Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Inspirational

4  

Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Inspirational

શું હું ખુશ છું ?

શું હું ખુશ છું ?

7 mins
346


ઘનશ્યામ ઘણા દિવસોથી એક ઘરની તલાશમાં હતો. એક દિવસ વાતો વાતોમાં તેના મિત્ર કલ્પેશે કહ્યું કે, “મારી નજરમાં એક સારું ઘર છે.” ઘનશ્યામ આ માટે જ કલ્પેશની ભેટ લેવાનું કેટલાય દિવસોથી વિચારતો હતો. પરંતુ તેને ફૂરસદનો સમય જ મળી રહ્યો નહોતો. વધારે મોડું થાય તો ઘર હાથમાંથી જતું રહેશે, એ બીકે ઘનશ્યામે કલ્પેશને ફોન જોડી મુલાકાતનો સમય ગોઠવી દીધો. જે ઘર ખરીદવાનું હતું તે કલ્પેશના ઘરની પાસે જ આવેલું હોવાથી. સહુ પહેલા કલ્પેશના ઘરે બંનેએ ભેગા થવાનું, અને ત્યારબાદ જે ઘર ખરીદવાનું છે તે જોવા નીકળવાનું. એમ બંનેએ ફોન પર ગોઠવી દીધું.

ઘનશ્યામ બીજા દિવસે નક્કી કરેલ સમયે કલ્પેશના ઘરે પહોંચી ગયો. પરંતુ કલ્પેશના ઘરમાં પગ મૂકતાં જ ઘનશ્યામને ખ્યાલ આવી ગયો કે એ કટાણે આવ્યો છે. કલ્પેશ રોષે ભરાઈને તેના પુત્ર સ્મિતને ઠપકારી રહ્યો હતો. જયારે કોઈ ઘરનું વાતાવરણ તંગ હોય ત્યારે સમજુ માણસ તરત ત્યાંથી ખસી જતો હોય છે. તે તેની હાજરીથી સામાપક્ષને શરમમાં મૂકવા માંગતો નથી. ઘનશ્યામ સજ્જન હતો. તેણે થોડીવાર પછી કલ્પેશના ઘરે પાછા આવવાનું નક્કી કર્યું. ઘનશ્યામે પાછા વળવા પગ ઉપાડ્યા જ હતા ત્યાં કલ્પેશની પત્ની સરિતાની તેના પર નજર પડી, “અરે ! ઘનશ્યામભાઈ પાછા ક્યાં ચાલ્યા ? આવો ઘરમાં આવો. આ તો રોજનું માંડ્યું છે. તમે બેસોને.”

ઘનશ્યામ ખચકાટથી સોફા પર બેઠો અને સહજભાવે પૂછ્યું “શું થયું ભાભી ?”

સરિતાએ જવાબ આપ્યો “કાંઈ નહીં ઘનશ્યામભાઈ. આ સ્મિતે અમને પરેશાન કરી દીધા છે. જ્યારથી તેણે કોલેજમાં જવાનું શરૂ કર્યું છે ત્યારથી એ દિવસેને દિવસે બગડતો જ જાય છે. હવે કાલે જ જુઓને. કાલે તે ક્લાસમાંથી સાંજે મોડો ઘરે આવ્યો. પૂછતાં જવાબ આપ્યો કે, “તેના દોસ્ત હેમંતનો જન્મદિવસ હતો એટલે મોડું થયું. બોલો ?”

ઘનશ્યામે પૂછ્યું, “એ સાચું બોલે છે કે નહીં તેની તમે તપાસ કરી જોઈ ?”

“એમાં તપાસ શું કરવાની ? હેમંતનો કાલે જન્મદિવસ હતો એ તો અમે જાણીએ જ છીએ.”

“તો સમસ્યા શું છે ?”

“અરે ! તમે પણ ખરી વાત કરો છો ! સ્મિત આમ કહ્યા વગર ઘરમાં મોડો આવે એ કેવી રીતે ચલાવી લેવાય ? આજકાલની દુનિયા કેવી છે એ તમે જાણો જ છો ને ? કાલ ઊઠીને અમારા એકના એક દીકરાને કંઈ થઈ ગયું તો ? અરે ! વાતો વાતોમાં હું તમને પાણી આપવાનું તો ભૂલી જ ગઈ. તમે બેસો હું અબઘડી પાણી લઈ આવું છું.”

એસી ચાલુ કરી સરિતા રસોડામાં જતી રહી.

