સોનરી યાદ
સોનરી યાદ


આ સેલ્ફીનાં જમાનામાં વર્ષે એક વાર મસ્ત તૈયાર થઈને ફોટો પડાવવા જવાનો રોમાંચ શું હોય એ આ પેઢી કદાચ નહીં સમજી શકે. દર વર્ષે એક ફોટો. શરૂઆતના ફોટોમાં પપ્પા-મમ્મી જ હોય પછી એમાં ટેણીયા ઉમેરાતાં જાય અને ફઈબા નીકળી જાય ! દિવાળી એના માટે ઉત્તમ સમય. આખું કુટુંબ ભેગું થયું હોય. જિંદગી આખી ક્લિક થઈ ગઈ હોય એ સમયે એક ફોટો તો ક્લિક થવોજ જોઈએ ને !
વળી દર વર્ષે પડાવેલા ફોટોગ્રાફ જોવા માટે બધા ભેગા થાય એ પણ એક નાનો-સૂનો પ્રસંગ બની જાય. સેવ-મમરા અને ચા સાથે વીતેલી યાદોને વાગોળવાની અમને ખૂબ મજા પડતી. સૌથી પહેલાં પપ્પાના લગ્ન, કાકાના લગ્ન, મોટાભાઇની સગાઈ, લગ્ન, ભાભીનું શ્રીમંત, મારી સગાઈ, લગ્ન, કાજલનું શ્રીમંત......પછી નવાં ફોટામાંથી એક વ્યક્તિ ચાલી ગઈ અને બધા જુના ફોટોગ્રાફ જોઈને એમ થયાં કરે કે, "પપ્પા, હવે એવી મોજ ક્યારેય નહીં આવે. હવે જિંદગી છે, ફોટોગ્રાફ છે પણ એ ક્લિક નથી."