Daxa Ramesh

Inspirational

3  

Daxa Ramesh

Inspirational

મંગુડી

મંગુડી

5 mins
462


"એય...શું જુવો છો ? શુ કામ છે તમારે ? કચરો લઈ લીધો હોય તો, હાલતાં થાવ !" અવાજની દિશામાં મારુ ધ્યાન ગયું.

અમારા ઘર ની બાલ્કનીમાં હું બેઠી હતી ને મારા કાને ઉપરના રુક્ષતા ભરેલા વાક્યો વાગ્યા. મેં ત્યાં નજર કરી , તો રસ્તા પર રોજની જાણીતી, મહાનગર પાલિકાની કચરાગાડી ઉભી હતી. આ ગાડી દરરોજ અમારા વિસ્તારનો કચરો એકઠો કરી લઈ જતી, તેમાં એક ડ્રાઈવર સિવાય બે જણા, જે લઘરવઘર દેખાતા હતા તે પતિપત્ની હતાં. પતિ બધાની કચરટોપલી લઈ આવીને ગાડીમાં ઠાલવતો અને એની પત્ની તે કચરાને ફંફોસતી.... ને એમાંથી ભંગારમાં દેવાય કે પછી પોતાને ઉપયોગી થાય તેવી વસ્તુઓ જુદી તારવતી જતી. આ દૃશ્ય મેં ઘણી વાર જોયું હતું.


સાથે સાથે એ પણ જોયું છે કે જ્યારે ગાડી ઉભી હોય ને આ લોકો કચરો લેતા હોય ત્યારે કોઈ ને કોઈ તો કંઈક તો બોલતું જ હોય. "એય બધોય કચરો લઈ લેજે, કાલે કેમ ન્હોતા આવ્યા ? આયા કચરો વેરતા નહીં.. આજે કાં આટલા મોડા આઈવા ?"

લગભગ કઈ જ જરૂરી ન હોય છતાં આવા શબ્દોથી હડધૂત કરતા લોકો સાથે આ ગમારલોકો ( !!! ) 'હા', 'ના', એવા ટૂંકા જવાબથી વાત પતાવતા.


કહેવાતા સુખી લોકો આ કચરો લઈ જવા વાળાનું રીતસર અપમાન કરતાં અને તે સાંભળે એમ કહે પણ ખરા ... " કામચોર છે આ બધા ! કાંઈ કામ કરવું નથી ને .. મફતમાં જોઈએ છે." વાર તહેવારે જો કોઈ ભલા માણસ !, આ લોકો ને કઈ આપે ( એવી આશાથી કે પોતે કરેલા પાપ ધોવાય જાય) ત્યારે બીજા વણમાંગ્યા સલાહ સૂચનો કરે.."કાંઈ ન દેવાય આવાને, આને તો મહાનગર પાલિકા પગાર આપતી હોય, ..અને આ જુવો કચરામાંથી કેટલુંય કાઢીને , કેવડો ભંગાર વેચીને રોકડી કરે છે ! આવા વધારાનું કાંઈ દઈદઈ ને હરાળા ન કરાય !"

આ બધી કોમેન્ટ્સ સાંભળવા છતાં નિર્લેપભાવે જરાય દુઃખ લગાડ્યા વગર આ બન્ને કચરો લે, ગાડીમાં ઠાલવે ને, ચાલતા થાય.


હમણાં દિવાળી નજીકમાં જ હોવાથી, મહિલા વર્ગ ઘરની સાફસફાઈમાં લાગેલી  હોય રોજિંદા કચરા કરતા ખૂબ વધારે કચરો ઘરની બહાર કાઢતી હોય કે જેનું ભંગારમાં પણ કઈ ન ઉપજે. ખોખા, પર્સ, તૂટેલા રમકડાં, થેલા, થર્મોકોલના બોક્ષ એવું કંઈ કેટલુંય ને ...કચરાગાડીમાં રહેલી સ્ત્રી, જેનો પતિ એને મંગુડી મંગુડી.. કરતો હોય. તે મંગુડી આ બધો કચરો ફેંદતી હોય.