કલ્પેશના શબ્દોના પડઘા અંદરના ઓરડામાંથી બહાર સંભળાઈ રહ્યા હતા, “હવે બીજી વાર અમને કહ્યા વગર તેં કાંઈ પણ કર્યું છે તો તારી ખેર નહીં. ખબરદાર, જો આજ પછી કોલેજ અને ક્લાસ સિવાય બીજે કશે જવા ઘરમાંથી બહાર પગ કાઢ્યો છે તો. હું તારા ટાંટિયા તોડી દઈશ. તારા માટે સારામાં સારા પુસ્તકો લાવી રાખ્યા છે. એ વાંચ અને ઘરમાં આનંદથી સમય પસાર કર. શું જરૂર છે લફંગા દોસ્તોના સંગતની ?”

સરિતાએ પાણીનો ગ્લાસ ટેબલ પર ક્યારનો મૂકી દીધો હતો. ઘનશ્યામે પાણીનો ઘૂંટ ગળા નીચે ઉતારી મન શાંત કર્યું. એટલીવારમાં કલ્પેશ ઓરડામાંથી બહાર આવ્યો. ગુસ્સાથી તેનો ચહેરો તમતમતો હતો. તેની પાછળ પાછળ સ્મિત પણ ઓરડામાંથી બહાર આવ્યો. ઘનશ્યામે સ્મિત તરફ જોયું. આંખો પર જાડી કાચના ચશ્માં. એ ચશ્માંની જાડી કાચની પાછળ ભયથી કંપતી બે આંખો ! સ્મિત નામના એ બાળકના ચહેરા પર સ્મિતનું નામોનિશાન નહોતું. ચહેરા પર કોઈ નુર નહીં. ચામડીનો રંગ ફિક્કો.

કલ્પેશે ઘનશ્યામને જોઈને કહ્યું, “અરે ! તું ક્યારે આવ્યો ? ચાલ આપણે ઘર જોવા નીકળીએ. સરિતા સાંભળે છે ? આ ઘનશ્યામને ચા આપી કે નહીં ?”

સરિતાએ રસોડામાંથી જ જવાબ આપ્યો “એ... આપું છું. બસ તૈયાર જ છે.”

ઘનશ્યામે કહ્યું, “ચાલશે. ચાલ આપણે નીકળીએ.”

કલ્પેશે કહ્યું, “અરે ! એમ ચાલતું હોય ? આમ ચા પીધા વગર ન જવાય. તું ક્યારે મને તારા ઘરમાંથી ચા પીધા વગર જવા દે છે ? એ દિવસે તારી ચાના કારણે મારી બસ છૂટી ગઈ હતી. યાદ આવે છે ?” ઓચિંતી તેની નજર સ્મિત પર પડતા એ તાડૂક્યો, “એ... ડફોળ. આમ બાઘાની જેમ અહીં ઊભો શું છે ? અંદરના ઓરડામાં જઈને તારો અભ્યાસ કરવા બેસ.”

ઘનશ્યામે વહાલથી કહ્યું, “બેટા સ્મિત, અહીં આવતો.”

સ્મિત ત્યાંજ ઊભો રહ્યો.

કલ્પેશ ફરી ગરજ્યો, “ઘનશ્યામકાકા બોલાવે છે તે સંભળાતું નથી ?”

સ્મિત ડરતા ડરતા ઘનશ્યામની નજીક ગયો.

ઘનશ્યામે ખિસ્સામાંથી કેડબરી કાઢી સ્મિત સામે ધરતા કહ્યું, “આ લે બેટા. કાકા તરફથી નાનકડી ભેટ.”

સ્મિતે ધ્રુજતા નયને કલ્પેશ તરફ જોયું. કલ્પેશે હકારમાં માથું હલાવ્યું. સ્મિતે તરત ઘનશ્યામના હાથમાંથી કેડબરી લઈ લીધી અને ધીમે પગલે તેના ઓરડામાં જતો રહ્યો. ઘનશ્યામ વ્યથિત મને સ્મિતને જતો જોઈ જ રહ્યો હતો ત્યાં સરિતાનો અવાજ સંભળાયો, “આ લો ગરમાગરમ ચા”. ઘનશ્યામની તંદ્રા તૂટી.

બંને મિત્રોએ ચાને ન્યાય આપ્યા બાદ ઘર જોવા નીકળ્યા. ઘનશ્યામે કલ્પેશ પાસેથી ઘરનું સરનામું સમજી એ દિશા તરફ પોતાની કાર વળાવી. તેઓએ હજુ થોડુંક જ અંતર કાપ્યું હશે ત્યાં ઘનશ્યામને માર્ગમાં એક લારી ઊભેલી દેખાઈ. લારી પર રાખેલા પિંજરાની અંદર એક પોપટ હતો. ઘનશ્યામે આસપાસ નજર ફેરવી જોયું પરંતુ લારીની આસપાસ કોઈ ઊભેલું જણાયું નહીં. કદાચ લારીવાળો બાજુમાં કયાંક ચા-પાણી કરવા ગયો હશે. ઘનશ્યામે કારની બ્રેક પર પગ મૂક્યો.

