સિરિયસ સન્ડે
સિરિયસ સન્ડે
જેવો તે ઘરમાં દાખલ થયો કે તેની નજર દીવાલ ઘડિયાળ ઉપર પડી. એ દીવાલ ઘડીયાળ એને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ ખાતેના પટાંગણમાં કેટલાક વર્ષો પૂર્વે એક ભવ્ય સમારંભ હેઠળ આપવામાં આવી હતી.
એ ઘડિયાળ એને શા માટે આપવામાં આવી હતી એ બાબત તે આજે વિસરી ચૂક્યો છે. જ્યારે તે કશું વિસરી જતો અને બહુ મહેનત કરે તોયે યાદ ન આવતું ત્યારે તે પોતાની જાતને જ કોસતો. પોતાની જાતને જ પડકાર ફેંકતો.
ખેર, દીવાલ ઘડીયાળ ઉપરથી નજર હટાવીને એણે તરત જ પોતાના સાદા મોબાઈલમાં જોયું. સાદા મોબાઈલમાં સમય કે ટાઈમ 10:55 બતાવતો હતો. જ્યારે પેલી દીવાલ ઘડીયાળમાં એક્ઝેટ અગિયાર વાગ્યા હતા.
"આજે મરિયમપુરા ખાતે મદદનીશ સભાપુરોહિત તરીકે ફરજ બજાવતા ફાધરે ખ્રિસ્તયગ્ન કર્યો એટલે થોડી વધારે વાર લાગી. " આકાશે વિચાર કર્યો.
તેણે દર રવિવારે ખ્રિસ્તયગ્નમા ભાગ લેવાનું પુન: શરૂ કરેલ છે. વચ્ચે કોરોના મહામારીને લીધે બધું ઠપ્પ હતું. હવે એને અંતરમાં " બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ"ની લાગણી થયા કરે છે. એનું રોમેરોમ પુલકિત થવા લાગ્યું છે.
જેવો તે દેવળમા દાખલ થયો કે વાતાવરણ એકદમ શાંત જોવા મળ્યુ. હજુ ખ્રિસ્તયગ્ન શરૂ થયો નહોતો. 'હાશ ' કહેતાં તે દેવળના આગળના ભાગે બેસી ગયો. પુલપીઠની બિલકુલ સામે. ભજનો અને શાસ્ત્રપાઠ તેને પેલા પડદા કે સ્ક્રીન પર દેખાતા હતા. કીર્તન સાગરના ભકિતગીતોનું તો એને એવું ઘેલું લાગ્યું હતું કે ન પૂછો વાત ! જ્યારે તે ભજનો ગવાતા ત્યારે પોતે પણ ગાતો. તે પોતાની જાતને જ ટોકતો કે ફિલ્મના ગીતો ગવાય છે તો પછી ભગવાનના ગીતો તો તારે હોશે હોશે ગાવા જ જોઈએ.
તેણે તેની પાસેના એક સ્વચ્છ અને કોરા કાગળમાં ભકિતગીતોના આગળના કેટલાક શબ્દો નોંધી લીધા. આ ભજનોમાં દયા કરો ભગવાન, હે પરમેશ્વર નભને ઘુમ્મટ અને અન્ય કેટલાક ગીતોનો સમાવેશ થતો હતો. અને હા, આ ગીતો એમને એમ નહોતા ગવાતા બલકે સંગીતના સાધનોના તાલે -સંગતમાં ગવાતા હતા. તેણે નિરીક્ષણ કર્યુ કે કેસરી અને સફેદ રંગના નયનરમ્ય કાપડનો ઉપયોગ કરીને વેદીને સુશોભિત કરવામાં આવી હતી. માતા મરિયમની પ્રતિમા તરફ પણ તેની નજર ગઈ. પ્રતિમાની બંને બાજુ કુદરતી કે અસલ ફૂલ મૂકવામાં આવ્યા હતા. કૃત્રિમ ફૂલ પણ તેણે જોયા. પુલપીઠની બંને બાજુ કાચના એક વિલક્ષણ ગ્લાસમાં મીણબત્તી જલતી હતી. કાચની આરપાર જોઈ શકાતી સળગતી મીણબત્તીઓને જોતાં જ તેના મનમાં " દીયે કી માટી દેખી, દેખી ના ઉસકી જ્યોતિ, સદા તુમને એબ દેખા હુનર કો ન દેખા " પંક્તિ ઉભરી આવી. તેણે નોંધ્યું કે બોધનો વિષય હતો: માતા મરિયમ - એક આદર્શ પત્ની. ફાધરે એમના બોધમા એક એવો પ્રસંગ વર્ણવ્યો કે જે નિજી અનુભવ ઉપર આધારિત હતો. આ પ્રસંગ હેઠળ તેઓ પુના ખાતે ફીલોસોફીનો અભ્યાસ કરતા હતા. અને એ વખતે તેમનો ભેટો એક એવા પરિવાર સાથે થયો હતો કે જેમા પતિ -પત્નીએ લવમેરેજ કરેલા હતા.