પરંતુ આજે, આ પતિ-પત્ની સામેના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એક વ્યક્તિ જે એને થવાય એટલા રુક્ષ થઈ ને ઉપરના વાક્યો બોલતા , અરે ના, બોલતા ન્હોતા શબ્દો રૂપી ચાબખા મારતાં 'તા.  

"કોનું કામ છે ? શું જોવો છો ? બોલો !"

મંગુડી બોલી, "હે બાપા ! આયા તમારે ન્યા કોઈનું કાય ખોવાઈ ગ્યું સે ? " 

પેલા વડીલ આશ્ચર્યથી બોલ્યા, " હે ?"

 મેય કાન સરવા કર્યા .."શુ છે ? વડીલ કાઈ સમજ્યા ન હોય એવું લાગ્યું. મંગુડી બોલી, "આ દિવાળીનું સાફ સફાઈનું કામ કોના ઘરે સાલે સે હે ? " વડીલ પૂછે છે , ના ના.. ચાબખા...મારે છે.." કેમ વધારે કચરાના વધારાના રૂપિયા થાહે ?


મંગુડીનો પતિ બોલ્યો , "એય તને ખબર સે ! આ જ ઇપપાર્ટમેન્ટ હતું ઇ ! હાઇલ ને બીજે પુસીએ.. "

મંગુડી કહે ], 'ના, ના, મુને ખબૈર સે ઇ આ જ સે !"


વડીલ હજુ અસમંજસમાં હતા ..ત્યાં બીજા બે ત્રણ જણા આવ્યાને જરા કડક થઈને પૂછપરછ કરવા લાગ્યા કે 'શું છે આ બધું ?' હવે મંગુડી એ મૂંઝાઈને તેના પતિ સામે જોયું, તો તેની નજરમાં સાફ વંચાતું'તું કે આવી માથાકૂટમાં પડવા કરતાં... તેની નજર સામે સોનાની માળા તરવરવા લાગી. વીસ-પચીસ હજાર તો આવે જ. આ મંગુડી કઈ સમજે નહીં. દિવાળી સુધરી જાત ને સોકરાય રાજીના રેડ થઈ જાત. મીઠાઈ, ફટાકડાને નવા કપડાં. ઈ કેટલુંય...પણ આ મંગુડી.


મંગુડી દ્રઢતાથી બોલી, "જુઓ અમે કાઈ માંગવા નથી આઈવા પણ, જેનું અમને કસરા માંથી મઈલૂ સે ઇ પાસું દેવું સે. ઇ હારું પુસી સી." 


આ સાંભળવામાં એકદમ નવું હતું !સુખીને મોટા ગણાતા લોકો માટે ! તેઓ હવે ધ્યાનથી પૂછવા લાગ્યા, "શુ છે વાત ! સરખાયે કયો !" (વાત પોતાના સ્વાર્થની આવી ને !)


ત્યારે મંગુડી એ પોતાની પાસે રહેલા જુના પર્સ કે જે કોઈએ ૧-૨ દિવસ પહેલા જ કચરામાં નાખી દીધુ'તું..તે પર્સમાં હાથ નાખી અંદર ચેન ખોલીને...હાથ બહાર કાઢ્યો. " આ અમને કસરામાંથી મયલૂ સે બાપા..!! જેનું હોય ઈને પાસું પુગાડવા આઈવા સીએ.. ! કોનું સે આ ? " 

મંગુડીના હાથમાં તો ગળામાં પહેરવાની સોનાની મોતીની માળા ચમકતી હતી. બધા જ જોઈ રહ્યા ..આશ્ચર્ય ચકિત થઈ ગયા. એક વડીલ બોલ્યા, "કોનું હશે આ ? કેમ ખબર પડે ? " એક ભાઈ એ સૂચન કર્યું કે દસ તો બ્લોક છે આપણા ! બોલાવી લઈએ બધાને પાર્કિંગમાં. કહી દો બધા બૈરાઓને કે થોડીવાર માટે નીચે આવે.


"તમાશા ને તેડું ન હોય" એ ન્યાયે અને "શુ થયુ ? શુ થયું ? એવી માનવ સહજ કુતૂહલતાથી એપાર્ટમેન્ટનો મહિલા વર્ગ આવી ચડ્યો.


વડીલે મંગુડી સામે જોયું, મંગુડી એ હાથમાં રહેલ સોને મઢેલ મોતીની માળા ઊંચી કરી, ચમકતી માળા ! ને એથીયે વધારે ચમકતો મંગુડીનો ચહેરો. બધા અવાચક...બનીને જોઈ જ રહ્યા.


"એ આ તો,આ તો...મારી ..માળા." એક બેન આનંદથી ઊંચા અવાજે બોલી ઉઠ્યા, ને રડવા લાગ્યા. "હું તો, હું તો ઓહ અરે આ માળા ગોતતી'તી." ને હાથમાં પર્સ જોઈ બોલી ઉઠ્યા કે, "મને યાદ જ નહોતું આવતું કે મેં ક્યાં મૂકી દીધી ? અ ર..ર...કચરામાં વઇ ગઈ 'તી..હે ભગવાન.!" એ બેન ફરીથી રડવા લાગ્યા. ને પેલા વડીલે પૂછ્યું કે, બેન આ તમારી છે માળા એની ખાતરી શુ ? ત્યારે તરત એ બેન બોલ્યા , "એ માળાના પર્સમાં બિલ પણ છે..

એ બેનના સાસુને હમણાં જ આવી પહોંચેલો તેનો પતિ પણ જોઈ રહ્યા.

મંગુડી...મક્કમતાથી ડગ ભરતી, રડતા બેન પાસે આવી તેને અડાય ન જવાય ,સ્પર્શ ન થાય તેમ આપતા બોલી "આ લો બેન,તમારો માલ તમને મુબારક !"


બધા અવાચક થઈ જોઈ જ રહ્યા. એક ભાઈએ તાળીઓ પાડતા બધાય સાથ આપતા તાળીના ગડગડાટથી મંગુડીને બિરદાવી રહયા.


વડીલે કહ્યું કે, તમને ધન્યવાદ દેવા ઘટે ! આટલી કિંમતી , કદાચ લાખેક રૂપિયા ની તો થાય જ. બજારમાં દેવા જતા અડધા ભાવેય પચાસેક હજાર સહેલાઈથી મળી જાય. અને તમે પરત કરવા આવ્યા. વાહ... વાહ... તમને આ માળા રાખી લેવાનું મન ન થઈ ગયું ?"

ત્યારે મંગુડી બોલી તે સાંભળવા જેવું છે.

"અરે બાપા, ઝાઝું કાઈ ગીનાન તો નથી પણ એટલું હમઝુ સુ કે ગયા જનમ ના કરમને લીધે આ ભવે કસરા ફેંદુ સુ. પણ હવે મેનત વગરનું ને અનીતિ ન ખાવું કે આવતો ભવ બગડે. આ ભવનું તો મારા હાથની વાત નથી પણ આવતા ભવની બાજી કેમ બગાડું ?"


બધા આંખમાં આંસુ સાથે મંગુડીને ફરીથી તાળીના ગડગડાટથી વધાવી રહ્યા. એક અભણ લાગતી લઘરવઘર બાઈ માણસે કેવડી મોટી વાત સમજાવી છે. જો સમાજની પ્રત્યેક વ્યક્તિ એમ સમજે કે મહેનત વગરનો કે અનીતિનો એક પૈસો ય મારા ઘરમાં ન જોઈએ તો ?


ક્યાંય પ્રવચન સાંભળવા, મંદિરમાં કે કોઈના સેમિનારમાં ગયા વગર જ દેશમાંથી ભ્રષ્ટાચાર, અનૈતિકતા ભાગી જાય અને આપણા દેશનું ભાવિ ચિત્ર બદલાય જાય.


સૌ કોઈ બુમરાણ મચાવે છે :

 "આ સુધરે તો દેશ બદલે, અને તે સુધરે તો દેશ બદલે ! આ વ્યસ્થા બદલવાની જરૂર છે અને પેલી સંસ્થા બદલાવવાની જરૂર છે !" પણ મંગુડીની જેમ આપણે ખુદ બદલીએ તો ??


Rate this content
Log in

Similar gujarati story from Inspirational