પ્રયોગ
પ્રયોગ


"તું બહુ ચંચળ છે. તારામાં ધીરજ નથી. તું આ લે," આવું કહીને પપ્પાએ એક પુસ્તક હાથમાં મૂક્યું. એ પુસ્તકનાં પત્તાઓનું મૂલ્ય ત્યારે વાર્તાના સ્વરૂપમાં હતું. પછી આગળ જતાં ખ્યાલ આવ્યો કે દરેક પ્રકરણની પાછળ એક સામાન્ય માણસમાંથી મહામાનવ બનવા માટેની શ્રેષ્ઠ ફોર્મ્યુલા છે !
એક વખત પપ્પાએ એક ભાઈને ખોટું કહ્યું. મને એ ખોટું લાગ્યું. મેં પપ્પાને પૂછ્યું. "તને આમાં ખબર ના પડે", એમ કહીને મારી વાત તેમણે ટાળી નાખી. બે દિવસ હું જમ્યો નહીં અને પપ્પાએ પેલાં ભાઈને બોલાવીને માફી માંગી. આ હતો મારો એ પુસ્તકમાંથી કરાયેલ પ્રથમ પ્રયોગ.
મમ્મીએ એક દિવસ પપ્પાની ભૂતકાળની પરિસ્થિતિની વાત કરી અને તે દિવસેજ મેં ભણતાં-ભણતાં કમાવાનો નિર્ણય કર્યો. મહિને ૫૦૦ રૂપિયામાં એસટીડી પીસીઓમાં ઓપરેટર તરીકે નોકરી શરૂ કરી. આ હતો બીજો પ્રયોગ.
મારી અને મોટાભાઈ વચ્ચે માત્ર બે વર્ષનોજ તફાવત. હું જ્યારે એમ.એ.ના લાસ્ટ યરમાં હતો ત્યારે બંને ભાઈની સગાઈ થઈ ગઈ હતી. પપ્પાએ મને સ્પષ્ટ કહ્યું કે , "આટલી મોંઘવારીમાં વારંવાર પ્રસંગ કરવાને બદલે તારા અને મોટાના લગ્ન એકસાથે જ થશે." મારે એમ.એ. પૂર્ણ કરી, નોકરી મેળવ્યાં બાદજ લગ્ન કરવા હતાં. કોઈ મારુ માન્યું નહીં. છેવટે શિયાળાની ઠંડી રાતે આખી રાત બહાર સૂતો. ભયંકર તાવ આવવા છતાં દવા લેવાનો ઈનકાર કર્યો. ખિજાઈને બધા માન્યા ત્યારે મેં કહ્યું, "હું ક્યાં કહું છું કે મારાં લગ્ન ધામધૂમ કરજો. એકદમ સાદાઈથી કરજો ને." અને મારી આ વાત સાંભળી બધાની આંખો ભીની થઈ.
આજે પપ્પા કે એ પુસ્તક બેમાંથી એકે નથી. પણ આમ જુઓ તો એ બે સિવાય જિંદગીમાં બીજું કાંઈ છે જ નહીં.
હિંસા અને અસત્યથી આજે પણ એ બીએ છે,
મને લાગે છે કે હજી મારામાં ક્યાંક ગાંધી જીવે છે.