સજા
સજા


વિજય દુષ્ટ નહોતો પરંતુ એના દગાબાજ દોસ્ત જીગ્નેશ પ્રત્યે એને ખૂબ નફરત હતી. વિજયની પત્ની રૂપાને પ્રેમજાળમાં ફસાવી જીગ્નેશે તેની સાથે લગ્ન કર્યા હતાં.
એક દિવસ વિજયને જયારે સમાચાર મળ્યા કે ટ્રેનની અડફેટમાં આવી ગયેલા જીગ્નેશના બન્ને પગ કપાઈ જતાં એ નિ:સહાય હાલતમાં રેલ્વે ટ્રેક પર પડ્યો છે ત્યારે વિજય તરત ઘટનાસ્થળે દોડી ગયો. જીગ્નેશને આમ મરતો જોઈ વિજયથી રહેવાયું નહીં. આસપાસ ઉભેલા લોકોની સહાયતાથી તેણે તાત્કાલિક જીગ્નેશને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો... જીગ્નેશના ઉપચાર પાછળ વિજયે પાણીની જેમ પૈસો વાપર્યો. ડોકટરોને નછુટકે તેના પગ કાપવા પડ્યા પરંતુ તેનો જીવ બચી ગયો.
એ દિવસે રૂપા ઓશિયાળી થઈને વિજય સામે આવી અને બોલી, “તમારો આભાર...”
“આભાર શેનો! મારા એ દોસ્તને હું આમ મરવા દઉં... ખરો?”
“તમે દેવતા છો...”
“દેવતા! સાંભળ... જીગ્નેશ મરી ગયો હોત તો છૂટી ગયો હોત!”
રૂપા ચોંકી....
“પરંતુ હવે એક અપંગની જિંદગી જીવવા તે અને જિંદગીભર તેની સેવાચાકરી કરવા તું મજબુર અને બેબસ છો... તમારા કર્મોની આ જ છે સજા..”
(સમાપ્ત)