Daxa Ramesh

Inspirational Others

3  

Daxa Ramesh

Inspirational Others

નૂતન વર્ષે

નૂતન વર્ષે

3 mins
13.8K


નવા વર્ષનું નવલું પ્રભાત !

દરરોજ જેવું જ ! એ જ સવાર, એ જ આકાશ, એ જ ઘર, પરિવાર એ જ પાડોશી, એના એ જ મિત્રો, એની એ જ આ દુનિયા !

બધું એનું એ જ તો નવું શું ? વર્ષ નવું, મહિનો નવો, દિવસ નવો અને કેલેન્ડર નવું, કદાચ કપડાં નવા હશે કે થોડી આસપાસની વસ્તુઓ નવી હશે ! તો એનાથી શું નવું વર્ષ કહેવાય ? ફક્ત કપડાં અને વસ્તુ કે બાહ્ય ફેરફારમાં નવીનતા લાવવામાં નવું વર્ષ ઉજવવાનો, નવલા વર્ષને વધાવવાનો શું અર્થ ?

નવા વર્ષના, નૂતન દિવસે માણસ વ્હેલો ઊઠી, ન્હાઈ પૂજાપાઠ કરી વડીલોને કે સગાંવહાલાં સ્નેહીઓને શુભેચ્છાઓ પાઠવી આવે અને મેળવે પણ ખરા ! એટલે નવું વર્ષ ઉજવાઈ ગયું કહેવાય ?

દિવસ બદલે, મહિના બદલે અને વર્ષ બદલે, ત્યારે કેલેન્ડરના પાના કે દટ્ટા બદલે એ બધું બદલવાથી માનવજીવન નથી બદલાતું. તો શું નવા વર્ષે નવા સંકલ્પો લઈએ તો નવું વર્ષ ઉજવ્યું ગણાય ? માણસ એક સામાજિકની સાથે, પોતે એક વિચારશીલ પ્રાણી છે. નવા વર્ષે કંઈક ને કંઈક સંકલ્પો લેવા કે લેવડાવવા એ તો એને ખૂબ જ સહજ છે.

ઇસવીસનનું ન્યૂ યર હોય વિક્રમ સંવતનું નવું વર્ષ રિઝોલ્યુશન લેવા જ એવું ક્યાંય લખ્યું નથી અને લેવાયેલા રિઝોલ્યુશન કે સંકલ્પો પાળવા જ એવા કોઈ સોગંદનામાં નથી હોતા. પણ ગતાનુગતિક, થોડેઘણે અંશે નવા સંકલ્પો લેવાઈ જાય છે ખરા ! કોઈ એ સંકલ્પોને વળગી રહે છે અને કોઈનાથી, મોટાભાગે છૂટી જ જાય છે એ જુદી વાત છે.

પણ, હકીકતે નવું વર્ષ તો, ત્યારે જ ઉજવ્યું ગણાય કે એનો હર એક દિવસ, આપણી જિંદગીનો એક નવો જ દિવસ છે એમ માનીને મન મૂકી જીવીએ. ગઇકાલને ભૂલી ને કે ગયા વર્ષની ભૂલોને ભૂલીને નહિ પણ, એમાંથી નવું શીખીને આજને આવકારીએ. એક નવો પાઠ ભણીએ. નવા વર્ષે જ નહીં પણ વર્ષના દરેક દિવસને નૂતન દિવસ, કુદરતની ભેટ સમજીને એકે એક દિવસ એવો જીવીએ એને ભરપૂર રીતે માણીએ, કે બસ જીવવાની મોજ જ આવ્યા કરે !

એ માટે જીવનમાં ખુશી જ હોવી જોઈએ કે પ્રોબ્લેમ ન હોવા જોઈએ એ દૂર થાય ત્યાં સુધી રાહ જોવાને બદલે, દરેક દિવસને હૈયાના ઉમંગથી વધાવીએ. કોઈ નો સમય ક્યારેય, સુખ જ સુખ કે દુઃખ જ દુઃખ એવો એકસરખો નથી રહેતો. દિવસ પછી રાત અને અંધારા પછી અજવાળું આવે જ છે.

જેવી રીતે અમાસની રાત વીત્યાં પછી જ તો આ નવલા વર્ષનું આગમન થાય છે. માત્ર ને માત્ર પોતાના જ ખુશી અને ગમનો વિચાર ન કરતાં, આપણી આસપાસ પણ નજર ફેરવીએ. આ નવલા વર્ષે, કોઈનું આંસુ લુછીએ, કોઈના દર્દ ઝીલીએ, કોઈને ખુશીયા વ્હેચીએ, કોઈને મુસ્કાન ભેટ ધરીએ.

પૃથ્વી પરના તમામ પ્રકારની જીવ સૃષ્ટિમાં માત્ર માનવ એક જ એવી યોનિ છે કે એ માત્ર પોતાનો જ નહીં પણ, બીજા માટે વિચારી શકે છે. કોઈના દુઃખ દૂર કરી શકે છે. નવા વર્ષે જરૂર વિચારીએ કે વર્ષ તો બદલાયું પણ આપણે બદલાયા કે નહીં ?

આપણી અંદર રહેલા દુર્ગુણોની આપણને જ એમના અસ્તિત્વની જાણ હોય. મનુષ્ય પોતે કેવો છે એનામાં ક્યાં અવગુણ અડ્ડો જમાવીને બેઠા છે એનું અવલોકન કરીએ અને એ ઓછા થાય અને દૂર થાય એવા પ્રયત્ન આજે નવા વર્ષના દિવસથી દરરોજ કરીએ.

સમાજ માટે, પરિવાર માટે અને પતિ પત્ની કે બાળકો માટે તો જીવીએ જ છીએ. નવા વર્ષે ચોવીસ કલાકથી થોડો સમય પોતાની જાત માટે કાઢીએ. ખુદનું ચિંતન કરીએ. એવું સરવૈયું કાઢીએ કે ગયા વર્ષે શુ ગુમાવ્યું અને શું મેળવ્યું. કહે છે કે મનુષ્યનો અવતાર એ શ્રેષ્ઠ અવતાર છે. તો કુદરતના આ શ્રેષ્ઠ સર્જન એવા માણસે, મેં આ જગતમાં એવું તે શું કામ કર્યું કે મારો મનુષ્ય તરીકેનો જન્મ સાર્થક બને ? એવું તે કયું કર્મ કર્યું કે કુદરત પણ માનવને જીવન આપવા બદલ હરખાઈ ઊઠે !

ફૂલ, નદી, પર્વત, આકાશ કે સાગર એ બધામાં કોઈ એક ખાસ ગુણ રહેલો છે જે નૈસર્ગીક કે કુદરત દત્ત છે પરંતુ માનવમાં એક વિશિષ્ટ શક્તિ રહેલી છે જે આ આહવાન ને સ્વીકારીને એક એક ગુણ જીવનમાં લાવવાનો દિવસ એટલે જ નૂતન વર્ષાભિનંદન !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational