સમજાવનાર જ ન સમજે?!
સમજાવનાર જ ન સમજે?!


હું તો ગમે ત્યારે ગુસ્સે થઈ જાઉં પણ એ એટલું સરસ સમજાવે કે આખી દુનિયામાં હું એના એકથી માની જાઉં. એ સંબંધે મારા માસી પણ મારી બહેન, દોસ્ત, માર્ગદર્શક ગમે તે ગણો એ બધું. વેકેશન અને રજાના દિવસોમાં હું એની સાથે જ હોઉં. એ એના ઘરમાં સૌથી નાના પણ આમ અમારા નાના કરતા પણ વધુ મોટાં. એટલી વૈચારિક પીઢતા! ઘરનો બધો કારોબાર એ સંભાળે. ઘર આખું એની હાજરીથી ધમધમે.
એમને જોવા છોકરો આવ્યો. ખબર નહીં પણ મારાં માસી જતા રહેશે એ વિચારે કે એમના પ્રત્યેના અદમ્ય સ્નેહનાં લીધે મને એ ન ગમ્યું. પછી માસીને પૂછ્યું તો એમને એ ગમતા હતા એટલે પછી મને પણ ગમ્યું. જેમાં માસી ખુશ એમાં હું પણ ખુશ. એ મારા વિશે બધું જાણે અને હું એમના વિશે. મોટા મામાના પત્ની બાળકો સાથે વર્ષોથી રિસામણે હતાં અમે તો એમને જોયેલાં પણ નહીં. મામાના એક ફઈબા સાથે પણ આવરો-જાવરો ઓછો હતો. માસી લગ્ન પહેલા ઘરના બધાં પ્રશ્નો ઉકેલતાં ગયાં. મામી પણ આવી ગયાં, ફઈબા પણ આવ્યાં પણ માસી ગયાં. હું મારી જિંદગીમાં ક્યારેય રડ્યો ન હોઉં એટલો રડ્યો ત્યારે ખબર નહોતી કે આ બધા સંકેતો હતા. દરેક કામમાં એ ખૂબ ઉતાવળ કરતા. ક્યારેક હું કહેતો પણ ખરો કે બધી વાતમાં આટલી ઉતાવળ કેમ કરો છો. એ એનો સ્વભાવ જ હતો. જીવી લેવું, ખાઈ લેવું, પહેરી ઓઢી લેવું, શોખ પૂરાં કરી લેવા, શીખવા અને સમજવામાં પણ ભારે ઉતાવળ! એટલી જ ઉતાવળથી પ્રથમ સંતાનના માતા બન્યાં અને એટલી જ ઉતાવળથી એક દિવસ સમાચાર આવ્યા કે એમણે આત્મહત્યા કરી! એ પણ સળગીને!
મારા તો આખા શરીરે, મને અને અસ્તિત્વે જાણે ડામ પડ્યાં. બીજે દિવસે છાપામાં સમાચાર આવ્યાં, " એક પરિણીતાનું ચા બનાવતી વખતે પ્રાઇમસ ફાટતાં મોત!" ત્યારે પ્રશ્ન થાય કે રાખમાંથી બેઠાં કરી શકનાર અને થઈ શકનાર ફિનિક્સ આ રીતે રાખ થાય ખરું? શરીર ઉપર કોઈ પણ ગરમ પદાર્થ અડે અને હું આખોય આજે પણ સળગી જાઉં છું એક પ્રશ્નમાં, " પ્રાઇમસ માત્ર ચા બનાવતી સ્ત્રીને જોઈને જ કેમ ફાટતો હશે? આવી ઘટનાઓથી આપણો સમાજ કેમ ફાટી નહીં પડતો હોય?"
અને પછી પહેલીવાર મામાના ઘરે ગયો ત્યારે એમના કાગળમાંથી નીકળેલ એક પીંછું, એમનું એક ઝભલું અને એમનું એક રમકડું જોઈ એક કવિતા પ્રગટી...." એક પીંછું, એક રમકડું અને એક જૂનાં ઝભલાની સળ."