કલ્પેશે ચોંકી જતા પૂછ્યું, “કાર કેમ ઊભી રાખી ?”

ઘનશ્યામે નિ:સાસો છોડતા કહ્યું, “એ લારી પર જો. આઝાદ ભારતમાં ગુલામીની ઝલક તને દેખાશે.”

કલ્પેશે અચરજથી પૂછ્યું, “કેમ શું થયું ?”

ઘનશ્યામે પિંજરાના પોપટ તરફ આંગળી ચિંધતા કહ્યું, “તને પિંજરામાં કેદ એ પોપટ દેખાઈ નથી રહ્યો ! બિચારાની આ તો શું જિંદગી છે.”

“કેમ શું થયું તેની જિંદગીને ? મને તો એ પોપટ ખૂબ મજામાં દેખાય છે.”

ઘનશ્યામે ધીમા સ્વરે કહ્યું, “દોસ્ત, પોપટની મનોસ્થિતિ તું નહીં સમજી શકે. પરંતુ તારો દીકરો સ્મિત અહીં હોત તો એ જરૂરથી સમજી ગયો હોત.”

“એવું કેમ ?”

“કારણ તારા દીકરા સ્મિતની હાલત પણ પિંજરામાં કેદ આ પોપટ જેવી જ છે.”

કલ્પેશ થોડાક રોષથી બોલ્યો, “એટલે ! તું કહેવા શું માંગે છે ? અને આ પોપટિયાની હાલતને શું થયું છે ? તેને બેઠા બેઠા ખાવા-પીવાનું મળી રહ્યું છે. નથી તેને આજની ચિંતા કે ભવિષ્યની ફિકર. બસ મસ્તીથી દિવસ પસાર કરવાનો.”

“કલ્પેશ, આ તારો ભ્રમ છે. પિંજરામાં કેદ એ પોપટ ખૂબ દુઃખી છે. તેને બેઠા બેઠા ખાવાનું મળે છે એ વાત સાચી. પરંતુ તેને જે આપવામાં આવે તે જ તેને ખાવું પડે છે ને ?”

“હું કંઈ સમજ્યો નહીં ?”

“આમાં ન સમજવા જેવું શું છે ! પિંજરામાં કેદ એ પોપટને કોઈ આઝાદી તો છે જ નહીં. મતલબ તેની ઈચ્છા હોય જમરૂખ ખાવાની પરંતુ મરચી આપી તો એ જ તેને ખાવી પડે છે. તેની ઈચ્છાઓની તો કોઈ કદર જ નથી.”

“હા... હા... હા... વોટ અ જોક. પોપટને વળી શું ઈચ્છા હોય ?”

“આ જ તો તકલીફ છે કે, તું એ સમજી જ શકતો નથી કે, કોઈની પોતાની ઈચ્છાઓ પણ હોઈ શકે છે. સ્મિતની બાબતે પણ એવું જ છે.”

આમ તેઓ તકરાર કરી જ રહ્યા હતા ત્યાં લારીવાળો આવી ગયો. તેને જોઈ પોપટ ગેલમાં આવીને સીટી વગાડતો પિંજરામાં આમતેમ નાચવા માંડ્યો.

આ જોઈ કલ્પેશે કહ્યું, “જોયું ? પોપટ પિંજરામાં ખુશ ન હોત તો લારીવાળાને જોઈને આમ નાચ્યો ન હોત.”

“તારો કહેવાનો મતલબ જો પોપટ પિંજરામાં કેદ ન હોત, તો એ ઊડીને લારીવાળાના ખભે જઈને બેઠો હોત ? બરાબર ને ?”

“હાસ્તો વળી ?”

ઘનશ્યામ કારમાંથી નીચે ઊતરી લારી પાસે ગયો. તેની પાછળ પાછળ પાછળ કલ્પેશ પણ આવ્યો, “ઘનશ્યામ, શું કરી રહ્યો છે ? આપણે ઘર જોવા નથી જવું ? ચાલ પાછો કારમાં. આપણને મોડું થઈ રહ્યું છે.”

“કલ્પેશ, મને ઘર ખરીદવા કરતા, કોઈકના ઘરને જેલ બનતી અટકાવવામાં વધુ આનંદ આવશે. મારા કારણે કોઈ આઝાદીનો શ્વાસ લેતો થાય તે મારા મન વધુ મહત્વનું છે.”

ઘનશ્યામે લારીવાળાને કિંમત ચૂકવી પિંજરા સમેત પોપટ ખરીદી લીધો, “કલ્પેશ, ધ્યાનથી જો. હું પિંજરાનો દરવાજો ખોલી રહ્યો છું.”

