મામાનું ઘર એટલે
મામાનું ઘર એટલે


બારમી તારીખે વેકેશન પડવાનું હોય એની ટપાલ દસ દિવસ અગાઉ મામાના ઘરે પહોંચીજ ગઈ હોય. અગિયારમી તારીખે સાંજે પાંચ વાગ્યે નિશાળેથી ઘરે આવીએ ત્યાં તો મામા તેડવા આવીજ ગયા હોય. સાંજે સાતની બસમાં બધા રાજુલા જવા રવાના થઈજ ગયા હોઈએ.
મામાનું ઘર એ નિશાળ કરતા પણ મોટું ઘડતર કેન્દ્ર હતું. મામા સુધરાઈનો બગીચો સંભાળતા એટલે બગીચામાંજ અમે તો મોટાં થયા ! આંબલી-પીપળી, ઘો, પંનીને મૂછિયો, પકડા-પકડી, થપ્પો, ચપ્પલ દાવ, નારગોલ, છૂટ દડી અને ઢગલાબંધ દેશી રમતો રમવાની. ગાયનું દૂધ, દહીં, છાશ, માખણ, ઘી ખાવાના, નાનીમાએ બનાવેલા પાક અને વસાણાં ખાવાના.
રોજ સવારે વહેલા ઉઠીને આંગણામાં પક્ષીઓ સાથે રમવાનું અને તેને દાણા નાખવાના. ગુલમહોર, બદામ, બોરસલ્લી, જામફળ, સીતાફળ, કેરી, કિડાકમળ વગેરે ખાવાના. ફુવારામાં રોજ નહાવાનું. આ બધી મજાજ અનોખી હતી. આજુબાજુના બધા ઘરે બેસવા જવાનું. આનંદમાં સ્વર્ગથી ઓછું કંઈ નહીં. પાછું જવાને બે દિવસની વાર હોય ત્યાં નાના, નાની, મામા, મામી, માસી અને અમે રડવાનું શરૂ કરી દઈએ ! છેલ્લે દિવસે પપ્પા તેડવા આવે ત્યારે બધાને એ અક્રુર જેટલા ક્રૂર લાગતા ! હજુ ઘણી વાર એમ થાય કે બધું પડતું મૂકીને મામાને ઘરે રાજુલા જતા રહીએ પણ પાછો કોઈકનો ફોન આવી જાય અને મોબાઈલ પર આંગળીઓ ફરવા માંડે ને...