એક પાત્ર કેથલિક હતું અને બીજું પાત્ર પાદરી. ફાધરના કહેવા પ્રમાણે કેથલિક પત્ની પોતાના પતિ પર એવો તો પ્રભાવ પાડે છે કે આખરે પાદરી પતિ કેથલિક બની જાય છે. ફાધરનો કહેવાનો અર્થ એ હતો કે એક આદર્શ પત્ની પોતાના વર્તન દ્વારા પતિને ચેન્જ કરી શકે છે.
આકાશને ફાધરે કહેલો આ પ્રસંગ બહુ ગમી ગયો. કોઈ સારી ફિલ્મ વિશે પણ ફાધરે પોતાના બોધમા ઉલ્લેખ કર્યો. જોકે આકાશને ફિલ્મનું નામ બરોબર સંભળાયું નહીં. તેને અફસોસ થયો.
" કશો વાંધો નહી. બહાર નીકળીને પૂછી લઈશ " એમ વિચારીને તેણે તેના મનને કંટ્રોલમાં રાખ્યું. થોડા દિવસોથી તેને મનને કંટ્રોલમાં રાખવાની વાત પ્રત્યે વિચારવાનું બહુ ગમતું. અને હવે તો તેને આ કામ કરવાની ખાસ આવશ્યકતા ઊભી થઈ હતી.
આકાશે નોંધ્યું કે ફાધર જ્યારે બોધ આપતા હતા ત્યારે તેમનો આઈ કોન્ટેક્ટ સરસ હતો. સ્ત્રીઓને ઉદેશીને વાત કહેવાની હતી એટલે એ બાજુ ન જુએ તો ચાલે એમ નહોતું. અને આમેય આઈ કોન્ટેક્ટ વિનાની વાતોની ઝાઝી અસર ઉપજતી નથી એ હકીકતથી આકાશ વાકેફ હતો. તે મનોમન ફાધરને ધન્યવાદ કે અભિનંદન આપવા લાગ્યો.
આકાશે આઈ કોન્ટેક્ટનો મુદ્દો પોતાના કાગળમાં ખુશી ખુશી નોંધી લીધો. તે મનોમન બોલવા લાગ્યો, " હાશ...હવે આર્થિક ઉપાર્જન કરવાનું સરળ બનશે. આઈ કોન્ટેક્ટ રાખીશ અને ધાર્યુ કામ પાર પાડીશ" તે દેવળમા બેસતો એ વખતે તેને ક્યારેક વ્યવસાયના વિચારો આવી જતા. પણ એ તો જે તે બાબત પર ડિપેન્ડ રહેતું હતું.
ફાધર બોધ દરમિયાન ધર્મજનોને પ્રશ્નો પણ પૂછતા પરંતુ એકેય જણ જાણે મોમાં મગ ભર્યા ન હોય એમ બોલતું જ નહોતું. "અહીયા પેલું ગીત વગાડવા જેવું ખરું કે "બોલ ના હલકે હલકે……" " આકાશે વિચાર કર્યો.
