ મારા તરફથી...' નૈન નચાવતી, ખીલખીલ હાસ્ય વેરતી નવયૌવનાઓ મુગ્ધતાથી સરને ઘેરી વળી હતી. રોઝ ડે નિમિતે સરની નજીક આવવાનો નાદાન પ્રયત્ન કરતી હતી. સર પણ મનમાં મલકાતાં હતા એમના ભોળપણ પર અને મોહક સ્મિત સાથે બધાનો પ્રેમ ઝીલતા સ્ટાફરૂમમાં આવ્યા ત્યારે ત્યાં એક અપ્સરાનેય ઝાંખી પાડે એવી મુરત અને સાથે જ નોકરી કરતી નિરાલીમેમ પણ હિમાંશુના પ્રભાવથી બાકી ન રહી શક્યા. ને મજાનું લાલ ચટ્ટક ગુલાબ સરને આપીને હળવો સ્પર્શ કરતા આંગળીઓ દાબીને ફરિયાદી સુરે કહ્યું હતું, "આપ નહિ આપો ? " ત્યારે પાસે રહેલા ફૂલો એમને ધરતા હિમાંશુ સર બોલ્યા, "અરે આપ તો મારા દીકરી સમાન છો... જે જોઈએ એ આમાંથી લઈ લો, છૂટ જ છે !' કહીને એક મસ્ત ગુલાબ એમની તરફ ધરીને છોભીલી પડેલી નિરાલી મેમને શરમ ન અનુભવવી પડે તેમ માથા પર હાથ ફેરવીને સર ચાલતા બન્યા.

સ્ટાફના બીજા પ્રોફેસર સાહેબો હિમાંશુની સહજ ઈર્ષા કરવામાંથી બાકાત નહોતા. એમાંય આજે તો રોઝ ડે ... ન કરવી હોય તોય સરખામણી થઈ જાય. કોઈ ને બે ચાર ગુલાબ તો કોઈને એકપણ ન મળતા, "આવા ...ડેઝ..બેઝ ..આપણને ગમે જ નહીં ... ને આ આપણું કલ્ચર નથી... એવી જૂની ને ઘસાતી રેકોર્ડ વગાડીને પોતાની જલન છુપાવવા સંસ્કૃતિની દોહાઈ દેતા.

હા, આજે ઘણા યુવાન છોકરાઓ પણ સરથી કતરાતા હતા કે જ્યાં એમની કોઈ કારી ફાવતી નહોતી ! ને આ સરને કેટલીયે યૌવનાઓની આંખો એમને આમંત્રણનું ઇજન આપતી હતી. અને કેટલુંય કોલેજિયન રૂપ એમની પાછળ ઘેલું હતું. પણ, ધરપત હતી એ છોકરાઓને જે સરને નજીકથી ઓળખતા હતા, કેમકે બધા સૌંદર્યના ખજાનાઓ આપણા માટે જ બાકી રહેશે કેમકે દરિયો કદાચને માઝા મૂકે ને હિમાલય જેવો પર્વત ભલે હલે, પણ સર ! ના ના ! ઋષિમુનીના ય તપોભંગ થાય પણ હિમાંશુ જેનું નામ !

મસ્ત મજાનું રોમેન્ટિક સોન્ગ ગાતા ગાતા, ઘરે આવીને, વર્ષોથી પેરેલીસીસથી જેનું ડાબું અંગ ખોટું પડી ગયું છે અને સ્પષ્ટ બોલી પણ નથી શકતી એવી અર્ધાંગિનીને નવડાવીને શરીર લૂછી વાળમાં હાથ ફેરવતા ફેરવતા જરાપણ ખેંચાય નહિ એવા હેતથી વાળ ઓળીને કપાળે એક મસ્ત ચુંબન ચોડી બધા જ ફૂલો પોતાની પત્નીને આપતા બોલ્યા '...હેપી રોઝ ડે ,,,શ્રીમતી જી ...લકવાગ્રસ્ત રોમાની આંખો હિમાંશુના સદાબહાર એક જ સમાન વરસતા પ્રેમથી છલકાઈ ઊઠી, અને ત્યારે બધા જ ગુલાબના ફૂલો એકસાથે મહેકી રહ્યા. અને એક જાદુ થયો કે જે ડોક્ટરો એ પણ હાથ ધોઈ નાખ્યા હતા કે રોમા હવે જાતે કાઈ નહિ કરી શકે !.આખી જિંદગી એમની આમ જ રહેશે ! આજે હિમાંશુની વરસોની ચાકરી કે માવજતનું ફળ કહો કે ભગવાનની કૃપા, મદમસ્ત યુવતીઓની વચ્ચે રહીને પણ અવિચળ બનીને જે પતિ પોતાની પત્ની માટે પળેપળ પ્રેમ પાથરતો રહયો એનું પરિણામ કહો !

રોમાનું અંગ ફરક્યું હાથ પગ હલ્યાને હોઠ માંથી ...શબ્દો સરક્યા .... "'લગ જા ગલે ! કે ફિર યે હસી રાત હો ન હો !

આશ્ચર્યથી હિમાંશુ અવાચક બનીને રોમાને ઊભી થવામાં મદદ કરવા દોડ્યો, ને રોમા પણ હિમાંશુનો ટેકો મળતા જ એક નમણી શી નાજુક વેલની જેમ એને વીંટળાઈ ગઈ ! ને... સુના પડેલા દામ્પત્ય જીવનના બગીચામાં પ્યારના પુષ્પો ખીલી ઉઠ્યા એમ કહેતાક ને...

'હેપી રોઝ ડે'


Rate this content
Log in