mariyam dhupli

Tragedy Inspirational Thriller

1.6  

mariyam dhupli

Tragedy Inspirational Thriller

સમાંતર

સમાંતર

6 mins
334


બસ થોડા મહિનાઓ પહેલાની તો વાત છે. એન્ડ્રુ એક પાર્ટીમાં મળી ગયો હતો. અમારા પરિવાર પણ અમારી જોડે હતા. મારું અને એન્ડ્રુનું બાળપણ આડોશપાડોશમાં વીત્યું હતું. અમે એક જ વિસ્તારમાં રહેતા હતા. એક જ ફળિયામાં રહેતા હતા. બહારથી જોતા બન્નેનું ઘર લગભગ એકસરખા કદનું લાગતું. પરંતુ અંદરથી એ બન્ને ઘરો વચ્ચે જમીન આભ જેટલું અંતર હતું. એન્ડ્રુના પિતા શહેરના પ્રખ્યાત તબીબ હતા. એની માતા સરકારી કાર્યકર હતા. એન્ડ્રુ એમનો એકનો એક દીકરો હતો. એનો ઉછેર એક રાજકુમાર જેમ થયો હતો. એના સ્વપ્નો ને હકીકતમાં બદલતા ફક્ત શાબ્દિક માંગનો આશરો કાફી હતો. એટલે જ બાળપણમાં એને મનગમતા રમકડાંઓ શીઘ્ર મળી જતા. પછી ભલેને એની કિંમત એક ગરીબ પરિવાર આખો મહિનો બે ટંકનું ભોજન જમી શકવા સમાન હોય. મારા પિતાજી શહેરની પોસ્ટઑફિસમાં સામાન્ય કારકુન હતા. મારી માતા ગૃહિણી હતા. એકજ સભ્ય ઘરમાં કમાતું હતું અને હું, મારી માતા અને મારા બીજા ત્રણ ભાઈ એમ કુલ છ સભ્યોનું ગુજરાન એમાંથી ચાલતું. એટલે અમારો ઉછેર એક અત્યંત સાધારણ બાળક જેમ થયો હતો. અમારા માટે સ્વપ્ન અને હકીકત એ બે જુદી સૃષ્ટિઓ હતી. જેનો મેળ ફક્ત કલ્પનામાં જ થતો. અને તેથીજ અમારા રમકડાંઓ અમારી ઈચ્છા અનુરૂપ નહીં મહિનાના બજેટ અનુરૂપ પસંદગી પામતા. 

બાળપણમાં રમકડાં અને યુવાનીમાં વ્યવસાય. પસંદગીના ધોરણો યથાવત હતા. એન્ડ્રુને પોતાનો વ્યક્તિગત ધંધો ઊભો કરવો હતો. એ સ્વપ્ન પૂરું કરતા એને નહીંવત સંઘર્ષ કરવો પડ્યો. સૌથી પ્રખ્યાત બ્રાન્ડેડ ઘડિયાળનું શો રૂમ હતું એનું પોતાનું. દર મહિને પૈસાનો જાણે વરસાદ વરસતો. પત્ની મોડેલ હતી. બે સુંદર બાળકો. જે અપેક્ષિત રીતે શહેરની સૌથી મોંઘી શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા. વિશાળકાય ગાડી અને મહેલ જેવું ઘર. એક એવું જીવન જે એક સામાન્ય માનવીની ફક્ત કલ્પનામાં જ અસ્તિત્વ ધરાવી શકે. 

એ દિવસે પાર્ટીમાં એણે મારા ખબરઅંતર પૂછવાને બહાને વાર્તાલાપ આરંભ્યો હતો. હું થોડો કચવાયો હતો. મને વાર્તાલાપ આગળ વધારવની કોઈ ઈચ્છા ન હતી. જે મારા ચહેરાના હાવભાવો દ્વારા સ્પષ્ટ વંચાઈ રહ્યું હતું. એન્ડ્રુને પણ. પરંતુ દર વખત જેમ એને એ વાતની કશી પડી ન હતી. એને તો બધાની સામે પોતાની ગૌરવગાથા ગાવી હતી. અને એ ગૌરવગાથા મારી જોડે વાર્તાલાપ દ્વારાજ વધુ ઉત્કૃષ્ટ સ્વરૂપે બહાર આવી શકે. જેમ વિજ્ઞાન કહે છે. કશું નાનું નથી. કશું મોટું નથી. બધુજ સરખામણીના પરિપ્રેક્ષ્યમાં હોય છે. સ્કૂટર આગળ કાર મોટી લાગે. એજ કાર વિમાન આગળ નાની લાગે. એન્ડ્રુને પાર્ટીમાં બધાની વચ્ચે પોતાના જીવનની ભવ્યતા દર્શાવવી હતી અને મારી પડખે ઊભા રહી મારા જીવનની તુલનામાં વધુ નીખરીને આવી શકે એ વાત એ જાણતો હતો અને હું પણ. 