તે જાણતો હતો કે પાદરી કે ફાધર બનવા માટે કેટલું ગંભીર બનવું પડે છે. તેને એ પણ ખબર હતી કે એ માટે ઘણાબધા થોથા ઉથલાવવા પડે છે અને તબ જા કે બાત બનતી હૈ. ફાધર પોતાની સઘળી તાકાત થકી પોતાને જે વાત પેશ કરવી હતી તે કહી રહ્યા હતા ને એકેય જણ ચૂ કે ચા થવા તૈયાર નહોતો.
" એક એવો સમાજ ખડો થવો જોઈએ કે જેમાં પ્રત્યેક વ્યક્તિ કાન દઈને બોલનારની વાત સાંભળે અને એને પ્રતિસાદ કે પ્રતિભાવ આપે" આકાશે વિચાર કર્યો.
ફાધરે વારાફરતી માતા મરિયમના વિવિધ સદગુણો વર્ણવ્યા.તેમણે નમ્રતા, આંતરિક સૌંદર્ય, ધીરજ, પ્રાર્થના અને માતા મરીયમની બાલ ઉછેરની આગવી રીત વિશે વાત કરી હતી.
" પણ આજે કેટલી મહિલા આ પ્રમાણે જીવે છે ! " આકાશે મનોમન વિચાર કર્યો. એને ફાધરની વાત દમવાળી લાગી. એને ફાધરની વાત ગળે ઉતરી. કેમ કે ફાધર જે યોગ્ય હતું તે કહી રહ્યા હતા. ફાધરે પતિના ઓછાબોલા અને ધીરગંભીર સ્વભાવનો પણ ઉલ્લેખ કર્યો અને એવા મતલબની વાત કરી કે પત્નીઓએ આવા સ્વભાવ ધરાવતા પતિઓને સ્વીકારી લેવા.
એ વેળા આકાશ મનોમન કહેવા લાગ્યો, " આવો તો હું પણ છું પણ મારે પત્ની નથી. હા….હા….હા…."
આકાશને ખ્રિસ્તયગ્ન દરમિયાન કેટલુંક એવું સાંભળવા મળતું જે સાંભળીને હસવું આવે. એ મૂછમાં હસી લેતો. જોરથી હસવાનું એ લગભગ ભૂલી ગયો હતો.
ઘણાના જીવન જ એટલી કઠણાઈઓ અને પીડાઓથી ભરેલા હોય છે કે હસવાની વાત તો દૂર રહી , હસવાનો વિચાર સુદ્ધાં કરવા સક્ષમ નથી હોતા. હા, એમને રાહો મેં કાંટે અગર હો …..ટાઈપના ગીતો ટેમ્પરરી સુકુન આપે ખરા.
જેમ પત્નીથી વિખૂટો કે છૂટો પડેલો કોઈ યુવાન બોટલના સાનિધ્યમાં જતો તેમ આકાશ મનની શાંતિ માટે ઘણી વખત આવા ગીતોને શરણે જતો. એને આવા ગીતોની શરણે જવાનું કોઈકે શીખવેલુ.
બાકી જો તેને આ ગીતરુપી દવાની ખબર ન હોત તો અહીં તહીં માથું કૂટ્યા કે પછાડ્યા કરત. એથી એ વધારે હેરાન થાત. એને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ ન મળત. આકાશને એનામાં રહેલા કેટલાક સદગુણો એવો તો આનંદ આપતા કે ન પૂછો વાત !
ખ્રિસ્તયગ્ન દરમિયાન કેટલાક અન્ય ગીતો પણ ગવાતાં રહ્યા જેમા "પવિત્ર છે તું પવિત્ર ઈશ, વિશ્વેશ તું નિત્ય પ્રભુ પવિત્ર " આકાશને વધારે ગમી ગયું.
ખેર, ખ્રિસ્તયગ્ન પૂરો થયો એ પછી તે ફાધરને મળ્યો. હેન્ડ શેક કર્યા. અને જે પૂછવાનું હતું તે પૂછી લીધું. તે જ્યારે કશું પૂછવાનું હોય ને પૂછી લે તો ત્યારે તેને ટાઢક વળતી. તે દ્રઢપણે માનવા લાગ્યો હતો કે માણસને યોગ્ય સવાલો થવા જોઈએ.
એ પછી જેવો તે પોતાની સ્કૂટી તરફ ગયો કે એક પરિચિત કિશોર લગભગ પંદર - સોળ વર્ષની ઉમરનો એની પાસે આવીને કહેવા લાગ્યો, " કાકા, તમારો લુક તો જોરદાર લાગે છે હો. આ રાખજો.' કેજીએફ' જેવા લાગો છો"
આટલું સાંભળતા આકાશ એટલો તો આનંદ અનુભવવા લાગ્યો કે ન પૂછો વાત. એને "આજ મૈ ઉપર આસમાન નીચે...આજ મે આગે જમાના હૈ પીછે" સ્ટેટસ યાદ આવી ગયું. એ પછી હજી એની સ્કૂટી દેવળના પ્રાંગણમાં જ હતી ને એક ઊંચો યુવાન કે જે ખાધેપીધે સુખી હોવાની તેને જાણ છે કહેવા લાગ્યો, " અરે ! કબીર સીન્ગ" આટલું સાંભળતા જાણે શેર લોહી વધી ગયું ન હોય એવું તેને લાગ્યું. એ પછી તેણે પોતાની સ્કૂટી હંકારી મૂકી. એ પછી તે થોડો ગમગીન થઈ ગયો. તે પોતાની સાથે જ વાત કરવા લાગ્યો, " આ બધા આટલા ખુશ કેમના રહી શકતા હશે? ચોક્કસ પણે એમને જે જોઈતું હોય એ એના નિયત સમયે મળી રહેતું હોવું જોઈએ ! બાકી આ સમય કેટલો કટોકટી વાળો છે…..કોઈ ઘેર આવેલ માણસને જલદીથી ચા પીવડાવવા માટે પણ રાજી નથી ને આવા આ ગોઝારા કાળમાં આ લોકો આટલા ખુશ કેમના રહી શકે છે ! "
થોડી વાર પછી એના હદયમાથી અવાજ આવ્યો, " બાપના પૈસે લહેર !"
અંદરથી જવાબ મળતાં જ તેને હાશની લાગણી અનુભવાઈ. એ પછી તે શ્રી રામ પ્રોવિઝન સ્ટોર ખાતે આવ્યો. દસ રુપિયાની સૂકી પૂરી બંધાવી અને દસ રુપિયાના બ્રિટાનીયા કંપનીના બિસ્કીટ લીધા. બિસ્કીટનુ પેકેટ હાથમાં આવતા જ તેણે પોતાની આંખો બંધ કરી અને અતીતમાં ચાલ્યો ગયો.
એ કાળખંડ કે જે વેળા તે દુકાનદારને એક રુપિયો આપતો અને એને બદલામા એક મોટી ટોસ્ટ મળતી. એ ટોસ્ટનુ કોઈ નામ નહોતું ! એને એ દ્રશ્ય પણ યાદ આવ્યું કે જેમા તે પોતે હાથમાં ટોસ્ટ લઈને વાટકામા કાઢેલી ચામાં બોળતો. થોડીવારમાં ટોસ્ટ મોટી બની જતી. અને એ પછી ફૂલેલી ટોસ્ટને તે આરોગતો.
ખેર, દુકાનેથી વસ્તુઓ લઈને તે પોતાની સ્કૂટી આગળ આવ્યો અને એને એક સ્ટેટસ યાદ આવ્યું કે જેમા પૈસામાં ફાટી ગયેલો એક બદમાશ નબીરો ; મંદિરમાં ભગવાનને અરજ કરી રહેલી છોકરી સામે લળીલળીને જોતો હતો. એને કેટલાક સ્ટેટસ કામ કે ખપ લાગતા. એને પોતે લખેલી' કામના' શીર્ષક હેઠળની કવિતા યાદ આવી ગઈ.
