નામનો ગોટાળો
નામનો ગોટાળો


"રમેશ...આ સરસ છે જુઓ.!!..." હું બોલી, તો છગન ભાઈ એ તેમના પત્નીને કહ્યું..."જો આમ હોય !.. ..આમ પતિને બોલાવાય ! એમના પત્ની મોઢે હાથ દઈને કહે ,"હાય.. હાય.. જાવ ને ,..હવે શું ?..આખી જિંદગી વઇ ગઈ !" એમ કહી હસીને શરમાઈ ગયા !
આ સાંભળી ને અચ્યુત મને પૂછવા લાગ્યો.."હે મમ્મા, તમે ડેડીને નામથી બોલાવ્યા તો આ લોકો કેમ શરમાઈ ગયા ?"
તો જાનકી બોલી, "હું તો મનીષ ને 'મન 'કહું છું..ને એ મને , "જાન."
એમાં શરમાવાનું કેમ ? શું ખરાબ છે એમાં ?
હું ત્રણ પેઢી ને જોઈ રહી. છોકરાવની સાથે બેસતાં બોલી, સાંભળો, ઘણા ફિલસુફો.."નામમાં શું ?" એના વર્ણન કરીને ઘણું કહી ગયા.
પણ, આજ તમને પત્નીઓ તેમના પતિને ક્યાં નામેને શુ કારણથી બોલાવે એ કહું છું !
"મારા દાદા -દાદી આખી જિંદગી એકબીજાનું નામ લીધા વગર સાથે જીવ્યા અને મરી પણ ગયા !" હું આગળ બોલું એ પેલા મન પૂછે છે.
"કેમ એ લોકો બોલાવતા નહીં એકબીજા ને ?"
જાનકી પૂછવા લાગી, "કેમ એ લોકોને બોલચાલના વે'વાર ન્હોતા ?" મેં એને હસતા હસતા કહ્યું,"હતા ને. પણ નામ લેવાના વે'વાર ન્હોતા !" અત્યાર સુધી મલક મલક કરતો અચ્યુત બોલ્યા વગર ન રહી શક્યો, "મમ્મા, એવું કેમ બની શકે ?"...
મેં એમને ફોડ પાડ્યો, "મારા દાદા કે'તા, "ક્યાં ગયા !!!
આ લ્યો !" ને દાદી બોલતા, ..'એ કહું છું !સાંભળો છો ?"
અને છોકરાઓ, સાંભળો આવી રીતે નામ લીધા વગર લગ્ન જીવન જીવતી, એવી આખી પેઢી ને પેઢીયું વઇ ગઈ !
પછીની એક રીત એવી પણ હતી કે એક છોકરું થયા પછી એ પેલું બાળકનું જે નામ પાડવામાં આવે એ નામથી એકબીજાને બોલાવતા. આ સાંભળી ને ત્રણેય મારા સામે એવી રીતે જોઈ રહ્યા કે, મેં કઈ ગપ્પુ માર્યું હોય. મેં આગળ ચલાવ્યું ,
'મારી એક બેનને એના પતિ એકબીજાને 'સાગર 'કહેતા.' અચ્યુત કહે,'હાઉ રોમેન્ટિક.' મેં હસીને કીધું એ રોમાન્સ નામનું પ્રાણી બલા જાણે !'..:સાગર એમનું પેલું સંતાન ! એનું નામ હતું. સાગર... લ્યો બોલો !
ઘરમાં ત્રણ ત્રણ સાગર થઇ ગ્યા, ત્રણેય હસી હસી ને થાક્યા. તો રમેશ કહે, 'અમે એને પુછ્યુંતું..'કે મારા બેન,"એ સાગર', એમ કહે તો કયો સાગર આવે ? તમે કે છોકરો ?" ત્યારે એમણે કીધું, "હું જ આવું. "ઓકે".તો પછી છોકરાને કેમ ખબર પડે ? કોને જવાબ આપવાનો ?' એ તમે બેય એકબીજાને સાગર કયો, તો સાગરને શુ કયો ?'
એ તરત બોલ્યા.."એને અમે.. "સાગરો." કહીએ.સાગરા.... બોલીએ તો જ એ આવે..અને અમે બધા હસી હસીને બેવડા વળી ગયા.
'સાંભળવા જેવું તો હવે છે. છોકરાઓ.' મેં આગળ કહ્યું, એક નવી પરણેલી વહુ એ કીધેલ સાચી વાત છે. સાંભળો..
"મારા લગ્ન પરેશ સાથે થયા. મારા સાસુ બોલે,"પરેશ..." તો હું આમને કહું કે "જાવ !! બા બોલાવે.' તો કહે કે, "ના એ મને નહીં બાપુજી ને બોલાવે છે !" ને બાપુજી બારથી આવેને બોલે. "પરેશ...' તો કહું કે જાવ તમને બોલાવે.' તો એ કહે, "મને નહિ બાને બોલાવે છે !' તો મેં પૂછ્યું કે તો તમને શું કહીને બોલાવે છે ?'તો હસતા હસતા કહે, "મને એ બન્ને "પરીયો"કે" લો બોલો..!!!!!
છોકરાવ તો ગોટો વળી ગયા. પછી મેં કીધું આગળ સાંભળો. એ નવી પરણેલી વહુ બોલી કે "હું હાક મારીશ "પરેશ......." તો હવે કયો પરેશ આવશે. ? અને જો થઇ છે !
પછી તો મુન્નાના પપ્પા ને બેબલીની મમ્મી એ સિસ્ટમ. ખૂબ ચાલી હજુ ટી.વી.માં આવે છે ને "ટપુ કે પાપા" હમણાં સુધી ચાલે છે...બકા,..હની...થોડો વખત પહેલા શિક્ષિત કપલ ડીઅર ને ડાર્લિંગકહેતા.
પહેલાના જમાનામાં, જાતિ પરથી બોલાવતા. આર્યપુત્ર, કણબી,આહીરાણી, એના પરથી એક સત્ય ઘટના.
ઘણા વર્ષ પહેલાં મારા એક માસીને માસા ટ્રેનમાં રાજકોટથી સિકન્દ્રાબાદ જતા હતા. લાંબો રૂટને સ્ટેશનમાં માસા કઈ પાણી કે ચા માટે નીચે ઉતર્યા ને ગાડી ઉપડી.. તો માસી ગભરાઈ ગયાને રાડો પાડીને માસાને બોલાવવા લાગ્યા, "એ કણબી.... એ કણબી...હાલો..."..અને ડરી જ ગ્યા કે હવે ડબ્બો તો આગળ થઇ ગ્યો. ત્યાં દરવાજે ઉભેલા સહપ્રવાસીએ કીધું ," ઘબરાના નહિ કણબીભાઈ પીછે કે ડીબ્બે મેં આ ગયે હે !' એને એમ કે 'કણબી' માસાનું નામ છે.
તમે જ કયો આવી મજા તો આપણે જ માણી એ...તમારી આસપાસ ના દંપતિ ..દાદા-દાદી ..નાના-નાની,..બા-બાપુજી...કાકા-કાકી....
એકબીજા ને કેવી રીતે બોલાવે છે ....એ કહો...