આખરે હું શું હતો ? એક સામાન્ય વિજ્ઞાનનો શિક્ષક અને મારી પત્ની કારના શોરૂમની એક સેલ્સગર્લ. અમારા મર્યાદિત પગારમાંથી અમારા બન્ને બાળકોનું ભણતર સરકારીશાળાઓમાં જ શક્ય હતું. કપડાથી લઈ જીવનસ્તર સુધી બધુજ એન્ડ્રુના લક્ઝુરિયસ, ધનાઢ્ય જીવનની તુલનામાં મોટા પાયે તફાવત ધરાવતું હતું. 

પાર્ટીમાં એણે બધાની વચ્ચે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. મારા વ્યવસાય વિશે, પગાર વિશે, બાળકોના ભણતર ને ભવિષ્યની યોજનાઓ અંગે. જેથી કરી એ બધાની વચ્ચે પોતાના ઠાઠભર્યા જીવન અંગે વિસ્તારથી પ્રદર્શન કરી શકે. પોતાના વાર્ષિક ટર્નઓવરના આંકડાઓથી બધાને હેરતમાં મૂકી શકે. પોતાના બાળકોના ઉજ્જવળ સફળ ભવિષ્ય અંગેની લાંબીલચક યોજનાઓનું વિસ્તૃત વર્ણન કરી શકે. 

અને એણે એ જ કર્યું. મને થોડી લઘુતાગ્રન્થિ જરૂર અનુભવાઈ. બધા મિત્રો અને મારા પોતાના પરિવારની આગળ જાણે પોતાને હું ખુબજ નાનો અનુભવી રહ્યો. એ નાનમ કોઈ નાજુક હૃદયને બેસાડી જ પાડે એવી હતી. પરંતુ હું સદ્દભાગ્યે થોડીજ ક્ષણોમાં એ અસહ્ય નાનમમાંથી મુક્ત થઈ ગયો. એનું એકમાત્ર કારણ મારી અંદર સચવાઈને સંગ્રહાયેલા મારા પિતાજીના આદર્શો. 

પિતાજી હંમેશા કહેતા સરખામણી માનવજીવન માટે ખૂબજ ઘાતક હોય છે. પોતાના જીવનને અન્ય જીવન જોડે સરખાવવું એટલે એક પુષ્પ ને અન્ય પુષ્પ જોડે સરખાવવું. દરેક પુષ્પ પોતાની રીતે વિકસે છે. દરેકની પોતાની ઋતુ હોય છે. દરેકની પોતાની અનોખી સુવાસ હોય છે. જો તુલના કરવીજ હોય તો એ આપણી જાતની કરવી આપણી જાત જોડે જ. આપણા પરિશ્રમની કરવી આપણા પરિશ્રમ જોડે જ. આપણી દરેક ગઈકાલની સરખામણી આપણી આજ જોડે કરતા જવું એ જ એકમાત્ર વિકાસ અને પ્રગતિનું સાચું પગથિયું છે. 

પિતાજીના શબ્દોએ મને ઢંઢોળ્યો. મારી જીવનયાત્રા ગર્વસભર હું નજર સામે નિહાળી રહ્યો. એક સાધારણ પરિવારના સંઘર્ષથી લઈ એક સન્માનજનક નોકરી મેળવ્યા સુધીનો સફર સ્મૃતિમાં તરવરી ગયો. મારા પરિવારને ખુશ અને સુરક્ષિત રાખવા થઈ શકે એ તમામ પ્રયાસો હું ધગશથી કરી રહ્યો હતો. જે પૂરતું હતું. મને એનો સંતોષ હતો. અને એ સંતોષ જોડે માથું ગર્વથી ઊંચું રાખી સમાજમાં અને એ પાર્ટીમાં રહેવાનો મને પુરેપુરો અધિકાર હતો. 

એન્ડ્રુને પોતાના જીવન અંગે પ્રદર્શન કર્યા વિના સંતોષ થવાથી રહ્યો. એમાં એનો શો વાંક ? એના લોહીમાં પણ એના પિતાના આદર્શ વહી રહ્યા હતા. એન્ડ્રુના પિતાને પોતાના સામાજિક મૉભ્ભાનું ખૂબજ ઘમંડ હતું. બાળપણમાં મેં એમને કદી મારા પિતાજી જોડે એક પાડોશી જેમ વાર્તાલાપ કરતા નિહાળ્યા ન હતા. પોતાની આર્થિક પરિસ્થિતિને સમક્ષ લોકો જોડે જ ભળવાને તેઓ પ્રાધાન્ય આપતા. એકવાર પિતાજીએ એમને અને એમના પરિવારને મારા જન્મદિવસે ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ એમના પરિવારનો એક પણ સભ્ય બર્થડે પાર્ટીમાં હાજર થયા ન હતા. એમના નોકર જોડે એમણે ફક્ત ભેટનો મોટો ડબ્બો મોકલાવી દીધો હતો. પોતાની સમૃદ્ધતા તેઓ પોતાના ચહેરાના હાવભાવોમાં સાથે લઈ ચાલતા અને તેથીજ કદાચ એમનાથી ઓછા સમૃદ્ધ લોકો તરફ એ ચહેરા તરફથી કદી હાસ્ય કે અભિવાદન પહોંચતા નહીં. એન્ડ્રુ તો મારી જોડે વાતો કરી લેતો એ જ બહુ હતું. પછી ભલેને એ વાતોનો ધ્યેય પોતાને ઊંચો અને મને નીચો દેખાડવાનો હોય. ન મળતા હાસ્ય કરતા ઔપચારિક હાસ્ય તો મને મળતું. પિતાજી કરતા એ બાબતમાં હું સદ્દભાગી ખરો. 

