અમે અનોખા
અમે અનોખા


આમ તો માર્ટિન મારો એફ.બી. ફ્રેન્ડ છે એ ત્યારે ચેક ગણરાજ્યનો એક વિદ્યાર્થી હતો. એ એક સંશોધન કરી રહ્યો હતો. જેનો વિષય હતો-" ભારતીય શિક્ષણ અને ચેક ગણરાજ્યનું શિક્ષણ." એ મારું ગામ શોધતો-શોધતો આવ્યો. એની પાસે રહેલ મેપ અને મોબાઈલે એનું કામ સરળ કરી નાખ્યું.
એ જેવો આવ્યો મેં તરત જ તેના હાથમાંથી થેલો લઈ મારા રૂમમાં મૂક્યો. તેને હાથ-પગ ધોવા હૂંફાળું પાણી કરી આપ્યું. ગરમાગરમ ચા પછી ભારતીય ભોજન. બધી શાળા કોલેજમાં હું એની સાથે ગયો. તેને મારા શહેરની પ્રખ્યાત જગ્યાઓ બતાવી, મારા શહેરની પ્રખ્યાત વાનગીઓ ખવરાવી. ત્રણ દિવસમાં એની બધી જ સગવડ સાચવી.
એ આજે જઈ રહ્યો હતો. મેં અમસ્તા જ કહ્યું, " હું પણ વેકેશનમાં આવીશ રોકાવા.." એણે મારી સામે જોઇને આ મતલબની વાત કરી કે, " ના, તું ના આવતો કારણકે એ ભારત નથી. અમે બધા એ કશું નહીં કરી શકીએ જે તમે અહીં કર્યું કારણકે ત્યાં સૌ બધા હોતા નથી, સૌ પોત પોતે હોય છે. " મેં વળી એને હૂંફાળું પાણી કાઢી હાથ-પગ-મોઢું ધોવાનું કહ્યું કારણ કે એને એની જ તો જરૂર હતી બાકી પાણી તો બધે જ હોય.