એડિકટ
એડિકટ


" સાવ નજીકથી ટી.વી. ના જો. હજારવાર ટપાર્યો છતાં માનતો નથી ", કહીને પપ્પાએ હળવી ટપલી મારી. એક તોતડા અને તોફાનીને ટી.વી. સિવાય તો બીજું કોણ સાચવે? એ મારી જિજ્ઞાસાવૃત્તિને તો કદાચ બહુ સંતોષતું નહોતું પણ 30 મિનિટ્સમાં ઉકેલ લાવી દેતી દુનિયા કદાચ મને માફક આવી ગઈ હતી! મને ના ગમે તે હું રિમોટની એક સ્વીચથી ફેરવી શકતો હતો અને કદાચ પપ્પાને એ જ ગમતું નહોતું!
આજે પણ નિશાળે સાહેબે મને મારો જવાબ સાચો હોવા છતાં અક્ષર ખરાબ હોવાથી માર્યો. હું બોલવા ગયો તો થોડું બોલાયું પછી અટકી ગયો. મને બોલતી વખતે અટકી જવાની તકલીફ હતી. મારા બધાં મિત્રો હસવા લાગ્યાં અને હું રડતો રહ્યો. ના 30 મિનિટ પછી કાઈ ઉકેલ આવ્યો કે ના તો હું પરિસ્થિતિ બદલી શક્યો. પપ્પાને આવીને વાત કરી તો તેમણે મારાં હાથમાંથી રિમોટ લઈ એક પુસ્તક મૂક્યું અને મારી કલ્પનાની દુનિયા ટી.વી.માંથી બહાર નીકળી અને એક રિમોટ એરિયામાં ફરવા લાગી જેને આપણે વાસ્તવિકતા કહીએ છીએ.