એ દિવસે એ પાર્ટીમાં લઘુતાગ્રન્થિ મને બાંધી શકી નહીં. એન્ડ્રુએ છોડેલા તીર મારા હૈયાને વીંધી શક્યા નહીં. એ માટે પિતાજીના જીવનઆદર્શોને મારું મન સો સો નમન કરી રહ્યું હતું. 

પરંતુ એમની એક વાત હજી એ દિવસે પણ મને સમજાઈ રહી ન હતી. પિતાજી કહેતા કે જીવનનું ચક્ર ઘણું વિચિત્ર છે. ક્યારેક પાછળ રહી ગયેલા આગળ નીકળી શકે . ક્યારેક આગળ વધી ગયેલા પાછળ પટકાઈ શકે તો ક્યારેક બન્ને સમાંતર એક રેખા ઉપર ભેગા મળી શકે. તેથી હંમેશા મુશ્કેલ સમયમાં ધીરજ ધરવી અને સફળ સમયમાં અભિમાન ત્યજી દેવું. કે જેથી જો સમાંતર થવાની પરિસ્થિતિ સર્જાય તો સામેવાળાની આંખમાં આંખ તો પરોવી શકાય. 

એ વિચાર મને ઘણો અતાર્કિક લાગતો. હું આશાવાદી હતો પણ વાસ્તવવાદી પહેલા. હું જાણતો હતો કે હું મારા કાર્યમાં મહત્તમ ધગશ દાખવું, મહત્તમ પરસેવો પાડું, મારી નોકરીને ૧૦૦ ટકા કરતા પણ વધુ પ્રમાણિકતાથી નિભાવું તો પણ કદી એન્ડ્રુની સફળતાની આસપાસ પણ ફરકી ન શકું. એને ઓવરટેક કરવો અશક્ય હતો. જોકે મને એનાથી આગળ વધવું પણ ક્યાં હતું ? અને એન્ડ્રુના શોરૂમના ટર્નઓવર જે રીતે દર વર્ષે સતત ઉપર ને ઉપર પહોંચી રહ્યા હતા. એ કઈ રીતે પાછળ પટકાઈ શકે ? અશક્ય. ને એ કદી પાછળ પટકાઈ એવી ઈચ્છા ધરાવવા જેટલું સંકુચિત, ઈર્ષ્યાળુ ને સ્વાર્થી મારું હૈયું ન હતું. એ મારી સમાંતરે કે હું એની સમાંતરે કદી પહોંચીજ ન શકું. 

એ દિવસે મારા મનમાં પિતાજીની વિચારધારા ઉપર એક મોટો પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયો હતો. 

અને આજે જુઓ !

બસની મુસાફરી હમણાંજ પૂરી થઈ છે. કલાકોના લાંબા સફરનો આખરે અંત આવ્યો છે. બધાના હૈયામાં ખુશી અને પીડાનો વિચિત્ર સમન્વય છે. એક તરફ જીવ બચ્યાનો હાશકારો છે તો બીજી તરફ બધુ જ નષ્ટ થઈ ગયાની કારમી પીડા. 

હા, બધું જ નષ્ટ થઈ ગયું છે. કશુંજ બચ્યું નથી. ન મારી નોકરી, ન એન્ડ્રુનો શોરૂમ. ન મારો સામાન્ય ફ્લેટ, ન એનું મહેલ જેવું ઘર અને આલીશાન ગાડીઓ. અમે બંને અમારા પરિવાર જોડે પગપાળા આગળ વધી રહ્યા છીએ. એક નવા દેશમાં, એક નવી ધરતી ઉપર. એક જ આશ જોડે કે યુદ્ધમાં બધું જ ગુમાવી ચૂકેલા બેઘર, બેવતની અમને અહીં આ નવા દેશમાં આશરો મળી જાય.

હું અને એન્ડ્રુ સમાંતર ચાલી રહ્યા છીએ. હું વારેઘડીએ એની તરફ તાકી રહ્યો છું. પણ મારી નજરમાં નજર મેળવવા એની આંખો સહેજ પણ ઉપર તરફ ઊઠી રહી નથી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy