STORYMIRROR

nayana Shah

Abstract

4  

nayana Shah

Abstract

સિંહાસન

સિંહાસન

3 mins
583

મમતાબેનના સ્વભાવના બધા વખાણ કરે. સ્વભાવમાં તો એટલી મીઠાશ કે કયારેય કોઈ સાથે મનદુઃખ થાય જ નહીં. સમાજમાં એમનું એક મહત્વપૂર્ણ સ્થાન હતું. પૈસો તો અઢળક હતો. પતિ જીવતા હતાં ત્યારે એમના ખૂબ ઊંચા પદ ને કારણે પુષ્કળ અવરજવર રહેતી હતી. બધાને પ્રેમથી બોલાવે અને આવનારની ભરપૂર આગતા સ્વાગતા કરતાં. ઘરમાં બબ્બે વહુઓ હોવા છતાં પણ કહેતાં, "આજકાલની આવેલીઓ ઘરનો વહીવટ શું કરવાની છે ? આ બધીઓ તો અમારા પૈસા જોઈને પરણી છે. મમતાબેન જાણતાં હતાં કે એમના છોકરાંઓમાં ખાસ ભણતર નથી. ડિપ્લોમામાં માંડ માંડ પાસ થયા છે. દેખાવમાં પણ કંઈ ખાસ ઠેકાણાં ન હતાં. વહુઓ બંને એમના છોકરાઓ કરતાં વધુ ભણેલી આવી હતી. તેથીજ એમના મનમાં ઊંડે ઊંડે ડર હતો કે મારા બંને દીકરાઓને વહુઓ દબાવી દેશે. તેથી જ એમને લગ્ન પહેલાં કહી દીધું.

"તમે ગમે તેટલા ભણેલા હોવ પણ મારે ઘેર આવી સ્વપ્નમાં પણ નોકરી કરવાનો વિચાર કરવો નહિ."

બંને વહુઓના પિયરીયાઓએ વિચારેલું કે પૈસો છે એટલે વહુઓને નોકરીની ના કહે છે. સારૂ છે કે આ જમાનામાં પણ લોકો વહુઓને નોકરી કરવા માટે મોકલતા નથી. પૈસેટકે સુખી છે. માટે આપણી દીકરી સુખી થઈ જશે. આખરે માબાપ દીકરીનું સુખ જ જુએ.

બંને છોકરાઓને એમના પિતાની મદદથી એમની જ કંપનીમાં બંનેને નોકરી મળી ગઈ તે પણ લાગવગથી. બંનેમાં આવડતનો તો અભાવ હતો જ. કામચોરી એ એમનું પ્રિય કામ. પિતાના મૃત્યુ બાદ બંનેને નોકરીમાંથી કાઢી મૂકયા. ત્યારે પણ બંને વહુઓએ કહ્યું,

"એમાં શું ? અમે નોકરી કરીશું".એ વાત મમતાબેન સાંભળી જ કયાંથી શકે ? તરત જ કહી દીધું, " એટલે તમારે સવાર પડે ને ખભે પાકીટ લટકાવીને લટકમટક થઈને નીકળી પડવાનું. છાનામાના તમારા છોકરાઓને સારા સંસ્કાર આપો. બાઈ ના આવે ત્યારે ઘરનું કામ કરનારી હું બાઈ નથી. તમે મારી પર રોફ જમાવવાની કોશિશ ના કરતાં."

ત્યારબાદ તો બંને વહુઓએ નક્કી કર્યું કે હવે સામુ બોલી માથું ઉંચકવું જ પડશે.

બંને જણની હરકતનો મમતાબેનને ખ્યાલ આવી ગયો હતો. તેથીજ એમને કહ્યું, "હું એકલી છું એટલે મારા બંને દીકરા મારી જોડે જ સૂઈ જશે. તમારી સાથે નહિ. તમે તો પૈસો જોઈને મારા ઘેર આવી છો. તમને તો મારા દીકરાઓ પ્રત્યે પ્રેમ જ નથી."

ત્યારબાદ એમણે કહી દીધું,"મારા દીકરાઓની ભાવતી વાનગીઓ હું જ બનાવીશ. તમે રોટલી કરજો બાકી તો બધા મસાલા હું જ કરીશ."

મમતાબેનની સત્તા સામે પડકાર કરવાનો અર્થ એટલે ભૂખે મરવાની સ્થિતિ. એમણે તો એટલે સુધી કહી દીધું કે મારા દીકરાઓ નોકરીએથી આવીને થાકી જાય છે. એમના બાપ ઘણા પૈસા મુકીને ગયા છે. દીકરાઓ શાંતિથી જિંદગી જીવશે."મમતાબેન પાસે છેલ્લું હથિયાર હતું કે જેમને મારી સાથે ના ફાવે એ પિયર ભેગા થઈ જાય. આ ઘર મારૂ છે અને મારૂ જ રહેશે. ઘણીવાર વહુઓને થતું કે એ કહી દે કે," મમ્મી, આ ઉંમરે તમે કાવાદાવા છોડી ભગવાનનું નામ લો, જેથી પાછલી ઉંમરમાં ભગવાનનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુને ભેટી શકો." પરંતુ એવું કરવાથી એમનું વર્ચસ્વ ઘટી જાય.એ વાતની એમને પ્રતિતી હતી. વહુઓ ભણેલી તો હતી જ એમાં ય જયારે નાનીવહુ દીકરાને વાર્તા કહેતી હતી. ૩૨ પુતળીઓની વાર્તા પુરી થતાં જ એ બોલી, "રાજા ભોજે કહ્યું કે આ સિંહાસન પર બેસવા યોગ્ય માત્ર રાજા વિક્રમાદિત્ય જ છે. એનામાં બધા દૈવી લક્ષણો છે." પછી સાસુ સામે જોઈ બોલી, "બેટા, સિંહાસન મેળવવા માટે યોગ્યતા કેળવવી પડે. એ સિંહાસનની ચોરી થઈ અને એ દૈવી સિંહાસન શ્રાપિત થઈ ગયું. એવી જ રીતે યોગ્યતા વગર પોતાનું વર્ચસ્વ જમાવનાર પણ શ્રાપિત થઈ જાય છે. "

મમતાબેન સામે જોઈ ને બોલાયેલા શબ્દનો અર્થ એ સમજી ગયા હતાં. તેથી પૌત્ર સામે જોઈ બોલ્યા. "સિંહાસન પરથી ઉતરી જનારની કિંમત કોડીની થઈ જાય છે, માટે તમારે સિંહાસન છોડવાની મૂર્ખતા કયારેય ના કરવી. " બંને વહુઓ મનમાં સમસમીને બેસી રહી. કારણકે સાસુમા એમના વર્ચસ્વરૂપી સિંહાસનને કયારેય નહિ છોડે અને છેલ્લે હેરાન પરેશાની ભોગવીને જ સિંહાસન છોડશે. કારણકે રાજા મહારાજાઓ પણ કાયમ માટે કોઈ સિંહાસન પર ટકી શકતા નથી. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract