પ્યાર કે દો ચાર દિન
પ્યાર કે દો ચાર દિન


અમારા ઘરથી બે –ત્રણ ઘર મૂકીને એક ઘરમાથી અવાજ આવતો હતો..”એ મને મૂકી દ્યો, ...મોટા બાપુ...... હું હવે તોફાન નહીં કરું......” અને સાથે મારવાનો અવાજેય સાંભળતો હતો. મારુ કાળજું કંપી ગયું. હું રૂમમાથી બહાર પરશાળમાં આવી, તો ધવલ રડતો હતો. તેને તેના પપ્પાના મોટા ભાઈ મારતાં હતા. મારી જેમ બાજુવાળા માસીય ઘરમાથી બહાર નીકળ્યા, અને મને કહેવા લાગ્યા, ”આમ તે કઈ છોકરાને મરાતું હશે ? ' માણસ કર્યું માણસ થાયને ઢોર કર્યું ઢોર થાય!” આમને આમ છોકરો હાથમાથી જશે. તેની મા હાજર નથી તો કોણ તેનું ઉપરાણું લે ?”
ધવલના મમ્મીને તેના જેઠ-જેઠાણી બાબતે તેના પપ્પા સાથે અવાર-નવાર ઝઘડા થતાં. વાત વધી ગઈ. એકા બીજાના અહંકાર ટકરાતાં અને એક વખત વધેલી વાત એવી વણસી ગઈ કે ધવલની મમ્મી ઘર છોડી પિયર ચાલી ગઈ ! હવે ધવલ અને તેના પપ્પા રણજીતભાઈ -બંને તેના મોટા ભાઈ સાથે રહેતા. નમાયા ધવલને બાપ હોવા છતાં તે બાપનોય પ્રેમ પામતો નહોતો. સારું કમાતો-ધમાતો રણજીત દેવદાસ બની બેઠો હતો. રણજીત મોટા ભાગે ઘરની બહાર જ રહેતો. રણજીતના મોટા ભાઈના છોકરાઓને લાડ-પ્રેમ ખૂબ મળતા, પણ ધવલ તો તેમના ભાભુ અને મોટાબાપુને ‘માથે પડેલો’ લાગતો.
પ્રેમ-હૂંફ ઝંખતો ધવલ ન ખબર પડતાં જિદ્દી અને અતડો થઈ ગયો. ઘરમાં નાના-મોટાં ત્રણ બાળકો તેથી ઘરમાં કઈ ‘નવા-જૂની ‘ થઈ હોઈ તો નામ હંમેશા ધવલનું જ આવે. અને તેનો જ ‘વાંસો રીઢો થતો.’ આ લોકો પણ ધવલની ઉપર જરાય દયા ન રાખતાં. તેથી જ આ માસી બળાપો કાઢતાં હતાં. ”આમ ને આમ ધવલ માર ખાઈ ને રીઢો થઈ ગયો. અને માર ખાઈ ને ઢોર જેવો ન થઈ જય તો સારું. તેની માને ય દયા ન આવી તે આ ફૂલ જેવા છોકરાને તરછોડી ને ચાલી ગઈ !”
ત્યાં રણજીત બહારથી આવ્યો અને અવાજ શાન્ત પડ્યો. તે બધુય સમજતો હતો. પણ શું થાય ! તે કશું બોલી શકતો નહીં. અને માસી કહેવા લાગ્યાં. ”આ કઈ નવું થોડું છે ! આ તો રોજનું થયું. ને તે અંદર ચાલ્યાં ગયાં. નિઃસાસો નાખતી હું પણ અંદર રૂમમાં પ્રવેશી.
બીજે દિવસે મંદિરે જતાં મને ધવલની મમ્મી સરિતા મળી ગઈ. મને જોઈ ને તે પૂછવા લાગી, “દીદી મારા ધવલને તમે જોયો ? શું કરે છે
એ ? કેમ છે એ ?
મે તેને એક બાજુ બેસાડી અને કહ્યું કે, “ધવલ ને તો માજ દુશ્મન બની ગઈ છે તો બીજું કોણ તેનું ?'
સરિતા બાઘી બની પૂછવા લાગી, ”આવું કેમ કહો છો દીદી ?”
મેં કહ્યું ,”જો સરિતા બાળકને મન 'મા' એ ભગવાનનું રૂપ છે. બાળક મા વગરનું અધૂરું અધૂરું રહે છે. તારા જેઠના દીકરો-દીકરી તેની મા પાસે રહે, તેના ઉપર વ્હાલ વરસતું રહે. તેમનો લાડકોડથી ઉછેર થાય ત્યારે ...ધવલ તરસી આંખે જોતો રહે. ધવલ જેવુ અભાગિયું કોણ ? કે જેના માતા-પિતા હૈયાત હોવા છતાં તે અનાથ બની ગયો.”
સરિતા તો રડવા જ લાગી. થોડી વાર રડવા દઈ પછી મે તેને શાંત પાડતા કહ્યું, “સરિતા, સાંભળ, જો તે મા થઈને ધવલને તરછોડયો..
તો હવે બીજું કોણ છે એનું ? રણજીત તો છતાં સંસારે સન્યાસી બની ગયો છે. અને તારે એવું તે ક્યું દુઃખ હતું કે જેથી તે આ પગલું ભર્યું ?”
સરિતા બોલી પણ દીદી, 'મારા જેઠ-જેઠાણી કેવા બળૂકા છે અને આ સાવ ભગત જેવા.'
ત્યારે મે તેને સમજાવતા કહ્યું, “તને તારા પતિ સાથે તો વાંધો નથી, તો પછી તું શા માટે ઘર છોડે, પતિ છોડે અને ધવલ ને પણ તરછોડયો ? અને આ આખીય વાતમાં ધવલનો વાંક શું એ તો મને કહે ?”
સરિતા આંખો લૂછતી ઊભી થઈ અને બોલી, “હવે મોડુ થઈ ગયું દીદી, ખૂબ મોડુ થઈ ગયું.”
ત્યારે ઓફિસથી દરરોજ મોડેથી આવતો સરિતાનો પતિ રણજીત આજે મંદિરે વહેલો આવ્યો હતો ને સરિતાને જોઈ તે અમારી પાછળ આવી ઊભો હતો. તેણે અમારી બધી વાત સાંભળી હતી.
તે બોલ્યો, “સરિતા, તારો અહંકાર છોડી દે, હું મારો અહંકાર ત્યાગું છુ. ચાલ સરિતા, મોડુ થાય તે પહેલા પાછી ફર, હજી મોડુ નથી થયું."
અને અમે બંને ચોંકી ઉઠ્યા. સરિતાએ આંખો ઢાળી અને મલકી રહી. ત્યાં તો રણજીત સરિતાનો હાથ પકડી ચાલવા લાગ્યો.
બંનેને સાથે જતાં જોઈને હું પણ ખુશ થતી ઘરે પાછી ફરી. બીજે દિવસે મે પરશાળમાં આવીને જોયું તો ધવલ તેના મમ્મી-પપ્પાનો હાથ પકડી જતો હતો. ત્રણેય જતાં હતા અને જાણે કે ગાઈ રહ્યા હતા,
“જિંદગી કી હર ખુશી સે અચ્છે હે..... પ્યાર કે દો ચાર દિન.... પ્યાર કે દો ચાર દિન....”