નિરંતર સુખ
નિરંતર સુખ


"તમારો આજનો દિવસ કેવો ગયો એનાં માટે માત્ર અને માત્ર તમે જ જવાબદાર છો. તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ તમને સુખી કે દુઃખી કરી શકતું નથી", આ વાક્ય અમારાં શિક્ષક પાસેથી સાંભળીને પછી એને બ્રહ્મવાક્ય સમજીને જ જીવ્યો છું. અતિ સંતોષ માણસને વિકાસથી દૂર હડસેલે છે અને અતિ અસંતોષ માણસને શાંતિથી દૂર હડસેલે છે એમ માનીને જ જીવું છું.
આ વર્ષે જ શિક્ષકમાંથી આચાર્ય બન્યો, સોશિઅલ મીડિયામાં છવાઈ ગયો, જ્ઞાતિએ અદભુત સન્માન આપ્યું, લેખક તરીકે ઘણાં લોકોએ આવકાર્યો, લેખન-વાચન સમૃદ્ધિ વધી, ચાર પુસ્તકો આવ્યાં. આ બધું અને હજી બીજું ઘણું બોલીને કાજલે મને કહ્યું, "આ વર્ષ તો ઘણી સિદ્ધિઓ અપાવી ગયું કેમ?" " એવું કયાં વર્ષે નથી બન્યું? વળી, આ બધાં કરતા તું પંદર વર્ષથી મારી સાથે અડીખમ ઉભી છો, મેં મિત્રો હજુ એનાં એ જ રાખ્યાં છે, નવાં ઉમેરાય છે પણ જૂના ઘટતાં નથી, લગ્નનો કોટ હજુ થઈ જાય છે, ડોક્ટરને હું નથી ગોતતો અને કોઈ પોલીસ મને નથી ગોતી રહી એ ખરી સિદ્ધિઓ છે", કહેતાં મારે ખડખડાટ હસી પડાયું. મારી બાજુમાં બેઠેલી મારી દીકરીઓએ પૂછ્યું, "તો પણ પપ્પા એક વાત કે ઘટના કે જેને કારણે તમને આ વર્ષ ખૂબ ગમ્યું હોય અને જીવવાની પ્રેરણા મળી હોય એનાં વિશે કહો."
"તમારાં બધાનાં ચહેરા પરનું સ્મિત...", કહીને મેં દીકરીઓના માથે ચૂમી ભરી ને લ્યો ઊગી ગયું નવું વર્ષ!