તે જે જગ્યાએ ઊભો હતો એ જગ્યાએ માણસને ફસાવી દે એવી ઘણી સ્ત્રી આકૃતિઓની આવન- જાવન જારી જ હતી. એ હવે સ્ટેટસને પણ જુદા જુદા એન્ગલની જોવા ટેવાઈ રહયો હતો. કાળજું વિન્ધનારા સ્ટેટસને પણ તે પચાવી જાણતો હતો. એણે ઈશનુ અંતિમ વાક્ય મોઢે કરી લીધું હતું: હે પિતા, એ લોકોને માફ કર , કેમ કે તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી.
વળી , તેની પાસે અમદાવાદ તરફથી મળેલી ગેન્ડાની ચામડી પણ હતી. તેને જ્યારે જરૂર લાગે ત્યારે તે પહેરી લેતો હતો. તેને સારી પેઠે ખબર હતી કે પોતે જે દુનિયા કે જે સમાજમાં શ્વસે છે ત્યાં વાણીના આક્રમણને ફેસ કર્યા વિના છૂટકો નથી. આખી દુનિયા જ્યારે લેન્ગવેજના માધ્યમ થકી કોમ્યુનીકેશન કરી રહી હોય ત્યારે તેનાથી અળગા રહેવાનું લગભગ શક્ય નથી.
જ્યારે તે શાક માર્કેટ આગળ આવ્યો ત્યારે ઘણા બધી સ્ત્રીઓ અને કેટલાક પુરુષો પણ શાકભાજી ખરીદતા હતા. કેટલાક જણ તો એને એવા મૂંઝાયેલા જણાયા કે શું ખરીદ્દુ અને શું ન ખરીદુનો ભાવ ; એમના ચહેરા પર વરતાઈ આવતો હતો.
" આ બધાને શું ખાધાની જ પડી છે ! જ્યારે વાટકામા બટાકો-રીંગણ કે અન્ય કોઈ શાકનો કકડો કે ટુકડો હાથમાં આવતો હશે ત્યારે તેઓ શું એ કકડા કે ટુકડાનો આભાર માનતા હશે ? એમનામાં ગ્રેટીટ્યુડની લાગણી જનરેટ થતી હશે? " તેણે વિચાર કર્યો.
એણે સરગવાની સિન્ગો ખરીદી. ડુંગળી - બટાકા પણ ખરીદ્યા. કેળાં પણ દસ રુપિયાના ખરીદ્યા. અને એ પછી પોતાની સ્કૂટી સંગ ઘેર આવવા રવાના થયો. ઘેર આવીને એણે મા સમક્ષ મોડા આવવાનું યોગ્ય કારણ જણાવ્યું. એ પછી તેણે હાથ-પગ ઠંડા પાણીથી ધોઈ નાખ્યા. એ પછી સૂકી પુરી એક ડબ્બામાં ભરી દીધી અને લાકડાના પલંગને અઢેલીને બેઠો. એ પછી એણે પોતાની જાતને જ પ્રશ્ન પૂછ્યો: આજે શું ગ્રહણ કરવા લાગ્યું ? એને એક કરતા વધારે જવાબો મળ્યા. એણે પેલા યુવાનની બાહ્ય દેખાવની પ્રશંસા કરવાની બાબતને ઝડપી લીધી અને એવું નક્કી કર્યું કે ખરેખર પોતે એક મહત્ત્વની વ્યક્તિ છે. તેણે પેલા કિશોર અને યુવાનને મનોમન સ્મરી લીધા અને કહેવા લાગ્યો, " મારી કદર કરનારા કદરદાનો, જો તમે મારા બાહ્ય દેખાવથી આટલા હરખાઈ જતા હો તો જો અંદરની સર્જકતાના સંપર્કમાં આવશો તો કેટલા આનંદવિભોર થઈ જશો !"
પણ એને એક મીઠી ફરિયાદ રહેતી કે ઘણાખરા લોકો માણસના બાહ્ય દેખાવ જોઈને જ સંતોષ માની લે છે.