કલ્પેશ કાંઈ બોલવા જાય તે પહેલા જ ઘનશ્યામે પિંજરાનો દરવાજો ખોલી દીધો. પોપટ પિંજરામાંથી બહાર નીકળ્યો અને ઊડી ગયો. ખુલ્લા આસમાનમાં આઝાદીનો આનંદ લઈ રહેલા પોપટને જોઈને ઘનશ્યામે કહ્યું, “જોયું કલ્પેશ, પોપટ લારીવાળાને જોઈને ખુશ નહોતો થતો. પરંતુ તે એ આશાથી ઝૂમી ઊઠતો હતો કે કદાચ લારીવાળો તેને આઝાદ કરવા પિંજરા પાસે આવ્યો છે.”

ઓચિંતી એક કરુણ ઘટના બની. ખબર નહીં ક્યાંથી અચાનક એક બાજ આવ્યો. અને તેણે તરાપ મારી આનંદથી ઊડી રહેલા પોપટને પોતાના પંજામાં જકડી લીધો. ક્ષણિક આઝાદીનું સુખ ભોગવી એ પોપટ સદાય માટે આઝાદ થઈ ગયો.

કલ્પેશ વિજયી સ્મિત સાથે બોલ્યો, “જોયું ? આ જોઈ તું કંઈ સમજ્યો ?”

ઘનશ્યામ વ્યથિત મને બોલ્યો, “તેં જોયું ? આ જોઈ તું કંઈ સમજ્યો ? નાનપણથી પિંજરામાં કેદ એ પોપટ ખુલ્લા આસમાનમાં કેમ કરીને ઊડવું તે અંગે જાણતો જ નહોતો ! જિંદગીભર પિંજરામાં કેદ રહેલો એ પોપટ આપણા ભારતવાસીઓની જેમ આઝાદીનો સાચો અર્થ સમજી જ શક્યો નહીં. તેના મન આઝાદી એટલે મુક્ત મને ગમે ત્યાં વિહરવું. પિંજરામાં કેદ રહીને તે દુનિયાના જોખમથી અજાણ હતો. અને તેથી જ પિંજરામાંથી આઝાદ થતા તે ગાફેલ રહ્યો અને બાજની ચુંગલમાં આરામથી ફસાઈ ગયો.”

ઘનશ્યામે કલ્પેશના ખભા પર હાથ મુકતા આગળ ચલાવ્યું, “દોસ્ત, તું ક્યાં સુધી સ્મિતની પડખે ઊભો રહીશ ? એક દિવસ આપણા સ્મિતને ઘરની ચાર દીવાલો છોડી બહારની દુનિયામાં આવવું જ પડશે. અને ત્યારે તેની હાલત આ પોપટની જેમ થશે. ઘરની ચાર દીવાલોમાં સુરક્ષિત રહેલો સ્મિત બાહરી જોખમોથી અજાણ હશે. ગાફેલ હશે. દોસ્ત, આ જાલિમ દુનિયામાં કેટલાય બાજ શિકાર કરવા તક સાધીને બેઠા છે. માટે જ તને કહું છું કે, સ્મિતને એની રીતે જીવવા દે. તેને કેવી રીતે જીવવું એ શીખવા દે. આ દુનિયા અને તેના લોકોને સમજી અને જાણી લેવા દે. તેમનો અનુભવ કરી લેવા દે. કારણ દુનિયા જયારે વ્યક્તિને શીખવે છે ત્યારે એ શીખતો નથી પરંતુ અંદરથી તૂટતો જાય છે ! રોજ તેના સપના અને અરમાનો વિખરાતા જાય છે. આઝાદ ભારતમાં આજેપણ કેટલાય બાળકો ઘરની ચાર દીવાલોમાં કેદ છે. માતાપિતાની વધુ ચિંતા તેમના માટે બોજ બની રહી છે. તમારું બાળક દોડી શકશે. ખૂબ આગળ વધી શકશે. પણ એ માટે જરૂર છે તેની પીઠ પર ચઢી બેઠલા તેમના માતાપિતાએ નીચે ઊતરી જવાની. બાળકની જરા આંગળી છોડીને તો જુઓ કે, તે કેવું દોડી શકે છે. બાકી પડવા માંડે ત્યારે તેને સંભાળવા તમે છો જ.”

પોપટને લઈને બાજ દૂર ક્યાંક ઊડી ગયો હતો. એ દિવસે બાજે એકસાથે બે શિકાર કર્યા હતા ! એક પોપટનો અને બીજો કલ્પેશના વિચારોનો ! અંતિમ વાર કરતા ઘનશ્યામ બોલ્યો, “પોપટ કે સ્મિતની જગ્યાએ પોતાની જાતને રાખીને તું સ્વયંને પૂછી જો કે, શું હું ખુશ છું ?”


Rate this content
Log in

Similar gujarati story from Abstract