સપનાઓ
સપનાઓ


જીવનનું દરેક વર્ષ અગત્યનું અને અણમોલજ હોય છે. દરેક વર્ષ કંઈને કંઈ શીખવી જઈ આપણાં જીવનમાં અનુભવોનું ભાથું બાંધીને જતું હોય છે. નવું વર્ષ હંમેશા નવાં સપનાઓ અને નવાં અરમાનો લઈને આવતું હોય છે. વળી, હાલમાં ન્યુ યર્સ રિઝોલ્યુશન્સ, બકેટ લિસ્ટ આ બધું ખૂબ ચલણમાં છે. તો બીજી તરફ એક પતિ તરીકે, પિતા તરીકે , એક પુત્ર તરીકે કે એક નાગરિક તરીકે એકજ વ્યક્તિના અરમાનો અને સપનાઓ જુદાં-જુદાં હોઈ શકે છે.
મારો આખો પરિવાર સાથે બેઠો હતો અને છાપામાં, મેગેઝીન્સમાં, સોશિઅલ મીડિયામાં આ નવાં વર્ષના અરમાનો વિશે વાત ચાલી. "આ વર્ષે પરીક્ષાઓ બંધ થઈ જાય એજ મારું અરમાન," નુપૂરે બધાંને હસાવ્યા." મોંઘવારી ઘટે તો સારું," મમ્મીએ એની વાત મૂકી. "ગૃહિણીઓને રાહત થઈ જાય એવાં ગેજેટ્સ અને રોબોટ્સ આવે તો સારું," કાજલની વાત પણ રસપ્રદ હતી. "રમકડાં " જાહલે પણ પોતાની ઈચ્છા એક શબ્દમાં વ્યક્ત કરી. હવે બધાંનું ધ્યાન મારી તરફ હતું.
ૐ સર્વે ભવન્તુ સુખિન:।
સર્વે સન્તુ નિરામયા:।
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ।
મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્।।
ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ:।।
મારા મોઢામાંથી એક ભારતીય તરીકે, એક માણસ તરીકે, એક આચાર્ય તરીકે આટલું જ નીકળ્યું.